અપડેટ:‘હું મજામાં છું, તમે કેમ છો?’
કેવલ ઉમરેટિયા તારીખ હતી 24 મે, 1844 અને સ્થળ હતું અમેરિકાના વોશિંગ્ટન ડીસી સ્થિત કેપિટલ બિલ્ડિંગનો એક ઓરડો. લાકડાં અને પિત્તળનાં બનેલા એક વિચિત્ર યંત્ર સામે બેસેલા એક માણસે તેનું હેન્ડલ એક ખાસ અંદાજમાં દબાવવાનું શરૂ કર્યું. જેની સાથે જ ઓરડો ખટ... ખટ... ખટ-ખટ-ખટના અવાજથી ગુંજી ઊઠ્યો. આ એ અવાજ હતો જેણે કાયમને માટે દુનિયા બદલી નાખી. લાકડાં અને પિત્તળનું એ યંત્ર એટલે ટેલિગ્રાફ અને તેની સામે બેઠેલી વ્યક્તિ એટલે વૈજ્ઞાનિક સેમ્યુઅલ મોર્સ. ઇતિહાસમાં પહેલી વખત વાયર મારફતે 60 કિલોમીટર દૂર બાલ્ટિમોર શહેરમાં એક સંદેશ પહોંચ્યો, ‘What hath God wrought’ એટલે કે ઈશ્વરે આ કેવો ચમત્કાર કર્યો છે! આ એ ક્ષણ હતી જ્યારે માનવીએ પહેલીવાર અંતરને હરાવ્યું હતું.
આ ક્રાંતિને વધુ મજબૂત કરવા 17 મે, 1865ના રોજ પેરિસમાં ‘ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન’ (ITU) ની સ્થાપના થઈ. આ ઐતિહાસિક દિવસની યાદમાં દર વર્ષે 17 મેના દિવસે ‘વિશ્વ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન સોસાયટી ડે‘ની ઉજવણી કરવામાં આવે છે. ટેલિગ્રાફની એ પહેલી ખટ-ખટથી લઇને આજે સ્માર્ટફોન પર આવતા નોટિફિકેશનના ‘બીપ’ સાઉન્ડ સુધીની ટેલિકોમ્યુનિકેશનમાં આવેલી આ ક્રાંતિની સફર અદભુત છે.
તાર અને ટપાલનો યુગ
ભારતમાં વર્ષ 1850માં કોલકાતાથી ડાયમંડ હાર્બર વચ્ચે પહેલી ટેલિગ્રાફ લાઇન નખાઈ. સંદેશો વાયર વડે સફર કરતો હોવાથી ટેલિગ્રાફ સામાન્ય બોલચાલની ભાષામાં ‘તાર’ બની ગયો. જોકે, તાર મોટા ભાગે ખૂબ અગત્યના કે દુઃખદ સમાચાર પૂરતો જ સીમિત રહ્યો. જેમ કે ‘બા બીમાર છે, જલદી આવજો’.
ટેલિગ્રાફે ભલે દુનિયાના નકશા પર એક ક્રાંતિ લાવી દીધી હતી, પરંતુ સામાન્ય માણસના ઘરોમાં લાગણીઓની આપ-લે તો ચિઠ્ઠીઓથી જ થતી હતી. ભૂરા રંગનો આંતરદેશીય પત્ર હોય કે પીળા રંગનું પોસ્ટકાર્ડ. તેમાં લખનારના ધબકારા, લાગણી અને આંસુઓનો આભાસ થતો. ટપાલીની સાઇકલની ઘંટડી કોઈ તહેવારથી જેવી લાગતી.
