માનસ દર્શન:વક્તામાં ગ્રંથનિષ્ઠા ખૂબ જ જરૂરી છે

Magazine5/17/2026, 12:35:00 AM
વક્તા એ કથનાનંદ લેવો હોય તો કઇ વસ્તુનું ધ્યાન રાખવું પડે? એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કથનનો આનંદ શું છે? જે કથનકારના જીવનમાં સાત વસ્તુ ગંભીરતાથી આવે એ વક્તાને કથનાનંદ પ્રાપ્ત થશે. આ તલગાજરડી વાતો છે અથવા આ સાઠ વર્ષના મારા અનુભવ છે. વક્તાને આનંદ આવે. આ વક્તાની વાત છોડો. જેમનો જે સ્વધર્મ છે એ પૂરેપૂરા પોતાના સ્વધર્મમાં ઊતરીને એમનો સ્વધર્મ બજાવશે તો એને આનંદ જ આવશે. જે માણસ સ્વધર્મમાં ડૂબેલો રહે છે એ એની બંદગી થઈ જાય છે; એ એની ઉપાસના થઈ જાય છે. એમાં એને આનંદ આવે છે. આપણે ત્યાં ત્રણ શબ્દ છે- સ્વરૂપ, સ્વધર્મ, સ્વભાવ. ‘ગીતા’ના શબ્દો છે સ્વધર્મ, સ્વભાવ, સ્વરૂપ. હવે હું એનો સીધોસાદો અર્થ કરું તો સ્વધર્મનો અર્થ છે કર્મયોગ. સ્વભાવ એટલે ભક્તિયોગ. સ્વરૂપ એટલે જ્ઞાનયોગ. જેમને સ્વરૂપનો બોધ થઈ ગયો એમને વધારે કોઈ ચર્ચાની જરૂર નથી રહેતી. પોતાના કામમાં ડૂબી જવું. હું અહીં મારા વક્તવ્યમાં ડૂબી જઉં છું. આપ સાંભળવામાં ડૂબી જાઓ છો. એટલા માટે આપણે કાળનું અતિક્રમણ કરી જઈએ છીએ. કેમકે આપણે આપણા સ્વધર્મમાં છીએ. નરસિંહ મહેતાએ કહી દીધું - આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી. હું સાઠ વર્ષથી ગાઈ રહ્યો છું તો મને લાગે છે કે વક્તાએ કથનાનંદ લેવો હોય તો સાત વસ્તુનું ધ્યાન રાખવું પડશે. ભગવદ્કથા અથવા કોઈ પણ વક્તવ્ય હોય. એક, સમયબદ્ધતા. પહેલી શરત, વક્તા સમયબદ્ધ હોવા જોઈએ. ક્યારેક કોઈ ટ્રાફિક, કોઈ ઘટના કે અન્ય કોઈ કારણસર પાંચ-સાત મિનિટ મોડું થાય એ જુદી વાત છે, બાકી વક્તા સમયસર પોતાના સ્વધર્મમાં બેઠેલા હોવા જોઈએ. નવાણું ટકાથી પણ વધારે હું મોટે ભાગે કથામાં સમયસર જ આવું છું. મારે મારા વક્તવ્યનો આનંદ લેવો હોય તો સમયસર આવવું જોઈએ. હવે મોટા માણસો હોય છે એ કહે છે કે અમે મોડેથી જઈએ તો જ ઠીક! સભા એકઠી કરવા માટે પહેલાં લોકસાહિત્યનો કાર્યક્રમ રાખે, પછી મહાનુભાવ આવે! તો આનંદ મેળવવાનું પહેલું લક્ષણ છે સમયબદ્ધતા. બીજું લક્ષણ, વિષયબદ્ધતા. વિષય પકડી રાખવો જોઈએ. જુઓ, હું આમ જઉં, તેમ જઉં; કેટલી બાજુ વિહરું છું! અને પછી મારી પકડમાં મૂળ ન આવે તો હું પૂછી લઉં છું અને કોઈ મને જવાબ આપે છે. તો વક્તાએ વિષય પર રહેવું