ઇરરશીદ કિદવઇ:તમિલનાડુમાં વિજયનો ભવ્ય ‘વિજય’!
પીઢ રાજકીય વિશ્લેષક તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓમાં ફિલ્મ અભિનેતા અને તમિલગા વેત્રી કડગમ (TVK)ના પ્રમુખ થલપતિ વિજયની સફળતા દક્ષિણ ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો. જોકે, તમિલનાડુમાં ‘પોલિટિકલ સિનેમા’નો લાંબો ઇતિહાસ રહ્યો છે. 1940ના દાયકાથી આ પ્રદેશમાં સામાજિક નિસ્બત ધરાવતી ફિલ્મો બને છે. તેમાં સામાજિક અસમાનતા, તકોની અભાવ અને સામાજિક ન્યાયને લઈને મજબૂત સંદેશો રહેલો હોય છે. આ જ વાતાવરણમાં તમિલનાડુની પેઢીઓ મોટી થઈ અને સિનેમા તેમની રાજકીય સમજણનો અભિન્ન ભાગ બની ગયું. વિજયની અણધારી સફળતા પાછળનાં કારણો
તમિલનાડુમાં લાંબા સમયથી દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK) જેવી બે દ્રવિડ પાર્ટીઓનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ એવું લાગતું હતું કે પ્રજા તેનાથી કંટાળી ગઈ હતી. સ્પષ્ટ હતું કે આ પડકાર કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિ થકી જ આપી શકાય. આ પહેલાં કમલ હાસન અને રજનીકાંત આશા લઈને આવ્યા હતા, પરંતુ બંને સફળ થઈ શક્યા નહીં.
કમલ હાસન: તેમણે પોતાને બૌદ્ધિક તરીકે રજૂ કર્યા. તેના કારણે તેઓ જનતા જનાર્દન સાથે દૂધમાં સાકરની જેમ ભળી ન શક્યા. રજનીકાંત: સમયસર સક્રિય ન થઈ શક્યા.
51 વર્ષીય આ અભિનેતા થલપતિ વિજય ફિલ્મ દીઠ 200 કરોડ રૂપિયાની કમાણી છોડીને રાજકારણમાં પ્રવેશ્યા. તેમણે પોતાની ફિલ્મો દ્વારા ભ્રષ્ટાચારી વ્યવસ્થા સામે લડતા એક ‘મસીહા’ની છબી રજૂ કરવામાં સફળતા મેળવી. ‘સિન્ડિકેટ કટ’ના આરોપો વચ્ચે, વિજયની છબીએ તેમને રાતોરાત સફળતાના શિખરે પહોંચાડ્યા. ફેન ક્લબોને લીધે મજબૂત સપોર્ટ
1950 અને 1960ના દાયકામાં જ્યારે એમજીઆર અને બાદમાં જયલલિતાની લોકપ્રિયતા વધી, ત્યારે તેમના પ્રશંસકોએ સ્થાનિક સ્તરે ક્લબો બનાવવાની શરૂઆત કરી. તમિલનાડુના રાજકારણ અને સંસ્કૃતિમાં ફેન ક્લબનું મહત્ત્વ કોઈ રાજકીય એકમોથી ઓછું નથી. તમિલનાડુમાં તેને ‘રસિગર મંદરમ’ કહે છે. આનાથી નીચે મુજબ લાભ મળે છે:
સંગઠિત કાર્ય: દક્ષિણમાં અભિનેતાઓના આ ફેન ક્લબ ખૂબ જ સંગઠિત હોય છે. આ ક્લબો રક્તદાન શિબિરો, મફત ભોજન વિતરણ અને આફતના સમયે મદદ કરવા જેવાં કાર્યો કરે છે. તેનાથી આ ક્લબના સભ્ય ન હોવા છતાં સામાન્ય લોકોની પણ તેમના પ્રત્યે સહાનુભૂતિ હોય છે.