અવાજનું આગમન: ટેલિફોન અને રેડિયો
1876ના વર્ષમાં એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી. પહેલી વખત તેમણે બાજુના રૂમમાં રહેલા તેમના મદદનીશને ટેલિફોન કરીને કહ્યું કે ‘મિસ્ટર વોટ્સન, અહીં આવો. મારે તમને મળવું છે.’ આ ક્ષણે એક વિશાળ ક્રાંતિના પાયા નખાયા. 1881માં અમદાવાદ, મુંબઈ, કૉલકાતા અને ચેન્નઈમાં પ્રથમ ટેલિફોન એક્સચેન્જ ખૂલ્યું. કાળા રંગના એ ભારેખમ ટેલિફોનનો દૌર આવ્યો, જેના ગોળ ડાયલને ફેરવવા પર ‘ચર્ર-ચર્ર’ અવાજ આવતો. એ સમયે ઘરમાં ફોન હોવો એ કોઈ મોટા વૈભવથી કમ નહોતું. દૂર રહેતા સ્વજનો સાથે વાત કરવા ‘ટ્રંક કૉલ‘ બુક કરાવીને કલાકો સુધી ઘંટડી વાગવાની રાહ જોવાતી.
ત્યારબાદ રેડિયો આવ્યો, જેને કોઈ વાયરની જરૂર ન રહી. 1920ના દાયકા સુધીમાં, રેડિયો પ્રસારણ શરૂ થઈ ચૂક્યું હતું. પહેલીવાર એવું બન્યું કે એક વ્યક્તિ બોલે અને લાખો લોકો એકસાથે સાંભળી શકે. 1936માં સ્થપાયેલું ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ આપણા વિવિધતાથી ભરેલા અને બહુભાષી રાષ્ટ્રને જોડતો એક અતૂટ તાંતણો બની ગયું. આઝાદીની ચળવળ દરમિયાન રેડિયોના અવાજે આખા દેશને જોડી રાખ્યો હતો.
પીળા રંગના STD બૂથ અને પેજરનો વટ
1990 ના દાયકામાં ચોમાસામાં ફૂટી નીકળતા બિલાડીના ટોપની માફક રસ્તાઓ પર કે શેરીઓમાં પીળા રંગના પી.સી.ઓ.-એસ. ટી. ડી. બૂથ ઊગી નીકળ્યાં. કાચની નાનકડી એ કેબિન કેટલાય લોકોનાં સુખ, દુઃખ, પ્રેમ અને લાગણીઓની સાક્ષી બનતી હતી. ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ, પરદેશ કમાવા ગયેલા લોકો કે પ્રેમીપંખીડાંઓ માટે આ કેબિન જાણે કે વરદાનરૂપ બની! એક તરફ ટેલિફોન પર વાત ચાલુ હોય અને ધ્યાન સતત મીટરમાં વધી રહેલા સમય અને પૈસાના આંકડા પર હોય.
થોડા જ સમયમાં એક રૂપિયાનો સિક્કો નાખીને વાત કરી શકાય તેવા ફોન પણ આવી ગયા. આ એ સમય હતો કે ભારતમાં બી. એસ. એન. એલ.નું એકછત્ર રાજ હતું અને લેન્ડલાઈન ટેલિફોન કનેક્શન માટે વર્ષો સુધી રાહ જોવી પડતી.
1995માં ભારતમાં પેજર આવ્યું. કમર પર લટકતી એક નાનકડી ડબ્બી. જેની પાસે પેજર હોય, એ માણસ ‘ખાસ’ ગણાય. 1998 સુધી ભારતમાં આશરે 20 લાખ પેજર વપરાશકારો હતા. જોકે, તેની એક મર્યાદા હતી, તેમાં એકતરફી સંવાદ થતો હતો. મેસેજ તો મળતો પણ સામે જવાબ ના આપી શકાતો. મેસેજ મળતાં જ વ્યક્તિ પી. સી. ઓ. તરફ દોટ મૂકતી.
મોબાઈલ ક્રાંતિ: દરેક ખિસ્સામાં ફોન
ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ફરી એક ચમત્કાર થયો. જે અવાજ અત્યાર સુધી વાયરોમાં બંધાયેલો હતો, તે હવામાં તરવા લાગ્યો. આમ તો મોટોરોલાના એન્જિનિયર માર્ટિન કૂપરે 1973 માં મોબાઇલની શોધ કરી હતી. 3 એપ્રિલ, 1973 ના દિવસે માર્ટિન કૂપરે ન્યુયોર્કના રસ્તા પર ચાલતા મોબાઇલ વડે પહેલો ફોન કર્યો હતો.
