વિસ્મય:બાઉટને ઝડપનાર મિશેલ પ્લસ ત્રણ માઈકલના ચહેરા પરનું વિજયી સ્મિત 11 વર્ષ પછી વિલાઈ ગયું

Magazine5/24/2026, 12:35:00 AM
વિસ્મય:બાઉટને ઝડપનાર મિશેલ પ્લસ ત્રણ માઈકલના ચહેરા પરનું વિજયી સ્મિત 11 વર્ષ પછી વિલાઈ ગયું
ધૈવત ત્રિવેદી એને કોઈક રીતે હવે પકડવો જ રહ્યો...’ કાયમી સખ્તાઈ જાણે કોતરાયેલી હોય એવો ચહેરો ધરાવતી મહિલાએ ફાઈલના પાનાં ફેરવતાં કહ્યું. ‘પણ એ હાથમાં આવે એમ જ નથી...’ સામે બેઠેલાં આદમીએ ડોકું ધુણાવતાં કહ્યું, ‘એનાં સુધી પહોંચવું અશક્ય છે...’ ‘કેમ, એ કોઈ એલિયન છે? એનો કોઈ પતો જ નથી? એ ક્યાંય નીકળતો જ નથી? તો કોઈને મળ્યા વગર એ શસ્ત્રોનો આવડો ગંજાવર કારોબાર કઈ રીતે ચલાવે છે? કોઈકને તો મળતો હશે ને? ક્યાંક તો મળતો હશે ને?’ એ મહિલાએ સવાલોની ઝડી વરસાવી દીધી. તેની અકળામણ સાચી તો હતી જ. એક આદમી વર્ષોથી અમેરિકાના ધ્યાને ચડી ગયો હતો પણ તેની કોઈ તસવીર ન હતી. એક આદમી વર્ષોથી અમેરિકાનાં હિતોને ગંભીર રીતે જોખમાવી રહ્યો હતો પણ તેનાં કેટલાંય નામો હતા. અનેક પાસપોર્ટ ધરાવતો એ આદમી અમેરિકાની અડફેટે ચડે તેમ જ ન હતો. ‘તેનાં સુધી પહોંચી શકાય તો પણ એ નકામું છે...’ અત્યાર સુધી બંનેની ચર્ચા સાંભળી રહેલાં ત્રીજા આદમીએ આખરે ચર્ચામાં ઝુકાવ્યું, ‘ક્યા આધાર પર તેને અમેરિકા લાવશો? ક્યા ગુના માટે તેને અમેરિકન અદાલતમાં રજૂ કરીને સજા કરશો? તેણે દેખીતી રીતે અમેરિકા વિરુદ્ધ કશું કર્યું હોવાનો જરાક સરખો ય કોઈ પૂરાવો નથી.’ બંનેના ચહેરા પર મૂંઝવણ તરી આવી. વાત તો સાચી જ હતી. એને શોધવો, તેનો સંપર્ક કરવો, તેનાં સુધી પહોંચવું, ત્રાહિત દેશમાં તેને ઝડપવો, અમેરિકા લાવવો અને પછી સજા કરવી... કરડો ચહેરો ધરાવતી એ મહિલાએ અકળામણમાં માથું ઝાટકી નાંખ્યું. *** સર્વથા અશક્ય લાગતી વિક્ટર બાઉટની ધરપકડ એ ખરેખર તો એક મિશેલ અને ત્રણ માઈકલની કહાની છે. ફરજપરસ્તી અને લડાયક ઝનૂનની વાત છે જેણે અશક્યને શક્ય બનાવ્યું. એ મહિલાનું નામ મિશેલ લોનહાર્ટ, જે અમેરિકાની ડ્રગ્ઝ એન્ફોર્સમેન્ટ એજન્સી (ડીઈએ)ની અધ્યક્ષ હતી. વિક્ટર બાઉટની એક એક ગતિવિધિનું પગેરું દબાવવા પાછળ જે પાંચ વર્ષથી જોતરાયેલો હતો એ બીજો આદમી માઈકલ બ્રાઉન હતો, જે ડીઈએના વિદેશમાં થતાં ઓપરેશનનો કાર્યભાર સંભાળતો હતો. ત્રીજો આદમી માઈકલ ગાર્સિયા હતો, જે ડીઈએના દરેક એક્શનને કાનૂની વાઘાં પહેરાવતો હતો. મિશેલ પ્લસ બે માઈકલની ત્રિપુટીએ આખરે પ્લાન બનાવ્યો. સૌથી પહેલાં કોલંબિયન ડાબેરી સંગઠન એફએઆરસીના નામે કેરેબિયન ટાપુઓ પર વિક્ટરના એક એજન્ટ સાથે મુલાકાત કરી અને કેટલાંક ઘાતક શસ્ત્રોનો ઓર્ડર આપ્યો. એવું એક-બે વખત કર્યા પછી કરોડો ડોલરનાં શસ્ત્રો માટે ઓર્ડર આપવાની હવા ફેલાવી. એ દરમિયાન, કોલંબિયા અને