મનદર્પણ:સુનયના પોતાની વાત પૂરી કરતાં બોલી, ‘રડીશ નહીં, ભારતીય લશ્‍કરના એક બહાદુર અફસરની પત્ની છું’

Magazine6/7/2026, 12:35:00 AM
મનદર્પણ:સુનયના પોતાની વાત પૂરી કરતાં બોલી, ‘રડીશ નહીં, ભારતીય લશ્‍કરના એક બહાદુર અફસરની પત્ની છું’
ધર્મેન્દ્રસિંહ રાઠોડ રેલવે પ્‍લેટફોર્મ પરની મોટી ઘડિયાળમાં સવારના સાત થવા આવ્‍યા હતા. સૂર્યનાં આછાં સોનેરી કિરણો જમીન પર પથરાઈ રહ્યાં હતાં. રાતભર છવાયેલા અંધકારનું સામ્રાજ્ય ક્યારનું લુપ્‍ત થયું હતું. સૂર્યનાં પહેલાં કિરણો સાથે શહેરીજીવન ફરી ધબકતું થયું હતું. બાળકો રંગબેરંગી ગણવેશ પહેરી શાળા તરફ જઈ રહ્યાં હતાં. લોકો પોતાની રોજી કમાવવા ઘરની બહાર નીકળી રહ્યા હતા. દરેકને આજની ચિંતા હતી - ભવિષ્‍યની ચિંતા હતી. ટ્રેન ઊપડવાને હવે માત્ર દસેક મિનિટની વાર હતી. આશુતોષ સ્‍ટેશનના દરવાજા પાસે આવીને ક્યારનો ઊભો હતો. શહેરમાંથી મુસાફરોને લઈને આવતી રિક્ષાઓમાં એ નજર કરી રહ્યો હતો. તેણે ફરી સ્‍ટેશનની ઘડિયાળ તરફ જોયુ. મિનિટ કાંટા કરતાં સેકન્‍ડ કાંટાની ઝડપ સ્‍વાભાવિક વધારે હતી! રેલવે સ્‍ટેશનની ઘડિયાળને કોઈની રાહ જોવાની નહોતી. તેને તો બધાંનો સમય સાચવવાનો હતો. સ્‍ટેશન પર લોકોની ભાગદોડ અને કોલાહલ વચ્‍ચે ગાડી ઊપડવાનો સમય થઈ ગયો હતો. નિરાશ ચહેરે ટિકિટબારી પરથી હરિદવાર જવાની ટિકિટ લઈ ગાડીમાં બેસવા એ પ્‍લેટફોર્મ તરફ જઈ રહ્યો હતો. પ્‍લેટફોર્મ પર ગાડી ઊપડવાની તૈયાર થઈ ચૂકી હતી. દૂર સિગ્નલ અપાઈ ચૂકયું હતું. ગાડી વ્‍હિસલ મારી ઊપડે તેની ઘડીઓ ગણાઈ રહી હતી. પોતાનાં સ્‍વજનોને મૂકવા આવેલા લોકો ‘આવજો… તમે આવજો’ની આપ-લે કરી રહ્યા હતા. ટિકિટને ગજવામાં મૂકી પ્‍લેટફોર્મ પર પગ મૂકતાં પહેલાં આશુતોષે ડોકું પાછળ ફેરવી ઊડતી નજર રિક્ષા સ્‍ટેન્‍ડ તરફ કરી. અચાનક.. તેના પગ થંભી ગયા. આછા ભગવા કલરની સાડી પહેરેલી એક દૂબળી પાતળી સ્‍ત્રી પોતાની બેગ લઈ ઝડપભેર રિક્ષામાંથી ઊતરી રહી હતી. આશુતોષના શરીરમાં જાણે નવી શકિતનો સંચાર થયો, ઝડપથી દોડીને એ હરિદ્વારની બીજી ટિકિટ લઈ આવ્‍યો! લાંબા અંતરની ટ્રેનમાં પણ ઓફ સિઝન હોવાને કારણે