માનસ દર્શન:ત્રિપુંડ, ત્રિનેત્ર અને ત્રિશૂલના તાત્ત્વિક અર્થ
મહર્ષિ ગૌતમને જ્યારે ભગવાન ગૌતમેશ્વરનો સાક્ષાત્કાર થયો અને એને ગંગાસાગરનો આદેશ થયો અને કહ્યું કે હું ક્યાં ક્યાં ગંગાસ્નાન કરું અને ક્યાં ક્યાં જઉં?
ભગવાન ગૌતમેશ્વરે કહ્યું હતું, આપ જે જળનો સ્પર્શ કરશો એ ગંગાજળ થઈ જશે અને ગંગાજીને હું અહીં ગોમતી ગંગારૂપમાં રાખું છું. તો ગંગાજીએ કહ્યું, ભગવન્, આપ ન રહો તો હું કેવી રીતે રહીશ? અને ગોમતીની પ્રાર્થનાથી, ગંગાજીના કહેવાથી ભગવાન ત્ર્યંબકેશ્વરના રૂપમાં જ્યોતિર્લિંગ ત્યાં રહ્યું.
પછી મહર્ષિ ગૌતમ અને ભગવાન શિવ સાથે કેટલોક સંવાદ થયો. ત્રણ પ્રશ્નો ગૌતમે પૂછ્યા. ગૌતમ પૂછે છે, ‘ભગવન્, આપના ભાલમાં ત્રિપુંડ છે, એનું રહસ્ય શું છે? બીજી જિજ્ઞાસા છે, ‘ભગવન્, મને સમજાવો, આપનાં ત્રિનેત્ર શું છે? ત્રીજી જિજ્ઞાસા હતી, આપ ત્રિશૂલ રાખો છો એ ત્રિશૂલની પરિભાષા શું છે? આપણા સૌ માટે ઉપયોગી બની રહે એવો આ સંવાદ છે.
તો પહેલી વાત, ત્રિપુંડ શું છે? ત્રિપુંડ મોટા ભાગે ભસ્મનું હોય છે. આપણે ચંદનનું ત્રિપુંડ પણ કરીએ છીએ, પરંતુ મોટેભાગે ત્રિપુંડ ભસ્મનું હોય છે અને શિવજીના ભાલમાં તો ભસ્મનું ત્રિપુંડ જ છે. ભસ્મને ભૂતિ પણ કહે છે, વિભૂતિ પણ કહે છે. એ બંનેનો થોડો અર્થભેદ પણ છે. ઐશ્વર્ય છે એ ભૂતિ છે. તો ભગવાન શિવના શરીર પર ભસ્મ લાગી જાય છે એ ઐશ્વર્યમાં પરિવર્તિત થઈ જાય છે. એ ભૂતિ વિભૂતિ બની જાય છે. તો ભગવાન ત્ર્યંબકેશ્વર ભસ્મનું ત્રિપુંડ કરે છે.
મને ખુશી છે કે જે વાત પર વર્ષોથી હું ભાર મૂકું છું એનો પાયો અહીં મળે છે. તો એ જ ત્રણ સૂત્રો નીકળ્યાં ત્યાંથી! ઈર્ષ્યા, દ્વેષ અને નિંદા. એ ત્રણ ભસ્મ થઈ જાય ત્યારે આપણે પણ મહાદેવનું ત્રિપુંડ કરીશું. જો આપણાં ઈર્ષ્યા, દ્વેષ અને નિંદા બળીને ખાક થઈ જાય તો આપણે મહાદેવની વિભૂતિ બની શકીએ છીએ.
તો ઈર્ષ્યા, નિંદા, દ્વેષ; ઈર્ષ્યા સ્થાન બદલે છે. ઈર્ષ્યા ક્યારેક ક્યારેક માણસની આંખમાં રહે છે અથવા મનમાં રહે છે. તો આપણા જીવનમાં ઈર્ષ્યાનું કારણ શું છે? ઈર્ષ્યાની શું જરૂર છે? એની શોધ કરવી જોઈએ. બીજું, દ્વેષ. દ્વેષ તો મોટા ભાગે મનમાં જ રહે છે. દ્વેષ કરનારા માણસો ખબર નથી પડવા દેતા પરંતુ અંદરથી સળગતા હોય છે! પરંતુ દ્વેષ છે એની સાથે ઈર્ષ્યાની ભાઈબંધી છે, એટલા માટે એ આંખમાંથી ક્યારેક મળવા માટે મનમાં આવે છે; ચા-પાણી પીવા માટે આવે છે. એટલા માટે ક્યારેક ક્યારેક એ ભેગાં થઈ જાય છે!
દ્વેષનો એક જ અર્થ; જેના મનમાં દ્વેષ હશે એ ગુરુનો સંદેશ પણ નહીં સાંભળે; એ શાસ્ત્રનો આદેશ પણ નહીં સ્વીકારે. દ્વેષગ્રસ્ત માણસ કોઈની પણ વાત નહીં સાંભળે અને દેખાવા નહીં દે! એ ધીરેથી પોતાની મનમાની કરે છે. ઈર્ષ્યા માણસને વિકૃત કરે છે; માણસનું આયુષ્ય ઓછું કરે છે. દ્વેષ વેદની વાત સાંભળવા માટે પણ આપણી માનસિક બાધા બને છે; એ વાત સાંભળવા નથી દેતો! અને નિંદા; જે બહુ નિંદા કરતા હશે એમને રાતે ઊંઘ નહીં આવે. એમાં કોઈ અપવાદ હશે તો હું રાજી થઈશ, પરંતુ જે વારંવાર નિંદા કરતા હશે એમને રાતે બહુ ઊંઘ નહીં આવે! રાતભર પડખાં ફેરવતાં રહેશે! એ નિયમ છે. એમાં અપવાદ હોઈ શકે. સાધુપુરુષ ભજનમાં જ રાત ગુજારે છે એમને આ લાગુ નથી પડતું.
