સફર:3000 વર્ષ જૂનું નગર: વડનગર

Magazine5/31/2026, 12:35:00 AM
સફર:3000 વર્ષ જૂનું નગર: વડનગર
નિતુલ ગજ્જર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે વડનગર દુનિયાભરમાં પ્રખ્યાત છે. જોકે, વડનગરનો ભવ્ય ઐતિહાસિક વારસો તેને ઘણી રીતે ખાસ બનાવે છે. ગુજરાતને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવનાર ‘કીર્તિ તોરણ’નું આ શહેર હકીકતે તો પાછલાં 2800 વર્ષોથી માનવ ઈતિહાસનું સાક્ષી રહ્યું છે. 2016માં અહીં ખોદકામ કરતા ઈસવીસન પૂર્વે 800માં વસેલા ભવ્ય નગરના અવશેષ મળી આવ્યા છે. તે ઉપરાંત પણ આ શહેરમાં રસ પડે તેવું ઘણું છે. વડનગરનાં જોવાયલક સ્થળોમાં ‘હાટકેશ્વર મહાદેવ મંદિર’ અને ‘કીર્તિ તોરણ’ મોખરે આવે છે. વર્તમાનમાં અહીં જે હાટકેશ્વર મંદિર છે તેનું નિર્માણ 17મી સદીમાં કરવામાં આવ્યું હતું. ‘સ્કંદ પુરાણ’માં પણ આ મંદિરનું વર્ણન જોવા મળે છે અને તે મુજબ ભગવાન શિવ પાતાળમાંથી પૃથ્વી પર આ સ્થળે જ આવ્યા હતા. નાગરોના કુળદેવતા ગણાતા હાટકેશ્વર મહાદેવની ફરતે રસપ્રદ કોતરણી જોવા મળે છે. જેમાં મહાભારત, રામાયણ અને દશાવતાર જેવાં પાત્રો નજરે પડશે. મંદિરને અડીને જ વડનગરના મુખ્ય છ પૈકી એક ‘નાડીઓળ’ દરવાજો આવેલો છે, જે જોવાલાયક છે. ‘કીર્તિ તોરણ’ હાટકેશ્વર મંદિરની ઊંધી દિશામાં શહેરના બીજા ખૂણે છે. ગુજરાતમાં સોલંકી કાળ દરમિયાન કુલ 13 તોરણ હતાં. જેમાંથી સાત હયાત છે અને તેમાંના બે મુખ્ય ‘કીર્તિ તોરણ’ અહીં આવેલાં છે. આ તોરણો વિશે એવું કહેવાય છે કે સદીઓ અગાઉ કોઈ મંદિરના પ્રવેશદ્વાર તરીકે તેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 40 ફીટ ઊંચાં આ બંને તોરણની ઘણી કોતરણી જર્જરિત થઈ ચૂકી છે, પણ હજી તેની ભવ્યતા યથાવત્ છે. તોરણોથી 700 મીટરના અંતરે ‘ઝણઝણિયો’ કૂવો છે. વડનગરના ‘અર્જુનબારી’ દરવાજા નજીક સ્થિત આ ઐતિહાસિક બાંધકામ ઓછું જાણીતું છે. રસ્તાના ખૂણેથી ખાનગી ખેતરમાં થઈને આ કૂવા સુધી પહોંચી શકાય છે. આશરે 150 ફીટ ઊંડા આ કૂવામાં સતત પાણી વહેવાનો અવાજ આવ્યા કરે છે. નિષ્ણાતોએ તપાસ કરી પણ તેનું મૂળ જાણી શકાયું નથી. આ કૂવાની અંદરની દીવાલો પર હંસ, ફૂલો, પાંદડાં અને મધપૂડા જેવી પ્રાકૃતિક વસ્તુઓનો ભાત ઉપસેલી નજરે પડે છે. 