સમયાંતર:વિદ્યાબેન: પ્રથમ હિન્દુ ગુજરાતી ગ્રેજ્યુએટ

Magazine6/7/2026, 12:35:00 AM
સમયાંતર:વિદ્યાબેન: પ્રથમ હિન્દુ ગુજરાતી ગ્રેજ્યુએટ
લલિત ખંભાયતા સવાસો વર્ષ પહેલાં 1901ના અરસામાં મેંગલોરથી અમદાવાદમાં એક પત્ર આવ્યો. લખનાર હતા સુબ્બારાવ નામના સમાજસેવક અને પત્ર મેળવનાર હતા લાલશંકર ઉમિયાશંકર. લખ્યું હતું: ‘તમારે ત્યાં બે દીકરીઓ ગ્રેજ્યુએટ થઈ છે, તેના અભિનંદન. એમાંથી પ્રેરિત થઈને મારી મેટ્રિક પાસ થયેલી બંને દીકરીઓને પણ હું ગ્રેજ્યુએશન ભણાવીશ.’ 125 વર્ષ પહેલાં અમદાવાદથી દોઢેક હજાર કિલોમીટર દૂર મેંગલોરમાં પ્રેરણા આપનારી દીકરીઓ એટલે વિદ્યાબેન અને શારદાબેન. *** વિદ્યાબેન નીલકંઠની ઓળખ વ્યાપક છે, પણ એક મોટી ઓળખ ‘પ્રથમ ગુજરાતી હિંદુ સ્નાતિકા બહેનો પૈકીનાં એક’ એવી છે (કેમ કે 1888માં એક પારસી લેડી કોર્નેલિયા સોરાબજી ગ્રેજ્યુએટ થયાં હતાં). 1876ની 1લી જૂને ગોપીલાલ ધ્રુ અને બાળાબહેનના ઘરે એમનો જન્મ થયો. 1901માં વિદ્યા-શારદા બંને બહેનોએ કોલેજ પૂરી કરી. એટલે ગુજરાતમાં પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએશનનાં પણ સવાસો વર્ષ થયાં છે. સામા પવને વિદ્યાની જ્યોત ફરફરતી રાખનારા એ લેડી વિશે સુકુમાર પરીખે ‘વિદ્યાબેન નીલકંઠ: ગુજરાતની નારીચેતનાનાં અગ્રણી’ નામે સાતસો પાનાંનો દળદાર ગ્રંથ સંપાદિત કર્યો છે. એમાં એમનાં જીવન-સંઘર્ષની રસપ્રદ વાતો રજૂ થઈ છે. *** વિદ્યાબેનનાં લગ્ન પ્રગતિશીલ મહિપતરામના 21 વર્ષના પુત્ર રમણભાઈ સાથે 1889માં (13 વર્ષની વયે) થયાં હતા. અગાઉ વિવાહ નક્કી થયા હતા પણ એ મુરતિયો પસંદ ન હોવાથી ભારે હિંમત કરીને લગ્ન રદ કર્યાં હતાં. એ પછી 1888માં રમણભાઈ સાથે સગાઇ થઈ. દીર્ઘ અને પ્રભાવશાળી દાંપત્યજીવનનો આરંભ થયો. સાસરિયાનું મુક્ત વાતાવરણ વિદ્યાગૌરીને ફાવી ગયું. સાસરે રહીને જ 1891માં મેટ્રિક થયાં. એ વખતના વિદ્વાન આનંદશંકર ધ્રુએ પ્રોત્સાહન આપ્યું કે વિદ્યા-શારદા બંને દીકરીઓને કોલેજ કરાવવી જોઈએ. 1894માં ગુજરાત કોલેજમાં પ્રવેશ લીધો. મુશ્કેલી એ પછી શરૂ થઈ. ભણવામાં સૌથી પહેલી મુશ્કેલી એ હતી કે એ કોલેજ કન્યા ન હતાં, ગૃહિણી હતાં. લગ્ન થઈ ચૂક્યાં હતાં. ભલે કામ ન કરવાનું હોય તો જવાબદારીઓ તો હતી જ. એટલે થયું એવું કે ચાર વર્ષમાં થવાય એ ગ્રેજ્યુએશન પૂરું કરતાં એમને આઠ વર્ષ લાગ્યાં, કેમ કે વચ્ચે બાળકોના જન્મ થતા ગયા. એમના નામનો ડંકો વાગ્યો પણ એ વગાડવામાં ઘણી મુશ્કેલી સહન કરવી પડી હતી. આખા ક્લાસમાં કુલ 3 વિદ્યાર્થિની હતી. ત્રીજા વિદ્યાર્થિની યશોદાબાઈ ઠાકુર આગળ જતાં નાપાસ થયાં. આ બંને બહેનો ભણવા જાય એટલે લોકોને નવાઈ લાગે. એટલે પહેલા તો એમને ભણવા જતી જુએ, જાણે રસ્તા પરથી કોઈ કુતૂહલ પસાર થતું હોય! કોલેજમાં પ્રવેશ પણ છોકરાઓ બેસી જાય પછી સાડી પહેરીને પ્રોફેસર સાથે જ કરવાનો, તેમની