તો હું અને તમે આપણી જાતને પૂછીએ કે આપણે બીજાની ઈર્ષ્યા શા માટે કરીએ છીએ? આપણે બીજાની નિંદા શા માટે કરીએ છીએ? આપણને બીજા પ્રત્યે દ્વેષ શા માટે છે? આ ત્રણ વસ્તુને ભસ્મ કરી દઈએ. એની કોઈ જરૂર નથી. ઈર્ષ્યા કરવાથી તમારો પગાર વધી જાય છે? નિંદા કરવાથી તમને પ્રમોશન મળી જાય છે? દ્વેષ કરવાથી તમારી ઉંમર વધી જાય છે? મને તો એવું કંઈ લાગતું નથી. સત્માંથી ક્યારેય અસત્ નથી નીકળતું અને અસત્માંથી ક્યારેય સત્ નથી નીકળતું. આ પાઠને દૃઢીભૂત કરો. તો ભગવાન ત્ર્યંબકેશ્વર ગૌતમને નિમિત્ત બનાવીને આપણને આદેશ આપે છે કે ઈર્ષ્યા, નિંદા અને દ્વેષ એ તમારી ત્રણ વસ્તુઓને ભસ્મ કરી દો તો મારા ભાલનું ત્રિપુંડ થઈ જશો.
બીજું, ભગવાન મહાદેવને પૂછવામાં આવ્યું કે આપના ત્રિનેત્રનો અર્થ શું છે? તલગાજરડાને નાચવાનું મન થાય છે કે ત્યાં ત્ર્યંબકેશ્વરે ગૌતમને જવાબ આપ્યો કે મારાં ત્રિનેત્ર સત્ય, પ્રેમ અને કરુણા છે. મહોર મારી રહ્યા છે મારા ત્ર્યંબકેશ્વર! હું તો એમ જ બાળબુદ્ધિથી બોલી રહ્યો હતો! હા, દાદાએ થોડો સંકેત જરૂર કર્યો હતો. પરંતુ એનું મૂળ અહીં છે એની મને ખબર નહોતી. ગુરુ-ચરણરજની કૃપા થાય છે ત્યારે ખજાના ખૂલે છે.
તો આ ત્રણ નેત્ર મહાદેવનાં છે- સૂર્ય, ચંદ્ર અને વચ્ચે અગ્નિ. જે પ્રેમ કરે છે એ બળે છે. તો આ છે ત્રિનેત્ર. પછી છે ત્રિશૂલ, ત્રણ પ્રકારનાં શૂલ. એક શૂલ ગુરુ-અપરાધ. ‘એક સૂલ મોહિ બિસર ન કાઉ.’ ભુશુંડિ બોલી ન શક્યા! મને કોઈ શૂલ સતાવતું નથી, પરંતુ મારા ગુરુનો સ્વભાવ કેટલો કોમળ છે! ‘ગુરુ કર કોમલ સીલ સુભાઉ.’ ‘માનસ’માં શૂલ તો અપાર છે, પરંતુ એક પકડી લો, ‘મોહ સકલ બ્યાધિન્હ કર મૂલા.’
કાગ ભુશુંડિજી ગરુડજીને કહે છે કે મોહ જ તમામ દોષોનું, સકળ વ્યાધિનું, માનસિક રોગનું મૂળ છે; મોહથી પેદા થનારા કામ, ક્રોધ, લોભ, જે કહો એ શૂલ છે. અને ત્રીજું શૂલ, સામેવાળાનો કોઈ દોષ ન હોય, છતાં પણ એને ઠપકો આપીને સમાજમાં બધાંની વચ્ચે ઉતારી પાડવા એ ત્રીજું શૂલ છે. અથવા ત્રણ શૂલ- આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક.
મહાદેવ કહે છે, ‘ગૌતમ, મારા શરણે આવી જશે એની પાસે શૂળ નહીં રહે, મારા હાથમાં રહેશે.’ મહર્ષિ ગૌતમને સમજાવી રહ્યા છે ત્ર્યંબકેશ્વર. હું સમજું છું કે આ ત્રયઃશૂલ મહાદેવના શરણમાં ગયા વિના છૂટશે નહીં. એ આપણાં શૂલને આપણી શોભા બનાવી દેશે. તો શિવ આપણાં શૂલોનો કબજો લઈ લે છે. એ ત્રિનેત્ર- સત્ય, પ્રેમ અને કરુણાથી દીક્ષિત કરી દેશે. અને આપણી ઈર્ષ્યા, આપણી નિંદા અને આપણા દ્વેષને દૂર કરવામાં પણ મદદ પણ કરશે.
(સંકલનઃ નીતિન વડગામા)
Read Original Article →