ખાસ ભીડ નહોતી. સહેલાઈથી તેઓ સીટ મેળવી શક્યાં. સુનયના બારી પાસે આશુતોષની સામે બેઠી હતી. ટ્રેન ઉત્તર દિશા તરફ દોડી રહી હતી. પૂર્વ દિશામાંથી સૂર્યનાં કિરણો ડબ્‍બામાં પથરાઈ રહ્યાં હતાં. રેલવે સ્‍ટેશન પરથી ખરીદેલાં અખબારો પર આશુતોષે નજર કરી. એક અખબાર તેણે સુનયનાને આપ્‍યું. સુનયનાએ અખબાર બાજુ પર રાખી આશુતોષને પૂછયું, ‘કોફી પીશોને?’ આશુતોષ કંઈ જવાબ આપે એ પહેલાં થરમોસમાંથી કોફી કાઢી આશુતોષને આપી. એક કપ પોતાના માટે પણ ભર્યો. આશુતોષ કોફીના ઘૂંટ સાથે અખબાર વાંચી રહ્યો હતો. ‘પહેલા નિરાંતે કોફી તો પી લ્‍યો.’ કોફીની મજા શા માટે બગાડો છો’ સુનયનાએ કહ્યું. ‘કેમ તમને અખબાર વાંચવાનો શોખ નથી?’ આશુતોષે પૂછ્યું. ‘વાંચવાનો શોખ તો ઘણો છે, પરંતુ અખબાર બપોરે જમ્‍યા પછી નિરાંતની પળોમાં વાંચું છું.’ ‘મોર્નિંગ ટી સમયે જ અખબાર વાંચવું જોઈએ.’ આશુતોષે કહ્યું. ‘તમારી વાત સાચી છે. પરંતુ અખબારોમાં મનને ટાઢક મળે તેવા સમાચારો સાથે જીવ બળે તેવા સમાચારો પણ હોય છે. સવારના પહોરમાં મન ના પાડે છે. હા, અખબારોની પૂર્તિને હું પૂરતો ન્‍યાય આપું છું. વૈવિધ્યસભર અખબારોની પૂર્તિ વ્‍યકિતને ભાગદોડની જિંદગી વચ્‍ચે પણ જરૂરી વાંચન અને ઉપયોગી માહિતી પૂરી પાડે છે.’ ટ્રેન એક પછી એક સ્‍ટેશન છોડી આગળ ધપી રહી હતી. વાતો થતી રહી, સમય પસાર થતો રહ્યો. સૂર્ય હવે મધ્યાહ્ને તપી રહ્યો હતો. મુસાફરો બપોરનું જમણ લઈ રહ્યા હતા. ‘તમારી ડિશમાં આવેલ મીઠાઈ તમે લીધી નહીં? ડાયાબિટિસ છે?’ આશુતોષે સ્‍વાભાવિક પૂછ્યું. ‘ના ડાયાબિટિસ નથી, પરંતુ મીઠાઈ ખાતી નથી.’ ‘કોઈ ટેક હશે?’ ‘ના કોઈ ટેક નથી.’ આછા અણગમા સાથે સુનયનાએ કહ્યું. સવારથી ખીલેલો ચહેરો અચાનક ઝંખવાણો. આશુતોષે પ્રશ્નોતરી બંધ કરી, તેને પોતાની જાત પર ગુસ્‍સો આવ્‍યો. સવારથી એકધાર્યા કેટલા સવાલ-જવાબ તેણે સુનયના સાથે કર્યા હતા! સામેની વ્‍યકિતનાં ગમા-અણગામાનો તેણે ખ્‍યાલ રાખવો જોઈતો હતો. આશુતોષ પોતાની જાતને ઠપકો આપી રહ્યો, પરંતુ એ પણ શું કરે? પંદર-પંદર વર્ષના મૌન પછી વાચાનું જાણે ઘોડાપૂર આવ્‍યું હતું! મૌનનું સૈલાબ તૂટ્યું હતું. ટ્રેન પૂરપાટ ઝડપે દોડી રહી હતી. બારી બહારનાં દૃશ્‍યો જોવાઈ રહ્યાં હતાં. થોડી મિનિટની શાંતિ પછી મૌન તોડતાં સુનયના જ બોલી, ‘તમારે આરામ કરવો હોય તો ઉપરની બર્થ પર આરામ કરો.’ ‘અને તમે?’ ‘હું અખબાર વાંચીશ, સવારે મેં કહ્યું હતું ને કે બપોરે હું અખબાર વાંચુ છું.’ સુનયનાએ સસ્‍મિત કહ્યું. સુનયનાનું સ્‍મિત તેને ગમ્‍યું અને એ સાથે આશુતોષે થોડી હળવાશ અનુભવી અને કહ્યું, ‘અહીં કમ્‍ફર્ટેબલ છે, લગભગ આખી જિંદગી ઓફિસમાં બેસી સરકારી નોકરી કરી તેથી જમીને બપોરે સૂવાની મને આદત નથી અને હા, બિનજરૂરી પ્રશ્નોતરી મારે તમારી સાથે કરવી જોઈએ નહીં. આઈ એમ સોરી.’ ‘અરે... તમારે સોરી કહેવાનું ન હોય. તમે તો સ્‍વાભાવિકપણે પૂછ્યું હતું. ઈટ ઈઝ ઓ. કે.’ સુનયનાએ કહ્યું, પણ એ સાથે તેના ચહેરા પર ભારે વિષાદ ઊપસી આવ્‍યો. ‘વર્ષો વીતી ગયાં. મીઠાઈને હાથ પણ લગાડ્યો નથી. મીઠાઈ વિજયેન્‍દ્રને ખૂબ પ્રિય હતી.’ ‘વિજયેન્‍દ્ર!’ આશુતોષથી પુછાઈ ગયું.’ ‘કેપ્‍ટન વિજયેન્‍દ્રસિંહ, મારા સ્‍વર્ગસ્થ પતિ.’ સુનયનાએ કહ્યું. ‘ઓહ, આઈ એમ રિઅલી સોરી.’ આશુતોષે કહ્યું. બંને વચ્‍ચે ખાસો સમય મૌન જળવાઈ રહ્યું. ટ્રેન એક મોટા સ્‍ટેશને આવીને ઊભી રહી. ‘ચા પીશું!’ આશુતોષે કહ્યું. ચા-કોફી બંનેને પ્રિય હતાં. ટ્રેન આગળ દોડી રહી ‘ચલના હી જિંદગી હૈ...’નો જાણે મેસેજ આપતી હોય.’ ‘પાકિસ્‍તાન સામેના યુદ્ધમાં એ વીરગતિ પામ્‍યા. ભારતીય સૈન્‍યના એ બાહોશ અફસર હતા. સરહદે એક ચોકીના નિર્ણાયક યુદ્ધમાં તેઓ તેમના જવામર્દ સૈનિકો સાથે રાતભર લડતા રહ્યા. ઓછા સૈનિકબળ વચ્‍ચે પણ તેમણે દુશ્‍મનોના દાંત ખાટા કરી નાખ્‍યા હતા. વધુ સંખ્‍યાબળ ધરાવતી પાકિસ્‍તાની ફોજને તેમણે રાતભર હંફાવી. આખરે વહેલી સવારે એક બોંબ બ્‍લાસ્‍ટમાં તેમની ટુકડીના કેટલાક સૈનિકો સાથે તેઓ પણ... બ્‍લાસ્‍ટ એટલો ભયાનક હતો કે તેમના અંતિમ દર્શન પણ નસીબમાં ન રહ્યા.’ ગળગળા અવાજે સુનયના કહી રહી હતી. પોતાની વાત પૂરી કરતાં બોલી, ‘રડીશ નહીં, ભારતીય લશ્‍કરના એક બહાદુર અફસરની પત્ની છું.’ આશુતોષ અવાચક બની સાંભળી રહ્યો. ભારતીય સૈન્‍યના એક જાબાંજ સ્‍વ. કેપ્‍ટનની વિધવા તેની સાથે મુસાફરી કરી રહી હતી. સવારે મધુર પળોમાં થયેલ ગોષ્ઠિ બપોર પછીની પળોમાં ભારેખમ બની હતી. રાત્રે થોડું હળવું જમવાનું લીધા પછી રાત્રે નવેક વાગ્‍યે બંને પોતાની સીટ પર સૂઈ ગયાં. ટ્રેન મંજિલે પહોંચવા રાતભર દોડતી રહી. આશુતોષ અને સુનયના એકબીજાને છેલ્‍લા પંદરેક વર્ષથી ઓળખતા હતાં, પરંતુ એ ઓળખનું કોઈ વજૂદ નહોતું. નામ-સરનામું નહોતું. તેમને એક-બીજાના ફેમિલી બેકગ્રાઉન્‍ડની પૂરી જાણકારી નહોતી. તેઓ એક-બીજાના સ્‍વભાવ, ગમા-અણગમા વિશે કશું જાણતા નહોતા. સ્‍વ. કેપ્‍ટન વિજયેન્‍દ્રસિંહની સ્‍મરણયાત્રાને કારણે સુનયના ગઈ કાલે થોડી ડિસ્‍ટર્બ થઈ હતી. હવે એવી કોઈ વાતનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી આશુતોષ રાખી રહ્યો હતો. મુસાફરી દરમિયાન બીજા દિવસની શુભ શરૂઆત સુનયનાને વિશેષ રસ પડે તેવી કોઈ વાતથી થાય તેમ આશુતોષ ઈચ્‍છતો હતો. મોર્નિંગ ટી લેતાં આશુતોષે પૂછ્યું, ‘તમારી દીકરી પાયલ, હાલ પતિ સાથે અમેરિકામાં ખરુંને?’ પ્રત્યુત્તરમાં સુનયનાએ હળવું સ્‍મિત આપતા કહ્યું, ‘રાઈટ, જમાઈનું નામ ધ્રુવકુમાર છે. બે પેઢીથી એમનું કુટુંબ ત્‍યાં સ્‍થાયી થયું છે. હા, દૂર દેશાવરમાં દીકરી પરણાવી છે એ વસવસો થોડો સમય રહ્યો પણ હવે નથી. દીકરી દૂર હોય કે નજીક હોય તેના ઘરમાં એ સુખી હોય એ મહત્ત્વનું છે.’ ટ્રેન દોડી રહી હતી. સૂર્યનાં પહેલાં કિરણો સુનયનાના ચહેરા પર પથરાયાં હતાં. સુનયનાનો ચહેરો વધારે સુંદર ભાસતો હતો. આશુતોષ કંઈક ઊંડા વિચારમાં ખોવાયેલો હતો. જીવનમાં પહેલીવાર એ હરિદ્વાર જઈ રહ્યો હતો. થોડા દિવસ પહેલાં હરિદ્વાર આવીને રહેવાનું વિચાર્યુ હતું. ત્‍યારે પોતે ‘એકલા રામ હતા’ પરંતુ હવે સુનયનાની જવાબદારી હતી. હરિદ્વાર પહોંચ્‍યા પછી કયાં ઊતરવું? અનુકૂળ જગ્‍યા મળશે કે કેમ? સુનયનાને પસંદ પડશે કે નહીં? ટ્રેન આખરે હરિદ્વાર સ્‍ટેશને આવીને ઊભી રહી. મીઠી મૂંઝવણ સાથે આશુતોષ પ્‍લેટફોર્મ પર ઊતર્યો, પરંતુ સુનયનાએ હરિદ્વાર રેલવે સ્‍ટેશન પર એ ગતિએ ડગ ભર્યા જાણે કોઈ પરિચિત નગરમાં પ્રવેશ કરતી હોય
Read Original Article →