જોકે, આ મોબાઇલ ક્રાંતિને ભારત સુધી પહોંચતા બે દાયકાનો સમય લાગ્યો. 31 જુલાઈ, 1995 ના રોજ ભારતમાં પહેલો મોબાઈલ કૉલ કરવામાં આવ્યો. કલકત્તાથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુએ દિલ્હીમાં બેઠેલા કેન્દ્રીય સંચાર મંત્રી સુખરામ સાથે વાત કરી. શરૂઆતમાં મોબાઈલ ફોન કોઈ વજનદાર ઈંટ જેવા હતા. આ એ સમય હતો જ્યારે આઉટગોઇંગ તો ભૂલી જાવ, ફોન રિસિવ કરવાનો-ઇનકમિંગ કોલ પણ દર મિનિટે 16 રૂપિયા સુધીનો ચાર્જ લાગતો!
જો કે 2000 ના દાયકાના મધ્ય સુધીમાં તો મોબાઇલ ક્રાંતિ એક વિસ્ફોટની જેમ ફેલાઈ ગઈ. આઉટગોઇંગ સસ્તું થયું અને ઇનકમિંગ ફ્રી થયું. શરૂઆતમાં એક લક્ઝરી ગણાતો મોબાઇલ ફોન સામાન્ય લોકોના ખિસ્સામાં પહોંચ્યો. પછી આવ્યો 160 અક્ષરોના SMSનો જમાનો. એ 160 અક્ષરોમાં આખેઆખી લાગણીઓ પરોવવામાં આવતી. રાત-રાત જાગીને મિત્રો સાથે વાત કરવી, ઇનબૉક્સ ભરાઈ જાય ત્યારે જૂના મેસેજને ભારે હૈયે ડિલીટ કરવા. જે સાવ અલગ જ દુનિયા હતી.
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા
15 ઓગસ્ટ, 1995. જ્યારે આખો દેશ આઝાદીનું પર્વ મનાવતો હતો, ત્યારે VSNLએ ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત કરી. ઇન્ટરનેટની શરૂઆત ડાયલ-અપ મોડેમ સાથે થઇ હતી. બધાં ઘરોમાં ઇન્ટરનેટ હોવું એ તો સપના જેવું હતું. એટલે પી. સી. ઓ.ની માફક ધડાધડ સાઇબર કાફે ખૂલવા લાગ્યા. પછી આવ્યો મોબાઈલ ડેટાનો શરૂઆતી દોર. મહિનાનો 100 MB કે 500 MB ડેટા મળતો, જેને આપણે કરકસર કરીને વાપરતા. ‘યાહૂ’ અને ‘ગૂગલ’નું મોબાઇલ પર ખૂલવું એ કોઇ જાદુથી ઓછું નહોતું.
ત્યારબાદ 2016માં રિલાયન્સ ‘જિયો’ આવ્યું અને ભારતમાં ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ટરનેટની દુનિયા બદલાઇ ગઇ. માત્ર બે જ વર્ષમાં, ભારત દુનિયામાં મોબાઈલ ડેટાનો વપરાશ કરવામાં પહેલા સ્થાને પહોંચી ગયો. ઇન્ટરનેટે આખી દુનિયાને એક ગ્લોબલ વિલેજ બનાવી દીધી. આ સાથે જ સોશિયલ મીડિયાની ક્રાંતિ તો શરૂ જ હતી.
આજે આપણે 21મી સદીના ત્રીજા દાયકામાં છીએ. 5G અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં જીવી રહ્યા છીએ. જ્યાં મશીનો નક્કી કરી રહ્યા છે કે આપણે આગળ શું ટાઇપ કરવું જોઈએ. લોકો સામાન્ય વાતચીત પણ હવે AI પાસે લખાવી રહ્યા છે. ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં સતત ક્રાંતિ શરૂ છે. કાલે શું ચમત્કાર થશે તે કહેવાય તેમ નથી.
આ આખી સફરમાં માધ્યમો બદલાયાં. ટપાલ, તાર, એસ. ટી. ડી. બૂથ, મોબાઇલ કે સોશિયલ મીડિયા પણ સંવાદ તો એ જ રહ્યો કે ‘હું મજામાં છું, તમે કેમ છો?’ }
Read Original Article →