અસ્તિત્વની અટારીએથી:સોમનાથના સાંનિધ્યમાં
ભાગ્યેશ જહા કેટલીક ક્ષણો શાશ્વતના તિલક સાથે તમારી પાસેથી પસાર થતી હોય છે. અસ્તિત્વ જ્યારે ૐકારથી ઊભરાતું લાગે અને મૌનને સાગરનાં મોજાંઓ માંજતાં હોય એવી અનુભૂતિ વિસ્તરે ત્યારે ‘શિવસામીપ્ય’ અંગેનો શંકરાચાર્યનો શબ્દ સાંભળી શકાય. શિવમાનસપૂજા જેવા અદભુત સ્તોત્રમાં કહે છે, ‘આ સ્તોત્ર કરવાથી ‘સામીપ્યમુક્તિમથવા લભતે મનુષ્ય:’ એવી મુક્તિ જે શિવસામીપ્યનો અનુભવ કરાવે. આ ભગવાન શિવની સમીપતા એટલે શું? આવું કશુંક આ દિવસોમાં સોમનાથના પુનરોદ્ધારના પંચોતેરમા વર્ષની ઉજવણીમાં અનુભવાયું.
વાતાવરણમાં ડમરુનાદનું જે પવિત્ર ભાવાવરણ સર્જાયું હતું તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શિવશક્તિ’ની બહુ જ સૂક્ષ્મ વાત કહી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સ્થપાયેલા ‘શિવશક્તિ પોઇન્ટ’ અને સોમનાથની ભક્તિથી આર્દ્ર બનેલી હવાને બહુ ભીતરનો સંબંધ છે. બાણસ્તંભ જેવા સ્વયંભૂ શિવલિંગની તેજરેખા બ્રહ્માંડની ઊર્જા સાથે એકાકાર કરી શકતા બહુ જ અલભ્ય એવાં વિશ્વ સ્થળોમાંનું એક છે. સોમ અને રોહિણીની પુરાણકથામાં તો સોમની શિવભક્તિનો ઉલ્લેખ છે પણ એનો ઘેરો અને ગહન સંબંધ વ્યક્તિ અને સમષ્ટિના સંબંધ સાથે જોડાયેલો છે. એનું જોડાણ શિવશક્તિની અભિન્નતા અને રહસ્યમય અસ્તિત્વના ઊંડાણમાં છે.
આ શિવસામીપ્યનો મહિમા શંકરાચાર્યે સરસ રીતે ગાયો છે, પણ સ્તોત્રને એના કવિત્વ અને તત્ત્વજ્ઞાનીય સંદર્ભમાં માણીએ ત્યારે જ અનુભવી શકાય છે. ડો. જુડસન એલિન બ્રેવર એમના પુસ્તક ‘કાર્વિંગ માઇન્ડ’ માટે જાણીતા છે. એમને કહેલું ‘બ્રેન રિવાયરિંગ’ એ શિવશક્તિના ઉપાસકોને શંકરાચાર્યે, મારી સમજ પ્રમાણે, ત્રણ જગ્યાએ ઉલ્લેખ્યું છે. પહેલીવાર જ્યારે શંકરાચાર્ય એમ કહે છે: ‘હું મન બુદ્ધિ અહંકાર કે ચિત્ત નથી પણ હું કેવળ આનંદ શુદ્ધ ચૈતન્ય શિવ છું.’ ‘શિવોહમ્’ એ મોટી આત્મપ્રતીતિ છે. આ બહુ ગહન વિધાન છે. શિવસાધનામાં 70% માહત્મ્ય મનના ‘વિસર્જન’ કે ‘વિસર્જનની કેળવણી’માં છે. હું માત્ર એ શુદ્ધ ચૈતન્ય છું એ શિવસમાધિની અવસ્થા આજના મનોવૈજ્ઞાનિક સંશોધનનો પ્રમુખ વિષય બની રહ્યો છે.
ડો. રોબિન લેસ્ટર કારહાર્ટ-હેરિસ જેવા અનેક મનોવૈજ્ઞાનિકો સંશોધનને સોમનાથની તીર્થભૂમિમાં અનુભવવાનો પ્રયત્ન કરીએ ત્યારે સમજાય છે કે વેદકાળથી બોલાતું સનાતન મંત્ર જેવું સૂત્ર तन्मे मन: शिव संकल्पमस्तु એ ગહન રીતે મનની અતિઆધુનિક ન્યૂરોપ્લાસ્ટીસિટી વૈજ્ઞાનિક વલણ સાથે જોડાયેલી છે.
Read Original Article →