સાથે બહાર નીકળવાનું અને નીકળતાંની સાથે જ લેડિઝ રૂમમાં પેસી જવાનું. એ વચ્ચે ક્લાસમાં બેંચ પર એમના માટે ગાળોથી ભરપૂર લખાણો લખ્યાં હોય એ વાંચવાનાં. બેસવાની જગ્યા ગંદી કરી દેવામાં આવતી. બાંકડા ઊંધા વાળી દેવામાં આવતા. એમનો રસ્તો એલિસ બ્રિજ પરથી પસાર થતો. એ પુલ પર પણ તેમની ટીકા લખાતી હતી. વર્ગખંડમાં હોય કે બહાર.. લોકો ટીકા કરે એ સાંભળવાની. પ્રોફેસરોએ પણ પહેલાં કોઈ યુવતીઓને બેંચ પર બેસી ભણતી જોઈ ન હતી. વિદ્યાબેનના સસરા મહિપતરામને જ્ઞાતિએ બહાર મૂક્યા હતા. વિદ્યાબેન ભણતાં હતાં એ ગાળામાં (1900) જ પતિ રમણભાઈએ લખેલી ગુજરાતી સાહિત્યની શકવર્તી નવલકથા ‘ભદ્રંભદ્ર’ પ્રગટ થઈ. એની ટીકાના પત્રો આવતા એમાં પણ વિદ્યાબેનને અડફેટે લઈ લેવાતાં હતાં. એ કોઈ ટીકાઓની કે જ્ઞાતિની ખફગીની પરવા કર્યા વગર પરિવારે આગેકૂચ ચાલુ રાખી. વિદ્યા-શારદા બંનેની પણ જ્ઞાતિએ બહુ ટીકા કરી. કોઈ પણ સમયે કોઈ સમજદાર માણસે જ્ઞાતિની ટીકા ધ્યાને લેવાની ન હોય. વિદ્યાબેને પણ ન લીધી. પોતાને જે મુશ્કેલીઓ નડી એ સંસ્મરણો વિદ્યાબેને લખ્યાં છે. લખે છે: ‘હું કોઈને અભ્યાસ પૂરો થતાં સુધી લગ્ન કરવાની ભલામણ ન કરું. એ બંને જવાબદારી અદા કરવામાં ઘણો માનસિક તનાવ રહે છે.’ જો સ્ત્રી ભણશે તો ઝડપથી વિધવા થશે, લગ્નેતર સંબંધો રાખશે, કોઈ પુરુષ તેને સ્વીકારશે નહીં, સ્વીકારશે એ કુટુંબની નાલેશી થશે, ભણેલી સ્ત્રી શિસ્ત નહીં પાળે.. એવી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ વચ્ચે વિદ્યાબેને ભણતર પૂરું કર્યું. એટલું જ નહીં ગુજરાતની યુવતીઓને રસ્તો બતાવ્યો. એ રસ્તે વિદ્યાની જ્યોત આજેય વાવટા ફરકાવે છે. } હાસ્યમંદિરમાં વાગતી ઝાલર વિદ્યાબેને ઘણું લખ્યું. એમાં એક નોંધપાત્ર પુસ્તક ‘હાસ્યમંદિર’. એક લેખ એવો છે કે વાવાઝોડું આવે ત્યારે જમીન પર બધું આમ-તેમ ખસી જાય છે. એ રીતે અક્ષરો પરથી માત્રા ખસી જાય તો કેવી સ્થિતિ સર્જાય. વાંચો અંશ... ‘વાવાઝોડાથી એક પ્રસંગે ભાષાના પ્રદેશમાં ઉત્પાત થયેલો અને શબ્દોની ખુવારી થયેલી તે હકીકત ઈતિહાસમાં નોંધાયેલી જણાતી નથી. ગુજરાતમાં બોલાતા કેટલાક શબ્દો પરની માત્રાઓ ખસીને ઘસડાઈ અને માત્રા વગરના બીજા શબ્દો ઉપર જઈને પડી છે. આ રીતે, કેટલાક શબ્દો માથેથી ખંડિત થયા અને કેટલાક શબ્દોને માથે નવાં છોગાં ચહોંટ્યાં...’ આવા તો ઘણા હાસ્યલેખો એમના મંદિરમાં પ્રવેશીએ તો વાંચવા મળે છે. વિદ્વાનોનો પરિવાર વિદ્યાગૌરીનો જન્મ નાના ભોળાનાથ દિવેટિયાને ત્યાં થયો હતો. કવિ, સમાજ સુધારક તરીકે એમની નામના હતી. વિદ્યાબેનનાં લગ્ન રમણભાઈ સાથે થયાં જેમનું ‘ભદ્રંભદ્ર’ સહિતનું સર્જન અજાણ્યું નથી. વિદ્યાબેનના સસરા મહિપતરામે 1862માં ગુજરાતી સાહિત્યનું પ્રથમ પ્રવાસ વર્ણન (ઈંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન) આપ્યું