મોન્ટાજ:અ યૂઝફુલ ઘોસ્ટઃ … તમારા વેક્યૂમ ક્લીનરમાં એક આત્મા રહે છે!

Magazine4/26/2026, 12:50:00 AM
મોન્ટાજ:અ યૂઝફુલ ઘોસ્ટઃ … તમારા વેક્યૂમ ક્લીનરમાં એક આત્મા રહે છે!
પાર્થ દવે એક શહેર છે. શહેરમાં વિકાસ થઈ રહ્યો છે. રિન્યૂઅલ પ્રોજેક્ટ્સના કારણે ધૂળ બહુ ઊડે છે. એક માર્ચ નામની વ્યક્તિ, જે મૃત પત્નીના શોકમાં ડૂબેલી છે, તે પોતાના ઘરને ચોખ્ખું રાખવા વૅક્યૂમ ક્લીનર ખરીદે છે. રાતના માર્ચને લાગે છે ખરીદેલું વૅક્યૂમ ક્લીનર ખાંસી રહ્યું છે! સવારે માર્ચ જુએ છે કે વૅક્યૂમ ક્લીનર દ્વારા સાફ થયેલી ધૂળ પોતાનામાંથી પાછી બહાર આવી ગઈ છે! માર્ચભાઈ એક રિપેરમૅનને બોલાવે છે. તેનું નામ ક્રોંગ છે. ક્રોંગ વૅક્યૂમ ક્લીનર તપાસીને કહે છે કે તેમાં કોઈ ટેક્નિકલ ખામી નથી, પણ તેમાં એક આત્મા વસે છે! અત્યારે આ વાર્તા વાંચી રહેલા તમે જે રીતે આશ્ચર્યમાં ગરકાવ થયા હશો એમ માર્ચભાઈ પણ થાય છે. પણ ક્રોંગ હોશિયાર અને સોહામણો છોકરો છે. તે કહે છે કે, શહેરની જે ફેક્ટરીમાં આ વૅક્યૂમ ક્લીનર બન્યું ત્યાં કર્મચારીઓનાં મૃત્યુ થયાં હતાં અને તેમનો આત્મા ભટકે છે. તે આત્મા આ વૅક્યૂમ ક્લીનરમાં છે! મૂળ વાર્તા તો હવે શરૂ થાય છે. એ ફેક્ટરી માર્ચભાઈના વડવાઓની છે! અને તે જ ફેક્ટરીમાં માર્ચની પત્ની, ધૂળ ને પ્રદૂષણના કારણે મૃત્યુ પામી છે. તેના પેટમાં માર્ચનો દીકરો પણ હતો, તે પણ સાથે મૃત્યુ પામ્યો અને વૅક્યૂમ ક્લિનર રૂપે માર્ચની પત્ની કેટ પાછી આવી છે! ક્રોંગ અને માર્ચ તે ફેક્ટરી વિશેની વાત કરે છે. આ વાર્તા છે થાઇલેન્ડની ફિલ્મ ‘અ યૂઝફુલ ઘોસ્ટ’ની. 2025ના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ક્રિટિક્સ વીક સેક્શનમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રિમિયર થયો હતો અને ત્યાં ગ્રાન્ડ પ્રાઇઝ જીત્યું હતું. ડિરેક્ટરનું નામ લખવા અને બોલવામાં થોડું અઘરું છેઃ Ratchapoom Boonbunchachoke! રૅચપૂમભાઈએ ભૂતવાળી ફિલ્મ બનાવી છે, પણ વાર્તા જોતા ખ્યાલ આવે છે કે તે રૂટિન નથી. અહીં વાર્તા સાથે શોક – દુઃખ પણ છે. એક પ્રેમકથા પણ છે, માર્ચ અને કેટની. સર્જક કેવી કલ્પના કરી શકે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ 56મા ‘ઇફ્ફિ’ (ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા)માં આ લખનારે જોયું. વૅક્યૂમ ક્લિનરની અંદર પત્ની છે. એ પત્ની જ વૅક્યૂમ ક્લિનર છે! માર્ચ અંદરથી રાજી છે. માર્ચનાં મમ્મી અને ઘરના લોકો ડરેલાં છે. એક સમય પછી પરિવાર માટે એ સમસ્યા નથી રહેતી કે માર્ચની પત્ની વૅક્યૂમ ક્લીનર છે, પણ સમસ્યા એ છે કે તે પાછી આવી ગઈ છે! જીવતી હતી ત્યારે પણ તે લોકોને પસંદ નહોતી! શરૂથી અંત સુધી ફિલ્મનો ટૉન હળવો રહ્યો છે. ‘વર્ટિગો’થી ‘બર્થ’ સુધીની ફિલ્મોમાં સ્વજનો