સ્ટ્રેઇટ ડ્રાઇવ:શિસ્તનો સૂત્રધાર સુકાની
અપૂર્વ ભટ્ટ
વાત ઓક્ટોબર, 2001ની છે. ભારતની નવયુવાન ટીમ નવયુવાન સુકાની સાથે કેન્યા અને સાઉથ આફ્રિકાની ત્રિકોણીય શ્રેણી માટે સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખેડી રહી હતી. આ ટીમમાં એક હરફનમૌલા લવરમૂછિયો 18 વર્ષનો યુવાન સામેલ હતો. તેનામાં નૈસર્ગિક પ્રતિભા ખૂબ હતી. આથી જ ટીમના સુકાનીની બાજ નજર તેના પર રહેતી.
શરૂઆતની મેચ બાદ કેન્યા સામેની મેચમાં ભારતનો રકાસ થયો અને ભારત આ મેચ 70 રને હારી ગયું. આ યુવાન તો પ્રથમ દડામાં જ શૂન્ય રને આઉટ થયો. સુકાની મનમાં ખૂબ ધૂંધવાયો પણ કોઈને કશું કહ્યું નહીં. સાંજે સુકાનીએ કહ્યું, ‘બધા ખેલાડીઓ રાત્રે 8.30 પછી હોટેલની બહાર ન જાય.’ બધા ખેલાડીઓએ આ સૂચનનું કડક પાલન કરવાનું હતું.
રાત્રે ડિનર પતાવી સુકાની પાછો આવતો હતો ત્યારે એક રૂમની લાઈટ બંધ જોઈ. તેણે આશ્ચર્યથી રૂમનું બારણું ખખડાવ્યું પણ કોઈ જવાબ ન મળ્યો. ચતુર સુકાની સમજી ગયો આ રૂમ પેલા યુવાનનો હતો.
સુકાની તરત હોટેલના સિક્યુરિટી ગાર્ડ પાસે ગયો અને તેને પૂછ્યું, અહીંની પ્રખ્યાત નાઈટ ક્લબ કઈ કઈ છે? સિક્યુરિટી ગાર્ડે માહિતી આપી. સુકાની તે ગાર્ડને સાથે લઈ એક પછી એક નાઈટ ક્લબમાં ફરવા માંડ્યો.
છેવટે એક નાઈટ ક્લબમાં પેલો યુવાન ખેલાડી ડાન્સ કરતો દેખાયો. સુકાની તરત તે ડાન્સિંગ ગ્રૂપમાં ઘૂસી તે યુવાનને કોલરથી પકડી બહાર ખેંચી લાવ્યો. સંગીત અટકી ગયું અને બધા સ્તબ્ધ થઈ ગયા. યુવાનને એક પણ શબ્દ બોલ્યા વિના સુકાનીએ ગુસ્સાભરી કાતિલ નજરે તેની સામે જોયું અને યુવાન ચુપચાપ સુકાની સાથે ચાલવા લાગ્યો. સુકાનીની અનુભવસિદ્ધ પરિપક્વતાએ કે આ ઘટના બાબતે તેણે યુવાન વિશે ટીમ મેનેજમેન્ટને કોઈ ફરિયાદ ન કરી, અરે કોઈને ઘટનાનો અણસાર સુધ્ધાં ન આવ્યો.
બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર યુવાન બેઠો હતો ત્યાં સુકાની આવ્યો અને પ્રેમથી તેના ખભે હાથ મૂકી કહ્યું, ‘મારી સાથે જે બન્યું હતું, તે તારી સાથે નહીં જ બનવા દઉં. પ્રતિભા ગમે તેટલી હશે પણ શિસ્ત નહીં હોય તો પ્રગતિ નહીં થાય. એકવાર ફેંકાઈ ગયા પછી પાછું ફરવું ખૂબ કઠિન છે, મારા નાના ભાઈ…’
યુવાનની આંખમાં આંસુ આવી ગયાં અને સુકાનીને પ્રોમિસ આપ્યું, ‘હવે ક્યારેય આવું નહીં બને.’ ત્યારબાદ એક જ વર્ષમાં આ યુવાને ઇંગ્લેન્ડમાં ‘નટવેસ્ટ સિરીઝ’ની ફાઇનલમાં ઇંગ્લેન્ડને પરાજિત કરી પોતાના સુકાનીનું ઇંગ્લેન્ડમાં ટ્રોફી જીતવાનું સ્વપ્ન પૂરું કર્યું. સુકાનીએ આ વિજયની લોર્ડ્સની બાલ્કનીમાં યાદગાર ઉજવણી કરી.
મિત્રો, આ યુવાન એટલે ભારતનો સ્ફોટક બેટમેન યુવરાજ સિંઘ (યુવી) અને તેને શિસ્તના પાઠ શીખવનાર ભારતનો યશસ્વી સુકાની સૌરવ ગાંગુલી (દાદા).
Read Original Article →