સફર:પ્રવાસે કોની સાથે જવું?
નિતુલ ગજ્જર પ્રવાસે જવું ઘણાને પસંદ હોય છે, પંરતુ ફરવાના સ્થળ ઉપરાંત સાથે ફરનારી વ્યક્તિ પણ વ્યવસ્થિત હોવી જરૂરી છે. એકલા ફરવા જનારા તો પોતાની મરજીના માલિક હોય છે, પણ ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશોમાં લોકો મિત્રો, પરિવાર કે અન્ય જોડીદાર સાથે પ્રવાસે જવાનું પસંદ કરે છે. તેમાં કઈ ખોટું નથી, પંરતુ જો તમે સાથી પ્રવાસી પસંદ કરવામાં ભૂલ કરી બેઠા તો સમજો પત્યું. તમારા પ્રવાસની મજા બગડતા વાર નહીં લાગે.
સફર પર નીકળતા પહેલાં ઘણી તૈયારી કરવી પડે છે. તેમાં સારો એવો ખર્ચો પણ થાય છે. ઘણા લોકો તો વર્ષો સુધી રાહ જોયા બાદ પોતાના મનપસંદ સ્થળની મુલાકાતે જવાના હોય છે. આટલું સંઘર્ષમય આયોજન ખાડે ન જાય એ માટે તમારી સાથે કોણ આવશે એ નિર્ણય મહત્ત્વનો બની જાય છે. તો ચાલો સમજીએ કે પ્રવાસ માટે યોગ્ય સાથી કોને ગણવા…
દર વખતે મિત્રો નહીં!
પ્રવાસમાં જવાનું થાય એટલે સૌથી પહેલા મિત્રો વિશે વિચાર આવે. જુવાનીમાં ઘણા લોકો પોતાના મિત્રો સાથે દુનિયા ફરવાનાં સપનાં સેવે છે. પરંતુ મિત્ર છે એટલે એ વ્યક્તિ તમારો પ્રવાસ નહીં બગાડે તેની ગેરંટી નથી. વ્યક્તિગત રીતે દરેકની પસંદ જુદી હોય છે. વર્ષો જૂના મિત્રો હોય તો પણ તેમના વિચારો મળે તેવું જરૂરી નથી. મિત્રતાની શરમે કદાચ કોઈ વ્યક્તિ સાથે આવવા રાજી થઈ પણ જાય, પરંતુ ત્યાં પહોંચીને તેને ન ફાવ્યું તો? આ કોઈ શક્યતા નહીં, પંરતુ મોટાભાગના પ્રવાસમાં બનતી હકીકત છે. પરિણામે એક વ્યક્તિનો મૂડ ખરાબ હોય એટલે બાકી બધાની મજા બગડે. ક્યારેક તો આગળનો આખો પ્રવાસ રદ કરીને લોકો ફરી ઘરભેગા થઈ જાય તેવું પણ બને છે.
એકસરખા વિચાર ધરાવતા સહપ્રવાસી
પ્રવાસમાં દરિયાકાંઠો, પહાડો, ઐતિહાસિક બાંધકામ, સંગ્રહાલય, શહેરીજીવન, ગ્રામ્યજીવન, પ્રકૃતિ વગેરે જોવાનો મોકો મળે છે. સાથે ફરવા નીકળેલા દરેકને આમાંથી બધામાં રસ પડે એવું જરૂરી નથી. કોઈને સંગ્રહાલય જોવામાં રસ હોય તો કોઈ વળી દરિયાકાંઠે પડી રહેવાનું પસંદ કરે. આ જ કારણસર સરખા વિચારો ધરાવતા લોકો જો સહિયારો પ્રવાસ યોજે તો ટ્રિપ સફળ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. એકસરખા વિચાર ધરાવતા લોકો એકબીજાને લાંબો સમય સહન પણ કરી શકે છે
પરિવાર સાથે પ્રવાસે જતા લોકોને એટલે જ ફાયદો થાય છે. પરિવારના સભ્યો ભલે સરખા વિચારો ન ધરાવતા હોય, પણ તેમને એકબીજાને સહન કરવાની આદત હોય છે. માટે તેઓ પ્રવાસ દરમિયાન વધુ સારા સાથીદાર સાબિત થાય છે.
પ્રવાસ ક્યારેય ફરવાના સ્થળ સુધી સીમિત નથી હોતો
પ્રવાસની અસલી મજા માત્ર જગ્યા જોવામાં નહીં, પંરતુ તેને પોતાના મનપસંદ વ્યક્તિ સાથે માણવામાં હોય છે. જ્યારે યોગ્ય લોકો અથવા સુસંગત મિત્ર સાથે હોય ત્યારે ફ્લાઈટ ચૂકી જવાનો અથવા ભોજનની શોધમાં લાંબુ અંતર કાપવાનો થાક પણ ભારે નથી લાગતો. આવા લોકો સાથે તમે હસી શકો છો અને સરળતાથી આગળ પણ વધી શકો છો. માટે ક્યારેય પ્રવાસે જવા તો કોઈ પણ સાથે ચાલે તેવો વિચાર ન કરવો.
પૈસાની વાત કરવામાં ખચકાવું નહીં
ફરવા ભલે ગમે તેની સાથે જાવ, પણ પૈસાનો હિસાબ ચોખ્ખો રાખવો. કોઈ એક વ્યક્તિ માથે બોજો નાખીને મતલબ નથી અને તે યોગ્ય પણ ન ગણાય. માટે પૈસાની વાત કરવામાં ક્યારેય ખચકાવું નહીં અને જો તમે કોઈ સાથે ફરવા જાવ જો તો પાછા ફરી નિખાલસતાથી તેની સાથે ખર્ચનો હિસાબ કરી લેવો.
આયોજનની ચોખવટ એટલે સરળ પ્રવાસ
મોટા ભાગે પ્રવાસમાં સાથે આવનારા લોકોને વાંધો ત્યારે જ પડે જ્યારે તેમની જાણબહારનું કોઈ આયોજન કરવામાં આવ્યું હોય. માટે પ્રવાસ પૂર્વે બધા સાથીમિત્રે ભેગા મળીને ક્યા જવાનું છે, કેટલું રોકાવાનું છે, ક્યાં રોકાવાનું છે, શું ફરવાનું છે વગેરે બાબતોની ચર્ચા અવશ્ય કરી લેવી. ગ્રૂપ ટ્રિપમાં કોઈ એક વ્યક્તિ બધાની જવાબદારી ઉઠાવે તેમાં કંઈ ખોટું નથી, પણ એ જવાબદાર વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે કોઈને પૂછ્યા વગર ફરવાનું આયોજન કરી નાખે તેવું વર્તન કોઈને પસંદ પડે નહીં. માટે પ્રવાસમાં બને એટલા પારદર્શક રહેવું.
Read Original Article →