વ્યવસ્થિત માળખું: આ ક્લબનું રજિસ્ટર્ડ માળખું હોય છે. તેમાં તેના પદાધિકારીઓ અને જિલ્લા અધ્યક્ષો હોય છે. ફિલ્મ અભિનેતાઓ ઘણીવાર આ ક્લબોના પદાધિકારીઓ સાથે સીધી બેઠકો કરે છે. તેનાથી પ્રશંસકોનો પોતાના હીરો સાથે લાગણીના તંતુએ જોડાય છે અને વફાદારીનો સંબંધ બની જાય છે.
તાત્કાલિક રાજકીય કેડર: કોઇ અભિનેતા રાજકારણમાં આવવાનો નિર્ણય કરે છે, એ સાથે તેમની ક્લબોના સભ્યો રાતોરાત એક વ્યવસ્થિત રાજકીય પાર્ટીની કેડરમાં બદલાઈ જાય છે. વિજયના કિસ્સામાં, તેમની ફેન ક્લબ ‘વિજય મક્કલ યક્કમ’ મોટો આધાર બની. દક્ષિણ ભારતીય અભિનેતાઓ કેમ સફળ થાય છે?
દક્ષિણ ભારતના રાજકારણમાં ફિલ્મી અભિનેતાનો પ્રાદેશિક નેતા તરીકે ઉદય તેમના ગ્લેમરના લીધે નથી, પરંતુ તેની પાછળ ઊંડી સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા રહેલી છે. તેઓ ઉત્તર ભારતના અભિનેતાઓની સરખામણીએ ત્રણ કારણસર રાજકારણમાં વધુ સફળ થાય છે:
પડદાની છબીનો લાભ: દક્ષિણની મોટા ભાગની ફિલ્મોમાં અભિનેતા કાં તો પૌરાણિક પાત્રો ભજવે છે અથવા તંત્ર સામે લડે છે. તેઓ પોતાની આ ‘સ્ક્રીન ઈમેજ’ને રાજકીય એજન્ડામાં સરસ રીતે વણે છે કે તે વોટ બેન્કમાં ફેરવાઇ જાય છે.
ભાષા અને પ્રાદેશિક અસ્મિતાની વાત: દક્ષિણના અભિનેતા પોતાના ભાષાકીય ગૌરવ અને પ્રાદેશિક અસ્મિતાને મહત્ત્વ આપે છે. ઉત્તર ભારતીય અભિનેતાઓની સરખામણીએ અહીંની ફિલ્મી હસ્તીઓ સામાજિક નિસ્બતને લીધે પ્રજા સાથે જોડાયેલા રહે છે. આનો તેમને રાજકીય લાભ મળે છે. કેરળમાં ફિલ્મી અભિનેતાઓનો જાદુ કેમ નથી?
એક સવાલ એ પણ ઊભો થાય છે કે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના રાજકારણમાં સિનેમાનો જાદુ લોકમાનસ પર છવાઇ જાય છે. એનાથી વિપરીત કેરળમાં મોટા પાયે આવું કેમ નથી?
રાજકીય સમજદારી: કેરળના લોકો રાજકીય રીતે ખૂબ પાકટ છે.
લાગણીથી પર: ત્યાંના લોકો રાજકારણને લાગણીથી પર રાખે છે.
મતદાનના મુદ્દા: ત્યાં તુષ્ટિકરણ કે ધ્રુવીકરણ કામ નથી કરતું તેથી ધર્મ કે જાતિના મુદ્દાઓ આધારિત મતદાન થતું નથી.
સિનેમાનું સ્થાન: ત્યાંના લોકો સિનેમાને માત્ર મનોરંજનના સાધન તરીકે જુએ છે. તેમને ફિલ્મી અભિનેતાઓ પડદા પર ગમે છે, પરંતુ રાજકીય સત્તાનાં સૂત્રો તેમના હાથમાં સોંપી દે તેમ નથી.
Read Original Article →