શબ્દ સકળ પૃથ્વીના:જે સૌથી કિંમતી હોય, બસ એ જ સાથે લેજો
અજયસિંહ ચૌહાણ
એક યુદ્ધ બીજા યુદ્ધને સ્મૃતિપટ પરથી ખસેડી દે છે. પ્રજાને જોઈએ છે; નિત નવો વિષય. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી યુક્રેન-રશિયા યુદ્ધ વિશ્વપટેથી વિસરાઈ ગયું હોય એમ એની કોઈ ચર્ચા નથી. યુદ્ધની વિભીષિકાઓ સમાચાર રૂપે આવે ત્યારે કદાચ એવું બને કે તમને બે ઘડી વિચારતાં કરી મૂકે. પણ, જયારે એ કવિનો શબ્દ બને છે; ત્યારે વેદનાની ટીસ બની જાય છે. એવી ટીસનો અનુભવ આપણે યુક્રેનિયન કવિ સેરહી ઝાદાન (Serhiy Zhadan)ને વાંચીએ ત્યારે થાય.
2014માં રશિયાએ ક્રિમિયા પર અધિકાર જમાવ્યો અને એનાં વિશે ઝાદાને કાવ્યો લખ્યાં; ત્યારથી આ કવિ તરફ વિશ્વનું ધ્યાન ખેંચાયું. સેરહી ઝાદાન સાંપ્રત સમયના એવા કવિ છે જે યુદ્ધની પીડાઓની વાત તો કરે જ છે; રણમેદાનમાં ઊભા રહી ગોળીઓ અને મિસાઈલોનો સામનો કરે છે. 1974માં જન્મેલા આ કવિ રોક બેન્ડમાં ગીતો ગાય, નવલકથા લખે અને કોમ્બેટમાં સેનાના સાથી પણ બને. યુક્રેન પર રશિયાના આક્રમણ દરમિયાન તેમની ભૂમિકા એક ‘સાંસ્કૃતિક યોદ્ધા’ તરીકેની રહી છે.
ઝાદાનનું સાહિત્ય મુખ્યત્વે પશ્ચિમ અને પૂર્વી યુક્રેનના બદલાતા સામાજિક-રાજકીય વાતાવરણને પ્રતિબિંબિત કરે છે. સોવિયેત સંઘના પતન પછી યુક્રેનના સામાન્ય લોકોની જિંદગી કેવી રીતે બદલાઈ; તે તેમના લેખનનો મુખ્ય વિષય છે. તેમનાં પાત્રો ઘણીવાર એવા રખડુઓ, શ્રમિકો અને યુવાનો હોય છે; જેઓ વ્યવસ્થા સામે સંઘર્ષ કરી રહ્યા હોય છે. 2014માં ડોનબાસમાં શરૂ થયેલા સંઘર્ષ અને 2022માં રશિયાના સંપૂર્ણ આક્રમણ પછી તેમની કવિતાઓમાં યુદ્ધ, નિરાશ્રિતતા અને માનવીય ગરિમાના વિષયો કેન્દ્રસ્થાને આવ્યા છે. એમનાં કાવ્યો અને નવલકથાઓના અનેક ભાષાઓમાં અનુવાદ થયાં છે.
2023માં એમના પસંદ કરેલાં કાવ્યો ‘અગ્નિ ઊતરે છે : નવાં અને ચૂંટેલા કાવ્યો’ (How Fire Descends: New and Selected Poems) નામે પ્રગટ થયો છે. ‘અગ્નિ ઊતરે છે’ના અહીં અનેક અર્થો છે. એક અર્થ તો મિસાઇલ, બોમ્બ-ગોળા રૂપે યુદ્ધનો વિનાશક અગ્નિ ઊતરે છે એમ થાય. બીજો અર્થ તે મનુષ્યની અંદર રહેલી જિજીવિષા, આક્રોશ અને જુસ્સાના અગ્નિનો પણ નિર્દેશ છે. આ સંગ્રહમાં ઝાદાનની વર્ષોની કાવ્ય સફરની શ્રેષ્ઠ કૃતિઓ અને યુદ્ધના તાજા અનુભવોમાંથી જન્મેલી નવી રચનાઓનો સંગ્રહિત છે.
