જીવનના હકારની કવિતા:ઉંબરા પર અવાજનો સાથિયો…

Magazine4/19/2026, 1:00:00 AM
જીવનના હકારની કવિતા:ઉંબરા પર અવાજનો સાથિયો…
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વ્હાલમનાં. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ, ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને, વાગશે રે બોલ વ્હાલમના. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ, વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ. વીંઝતાં પવન અડશે મને, વીણતાં ગવન નડશે મને, નડશે રે બોલ વ્હાલમના. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; - મણિલાલ દેસાઈ ઘર હતા એટલે ઉંબરા પણ હતા. ઉંબરા જેવાં ઘર નહોતાં! ઘર નાના હતાં પણ દરેકના એકાંતને સમાવી શકવાની મોકળાશ ધરાવતાં હતાં. વિડીયો કોલ કે ઇન્ટરનેટ નહોતાં! પણ આગમન પહેલાં વરતારો પામી જવાતો હતો. સમયસર જ આવવાના હોય તો પણ સમયસર જ રાહ જોવાની હતી! રાહ તો ઘરમાંથી પગરખાં પહેરીને નીકળે ત્યારથી જ જોવાની હતી! ધીરજ પહેલાં પણ નહોતી ! પણ, એ ધીરજમાં ઉચાટ નહોતો! મોડું વહેલું થાય એની ચિંતા રહેતી પણ એમાં સંબંધોની સુગંધ ગુંથાયેલી રહેતી. આખી કવિતામાં એવી નાયિકા - એવી પ્રિયતમા - એવી સ્ત્રીની વાત છે જેણે રાહ જોવાની આત્મકથા લખી છે. આ કથામાં મુંઝારો નથી, આગમન પહેલાં ઘેરાયેલા આકાશની લાગણી છે. વરસાદ પહેલાં આવતો ભીનો પવન છે. ‘આવતાં જ હશે!’ - એવું પોતાના હૃદયને જ કહેવાઈ ગયું છે. આગમનની એંધાણી વખતે પહેલાં ઘરમાં જેમનો અવાજ પ્રવેશે અને પછી તેઓ ‘પોતે’ પ્રવેશે - એમના ઉમળકાનો રાજીપો આખા ગીતના લયમાં અત્તરના ફાયાની માફક મઘમઘે છે. આવવાને વાર નથી – એવું કહેવાની જગ્યાએ ઉંબરા પર વહાલમના અવાજને સાંભળતી પ્રેયસી છે. ‘ડૂડ’ અને ‘ચિક’ના સમયમાં વહાલમ અને પ્રેયસીના શબ્દ પ્રયોગ ખજૂર જોડે મધ ખાતાં હોય એવો રોમાંચ જન્માવે છે. આસપાસનું બધું જ સ્થિર થઈ ગયું છે છતાં જેમની ગેરહાજરી સ્મરણની હૂંફ આપે છે એવી નાયિકાનો હૃદયભાવ ઉછીનો લઈને અનુભવવા જેવો જ છે. અલપઝલપની ઊંઘમાં પણ જેમના બોલ પામી જવાય એ તો સ્મરણથી પણ વિશેષ ઘનિષ્ઠ હોય! ગામનું પાદર હવે શહેરનું અજાણ્યું નગર બની ગયું છે. સવારનું સપનું સાચું પડે તો આજે આગમન નક્કી જ છે એવી બાતમી પણ અંતરામાં ઊઘડે છે. આવ્યા પછીનું પ્લાનિંગ પણ નક્કી કરી દીધું છે. વડલાની ડાળે ઝૂલવાનું સંગાથે. મોરલાની સાથે કૂદવાનું! કુદરતને અદેખાઈ આવે એવું દાંપત્ય બહુ છાનુંમાનું બહુ ઓછા પાસે જીવે છે. વર્તમાનની જુદાઈને ગોફણની જેમ વીંઝી નાખીશું. જેમ અહીં નાયિકાને પ્રિયતમના શબ્દો કાને પડે છે એમ પ્રિયતમ જ્યાં હશે ત્યાં નાયિકાને પણ યાદ કરતાં જ હશે એની સમજણ આખા કાવ્યમાં ચૂપચાપ ધૂપ કરે છે. ખૂબ લોકપ્રિય ગીત છે. અજીત શેઠના સ્વરાંકનમાં અનેક ગાયિકાઓએ એને નવાજ્યું છે. જેમને સ્મરણની આદત છે અને ગુજરાતી કવિતા સંગીતની ચાહત છે એમને માટે મણિલાલ દેસાઈનું આ ગીત ઉંબરા પર અવાજનો સાથિયો કરે છે.
Read Original Article →