માનસ દર્શન:વૈષ્ણવ સાધુસંહિતા

Magazine4/26/2026, 12:50:00 AM
માનસ દર્શન:વૈષ્ણવ સાધુસંહિતા
સાધુની વ્યાખ્યા તુલસીએ કરી. સાધુ એટલે કોણ? ‘સીલ ગહની સબકી સહની.’ બે જ વસ્તુ, જે શીલને પકડી રાખે અને બધાંનું સહન કરે એ સાધુ. ‘સીલ ગહની સબકી સહની.’ અને સતત રામ રટે. આદિપુરુષ ભગવાન રામ, પરબ્રહ્મ. રામ સચ્ચિદાનંદ દિનેસા. નહિં તહં મોહ નિસા લવલેસા. સાધુઓ અને બ્રાહ્મણ તરફ આપણા દેશને હજી એટલો જ પૂજ્યભાવ છે. વૈષ્ણવ ગૃહસ્થ સાધુની એક સંહિતા મેં તૈયાર કરી છે. ‘વૈષ્ણવ ગૃહસ્થ સાધુસંહિતા.’ એનાં સાત લક્ષણ ઊભાં કર્યાં છે. મારા સમાજને ગમે તો એ સ્વીકારે. બીજા સમાજ જોડાય. આ તો સાર્વભૌમ છે. ગૃહસ્થ સાધુસમાજની સંહિતા, એનાં સાત લક્ષણ. એમાંનું પહેલું લક્ષણ છે મંત્ર. અમે મહામંત્રનો જાપ કરનારાં માણસો છીએ. મહામંત્ર એટલે? ‘મહામંત્ર જોઈ જપત મહેસૂ.’ હવે શંકરથી તો કોઈ મોટો નથી જગતમાં. એ શંકરદાદા જે મંત્રનો જાપ નિરંતર કરે છે એ ‘રામ’ મહામંત્ર પણ છે અને મંત્રરાજ પણ છે. ગોસ્વામી વાલ્મીકિના મુખમાં કહેવડાવે, ‘મંત્રરાજુ નિત જપહિં તુમ્હારા.’ રામનામ એ મહામંત્ર છે. એનું સેવન કરવું, એક ‘મ’કાર. આ મહંત ને આ મંડલેશ્વર ને આ બધામાં ‘મ’કાર એ સિંહ રાશિ છે ‘મ’ અને ‘ટ’, એટલે અમારા મહંત પણ હોય અને ટેલિયા પણ હોય. સિંહ રાશિના એ બંને અક્ષરો અમને લાગુ પડે. એટલે અમે ‘દાસ’ પણ હોઈએ અને ‘રામ’ પણ હોઈએ. સંતરામ અને સંતદાસ. અમે ટેલિયા પણ હોઈએ અને મહંત પણ હોઈએ. પરમાત્માએ જન્મની સાથે આ બધું આપ્યું છે. એને અમારે સાચવવાનું છે. સાચવવાનાં સાત લક્ષણ. એમાં પહેલું મહામંત્ર ‘રામ.’ મારી પાસે પ્રમાણ છે. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે. સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને. બીજું, એ મંત્ર ‘મ’કાર દ્વારા મળેલો હોવો જોઈએ અને એ ‘મ’કાર છે મહત્ પુરુષ, જેને હું બુદ્ધપુરુષ કહું છું. મહત્ પુરુષ એટલે આપણા ગુરુ, આપણા સદ્ગુરુ. જેના જે ગુરુ હોય. તમામ મહાન છે. જેનો જે માર્ગ હોય. તો એ મંત્ર મહત્ પુરુષ દ્વારા પ્રાપ્ત થયેલો હોવો જોઈએ. ઘણી વખત જગતમાં વસ્તુ મૂલ્યવાન હોય છે, પણ પાત્ર નથી હોતું. તો મંત્ર લેવો તો મહત્ પુરુષ પાસેથી લેવો. જે આપણા માટે જાગે, આપણા માટે જીવે; જેને પોતાના માટે એકેય કર્મ શેષ ન રહ્યું હોય. કેવળ આપણા