રણમાં ખીલ્યું ગુલાબ:તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ?જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે

Magazine5/3/2026, 12:50:00 AM
રણમાં ખીલ્યું ગુલાબ:તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ?જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે
નામ એનું વેદાંગ. હોસ્ટેલમાં બધા છોકરાઓ એને વેદિયો કહીને બોલાવતા હતા. વેદાંગ આ ઉપનામથી લેશમાત્ર અકળાતો ન હતો, ખિજાતો ન હતો, ચિડાતો ન હતો. એ જાણતો હતો કે એ પોતે સંસ્કારી, નિર્વ્યસની અને સંયમી યુવાન હતો. કોલેજ કાળમાં આ બધા ‘દુર્ગુણો’ ધરાવે તે યુવાન વેદિયો જ ગણાય. રોજ સાંજે કોલેજનો સમય પૂરો થયા બાદ અને મેસમાં જમવા માટે જવાના સમય પહેલાં હોસ્ટેલના યુવાનો ભેગા થઇને ગપ્પાં મારવા બેસે. કોઇ કહે, ‘ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી હું તો ગવર્ન્મેન્ટ જોબ મેળવી લઇશ. વાઇફ પણ મળી જશે અને લાઇફ પણ બની જશે.’ કોઇ કહેતું, ‘હું તો ખાલી ભણવા ખાતર ભણું છું. એવું કહેવા ખાતર કે હું ગ્રેજ્યુએટ થયો છું. બાકી મારા પપ્પાનો જામેલો બિઝનેસ મારી રાહ જોઇ રહ્યો છું. ડિગ્રીનું સર્ટિફિકેટ હાથમાં આવે એ પહેલાં તો બંદા પપ્પાની ઓફિસમાં ચેરમેનની ખુરશીમાં બેઠા હશે.’ ત્રીજો યુવાન એના સપનાંની વાતને શબ્દોમાં અભિવ્યક્તિ કરતો, ‘મારે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે એ પછી પીએચ. ડી. કરીને…’ જેટલા યુવાનો હતા એટલી તમન્નાઓ હતી. કોઇને પૈસા કમાવવા માટે ભણવું હતું, કોઇને પદ-પ્રતિષ્ઠા મેળવવા માટે તો કોઇને પદમણી નાર પામવા માટે ભણવું હતું. વેદાંગનું સ્વપ્ન અલગ હતું, ‘મારે આઇ. એ. એસ. થઇને સિવિલ સર્વિસમાં જોડાવું છે.’ બસ, વેદાંતનો આ જ પ્રોબ્લેમ હતો, એ બધાંથી કંઇક અલગ વિચારતો હતો. હોસ્ટેલ મોટી હતી. એમાંના અસંખ્ય રૂમોમાંથી વહેલી સવારે યુવતીઓ છાનીછપની નીકળીને કેમ્પસમાંથી બહાર જતી જોવા મળતી હતી, એકલા વેદાંતની રૂમમાં બજરંગબલીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. રોજ સવારે અને સાંજે એ હનુમાનચાલીસાનું મોટા સ્વરમાં ગાન કરતો હતો. વેદિયો નહીં તો બીજું શું? દર રવિવારે જ્યારે અન્ય છોકરાઓ ફિલ્મ જોવા માટે કે કામચલાઉ ગર્લફ્રેન્ડની સાથે કેન્ડલ લાઇટ ડિનરની મજા માણવા માટે નીકળી પડતા હતા, ત્યારે વેદાંગ નાગનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જતો હતો. મંદિર બસો વર્ષ જેટલું પ્રાચીન હતું. પણ હોસ્ટેલથી સારું એવું દૂર આવેલું હતું. છ કિ. મી. જવાનું અને છ કિ. મી. પાછા આવવાનું અંતર વેદાંગ પગે ચાલીને કાપતો હતો. વેદાંગની રૂમની બરાબર સામેની રૂમમાં કામેશ રહેતો હતો. કામેશ નામ પ્રમાણેના ગુણ ધરાવતો હતો. લગભગ રોજ સાંજે એ ફરવા માટે નીકળી પડતો, કોઇ પૂછે તો એ જવાબ આપતો કે ‘ચરવા માટે જાઉં છું’ અને સાચે જ એ હોસ્ટેલ પર પાછો આવે ત્યારે રાતભર ચરવાનો ચારો સાથે લઇને આવતો હતો. કામેશની આ અમર્યાદ જીવનશૈલી જોઇને વેદાંગનું હૈયું કકળી ઊઠતું હતું. એક-બે વાર એણે ઠપકો પણ આપી જોયો હતો, ‘કામેશ, તું આ સારું નથી કરી રહ્યો, નિર્દોષ છોકરીઓને પૈસા અને તારી સ્માર્ટનેસના જોર પર આકર્ષીને તું એમની જિંદગીને ભ્રષ્ટ…’ જવાબમાં ખલનાયકની જેવું અટ્ટહાસ્ય કરીને કામેશ કહેતો, ‘વેદિયો! તું ક્યારેય સ્ત્રી-પુરુષ વચ્ચેની દેહલીલાને સમજી નહીં શકે.’ દર વખતની જેવો જ એક રવિવાર આવ્યો. વેદાંગ મહાદેવના મંદિરે જવા નીકળ્યો. અચાનક એની નજર દસેક પગલાં આગળ ચાલતી એક યુવતી ઉપર પડી. અઢારેક વર્ષની લાગતી એ યુવતી કલ્પનાતીત લાવણ્યમયી હતી. સુંદર, મર્યાદાપૂર્ણ વસ્ત્રોમાં પણ એનું દેહ-લાલિત્ય અછતું રહેતું ન હતું. અચાનક યુવતીએ પાછળ નજર કરી. એનો ગોરો, લંબગોળ, નમણો ચહેરો અને ભોળી આંખો જોઇને વેદાંગ મુગ્ધ બની ગયો. જીવનમાં આજે પહેલીવાર એને ખબર પડી કે નશો કર્યા વગર પણ બેહોશ થઇ શકાય છે. વેદાંગના મનમાં પહેલીવાર કોઇ છોકરીની સાથે વાત કરવાની ઇચ્છા થઇ આવી. એ ધડકતી છાતી સાથે મંદિરમાં દાખલ થયો. પેલી છોકરી એની સાવ આગળ જ ઊભી રહીને મહાદેવનાં દર્શન કરી રહી હતી. વેદાંગે મહાદેવને પ્રાર્થના કરી, ‘હે દેવાધિદેવ, આ જ છે મારી જીવનસાથી બનવાની પાત્રતા ધરાવતી છોકરી. મારે આની સાથે લગ્ન કરવા છે. તમે આ સુંદર અને સંસ્કારી દેખાતી છોકરીને મારી પત્ની બનાવી દો. હું ધન્ય બની જઇશ.’ દર્શન પૂર્ણ કરીને છોકરી નીચી નજર સાથે બહરા આવી. એ ચંપલ પહેરી રહી હતી ત્યારે વેદાંગ એની પાસે પહોંચી ગયો. એને બીજું કંઇ સૂઝ્યું નહીં એટલે એ સાવ મૂર્ખતાપૂર્ણ સવાલ પૂછી બેઠો, ‘મારે શ્રીરાધારમણના મંદિરે દર્શન કરવા જવું છે. મને રસ્તો બતાવશો?’ યુવતી હસી પડી, ‘તમે શું કરો છો? આ શહેરમાં કેટલા સમયથી રહો છો? ક્યાં રહો છો?’ યુવતીનો રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળીને સાનભાન ગુમાવી ચૂકેલો વેદાંગ પોપટની જેમ બોલવા લાગ્યો, ‘મારું નામ વેદાંગ. હું જી. બી. કોલેજનો સ્ટુડન્ટ છું. ભવિષ્યમાં હું કલેક્ટર બનવા માગું છું. છેલ્લાં ત્રણ વર્ષથી હું કોલેજની હોસ્ટેલમાં રહું છું. હું એક સંસ્કારી અને ચારિત્ર્યવાન યુવાન છું.’ ‘એવું છે? ખરેખર?’ યુવતીએ તીરછી નજર ફેંકીને પૂછ્યું, ‘તમે મને મૂર્ખ સમજો છો? એવું કેમ નથી કહેતા કે મારી સાથે વાત કરવાનું તમે બહાનું શોધી રહ્યા છો? આટલા બધા લોકો અહીં હાજર છે, છતાં મંદિર ક્યાં આવ્યું એ પૂછવા માટે તમને હું જ નજરે ચઢી? વાંધો નહીં. હું જણાવી દઉં છું, શ્રીરાધારમણનું મંદિર તમારી કોલેજ અને હોસ્ટેલથી પચાસ કદમ જેટલું જ છેટે આવેલું છે. તમને મળી જશેને કે હું મૂકવા માટે સાથે આવું?’ બઘવાઇ ગયેલા વેદાંગે કબૂલ કર્યું, ‘તમે સાચા છો. મારે તમારી સાથે વાત કરવી હતી. માત્ર વાત જ નહીં, ‘મારી ઇચ્છા તો તમારી સાથે લગ્ન કરવાની છે. હું વચન આપું છું કે હું તમને ખૂબ સુખમાં રાખીશ.’ યુવતીની આંખો ઝૂકી ગઇ, એના ગોરા ગાલ ગુલાબી બની ગયા, ધીમા સ્વરમાં એણે કહ્યું, ‘સ્વાતિ સોસાયટી. ઘર નં. સાત. મારું સરનામું છે. મારું નામ લજ્જા છે. તમે મારા પપ્પા દિવ્યકાંતભાઇને મ‌ળી શકો છો. પપ્પા-મમ્મી તમારો પ્રસ્તાવ મંજૂર કરે ત્યાં સુધી તમે મને રેસ્ટોરાં કે સિનેમા હોલમાં લઇ જવાનું સપનું પણ જોતા નહીં. મળવું હોય તો આ મહાદેવની સાક્ષીએ જ મળજો. જાહેરમાં અને આટલા બધા લોકોની વચ્ચે.’ લજ્જા લજામણીનો છોડ બનીને ચાલી ગઇ. સારા કામમાં વાર કરે તે વીર શાનો? વેદાંગ બીજા દિવસે જ લજ્જાના પપ્પાને મળવા પહોંચી ગયો. દિવ્યકાંતભાઇએ કહ્યું, ‘મને તમારો પ્રસ્તાવ મંજૂર છે પણ સગાઇ ન થાય ત્યાં સુધી મારી દીકરી તમને મળશે નહીં અને અમે તમારા પેરેન્ટ્સને મળી લઇએ તે પછી જ સંબંધ પાકો કરીશું.’ છ મહિના સુધી લગભગ રોજ સાંજે મહાદેવના મંદિરના પરિસરમાં વેદાંગ અને લજ્જા મળતાં રહ્યાં. સ્પર્શ કરવાની વાત તો દૂર રહી, વેદાંગ સાથે રોમાન્સનાં બે વાક્યો બોલવા જેટલી છૂટ પણ લજ્જાએ ક્યારેય લીધી નહીં, વેદાંતને એવી છૂટ લેવા દીધી પણ નહીં. લગ્ન કરવા માટે બંને કટિબદ્ધ હતા, એ જ વેદાંગને મન મોટી વાત હતી. એને લજ્જાની લાજ, શરમ, મર્યાદા અને સંસ્કારો ગમી ગયાં. એક દિવસ સવારે સાત વાગે વેદાંગ કોમન વોશરૂમમાં જવા માટે પોતાના રૂમમાંથી બહાર આવ્યો, બરાબર એ જ સમયે કામેશની રૂમનું બારણું ખૂલ્યું, ચોળાયેલાં વસ્ત્રો અને વિખરાયેલા વાળવાળી એક યુવતી આખી રાતનો ઉજાગરો આંજેલી આંખો સાથે બહાર આવી. વેદાંગ એને જોઇને આઘાત પામીને બોલી ઊઠ્યો, ‘લજ્જા, તું? કામેશની સાથે?’ ‘ત… ત… તમે આ જ હોસ્ટેલમાં રહો છો?’ લજ્જાના આશ્ચર્યની કોઇ સીમા ન રહી. આટલું બોલીને, જરા પણ શરમાયા વગર, ઉન્નત મસ્તકે એ ચાલી ગઇ.’ વેદાંગે કામેશની તરફ પ્રશ્નાર્થભરી નજરે જોયું. કામેશ હસ્યો, ‘અમે ત્રણ દિવસ પહેલાં જ મળ્યા. બે દિવસ પહેલાં હું એને અંગ્રેજી ફિલ્મ જોવા લઇ ગયો. ગઇકાલે રાત્રે એ અહીં આવવા માટે માની ગઇ. રાતભર અમે અંગ્રેજી ફિલ્મ ભજવતા રહ્યા, પણ એને જોઇને તું કેમ આવો થઇ ગયો? જસ્ટ ચિલ, માય ડિયર વેદિયા! તું ક્યારેય કોઇ સ્ત્રી કે પુરુષની દેહલીલાને નહીં સમજી શકે.’
Read Original Article →