એમનું એક કાવ્ય છે ‘Take Only What Is Most Important’ (જે સૌથી કિંમતી હોય, બસ એ જ સાથે લેજો).
Take only what is most important. Take the letters.
Take only what you can carry.
Take the icons and the embroidery, take the silver,
Take the wooden crucifix and the golden replicas.
Take some bread, the vegetables from the garden, then leave.
We will never return again.
We will never see our city again. Take the letters, all of them, every single last one.
We will never read them again.
Take the long green shadows, take the heavy river,
Take the keys from the pockets of those who have died.
We will never return again.
Take the winter clothes, take the candles.
Take the children’s toys, take the books of poetry.
Take the names of those who haven’t been found yet.
We will never return again.
વિનાશ વેરતા યુદ્ધ વચ્ચે ઘર-શહેર છોડી રહેલા લોકો શું સાથે લે? કવિ લખે છે: જે સૌથી કિંમતી હોય તે જ લેજો. દરેક વ્યક્તિ માટે કિંમતી વસ્તુની વ્યાખ્યા જુદી હોય છે. પણ, આ તો કવિ છે. સોનું-ચાંદી લઈ લેવાનું તો લખે જ છે. ઉપરાંત લખે છે ‘પત્રો સાથે લેજો. ભરત ગૂંથેલા રૂમાલ લેજો. ઈશુનો વધસ્થંભ લેજો. બ્રેડ લેજોને વાડામાંનાં શાકભાજી લેજો. ફરી પાછા ક્યારેય ન અવાય. લાંબા પડછાયા અને લાંબી નદીઓ લઈ લેજો. યુદ્ધમાં ખપી ગયેલાનાં ખિસ્સાઓમાંથી ચાવીઓ લઈ લેજો. ગરમ કપડાં અને મીણબત્તીઓ લેજો. બાળકોનાં રમકડાં લેજો અને કવિતાની ચોપડીઓ લેજો. હજી નથી મળ્યાં એવાં સ્વજનોનાં નામ લેજો. આપણે ક્યારે પાછા નહીં વળીએ.’
‘પાછા નહીં વળીએ’ના આવર્તન વિયોગની કરુણતાને વધુ ઘેરી બનાવે છે. ‘જેઓ ખપી ગયા છે’ એ શબ્દ યુદ્ધમાં થયેલા શહીદો અને અકાળ મૃત્યુની વાતને વળ ચડાવે છે. મૃતકોના ખિસ્સામાંથી ‘ચાવીઓ’ લેવાનો સંદર્ભ અસ્તિત્વના છૂટી ગયેલા છેડાઓને સાચવવાની મથામણ છે. ભલે અહીં સંદર્ભ યુક્રેન યુદ્ધનો હોય પણ સંવેદન યુદ્ધના સીમાડાને ઓળંગી જાય છે.
આ કાવ્ય એ બધા માટે છે જેમને વિસ્થાપિત થવું પડે છે. હિટલરના સમયમાં ભાગતા યહૂદી હોય, ઘર ખાલી કરતાં પેલેસ્ટિનિયન હોય, કાશ્મીર છોડતા પંડિતો હોય કે કોરોનામાં હિજરત કરતી વણજાર હોય. પીડા સૌની એક છે. તેમની કવિતામાં લય અને સંગીત હોવા છતાં તેની અંદર રહેલી પીડા અને ડર વાચકને થથરાવે છે. તેમને વર્તમાન સમયમાં ‘યુક્રેનનો અવાજ’ માનવામાં આવે છે.
Read Original Article →