દેશ-વિદેશ:ટ્રમ્પની અસ્પષ્ટ નીતિઓથી અમેરિકાનું વૈશ્વિક નેતૃત્વ ખતમ?

Magazine5/17/2026, 12:35:00 AM
દેશ-વિદેશ:ટ્રમ્પની અસ્પષ્ટ નીતિઓથી અમેરિકાનું વૈશ્વિક નેતૃત્વ ખતમ?
ડૉ. જય નારાયણ વ્યાસ બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકા અને રશિયા સાથી રાષ્ટ્રો તરીકે જાપાન અને જર્મનીની ધરી સામે લડ્યાં હતાં. આ યુદ્ધ જ્યારે અંતિમ તબક્કામાં હતું, ત્યારે બીજા વિશ્વ યુદ્ધના હીરો ગણાતા જનરલ પેટનને પેરિસમાં આર્મી ઓફિસરની પત્નીઓ દ્વારા સ્થાપિત એક ક્લબના ઉદ્ઘાટન માટે બોલાવવામાં આવ્યા. કહેવાય છે કે, યુદ્ધના અંતે ત્યાં હાજર રહેલા પત્રકારોમાંથી એકે જનરલ પેટનને પ્રશ્ન પૂછ્યો, ‘હવે જ્યારે બીજું વિશ્વ યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થવાના સંકેતો ક્ષિતિજે દેખાઈ રહ્યા છે, ત્યારે યુદ્ધ બાદ રચાનારાં ભૂ-રાજકીય સમીકરણો કેવાં હશે?’ પેટન સ્પષ્ટવક્તા અને થોડા આકરા મિજાજના માણસ હતા. સામાન્ય રીતે લશ્કરનું કામ યુદ્ધ લડવાનું હોય છે અને શાંતિ સમયના સંબંધોની રાજનીતિ ‘પોલિટિકલ એપરેટસ’ એટલે કે રાજકીય તંત્ર નક્કી કરતું હોય છે, પરંતુ પત્રકાર તો વિવાદ ઊભો થાય તેવો પ્રશ્ન પૂછે જ. આ પ્રશ્નના જવાબમાં પેટન કહી શક્યા હોત કે, ‘વખત આવ્યે સાથી રાષ્ટ્રો બધું નક્કી કરશે અને જો તે સમયે મારું સૂચન માંગવામાં આવશે તો હું મારો મત આપીશ.’ જો તેમણે આવું કહ્યું હોત તો વાત ત્યાં જ પૂરી થઈ ગઈ હોત, પણ પેટને વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ પછીના શાંતિના સમયમાં અમેરિકા અને યુરોપ જ સાથે છે. તેમણે જાણીજોઈને રશિયાનું નામ લીધું નહીં. આ સમાચાર બહાર આવતાની સાથે જ વિવાદોનું તોફાન મચી ગયું. તેના પરિણામ સ્વરૂપ અમેરિકા અને રશિયા સામસામેની ધરીમાં મુકાઈ ગયા. બીજા વિશ્વ યુદ્ધ બાદનો આ સમય વિશ્વમાં ‘શીત યુદ્ધ’ તરીકે ઓળખાયો. જેમાં વિશ્વના કેટલાક દેશો મૂડીવાદી વિચારસરણી ધરાવતા અમેરિકા સાથે રહ્યા, જ્યારે કેટલાક સામ્યવાદી વિચારસરણી ધરાવતા દેશો રશિયા સાથે જોડાયા. વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું અને એકબીજા જૂથ વચ્ચે સર્વોપરિતાનું એવું યુદ્ધ શરૂ થયું જેમાં શસ્ત્રો વગર પણ સતત તણાવ રહેતો. આ દરમિયાન, અમેરિકા તરફી દેશોએ 4 એપ્રિલ, 1948ના રોજ વોશિંગ્ટન ખાતે થયેલા કરાર મુજબ ‘નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન’ (NATO)ની સ્થાપના કરી. ‘નાટો’ના બંધારણના આર્ટિકલ-5 મુજબ, કોઈ પણ એક સભ્ય દેશ પરનો હુમલો એ તમામ સભ્યો પરનો હુમલો ગણાય છે અને બધાએ સાથે મળીને તેનો સામનો કરવાનો હોય છે. 