કચરો કે ખજાનો?:સ્વીડનનું મોડેલ, ભારત માટેનો માર્ગ
શું તમે એવી કલ્પના કરી શકો છો કે દુનિયાનો કોઈ દેશ બીજા દેશો પાસેથી કચરો આયાત કરતો હોય? સામાન્ય રીતે ‘કચરો’ શબ્દ સાંભળતાં જ આપણા મનમાં એક અણગમતું ચિત્ર ઊભું થાય છે—દુર્ગંધ મારતા ઢગલા, શહેરની બહાર ફેલાયેલા ડમ્પિંગ ગ્રાઉન્ડ અને કોઈક બીજો આવીને સાફ કરી જશે એવી માનસિકતા. પરંતુ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં કચરો ફેંકવાની વસ્તુ નથી, પરંતુ સંભાળીને ઉપયોગમાં લેવાતો એવો સ્ત્રોત છે, જે પ્રજાને ઊર્જા આપી શકે. એ દેશ છે સ્વીડન. અહીં કચરાનું સંચાલન માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજના સંસ્કારમાં પરિવર્તિત થયું છે.
તાજેતરના આંકડાઓ અનુસાર સ્વીડનમાં વાર્ષિક આશરે 45 લાખ ટન મ્યુનિસિપલ કચરો ઉત્પન્ન થાય છે. આ સાંભળતાં જ એવું લાગી શકે કે સ્વીડન પણ કચરાની સમસ્યામાં ફસાયેલો હશે, પરંતુ વાસ્તવિક ચિત્ર તેની સંપૂર્ણ વિરુદ્ધ છે. પ્રતિ નાગરિક દીઠ લગભગ 400 કિલોગ્રામ કચરો ઉત્પન્ન થવા છતાં, ત્યાંનો પ્રશ્ન ‘કેટલો કચરો થયો?’ એવો નથી, પરંતુ ‘આ કચરાનો ઉપયોગ કેવી રીતે કરવો?’ એવો છે. આ કુલ કચરામાંથી લગભગ 40 ટકા પદાર્થરૂપે રિસાઇકલ થાય છે અને લગભગ 59 ટકા કચરો ઊર્જામાં ફેરવવામાં આવે છે. પરિણામે, માત્ર એક ટકા કરતાં પણ ઓછું કચરો લેન્ડફિલમાં જાય છે. આજે સ્વીડનમાં લેન્ડફિલ લગભગ ભૂતકાળની વસ્તુ બની ગઈ છે.
અલબત્ત, કોઈ પણ દેશની આવી સફળતા પાછળ માત્ર સરકાર નહીં, પરંતુ ત્યાંના નાગરિકોની માનસિકતા અને મહેનત પણ એટલી જ જવાબદાર હોય છે. સ્વીડિશ પ્રજામાં કચરાનો યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ નિકાલ કરવો એક મૂળભૂત સંસ્કાર છે. અહીં નાનાં બાળકો પણ કચરાને કેવી રીતે અલગ કરવો અને ક્યાં નિકાલ કરવો તેની સંપૂર્ણ સમજ ધરાવે છે—જેમ કે કિચન વેસ્ટ, પેપર, પ્લાસ્ટિક, ગ્લાસ અને મેટલ. દરેક પ્રકારના કચરાને અલગ-અલગ બોક્સમાં જ નાખવામાં આવે છે, જેથી તેની પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકે.
સ્ટોકહોમ શહેરમાં તો કચરા સંકલન માટે જમીનની નીચે ઓટોમેટેડ વેક્યૂમ કલેક્શન પાઇપલાઇન બિછાવવામાં આવી છે. ઘરના નજીક આવેલા બોક્સમાં નાખેલો કચરો ઓટોમેટિક રીતે પ્લાન્ટ સુધી પહોંચી જાય છે, જેના કારણે મેનપાવર, સમય અને ઊર્જાની બચત થાય છે. પ્લાન્ટમાં પહોંચેલા કચરાને AI અને સ્માર્ટ સિસ્ટમની મદદથી વધુ ચોકસાઈથી અલગ કરવામાં આવે છે.
સ્વીડનની સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં કચરાને ઊર્જામાં ફેરવવા માટે 34 વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ કાર્યરત છે. આ પ્લાન્ટ્સ દ્વારા ઉત્પન્ન થતી ગરમી દેશના દસ લાખથી વધુ ઘરો સુધી પહોંચે છે અને શિયાળાની ઠંડીમાં લગભગ પંદર લાખ પરિવારોના ઘરો ગરમ રાખે છે. જે ઘરમાં લોકો ગરમ પાણીથી નહાય છે કે શિયાળામાં હીટિંગનો આરામ માણે છે, ત્યાં ઘણી વખત ઊર્જાનો સ્ત્રોત કચરો જ હોય છે. આ પ્લાન્ટ્સમાંથી ઉત્પન્ન થતી વીજળી દેશના સાતથી આઠ લાખ ઘરો સુધી પહોંચે છે.