હતું. વિદ્યાગૌરીનાં બહેન શારદાએ ‘જીવનસંભારણાં’ નામે આત્મકથા લખી હતી. સંભવતछ: એ ગુજરાતી સ્ત્રીએ લખેલી પ્રથમ આત્મકથા હતી. દીકરી વિનોદિનીએ ‘કદલીવન’ સહિતની ઘણી નવલકથાઓ આપી. તેમના જમાઈ ગગનવિહારી મહેતા ગુજરાતી હાસ્ય સાહિત્યમાં ઊંચું નામ ધરાવે છે. આવાં તો ઘણાં નામો હજુ લઈ શકાય એમ છે… ગ્રેજ્યુએશન એ એમની મોટી ઓળખ છે, પણ એક જ ઓળખ નથી. ઘણી વ્યાપક છે. જેમ કે... { અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પ્રથમ પ્રમુખ બન્યાં હતાં. 1943માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ સ્ત્રી પ્રમુખ થયાં હતાં. { નાટકો માટે સ્ત્રી પાત્રો કરનારી સ્ત્રી મળવી મુશ્કેલ હતી ત્યારે ‘રાઈનો પર્વત’, ‘લોપામુદ્રા’ વગેરે નાટકોમાં કામ કર્યું હતું. { કંઠમાં સરસ્વતી બિરાજતા, બહુ સારું ગાઈ શકતાં. સારંગી પણ વગાડી જાણતાં. સારંગી વગાડવી એ કદાચ મોટી વાત ન લાગે પણ ત્યારે સારંગી સારા ઘરની સ્ત્રીઓ ન વગાડે એવી માન્યતા હતી. { અંગત ગ્રંથાલય સમૃદ્ધ હતું. નવો શબ્દ મળે તો એન્સાઈક્લોપીડિયામાંથી અર્થ સમજે પછી જ આગળ વાંચે. અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી એમ વિવિધ ભાષાનું વાંચન હતું. { પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે વિદ્યાબેને યુદ્ધરાહત માટે નોંધપાત્ર કામ કર્યું હતું. અંગ્રેજોએ તેમને ‘મેમ્બર ઑફ બ્રિટિશ પાર્લામેન્ટ’નો ઈલકાબ આપ્યો. થોડાં વર્ષો પછી 1930માં વીરમગામમાં અંગ્રેજોએ બહેનો પર લાઠીચાર્જ કર્યો. એના વિરોધમાં વિદ્યાબેને ઈલકાબ પરત કરી દીધો. { સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ભાષણ આપતાં 1943માં બહુ ભારપૂર્વક કહ્યું હતું કે ગુજરાત પ્રાંતને પોતાની યુનિવર્સિટી હોવી જોઈએ. ગાંધીજી આ વાતથી બહુ રાજી થયા હતા. વિદ્યાબેન જોકે વારંવાર ગુજરાતની પોતાની યુનિવર્સિટીની રજૂઆત કરતાં. પરિણામે વર્ષો પછી (તેમની હયાતીમાં જ) ગુજરાતને પહેલી યુનિવર્સિટી પણ મળી. { ગુજરાતની સૌથી જૂની (અને પોણાં બસ્સો વર્ષથી) ભાષા સંવર્ધનનું કામ કરતી ‘ગુજરાત વિદ્યાસભા’ના વિદ્યાબેન 1927થી 1956 સુધી માનાર્હ મંત્રી રહ્યાં. એ પછી કે પહેલાં કોઈ લેડીને આ સ્થાન મળ્યું નથી. { બાળલગ્નની ખબર પડે તો અડધી રાતે પણ ભાઈ ગટુલાલ સાથે ઘોડાગાડીમાં બેસી ગામડાં ફરી વળતાં હતાં. એ રીતે લોકો એમની પાસે સામાજિક પ્રશ્નો લઈને આવતા અને એ ઉકેલતાં. { 1932માં ભરાયેલા ‘અખિલ હિન્દ મહિલા પરિષદ’નાં પ્રમુખ નિમાયાં હતાં. તો વળી ‘પ્રાર્થના સમાજ’, ‘મહિપતરામ રૂપરામ આશ્રમ’, ‘બહેરા-મૂંગા શાળા’… એવી તો ડઝનબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં. { 1927માં રમણભાઈને બ્રિટિશરોએ ‘સર’નો ખિતાબ આપ્યો. નિયમ પ્રમાણે સરનાં પત્ની લેડી કહેવાય એટલે વિદ્યાબેન આગળ લેડી શબ્દ લાગતો થયો.
Read Original Article →