મેક્સિકોમાં એફએઆરસી પર એવી ધોંસ બોલાવી કે તે મુશ્કેલીમાં હોવાનું, શસ્ત્રોની તીવ્ર અછતમાં હોવાનું સાચુકલું ચિત્ર પણ ઊપસે. કરોડો ડોલરનો ધંધો, અગાઉ આપેલા નાના ઓર્ડરથી ઊભી થયેલી વિશ્વસનીયતા અને વાસ્તવિક સ્થિતિનું સાતત્ય... આ સઘળો તાળો મેળવીને છેવટે લુચ્ચાઈમાં શિયાળને ય મોળા કહેવડાવે એવો વિક્ટર બાઉટ સપડાયો. બેંગકોકમાં રૂબરૂ મુલાકાત માટે તૈયાર થયો. પરંતુ હવે જ ડીઈએની ખરી કસોટી હતી. બાઉટને મળવા માત્રથી કામ પતે એમ ન હતું. અમેરિકા વિરુદ્ધનો કશોક નક્કર પુરાવોય મળવો જોઈએ. એ માટે એક પ્લાન વિચારાયો. ગમે તેમ કરીને બાઉટના મોંએ અમેરિકા વિરુદ્ધ કશુંક બોલાવીએ અને છૂપા કેમેરાથી તેનું રેકોર્ડિંગ કરી લઈએ. બાઉટની તકેદારી તો અકલ્પનીય સ્તરની હતી. મુલાકાત દરમિયાન એ કશું બોલતો જ ન હતો. પેપર નેપકિન અને એક પેન્સિલ. તમે શસ્ત્રોનું લિસ્ટ લખો એટલે એ ભાવ લખે. કયા દેશના કયા એરપોર્ટ પર ક્યારે તેનાં વિમાન લેન્ડ થશે એ લખે. કિંમતી હીરા કે સોનાની લગડી સ્વરૂપે કિંમત નક્કી થાય. એ ચૂકવણી વળી યુરોપમાં ક્યાં કરવી એ કહેવામાં આવે, પણ સઘળું પેપર નેપ્કિન પર, જે બાઉટ ત્યાં ને ત્યાં જ લાઈટર ચાંપીને સળગાવી દેતો હતો. આમાં અમેરિકાના કાયદા મુજબ, બાઉટ પર આરોપ કઈ રીતે મૂકવો? છેવટે રંગભૂમિનો અનુભવ ધરાવતા ડીઈએના એક એજન્ટને આ કામ માટે પસંદ કરાયો. યોગાનુયોગે એ ત્રીજો માઈકલ... માઈકલ વર્ની. ડાબેરી આતંકીના સ્વાંગમાં બેંગકોકની સોફિટેલ હોટેલની રેસ્ટોરન્ટમાં બાઉટની સામે બેઠેલાં માઈકલ વર્નીએ પેપર નેપકિનથી થતી વાતચીત હડસેલીને છેવટે જીભ ખોલી, ‘અમારે એવાં હથિયાર જોઈએ જે અમેરિકનોનો ખાતમો કરી શકે...’ જવાબમાં એ લુચ્ચો કશું બોલ્યો જ નહીં. ફક્ત આંખ અને ગરદન સહેજ ઝુકાવીને હકાર ભણી દીધો. એને તો પુરાવો કેમ ગણવો? એટલે વર્નીએ બીજું વાક્ય ફેંક્યું, ‘આકાશમાંથી અમારા પર નજર રાખતા અમેરિકન હેલિકોપ્ટર અમારે ફૂંકી મારવા છે.’ આખરે એ સપડાયો અને ભલે ધીમા અવાજે, પણ બોલી ગયો, ‘અમેરિકા આપણું સહિયારું દુશ્મન છે...’! બસ, આટલું પૂરતું હતું. રેકોર્ડ બરાબર થયું છે કે નહીં તેની ખરાઈ થઈ શકે તેમ ન હતી. વધુ બોલીને તેને શંકા ઉપજાવવી એ તો મોતને તેડું મોકલવા બરાબર હતું. ટેબલથી થોડેક જ દૂર તેનાં પઠ્ઠાઓ ગન લઈને તહેનાત હતા. આખરે વર્નીએ બોલપેનની અંદર લગાડેલું બટન ખિસ્સાં પર સહેજ ભાર આપીને દાબી જ દીધું. એ બોલપેન પણ ખાસ પસંદ કરાયેલી હતી જે ચારસો મીટર દૂર સુધી કોડલેસ બેલને રણકતો કરવાની હતી. ત્રાટકવાનો એ ઈશારો હતો અને બધું સમુંસૂતરું પાર પડ્યું પણ ખરું. બેલ રણક્યો ત્યારે ઓપરેશન ટીમ રેસ્ટોરન્ટની ફોયર સુધી પહોંચી જ ચૂકી હતી. હવે વિક્ટર બાઉટ અમેરિકાની જેલમાં સબડે એ નિશ્ચિત હતું. *** કહાની ખરેખર તો અહીં પૂરી