આ સિસ્ટમ એટલી અસરકારક બની ગઈ છે કે સ્વીડનમાં આ પ્લાન્ટ્સ ચલાવવા માટે પૂરતા કચરાની અછત રહે છે. પરિણામે, સ્વીડન દર વર્ષે અંદાજે 20 લાખ ટન કચરો યુ. કે., નોર્વે, આયર્લેન્ડ અને ઇટાલી જેવા દેશોમાંથી આયાત કરે છે, અને તેના બદલામાં આ દેશો સ્વીડનને ચુકવણી પણ કરે છે. સ્વીડન આ કચરાને બોજ તરીકે નહીં, પરંતુ ઊર્જા અને આવકના સાધન તરીકે જુએ છે—આ વિચાર જ તેની સૌથી મોટી સફળતા છે.
ખોરાકના કચરાને લઈને પણ સ્વીડનની દૃષ્ટિ અનોખી છે. ત્યાં દર વર્ષે અંદાજે 12 થી 14 લાખ ટન ખોરાકનો કચરો ઉત્પન્ન થાય છે, જે પ્રતિ વ્યક્તિ આશરે 135 કિલોગ્રામ જેટલો થાય છે. પરંતુ આ કચરો સડતો નથી કે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકાતો નથી. તેનો મોટો હિસ્સો બાયોગેસમાં ફેરવાય છે, જે બસો અને વાહનો માટે ઈંધણ તરીકે વપરાય છે, જ્યારે બાકીનો ભાગ ખાતર બનીને ફરી ખેતીમાં જાય છે.
સ્વીડનની ‘પાન્ટ’ ડિપોઝિટ સિસ્ટમ પણ એટલી જ અસરકારક છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્લાસ્ટિક બોટલ અથવા એલ્યુમિનિયમ કેન ખરીદે છે, ત્યારે તેની કિંમતમાં જ થોડી રકમ ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે. ખાલી બોટલ અથવા કેન પરત આપતાં જ આ રકમ પાછી મળી જાય છે. આ માટે સુપર સ્ટોર્સ અને જાહેર સ્થળોએ ઓટોમેટેડ મશીનો મૂકવામાં આવી છે. આ નાની આદતે મોટો ફેરફાર લાવ્યો છે. 2024માં સ્વીડનમાં લગભગ 87.6 ટકા બોટલ અને કેન પરત આવ્યા, એટલે કે અઢી અબજથી વધુ કન્ટેનર ફરી રિસાઇકલ થયા. અહીં રિસાઇક્લિંગ કોઈ ફરજ નથી, પરંતુ રોજિંદી જીવનશૈલી છે.
હવે જો નજર ભારત તરફ ફેરવીએ, તો ચિત્ર થોડું જુદું છે. ભારતમાં દરરોજ અંદાજે 1,70,000 ટન કચરો, એટલે કે વાર્ષિક લગભગ 6.2 કરોડ ટન કચરો ઉત્પન્ન થાય છે. સમસ્યા માત્ર કચરો ઉત્પન્ન થવાની નથી, પરંતુ તેનું યોગ્ય સંચાલન ન થવું છે. ભારતમાં હજી પણ માત્ર આશરે અડધો કચરો જ વૈજ્ઞાનિક રીતે પ્રક્રિયા થાય છે. અહીં સમસ્યાનું મૂળ ટેક્નોલોજીની અછતમાં નહીં, પરંતુ કચરાનું સ્ત્રોતે વિભાજન ન થવું, નાગરિક જાગૃતિનો અભાવ અને સતત અમલની ખામીમાં છે.
સ્વીડન અને ભારત વચ્ચેનો મુખ્ય ફરક મશીનો કે નાણાંનો નથી, પરંતુ વિચારધારાનો છે. સ્વીડનમાં લોકો કચરો ફેંકતા પહેલાં વિચાર કરે છે કે તેનો ઉપયોગ શું થઈ શકે, જ્યારે ભારતમાં હજી પણ કચરાને ‘છુટકારો મેળવવાની વસ્તુ’ તરીકે જોવામાં આવે છે. જો આપણે કચરાને બોજ નહીં, પરંતુ સંસાધન તરીકે જોવાનું શીખીએ, તો ભારત માટે સ્વીડનનો રસ્તો અશક્ય નથી. - યોગીન વ્યાસ
Read Original Article →