20 જાન્યુઆરી, 2025થી ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકન પ્રમુખ તરીકેની બીજી ટર્મ શરૂ થઈ અને તેમણે આવતાની સાથે જ જલદ મંતવ્યો આપવાનું શરૂ કર્યું. ટ્રમ્પનું માનવું છે કે ‘નાટો’નો મોટો ખર્ચ અમેરિકા ભોગવે છે, જેના કારણે યુરોપના દેશો પોતાની સુરક્ષા બાબતે બેફિકર થઈ ગયા છે. તેમણે આગ્રહ રાખ્યો કે અમેરિકા હવે આ આર્થિક બોજ એકલું નહીં ઉઠાવે અને વિદેશોમાં આવેલા અમેરિકન લશ્કરી મથકો પરથી સૈનિકોને પાછા બોલાવી લેશે. ટ્રમ્પ એવો મત ધરાવે છે કે અમેરિકા ‘નાટો’, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને સંયુક્ત રાષ્ટ્ર (UN)ની પર્યાવરણ સંબંધી સંસ્થાઓનો મુખ્ય આર્થિક આધાર છે, જે અમેરિકાની તિજોરી પર મોટો બોજ છે. તેઓ આ સંસ્થાઓમાંથી અમેરિકાનો હાથ પાછો ખેંચવા માંગે છે. એટલું જ નહીં, યુક્રેન-રશિયા યુદ્ધમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને અપાતી લશ્કરી સહાયમાં પણ અમેરિકા પીછેહઠ કરશે. ટ્રમ્પની નીતિ મુજબ, જો યુક્રેનને મદદ જોઈતી હોય તો તેણે અમેરિકા પાસેથી જ શસ્ત્રો ખરીદવા પડશે. ‘નાટો’ના મૂળ બંધારણ મુજબ, સભ્ય દેશો વચ્ચે સહિયારું સંરક્ષણ બળ હોવું જોઈએ, પરંતુ ટ્રમ્પની કાર્યશૈલીમાં કોઈ નિયમો કે ભૂતકાળનાં વચનોને સ્થાન હોય તેવું લાગતું નથી. તેમણે ડેનમાર્ક હસ્તક ગ્રીનલેન્ડને ખરીદવાની ઓફર કરી અને ત્યારબાદ તેના પર લશ્કરી બળ વાપરવાની ધમકી પણ આપી. ડેન્માર્ક ‘નાટો’નું સભ્ય હોવાથી યુરોપના દેશોમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. બ્રિટન અને જર્મની જેવા અમેરિકાના સાથી દેશોએ પણ હવે અમેરિકાવિરોધી સૂર ઉચ્ચારવાનું શરૂ કર્યું છે. ચૂંટણી અભિયાન દરમિયાન ટ્રમ્પે અમેરિકન પ્રજાને વચન આપ્યું હતું કે તેઓ સૈનિકોને દેશ બહાર યુદ્ધ લડવા નહીં મોકલે અને અમેરિકન યુવાનોના બલિદાનની કદર કરશે. પરંતુ સત્તા પર આવ્યા બાદ, ઇઝરાયેલ સાથે મળીને તેમણે ઇરાન સામે જંગ છેડ્યો છે. અત્યાર સુધીની માહિતી મુજબ, આ સંઘર્ષમાં 13 અમેરિકન સૈનિકો શહીદ થયા છે અને 300 જેટલા ઘાયલ થયા છે. ટ્રમ્પના આ વચનભંગના કારણે અમેરિકામાં જ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ‘ડેમોક્રેસીઝ ફાઉન્ડેશન’ના સરવે મુજબ, ટ્રમ્પની નીતિઓને કારણે અમેરિકાની વૈશ્વિક છબી સતત ખરડાઈ રહી છે અને ‘નાટો’ દેશો વચ્ચેનાં વર્ષો જૂના સંબંધોમાં ગંભીર તિરાડ પડી છે. આમ, ટ્રમ્પની નીતિઓએ દાયકાઓથી ચાલી આવતી વૈશ્વિક વ્યવસ્થાને હચમચાવી દીધી છે. બીજા વિશ્વ યુદ્ધ પછી જે રક્ષણાત્મક માળખું અને રાજદ્વારી સંબંધો રશિયા જેવા પડકારો સામે એક મજબૂત દીવાલ બનીને ઊભા હતા, તેમાં આજે ટ્રમ્પના વલણને કારણે ગાબડાં પડવા લાગ્યાં છે. જો અમેરિકા પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અને ‘નાટો’ જેવાં સંગઠનોથી મોઢું ફેરવી લેશે, તો તે માત્ર યુરોપની સુરક્ષા માટે જ નહીં, પણ અમેરિકાની પોતાની વૈશ્વિક વિશ્વસનીયતા માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે. આવનારા સમયમાં રશિયા અને ઇરાન જેવી શક્તિઓ આ સ્થિતિનો કેવો લાભ ઉઠાવે છે અને યુરોપના દેશો અમેરિકા વિના પોતાની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરે છે, તેના પર જ હવે નવા વિશ્વની ભૂરાજકીય દિશા નિર્ધારિત થશે.
Read Original Article →