માનવી સામાજીક પ્રાણી:તકિયા - કલામ

Magazine5/24/2026, 12:35:00 AM
માનવી સામાજીક પ્રાણી છે, તેના વ્યવહારમાં, વર્તનમાં, રીતભાતમાં કે બોલીમાં અમુક શબ્દો-વાક્યો રૂઢ થઈ જાય છે. તેથી અવારનવાર તેનો ઉપયોગ કરે છે. તેવા શબ્દસમૂહ કે વાકયને ‘તકિયા - કલામ’ કહે છે. આ ફારસી શબ્દ છે. સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ એવો શબ્દ કે શબ્દ સમૂહ જે બિનજરૂરી રીતે ટેવવશ થઈ બોલનારની જીભ પર આવી જતો હોય. તકિયા- કલામ વ્યકિતની અંતરની ઈચ્છા કે લાગણીનો પડઘો પાડે છે. જેમ કે પૂ.મોરારિબાપુ તેની કથા / પ્રવચનની શરૂઆતમાં કે વચ્ચે ઘણીવાર ‘બાપ...’ શબ્દનો ઉચ્ચાર કરે છે. ત્યારે સામે બેઠેલ બધા શ્રોતાગણ કંઈ તેઓના વડિલ હોતા નથી. પરંતુ અહીં બાપુ શ્રોતાગણને તેમના અંતરનો ભાવ અને આદર વ્યકત કરતા હોય છે. ત્યારે શ્રોતાગણ પણ એ ભાવવાહી શબ્દો સાંભળતાની સાથે કથામાં રસિક થઈ, તરબોળ થઈ જાય છે. તે સર્વેમાં બાપુ પ્રત્યેનું માન-સન્માન વધે છે. આવું જ ‘ તારક મહેતાના ઊંધા ચશ્માં ’ ટી.વી. સીરિયલમાં જેઠાલાલ અવારનવાર ‘ બાપુજી ‘ કહી તેમના પિતા ચંપકલાલને પગે નમન કરતાં હોય છે. અહીંયા તે એક પિતા તરીકેની ચંપકલાલની મહાનતાને ઊંચાઈને આદર આપી શબ્દરૂપી પુષ્પથી વધાવે છે. તેનો અર્થ એ પણ થાય કે દરેક વ્યકિતએ પોતાના વડીલોને સદા માન-સન્માન આપી આદર કરવો જોઈએ. તેઓના પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ. બીજીબાજુ તે જ સીરિયલમાં ડો.હંસરાજ હાથી વારંવાર ‘રસગુલ્લા, લડ્ડુ, સમોસા જેવા તેના પ્રિય વ્યંજનોનો ઉલ્લેખ કરી પોતાની મનગમતા ખોરાક પ્રત્યેની ખુશી વ્યકત કરે છે અને એવો સંદેશ આપે છે કે તમો પણ મધુર અને સ્વાદિષ્ટ વ્યંજન / વાનગી જેવા બનો કે જેથી સમાજ તમારા તરફ પ્રેમમય બને, તમારી કદર કરે. કડવાશની જગાએ સર્વત્ર મધુરતા રેલાવો. ફિલ્મ જગતમાં તો ઘણી હિન્દી - ગુજરાતી ફિલ્મોમાં પટકથા લેખક હીરો, હીરોઈન કે વિલનના મુખે અવાર-નવાર એવા શબ્દસમુહ કે સંવાદ બોલાવતા હોય છે. જેમ કે અમરીશ પુરી ‘મોગેમ્બો ખુશ હુઆ’ શબ્દસમૂહ ઘણીવાર બોલી પ્રેક્ષકોને ખુશ કરી દેતા હતા. પરિણામે આવા પાત્રો કે ફિલ્મો હમેંશા યાદ રહી જાય છે. ફિલ્મની કથા યાદ રહે કે ના રહે પણ આવા તકિયા - કલામથી જે તે પાત્રો અમર બની જતાં હોય છે. આમ આ એક માર્કેટીંગની પણ કલા કહી શકાય. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ માનવી એક જ પ્રકારના શબ્દો / વાક્યો વારંવાર સાંભળે તો તેનું મગજ તેવા શબ્દો / વાક્યોને કોમ્પ્યૂટરની હાર્ડડિસ્કની માફક હંમેશાં સંગ્રહી લે છે, યાદ કરી રાખે છે. જે તેની જિંદગીનાં સુખ-દુ:ખનાં સમયમાં ઘણીવાર ઉપયોગી બને છે. સામાન્ય રીતે તકિયા- કલામમાં ખુલ્લાદિલની હળવાશભરી વાત, કોમેડી, મનોરંજન કે માનવીના અંતરનો ભાવ પ્રગટ થતાં હોય છે. તકિયા-કલામએ માનવીના મનનો અરીસો છે. તેનાથી કોઈને નુકશાન ન થાય, બલ્કે સર્વત્ર સ્નેહની આપ-લે થતી રહે છે. તેથી જ તકિયા-કલામ એ માનવીના જીવનમાં સારા-નરસા બનાવોનું પ્રતિબિંબ ઝીલતું સ્લોગન, સુવાકય કે સંદેશ બની રહે છે. માનવી તેના થકી ચિંતામુક્ત બની, હળવાશ અનુભવે છે. મન પ્રફુલ્લિત બની જાય છે. જિંદગી જીવવાની ઔર મજા આવે છે. }- ભૂપેન્દ્ર ત્રિવેદી ‘સ્વયંભૂ’
Read Original Article →