2016માં વડનગરમાં ખોદકામ બાદ જે અવશેષ મળી આવ્યા તેને પ્રદર્શિત કરવા અહીં 298 કરોડના ખર્ચે ભવ્ય સંગ્રહાલય તૈયાર કરવામાં આવ્યું છે. 2025માં ખુલ્લું મુકાયેલું આ સંગ્રહાલય ‘આર્કિયોલોજિકલ એક્સ્પ્રિએન્શિયલ મ્યુઝિયમ’ તરીકે ઓળખાય છે. આ સંગ્રહાલયમાં પ્રદર્શિત વસ્તુઓને જોવા ઉપરાંત અહીં લાઈવ શો, ગેમ્સ, ૩ડી ફિલ્મ અને સાઈટ વિઝિટ જેવા અનુભવો થકી વડનગરનાં 2800 વર્ષના ઈતિહાસને જીવવાનો અનોખો અનુભવ મળે છે. કુલ નવ વિભાગમાં ફેલાયેલું અને 5000 કરતાં વધુ કૃતિઓ ધરાવતું આવું સંગ્રહાલય ભારતમાં એકમાત્ર છે. આ અદભુત સંગ્રહાલય 12,500 ચોરસ ફીટમાં ફેલાયેલું છે. સંગ્રહાલય પાસે આવેલી ‘આંબા ઘાટ એક્સ્કેવેશન સાઈટ’ની મુલાકાત અચૂક લેવી. શર્મિષ્ઠા તળાવને અડીને આવેલ આશરે પાંચ માળ ઊંચી આ સાઈટને જોતા જ તમને ભૂતકાળના નગર નિર્માણની ભવ્યતાનો અંદાજ આવી જશે. સાઈટ ફરતે વિશાળ પ્લેટફોર્મ આવેલું છે. જેના પર ચાલી ખોદકામ કરેલ સ્થળને ચારેબાજુથી નિહાળી શકાય છે. તદુપરાંત ઊંચાઈ પરથી શર્મિષ્ઠા તળાવનો પણ ભવ્ય નજારો જોવા મળે છે. સંગ્રહાલયમાં નીચે ‘ધરોહર કેફે’ છે. નાસ્તાના વિકલ્પ સીમિત છે પણ ફર્યા બાદ ચા-પાણી લઈ થાક ઉતારવા માટે સારું સ્થળ છે. વડનગરમાં તાના-રીરીની સમાધિ આવેલી છે. નજીકમાં જ તાના-રીરી ઉદ્યાન અને એક નાનકડું સંગ્રહાલય પણ છે. સાથે 2003થી દર વર્ષે નવેમ્બર મહિનામાં તાના રીરી મહોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. વડનગરમાં અન્ય પણ ઘણાં આકર્ષણ છે. જેમાં ગૌરીકુંડ, લાતેરી વાવ, પંચમ મહેતાની વાવ, અમરથોળ દરવાજો, શર્મિષ્ઠા તળાવ, પત્થરવાળી હવેલી, જૂનું વડનગર સંગ્રહાલય વગેરે સામેલ છે. જતા પહેલાં જાણી લેજો: એક્સ્પ્રિએન્શિયલ મ્યુઝિયમની ગાઈડ સહિતની ટિકિટ ૫૦ રૂપિયા છે. એકલા ફરવું હોય તેમના માટે ઓડિયો ગાઈડનો વિકલ્પ પણ છે. મ્યુઝિયમ ફરવામાં ત્રણેક કલાકનો સમય લાગશે. વડનગરની પૂરી મજા લેવા બે દિવસનો સમય અનિવાર્ય છે. અહીં રોકવાના ખાસ વિકલ્પ નથી. માટે મહેસાણા, ગાંધીનગર અથવા અમદાવાદથી ફરવા આવી શકાય. જુનવાણી બાંધણી ધરાવતા વડનગરમાં દરેક સ્થળે વાહન લઈને જવાય એટલી જગ્યા નથી. કીર્તિ તોરણ, હાટકેશ્વર મંદિર અને મ્યુઝિયમ નજીક ગાડી મુકવાની જગ્યા છે. જ્યાંથી નજીક સ્થળ પગપાળા અથવા રીક્ષામાં ફરો તો વધુ સરળ પડશે. }
Read Original Article →