માટે જીવે એવા મહત્ પુરુષ. તો પહેલો ‘મ’કાર છે મંત્રરાજ. બીજો ‘મ’કાર છે મહતપુરુષ. ત્રીજો ‘મ’કાર છે વૈષ્ણવ સાધુઓમાં મૂર્તિ. અમે મૂર્તિપૂજક છીએ. અમે રામ, કૃષ્ણ, શિવ, જગદંબા આ મૂર્તિઓની પૂજા કરીએ. અમે મૂર્તિપૂજક છીએ. હા, આપણી ઘણી પરંપરાઓમાં મૂર્તિપૂજાનો વિરોધ થયો છે, કારણ કે ઈશ્વર અજન્મા છે. એ બધો શાસ્ત્રાર્થ કાશીને સોંપી દો! એ બધું તમે ત્યાં કર્યા કરો! ભગતબાપુએ કાવ્ય લખ્યું કે નીંભાડો ગામની બહાર રાખજે. એ આખા દેશના ડાહ્યા! એ બધું તારા ગામની બહાર રાખજે. હળવો રે ફેરવજો જૂનો ચાકડો. સગુન હી અગુન હી નહિં કછુ ભેદા. જેમ પાણી અને તરંગ જુદાં નથી એમ સગુણ અને નિર્ગુણ બોલવામાં જુદાં છે; તત્ત્વતઃ જુદાં નથી. પરંતુ આપણે મૂર્તિપૂજા કરીએ છીએ. સ્વામી દયાનંદ સરસ્વતી, આર્યસમાજના પ્રખર મહાપુરુષે બહુ જ સ્પષ્ટતા કરી છે. એ વૈદિક પરંપરાને માનનારા. તો મહામંત્ર એ મહત્ પુરુષ દ્વારા પ્રાપ્ત થયેલો હોવો જોઈએ. અને ત્રીજું, મૂર્તિ પકડી રાખવી. લોકસાહિત્યના કલાકારો કહે છે ને કે શ્રદ્ધા હોય તો ઢીંગલી ધૂણે. શ્રદ્ધા શું ન કરી શકે? તો ત્રીજું મૂર્તિપૂજા. ચોથું માળા. બેરખો હોય, મોટી માળા હોય, રુદ્રાક્ષની માળા હોય, તુલસીની માળા હોય. વૈષ્ણવોમાં તુલસીની માળા વધારે હોય. અમારી નિમ્બાર્કી પરંપરા. માળા કોઈ દિવસ છોડવી નહીં. છોડવું હોય તો ચાળા છોડી દેવા! દુનિયા ગમે તે કહે! એ કંઈ આપણો પરિચય થોડો આપે છે? એની ખાનદાનીનો પરિચય આપે છે! આપણો પરિચય એની પાસે હોય ક્યાં? એનું ગજું શું? પાંચમો ‘મ’કાર છે ‘માનસ.’ સાધુએ ‘રામચરિતમાનસ’ અને ‘ગીતા’ ન છોડવાં. ‘માનસ’ એટલે લોક અને ‘ગીતા’ એટલે શ્લોક. વૈષ્ણવ સાધુએ આનો સેતુ કરવાનો છે. ‘માનસ’ એ પાંચમી વસ્તુ. છઠ્ઠી વસ્તુ ‘મ’ એ બધામાં બહુ જ મદદ કરશે એવું એક પરમતત્ત્વ, એવું એક પ્રાણતત્ત્વ, એનું નામ છે મારુતિ. મારુતિ આ બધાંનું રક્ષણ કરશે. આ છ ‘મ’કાર આપણામાં આવે પછી સાતમું તત્ત્વ છે મૌન. આ બધું આવ્યા પછી બોલબોલ ન કરવું. સાધુએ ચૂપ રહેવું. મૌનની તાકાત બહુ ગજબ છે! અમારા ગૃહસ્થ સાધુઓની આ વૈષ્ણવી સંહિતા છે, જે મારા માટે તૈયાર કરી છે; એમાં કેટલો ખરો ઊતરું એ ખબર નથી! ને આવું બધું થશે તો સમાધિ પણ બહુ ખુશ થશે. (સંકલનઃ નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
Read Original Article →