જોઈએ; વક્તામાં વિષયબદ્ધતા હોવી જોઈએ. ત્રીજું, વ્રતબદ્ધતા. એક વ્રત-અનુષ્ઠાન છે એવી રીતે બોલવું. વક્તામાં વ્રતબદ્ધતા હોવી જોઈએ. ચોથી વાત, ઈંગ્લિશમાં જેને ‘મની મોરલ’ કહે છે. લોભ ન હોવો જોઈએ. પરંતુ કંઈ લેવડ-દેવડ થાય એમાં એક મોરલ હોવું જોઈએ. વેદ વેચાય નહીં. વિદ્યા પણ વેચવી ન જોઈએ. સંસાર છે; સૌને પૈસાની જરૂર હોય છે. લેવડ-દેવડ થાય છે, પરંતુ કથા વેચાય નહીં. તો અકિંચન ભાવ, નિર્લોભી ભાવ હોવો જોઈએ. લાલચથી મુક્તિ હોવી જોઈએ અને વક્તામાં ચરિત્રની બદ્ધતા હોવી જોઈએ. આ બહુ જ જરૂરી છે.વક્તાની એક અત્યંત જરૂરી બદ્ધતા છે ગ્રંથબદ્ધતા. જે ગ્રંથ લઈને નીકળ્યા હોય એની બદ્ધતા હોવી જોઈએ. જે સ્ટેજ પ્રોગ્રામ આપતાં હોય એ સામેવાળાની માગણી મુજબ કરશે; કોઈ ફરમાઈશ કરે કે તમે આ ગીત ગાઓ તો એ ફરમાઈશ મુજબ ગીત ગાશે. પરંતુ વક્તાઓને પોતાની ગ્રંથનિષ્ઠા હોવી જોઈએ. આ પણ કરી લઉં તો ત્યાંથી પણ પૈસા મળે! આ પણ કરી લઉં તો ત્યાંથી પણ પૈસા મળે! એવું ન હોવું જોઈએ. તમારો કોઈ ઈષ્ટ ગ્રંથ તો હોવો જોઈએ. હવે હું કોઈ બીજા ગ્રંથની કથા શરૂ કરું તો આપને ખબર પણ ન પડે એવી કથા સંભળાવી શકું. પરંતુ મારી ગ્રંથનિષ્ઠા મારું ‘માનસ’ છે. તો વક્તામાં ગ્રંથનિષ્ઠા ખૂબ જ જરૂરી છે. વક્તાની એક અત્યંત મહત્ત્વની નિષ્ઠા છે મંત્રનિષ્ઠા. વક્તાનો પોતાનો કોઈ વિચાર હોવો જોઈએ. જેવી રીતે હું કહું છું કે ‘સત્ય, પ્રેમ, કરુણા.’ તુલસીએ કહ્યું, ‘પાયો પરમ વિશ્રામ.’ કબીરે કહ્યું, ‘કહ કબીર મૈં પૂરા પાયા.’ એવી રીતે એક મંત્રનિષ્ઠા હોવી જોઈએ. ઘણાં લોકોમાં મંત્રનિષ્ઠા નથી હોતી. તમારા ગુરુએ જે મંત્ર આપ્યો હોય ત્યાર બાદ કોઈ ગમે તેટલા પ્રભાવક મહાપુરુષ આવે તો પણ મંત્ર ન બદલવો. પૂ. ડોંગરેબાપા કહે છે, સાધકે ત્રણ ચીજ ન બદલવી જોઈએ. એક, મંત્ર; બીજી મૂર્તિ અને ત્રીજી માળા. માળા ખોવાઈ જાય પછી તમે બીજી માળા લો એ વાત જુદી છે; માળા તૂટી જાય અને બીજી લો એ વાત જુદી છે. પરંતુ સોદો ન કરો. માળા જૂની થઈ જાય, તૂટી જાય તો વાત જુદી છે. પ્રેક્ટિકલ થવું જોઈએ. તો વક્તા ગુરુનિષ્ઠ હોવા જોઈએ. પળેપળ એને પોતાના ગુરુની સ્મૃતિ હોવી જોઈએ કે આ દોલત એમની છે; આ કમાણી એમણે કરી છે. એ કથનાનંદ લઈ શકે છે; એ કથનનો પરિપૂર્ણ આનંદ પ્રગટ કરી શકે છે. }(સંકલનઃ નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
Read Original Article →