વિચિત્ર પરિસ્થિતિમાં પાછાં આવ્યાં હોય તેવો પ્લૉટ રહ્યો છે. પણ અહીં જરા જુદું છે! જ્યારે માર્ચ તેની પત્ની (વૅક્યૂમ ક્લીનર) સાથે પ્રેમ કરે છે ત્યારે તે જોતા તેના પરિવારના સભ્યોના હાવભાવ કેવા હશે? – આ ફિલ્મની મજા છે. ફિલ્મ આગળ વધે છે અને પત્ની કેટ એટલે કે વૅક્યૂમ ક્લીનર, પરિવાર સામે બળવો કરવાના બદલે તેમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. પોતાને એક ‘ઉપયોગી ભૂત’ સાબિત કરવા મથે છે. જ્યાં ફેક્ટરીમાં અસુરક્ષિત કામ કરવાની પરસ્થિતિના કારણે કર્મચારીઓનાં મૃત્યુ થયાં છે અને તેઓ પાછા આવીને જુદાં જુદાં યંત્રોમાં ઘૂસી ગયા છે – કેટ તેમને દૂર કરે છે. એટલે કે બે ઇલેક્ટ્રોનિક ઉપકરણ વચ્ચે ફાઇટનો સીન પણ છે ‘અ યૂઝફુલ ઘોસ્ટ’માં! *** પતિ હોસ્પિટલમાં ઍડમિટ છે. પત્ની રિસેપ્શન કાઉન્ટર પર આવે છે. તે વૅક્યૂમ ક્લીનર છે! તે કહે છે કે, મને મારા પતિને મળવું છે! કાઉન્ટર પરથી જવાબ મળે છે કે, તમે અત્યારે નહીં મળી શકો તમારા પતિને, કેમ કે વિઝિટર્સનો મળવાનો સમય પૂરો થઈ ગયો છે. આ તમારો સમય નથી. વૅક્યૂમ ક્લિનર કહે છે કે હું પત્ની છું. મને હક છે મળવાનો! તો કાઉન્ટર પરથી જવાબ આવે છે કે, તમે ભૂત છો! તમે અત્યારે જીવતા નથી! : આ પ્રકારનાં ક્વર્કિ દૃશ્યો અઢળક છે ફિલ્મમાં. ઑસ્કર એવૉર્ડ્સમાં થાઇલેન્ડ તરફથી સત્તાવાર એન્ટ્રી એવી આ ફિલ્મ અસરકારક એટલે પણ છે કે, તે વૅક્યૂમ ક્લીનરનું પરફૉર્મન્સ મજેદાર છે! તમે માની જાવ છો કે તે ભૂત છે, પણ સૌમ્ય અને સંસ્કારી છે. સારું ભૂત છે! નેટનું મૂળ પાત્ર થાઇ અભિનેત્રી અને સિંગર દાવિકા હૂર્ને ભજવ્યું છે. વૅક્યૂમ ક્લીનરને જોતા તે ઍક્ટ્રેસનું જ રૂપ લાગે! આપણને થાય કે કદાચ આ ઇલેકટ્રોનિક ઉપકરણ કોઈ સાથે અથડાશે કે તોડફોડ કરશે અને કૉમિક સિચ્યુએશન ઊભી થશે, પણ ફિલ્મ એના કરતાં આગળનું પીરસે છે. ફિલ્મમાં થાઇલેન્ડના ડિસ્પોઝેબલ વર્કર્સ અને રાજકીય ગતિવિધિના મુદ્દાઓ પણ ઉઠાવાયા છે. થાઇલેન્ડમાં 1976માં એક યુનિવર્સિટીમાં સામૂહિક કત્લેઆમ થઈ હતી- તે, અને 2010માં થાઇલેન્ડમાં થયેલા પૉલિટિકલ ક્રેકડાઉનની વાત અહીં કરાઈ છે. પણ મૂળ વાત એ જ કે એક તારો ટમકે, સ્હેજ ચાંદની છલકે, કોઈ આંખે વળગે કે એક પગલું ઊપડે ને આપણે આપણા પ્રિયજન યાદ આવે! (હરીન્દ્ર દવે) તેઓ જ્યાં સુધી યાદમાં હશે ત્યાં સુધી દેખાશે. અલવિદા કહી ગયેલાં સ્વજનો ત્યાં સુધી જીવિત રહે છે જ્યાં સુધી આપણી મૅમેરીમાં છે. એ સ્મરણમાંથી જશે પછી અલોપ થશે. ફિલ્મમાં એક દૃશ્ય એવું પણ છે કે માણસને કરન્ટ આપવામાં આવે છે, જેથી તેની યાદોમાંથી કોઈક ભૂંસાઈ જાય! સામે ફિલ્મ એ વાત પણ કરે છે કે, વ્યક્તિ જીવતી હોય, પણ તમારી યાદોમાં ન હોય, તો એનું અસ્તિત્વ જ નથી! એ વ્યક્તિ છે છતાંય નથી!
Read Original Article →