વિકાસની વાટે:સંવાદમાં મતભેદ હોય, મનભેદ ન હોય
હસમુખ પટેલ આપણે ત્યાં ‘દીકરી તો સાપના ભારા’ તેવી કહેવત છે. દીકરી મોટી થાય એટલે મા-બાપને તેનાં લગ્નની ચિંતા હોય તે સમજી શકાય છે. સંસ્કારી ઘરમાં ઊછરેલી, ભણેલી દીકરીઓ જીવનસાથીની પસંદગીની બાબતમાં વધારે ચીકાશ કરતી હોય તેવું પણ લાગે. પોતાની પસંદગી મુજબનું પાત્ર ન મળે તો લગ્નમાં વિલંબ થાય ને મા-બાપની ચિંતા વધે.
હમણાં આવી એક દીકરીનાં માતા-પિતાનો અનુભવ જાણ્યો. દીકરીના ઘરના સંસ્કાર ઊંચા. એવા સંસ્કારી લોકો આજકાલ બહુ હોતા નથી તેવી દીકરીની માન્યતા.
માતાને મનમાં દીકરી લગ્ન કરશે કે નહીં એવી શંકા ખરી એટલે દીકરી લગ્ન વિશે શું વિચારે છે તે જાણવા માટે માતા, વાતચીત કરવાને બદલે અવારનવાર લગ્ન સંબંધી કોઈ મુદ્દાની ચર્ચા કરે. તેની શંકા દૂર થવાને બદલે વધતી જાય.
પિતાનું ધ્યાન દીકરીના અભ્યાસ અને કારકિર્દી ઉપર એટલે દીકરી લગ્ન કરવા માટે તૈયાર નથી તેવું માતા પાસેથી જાણી પિતાને આશ્ચર્ય થયું. તેમણે દીકરી સાથે વાત કરી. દીકરીએ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રીતે પિતાને કહ્યો. આજના સમયમાં સંસ્કારી કુટુંબ અને એવું પાત્ર મળવું શક્ય નથી તેવી દીકરીની વાત સાથે તેઓ સહમત હતા.
બંનેના અભિપ્રાયમાં ફરક એટલો જ હતો કે દીકરી એવું માનતી કે આવું પાત્ર મળે જ નહીં જ્યારે પિતા એવું માનતા કે પાત્ર શોધવું મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. સામેનું પાત્ર શોધવામાં પૂરતી કાળજી રાખવી જોઈએ.
બંનેના અભિપ્રાય વચ્ચે નહીંવત્ ભેદ હતો છતાં બંને પોતપોતાના અભિપ્રાયમાં વળગી રહ્યા અને વાતચીતનો દોર તૂટવા લાગ્યો.
પિતાએ થોડી નારાજગી સાથે કહ્યું, ‘તારાં લગ્ન નહીં કરવાના નિર્ણય સાથે હું સહમત નથી પણ તારા નિર્ણયનો હું આદર કરું છું. તેનાં પરિણામ તારે જ ભોગવવાનાં રહે કારણ કે આવી અપરિણીત બહેનોએ બાંધછોડ કરીને છેવટે લગ્ન કર્યાંના દાખલા અથવા તો લગ્ન ન કરવાનાં કારણે એકલતા અનુભવતી બહેનો મેં જોઈ છે.’
પિતાની વાતથી કોઈ ફરક પડ્યો નહીં. બંનેએ પોતપોતાની માન્યતા પકડી રાખી. બંને ઉત્તર-દક્ષિણ ધ્રુવ પર હતા. માતાએ સૂચન કર્યું, ‘અત્યારે તમે વાતચીત કરવાની સ્થિતિમાં નથી. બે દિવસ પછી વાત કરજો.’
પિતા અને દીકરી વચ્ચે બાળપણથી જ સંવાદનો સેતુ મજબૂત હતો. પિતાને વિશ્વાસ હતો કે દીકરી સાથે કોઈ પણ વાત થઈ શકે અને બંને એકબીજાને સમજી શકે અને છેવટે થયું પણ એવું જ.
બહુ ઝડપથી બંને એક જ નિર્ણય પર પહોંચ્યા. પિતા દીકરીની ચિંતા સાથે સંપૂર્ણપણે સંમત હતા એટલે તેમણે કહ્યું, ‘લગ્નનો નિર્ણય તારે જ કરવાનો છે પરંતુ આપણે પ્રયત્ન કરીએ અને યોગ્ય પાત્ર ન મળે તો હું તારાં લગ્ન નહીં કરાવું.’
આ વાતની દીકરી ઉપર જબરદસ્ત અસર થઈ. તેને સમજાયું કે તેની પસંદગી મુજબનું, ઘરના સંસ્કાર મુજબનું અથવા તો સ્ત્રીસન્માનની અપેક્ષાને પરિપૂર્ણ કરે તેવું પાત્ર મળવું મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. તે માટેના પ્રયત્ન કરી શકાય. યોગ્ય પાત્ર મળે તો જ લગ્ન કરવાનાં.
પિતા અને દીકરી વચ્ચે ખુલ્લા મનની ચર્ચાને કારણે મતભેદ દૂર થયા. પિતાની જેમ માતા પણ દીકરી યોગ્ય સમયે યોગ્ય પાત્ર સાથે લગ્ન કરે તેવું જ ઇચ્છતી હતી પરંતુ તે દીકરીને લગ્ન માટે આડકતરી રીતે તૈયાર કરતી હતી, દીકરી લગ્ન કરવા માગે છે કે નહીં તેની ચકાસણી કરતી હતી પરંતુ તેની સાથે સંવાદ નહોતી કરતી.
આ છે સંવાદનો જાદુ. સંવાદમાં મતભેદ હોય, મનભેદ ન હોય. એકબીજાને સાંભળવાની તૈયારી હોય. બંને એકબીજાને સાંભળશે તેવો વિશ્વાસ હોય.
ખરી કસોટી, જ્યારે પાત્ર શોધવા નીકળશે ત્યારે થશે. એવું બની શકે કે દીકરીને જે પાત્ર યોગ્ય લાગતું ન હોય તે માતા-પિતાને યોગ્ય લાગે. સંવાદ હશે તો બંને પક્ષ એકબીજાને સમજી શકશે. સંવાદને અંતે એવું બને કે બંને પક્ષ એવું માને કે દીકરી કોઈ પાત્રને જેટલી માત્રામાં અયોગ્ય ગણતી હતી તેના કરતાં પણ વધારે અયોગ્ય છે અથવા તો માતા-પિતા માનતા હતા તેનાથી પણ વધારે યોગ્ય છે.
સંવાદ નિર્ણયની ખામીઓ દૂર કરે. તેનું મૂલ્ય વધારે. નિર્ણયને હેતુલક્ષી બનાવે. અંતે સંબંધો મજબૂત થાય. એકબીજાની સમજણ વિશેની શ્રદ્ધા મજબૂત થાય. એકબીજાનો આદર વધે. માતા-પિતાને સંતાનોની ક્ષમતાનો પરિચય થાય, તેમના વિશેની ચિંતા ઓછી થાય. મા-બાપના અનુભવનો લાભ લેવા સંતાનો તૈયાર થાય.
વ્યક્તિગત, સામાજિક, રાજકીય કે વ્યવસાયિક કોઈપણ ક્ષેત્રને કે કોઈ પણ સંબંધને આ લાગુ પડે છે. }
Read Original Article →