અસ્તિત્વની અટારીએથી:સ્મૃતિબોધ કે સ્મૃતિબોજ?
ભાગ્યેશ જહા
ઘણીવાર દૃશ્યો આપણો પીછો નથી છોડતાં, આપણે તો ગૌતમ બુદ્ધ નથી કે સામાન્ય માણસોનાં દુ:ખનાં દૃશ્યમાંથી સંસારનો સાર શોધીને સનાતન સૂત્રો આપી શકીએ. પરંતુ, જ્યારે મન દૃશ્યને ઝીલે છે, ત્યારે સંવેદન તો જરૂર જગવે છે. કેટલાંક દૃશ્યોની વાત કરવી છે, એક મરણોન્મુખ વડીલ આંખમાં આંસુ સાથે કહેતા હતા: ‘બધું બહુ જ યાદ આવે છે. આખી જિંદગીનું જાણે કે ચલચિત્ર દેખાય છે!’
એક વિધવા સ્ત્રી એના પતિને યાદ કરીને રડે છે, મૃત્યુની કાળી છાયા ઓઢીને બેઠેલું એનું અસ્તિત્વ બહુ ઉંડાણ સુધી મને દઝાડે છે. ‘મારે સમજાવવું હતું કે બેન તું એકલતાને એકાંતમાં પરિવર્તિત કરી દે, પણ આંસુ એક દરિયો બનીને ગર્જે ત્યારે ડહાપણ પણ મ્યાનમાં જ રહી જાય છે.
એક નિવૃત્ત કર્મયોગી પોતાના યુવાનીના દિવસોને યાદ કરીને થોડું ગૌરવ અને થોડું ગુમાવ્યાનું સ્મરણ કર્યા કરે છે. અહીં હતાશા અને કશું ચૂકી ગયાનો ભાવ એક વિષાદભરી પરિસ્થિતિ ઊભી કરે છે. તો હમણાં જ વિદેશ ફરીને આવેલા યુગલની વાતોમાં સ્મૃતિઓમાં છલોછલ આનંદ ભરેલો છે.
એક બીજા દૃશ્યમાં પુત્ર અને પુત્રીઓની સિદ્ધિઓની વાત કરતાં કરતાં મા-બાપની આંખમાં હર્ષનાં અશ્રુ છે. આવાં અનેક દૃશ્યોની વણઝાર આવે છે, બધા પ્રસંગો વર્તમાનના કે ગઈકાલે વિતેલા સમયનાં ચિત્રોને કેવા સજીવન કરી શકે છે! નહીં તો શંકરાચાર્ય તો ગાઇ ઊઠ્યા હતા કે कालो जगद्भक्षक:। પણ સ્મૃતીવીર લોકો કાળને પકડીને એ ક્ષણોને સ્મૃતિ થકી પુનર્જીવિત કરી શકે છે, જે કાળની ગર્તામાં ધકેલાઈ ગયી હતી! આ રોમાંચ પામવા માટે સ્વયંની સ્મૃતિ સાથે વાત કરવાની તાકાત અને આવી ક્ષણે કાળની પકડમાંથી નીકળીને સાક્ષીભાવે સંબંધો કે બનાવોને જોવાનું ચક્ષુકૌશલ્ય કેળવ્યું હોય!
જો આ સાવધાની કે સાધના ન હોય તો સ્મૃતિના સળવળાટથી ક્યાંક પ્રસન્નતા, તો ક્યાંક વિષાદ, ક્યાંક આંસુ તો ક્યાંક ઘેરો અંધકાર જોવા મળે છે. શું છે, આ સ્મૃતિ, આનંદરેખા છે કે અભિશાપ? ભગવાને અથવા કુદરતે મનુષ્યને સ્મૃતિનું વરદાન આપ્યું છે, એ સ્મૃતિ એને જીવતો રાખે છે, એને કશુંક કરવાની પ્રેરણા આપે છે, અથવા જે લોકો શક્તિ ગુમાવી બેઠા છે એ લોકો સ્મરણમાં પોતાના જીવનને વાગોળે છે અને સ્મૃતિમાંથી પણ જીવનનો રસ પામે છે. ‘સ્મૃતિ’ને એકરીતે નથી જોવી. એ ટાઇમ-સ્પેસની ના સમજાય તેવી અટપટી દુનિયા ખોલી આપે છે. એ મનના ઓરડામાં સ્મૃતિ સાહિત્યના શબ્દો બની અજવાળું પાથરે છે. પ્રિયતમાની યાદ ક્ષણને એક થડકાર બનાવે છે. આ સ્મૃતિની અલૌકીક શેરીના નાકે બેસીને લખવું એ પણ અનોખી ઘટના છે. કેવા હશે એ દિવસો! જ્યારે કોઈ ઉપનિષદના ઋષિ કે વેદના મંત્રદૃષ્ટાએ પહેલી વખત કોઈ દેવદત્ત પંક્તિને બીજા દિવસે સવારે ફરીથી સાંભળી હશે, અને પછી સ્મૃતિમાંથી આવીને વારંવાર અને વરસો-વરસ સાંભળી હશે. ક્યારેક કોઇ મંત્રને એની જીવનકથા કહેતો સાંભળવો જોઈએ. આ એવી સ્મૃતિનો ચમત્કાર છે, જ્યાં કાળ પણ થોભી જાય! કેવું બન્યું હશે!
એક પ્રબુદ્ધવર્ગે, આવાં મંત્રોને, પેઢી દર પેઢી હજારો મંત્રોને ન કેવલ યાદ રાખ્યા, પણ આવનારી પેઢીના યુવાનોના ચિત્તમાં એને સંસ્થાપિત કર્યા. અને આ ઉત્તરાધિકારી પેઢીએ પણ એ ગ્રંથોને પોતાની અસાધારણ સ્મૃતિશક્તિથી સાચવી રાખ્યા. જેને આપણે ‘સ્મૃતિગ્રંથો’ કહીએ છીએ.
ઉપનિષદના વિદ્યાર્થી તરીકે હું કહી શકું કે આ માનવતાનું ‘બ્લેકબોક્સ’ છે. આ સ્મૃતિગ્રંથોએ આપણી ‘સામૂહિક સ્મૃતિ’(Collective memory)ને સમૃદ્ધ બનાવી. એ સ્મૃતિએ સંસ્કાર જગાવ્યા, એ સામૂહિક સજ્જનતા ભરેલા વર્તનથી જે રચાઇ તે સંસ્કૃતિ. આજે સ્મૃતિનાં અનેક સ્વરૂપો પ્રગટી રહ્યા છે ત્યારે મનુષ્ય ચેતનાના આ ‘મહા ડેટા સેન્ટર’નું સ્મરણ કરવાનો પણ એક આનંદ છે.
સંસારની સ્મૃતિનો અનોખો સંસાર છે. સ્મરણની છટાઓને ઉમાશંકરે અદભુત રીતે એમના કાવ્યોમાં પ્રગટ કરી છે. ‘મળ્યાં વર્ષો તેમાં….’ પ્રગટ કરી છે, નેસડે નેસડે ફરીને ઝવેરચંદ મેઘાણીએ આખી પ્રજાનું જાણે કે ચૈતન્ય ભેગું કરીને આપણને પીરસ્યું! સ્મૃતિની આવી સુરભિત ગતિથી તો ભાષા પણ ગંધવતી પૃથ્વીની જેમ ઉર્વરા બની ગઇ.
મહર્ષિ વેદ વ્યાસ પણ એમ કહે છે: ‘હું મારી સ્મૃતિથી આ મહાભારતને ઇતિહાસ તરીકે પ્રસ્તુત કરું છું.’ સ્મૃતિ મનુષ્યને મળેલું વરદાન છે. જેને સ્મૃતિની ખેતી કરતા આવડે છે એ લોકો તો વર્તમાનને ક્યારેક ગજવામાં મૂકી દઈને નીકળી પડે છે પોતાના બાળપણમાં! કે યુવાનીમાં! કોઈ ક્ષણના મોટા ગુંબજ નીચે, અસ્તિત્વનાં પડળને ઉકેલ્યાં હોય એવી સ્મૃતિમાં જાતને તરબોળ્યા કરે છે… નરસિંહને જે સ્મૃતિ શાખ દે છે એ મીરાંના તંબૂરમાં અલગ રીતે ઝણઝણી ઊઠે છે.
આજે રણભેરીઓ અને શંખનાદ વચ્ચે અર્જુનને સંભારવો છે, જેણે કહ્યું, नष्टो मोह: स्मृतिर्लब्धा|અર્જુન કઈ સ્મૃતિ પામ્યો હતો, કદાચ આજે આપણે આ પ્રશ્નનો જ સ્મૃતિના અજવાળામાં જવાબ આપવો છે. આ મનુષ્યની અર્જુનક્ષણ છે, આંસુની પારદર્શક ત્વચાને ઓળંગીને મનની ગતિને ઓળખવાની છે. આપણે અસાધારણ સમયના આંગણે ઊભા છીએ ત્યારે મનનાં ઓજારો ઓળખવાં જરૂરી છે.
મારે મન સ્મૃતિ એક નાભિમાં જ રહેલી કસ્તૂરી છે. અસ્તિત્વની આ અલૌકિક અસ્ક્યામતમાં એક અજવાળાનો અવસર અણઉકલ્યો આલાપે છે! આનંદો!
Read Original Article →