થવી જોઈએ, પણ થતી નથી. એક નવો વળાંક લે છે. થાઈ પોલીસની મદદથી ડીઈએના હાથે ઝડપાઈ ગયેલાં વિક્ટર બાઉટને બેંગકોક એરપોર્ટ પર લઈ જવાયો અને ત્યાંથી તાત્કાલિક અમેરિકા ભેગો કરી દેવાયો. બાઉટની ધરપકડ જાહેર થયા પછી રશિયાએ વિશ્વમંચ પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ભૂતપૂર્વ રશિયન ફૌજીને ફસાવવામાં આવ્યો હોવાની બૂમરાણ મચાવી, પણ હવે તો કબજો જ બળવાન ગણાય. અમેરિકાની અદાલતમાં તેને રજૂ કરીને આરોપ મૂકાયોઃ વિક્ટર બાઉટ નામનો આ આદમી ગેરકાયદે શસ્ત્રોનું વેચાણ કરે છે અને આતંકી સંગઠનોને શસ્ત્રો પૂરા પાડે છે જે અમેરિકનોનું લોહી વહાવવા માટે વપરાય છે. પૂરાવા તરીકે એ રેકોર્ડિંગ રજૂ કરાયું જે માઈકલ વર્નીએ શર્ટના કોલરમાં છૂપાવેલા કેમેરા વડે ઝડપ્યું હતું. અમેરિકાની અદાલતે તેને પચ્ચીશ વર્ષની સજા ફટકારી દીધી. એ વર્ષ હતું 2011. જગતનો સૌથી ચબરાક, સૌથી વધુ ખતરનાક મોતનો સોદાગર હવે જિંદગીભર અમેરિકાની જેલમાં સબડવાનો હતો. મિશેલ પ્લસ ત્રણેય માઈકલના ચહેરા પર હવે વિજયનું સ્મિત ફરકે તો એ લેખે હતું. પણ એ સ્મિત 2022માં વિલાઈ જવાનું હતું અને નિયતિ અજબ ખેલ પાડવાની હતી. થયું હતું એવું કે, અમેરિકાની સ્ટાર ગણાતી બાસ્કેટબોલ પ્લેયર બ્રિટની ગ્રાઈનર રશિયા ગઈ હતી અને ત્યાં તેનાં સામાનમાંથી કેફી પદાર્થ મળી આવ્યા. બ્રિટનીની ધરપકડ થઈ અને તેને 9 વર્ષની સજા ફટકારવામાં આવી. આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. બ્રિટનીને છોડાવવા માટે અમેરિકા પર ભારે દબાણ સર્જાયું. છેવટે 2022માં રશિયા બ્રિટનીને અમેરિકા પરત મોકલવા સંમત થયું, પણ બદલામાં તેણે વિક્ટર બાઉટ માંગી લીધો. આજે વિક્ટર બાઉટ રશિયામાં લહેર કરે છે. ત્યાંના રાજકીય પક્ષના નેતા તરીકે ઉલ્યાનોવ્સ્ક બેઠક પરથી ચૂંટાઈને (આપણી વ્યવસ્થા મુજબ) ધારાસભ્ય પણ બની ગયો છે. તેનાં અકલ્પનીય કારનામાઓ પરથી એક ફિલ્મ બની છેઃ લોર્ડ ઓફ વોર. નિકોલસ કેજ અભિનિત આ ફિલ્મમાં એક ડાયલોગ છેઃ શસ્ત્રોના કારોબારમાં સલામત રહેવાનો એક જ મંત્ર છે. કદી તમારી પિસ્તોલથી ધડાકો ન કરો. ડો. અબ્દુલ કાદિરખાને એ ભૂલ કરી. નેવુના દાયકામાં અલ કાયદાને મળતાં રશિયન બનાવટના શસ્ત્રો વિક્ટર બાઉટ નેટવર્ક મારફત મેળવાયેલા હોવાનું જાણ્યાં, સમજ્યાં પછી ડો. કાદિરખાને ન્યુક્લિયર વેપન માટે એવું જ નેટવર્ક બનાવવાનું વિચાર્યું. તેમણે વિક્ટર બાઉટમાંથી પ્રેરણા તો લીધી, પણ સલામત રહેવાનો બાઉટનો ગુરુમંત્ર વિસરી ગયા. પોતે જ ન્યુક્લિયર વેપનનો ધડાકો કરી લીધો હતો એટલે એ પોતે અને પાકિસ્તાન બંને બદનામ તો થયા જ. કાદિરખાનનો ગુરુ વિક્ટર બાઉટ બન્યો હતો, પણ વિક્ટરનો ગુરુ કોણ, જેણે એક સમયે દુનિયાને હચમચાવી હતી? }(વધુ આવતા રવિવારે)
Read Original Article →