ટૂંકી વાર્તા:સ્મરણોની સોડમ

Magazine5/10/2026, 12:50:00 AM
ટૂંકી વાર્તા:સ્મરણોની સોડમ
ઉર્મિલા બહેન ત્રિવેદીનાં પુત્રી મીરાં ત્રિવેદી કેમ, આજે કઢીનો સ્વાદ જીભે નથી આવતો?’ નિષાદે પત્ની સાચીને મોંમાં કોળિયો મૂકતા પૂછ્યું. ‘બરાબર તારી મમ્મા જેવી જ કઢી બનાવી છે મેં, તેં જ તો કહ્યું હતું કે તેમાં થોડો ગોળ અને આદું વધારે નાખજે!’ પત્નીના શબ્દો સાંભળીને નિષાદના હાથમાં રહેલો કોળિયો અધવચ્ચે જ રોકાઈ ગયો. તેણે થાળીમાં પીરસેલી કઢી સામે જોયું. પીળો રંગ, રાઈ-મેથીનો વઘાર અને ઉપર તરતાં લીમડાનાં પાન- બધું જ તેની મમ્મા, સુજિતાબહેનના હાથની રસોઈ જેવું જ દેખાતું હતું. પણ સ્વાદ? નિષાદે મનોમન વિચાર્યું, ‘રેસિપી તો ચોપડીમાં લખી શકાય, પણ એ માની મમતા કયાં પાનાં પર ઉતારી શકાય?’ નિષાદ અમદાવાદની પ્રતિષ્ઠિત બેંકમાં મેનેજર હતો. સુખસાહ્યબીની છોળો ઊડતી હતી, પણ છ મહિના પહેલાં તેની મમ્મા સુજિતાબહેનનું આકસ્મિક અવસાન થયું. પછી તેના જીવનમાં ખાલીપો ફરી વળ્યો હતો. પ્રેમાળ પત્ની સાચી નિષાદનું ખૂબ ધ્યાન રાખતી, પણ નિષાદને હજુય એવું લાગતું કે રસોડામાંથી કોઈ તેને સાદ પાડીને બોલાવતું નથી. સુજિતા એટલે સાક્ષાત્ અન્નપૂર્ણા. તેનું આખું જીવન રસોડાના ધુમાડા અને પરિવારના સભ્યોની તૃપ્તિ વચ્ચે વીત્યું હતું. નિષાદ નાનો હતો ત્યારથી જ તેણે જોયું હતું કે મમ્મા ક્યારેય થાકતી નહીં. સવારે પાંચ વાગ્યે ઊઠીને વેજીટેબલ સૂપ બનાવવાથી માંડીને રાત્રે નિષાદ દૂધ પી લે ત્યાં સુધી મમ્મા સતત કામમાં રચીપચી રહેતી. આજે નિષાદ અતીતરાગમાં સરી પડ્યો છે. તેને બરાબર યાદ છે. તે દસમા ધોરણમાં હતો. બોર્ડની પરીક્ષા ચાલતી હતી. અચાનક મોડી રાતે તેને ભૂખ લાગી. તે રસોડામાં ગયો ને જોયું કે મમ્મા હજુ જાગતી હતી. ‘કેમ બેટા, ભૂખ લાગી છે?’ મમ્માએ હસીને પૂછ્યું. ‘હા મમ્મા, પણ આટલી રાતે તું કેમ જાગે છે?’ ‘તારાં પેપર પૂરાં ન થાય ત્યાં સુધી મારે વળી ઊંઘ કેવી? મારા હાથની સુખડી તને ભાવે છેને?ચાલ, ગરમાગરમ સુખડી બનાવી આપું. તારું મગજ તેજ ચાલશે.’ એ રાત્રે મમ્માએ બનાવેલી સુખડીનો સ્વાદ નિષાદ આજે પણ ભૂલી શક્યો નથી. એ સુખડીમાં માત્ર લોટ, ઘી અને ગોળ નહોતો, પણ દીકરાના ભવિષ્ય માટેની માની પ્રાર્થનાઓ ભળેલી હતી. નિષાદ માત્ર આઠ વર્ષનો હતો. તેના ડેડી મૃત્યુ પામ્યા. ઘરની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. સુજિતાબહેને હિંમત હાર્યાં વગર ઘરે બેઠાં ટિફિન સેવા શરૂ કરી. એ સમયના સંઘર્ષને યાદ કરતા નિષાદની આંખમાં ભીનાશ ઊભરી આવી. વૈશાખની ધોમધખતી બપોરે, આખું શહેર એ. સી. કે પંખા નીચે આરામ કરતું હોય, ત્યારે મમ્મા રસોડામાં ધગધગતા ગેસ સ્ટવ પાસે ઊભી રહીને સો-સો રોટલીઓ વણતી. તેના કપાળ પરથી ટપકતો પરસેવો અને હાથમાં પડતા ફોલ્લા એ નિષાદના ભવિષ્યના ઘડતરના પાયાના પત્થરો બન્યા. એકવાર નિષાદે પૂછ્યું, ‘મમ્મા, તું આટલી ગરમીમાં કેમ કામ કરે છે? તને થાક નથી લાગતો?’ મમ્માએ હસીને કહ્યું હતું, ‘બેટા, તારા ભણતરની ફી જ્યારે આ રોટલીના પૈસામાંથી ભરાય છે, ત્યારે મારો બધો જ તાપ શીતળતામાં બદલાઈ જાય છે.’ માના એ શબ્દોમાં જે ગરિમા હતી, તે આજે નિષાદને સમજાયું કે દુનિયાની કોઈ મોટી ડિગ્રી શીખવી શકતી નથી. વર્તમાનમાં પાછા ફરતા નિષાદે ખીચડી-કઢીનો કોળિયો મોંમાં મૂક્યો. સાચી આતુરતાથી તેની સામે જોઈ રહી હતી. ‘કેવી બની આજની રસોઇ?’ તેણે પૂછ્યું. નિષાદે પરાણે સ્મિત કર્યું, ‘સરસ છે, સાચી.’ પણ નિષાદ જાણતો હતો કે ક્યાંક કંઈક ખૂટે છે. તે રાતે નિષાદ ઊંઘી ન શક્યો. તે મમ્માના રૂમમાં ગયો અને તેમનો વોર્ડરોબ ખોલ્યો. તેમાં મમ્માની જૂની સાડીઓ, ડ્રેસીસ, પાર્ટી ગાઉન, કો-ઓર્ડ સેટ અને કેટલીક ડાયરીઓ હતી. એક ડાયરીમાં મમ્માએ વિવિધ વાનગી બનાવવાની રીત લખી હતી, પણ છેલ્લે એક વાક્ય લખ્યું હતું: ‘રસોઈમાં મસાલા કરતાં પણ વધુ રસોઇ બનાવનારનો અને પીરસનારનો ભાવ મહત્ત્વનો છે.’ બીજે દિવસે રવિવાર હતો. નિષાદે નક્કી કર્યું કે આજે તે જાતે રસોઈ બનાવશે. તેણે બધું જ મમ્માની પદ્ધતિથી કરવાનું શરૂ કર્યું. તેને યાદ આવ્યું કે મમ્મા શાક વઘારતી ત્યારે હંમેશાં શ્રીહરિનું નામ લેતી. અન્નપૂર્ણા સ્રોત સૂરીલા કંઠે ગાતી. તે કહેતી, ‘આપણે જે બનાવીએ છીએ તે માત્ર વાનગી કે ભોજન નથી, એ તો અન્નપૂર્ણાનો પ્રસાદ છે.’ નિષાદે કઢીમાં વઘાર કરતાં પહેલાં થોડી મિનિટ સુધી મસાલિયાને પકડી રાખ્યું. તેને યાદ આવ્યું કે મમ્મા રસોઈ બનાવતી વખતે જૂના સ્ટીલના મસાલિયાંનો ઉપયોગ કરતી. સાચી કાચની બરણીઓમાં મસાલા રાખતી, પણ નિષાદે એ મસાલિયું શોધી કાઢ્યું અને જોયું કે મસાલિયાની ડબ્બીમાં તળિયે હજુ પણ થોડી હળદર હતી. એ હળદરનો સ્પર્શ નિષાદને પવિત્ર ભસ્મ જેવો લાગ્યો. જેમ જેમ રસોઈ તૈયાર થતી ગઈ, તેમ તેમ નિષાદને લાગવા માંડ્યું કે જાણે મમ્મા તેની બાજુમાં જ ઊભી રહીને તેને સૂચના આપી રહી છે! ‘બેટા, હિંગ થોડી વધારે નાખ... જો, તેલ બહુ ગરમ ન થઈ જાય…’ નિષાદની આંખો ભીની થઈ ગઈ. તેને સમજાયું કે મમ્મા તેને મૂકીને ક્યાંય ગઈ જ નથી. તે તો તેના સંસ્કારોમાં, તેની આદતોમાં અને તેની યાદોમાં જીવંત છે. બપોરે નિષાદ અને સાચી જમવા બેઠાં, ત્યારે વાતાવરણમાં પવિત્રતા છવાઇ ગઇ. નિષાદે આજે મમ્મા બનાવતી એવાં જ ખીચડી અને કઢી બનાવ્યાં હતાં. નિષાદે જમવાની થાળી પીરસી, ત્યારે તેણે મમ્માની પદ્ધતિ મુજબ થાળીની આસપાસ જળનું આચમન કર્યું. આ નાની એવી ક્રિયામાં જે સંસ્કાર હતા, તે નિષાદને તેની સંસ્કૃતિ અને તેની મા સાથે ફરીથી જોડી રહ્યાં હતાં. સાચીએ પહેલો કોળિયો મોંમાં મૂક્યો અને તેને ભારે નવાઇ લાગી. ‘નિષાદ! આ તો બિલકુલ મમ્મા જેવો જ સ્વાદ છે! તેં શું નાખ્યું આમાં?’ નિષાદે કહ્યું, ‘સાચી, તને ખબર છે? મમ્મા હંમેશાં કહેતી કે રસોઈમાં મીઠું ઓછું હશે તો ચાલશે, પણ પીરસવામાં મર્યાદા અને હેત ઓછાં ન હોવાં જોઈએ. જમનારી વ્યક્તિ માત્ર પેટ ભરીને નહીં, પણ હૃદય ભરીને ઊભી થવી જોઈએ.’ નિષાદે સાચીને કહ્યું, ‘સાચી, ખબર છે તને? મમ્મા વારે-તહેવારે આખી સોસાયટી માટે લાડુ બનાવતી. કોઈ ગરીબ બાળક ઘર પાસે આવે તો તેને સૌથી પહેલાં જમાડતી. મમ્મા માટે ‘વસુધૈવ કુટુંબકમ’ માત્ર સંસ્કૃત શ્લોક નહોતો, પણ તેની જીવનશૈલી હતી.’ નિષાદની આંખમાંથી આંસુ ટપકીને થાળીમાં પડ્યું. તેણે ગળગળા અવાજે કહ્યું, ‘મેં આમાં મમ્માની મમતા અને તેમનું સ્મરણ ઉમેર્યાં છે. આજે સમજાયું કે રસોઈ એ માત્ર વિજ્ઞાન નથી, પણ એ તો એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચવાનો સેતુ છે.’ નિષાદને લાગ્યું કે તેના અંતરનો ખાલીપો ભરાઈ રહ્યો છે. તેની મમ્મા ભૌતિક રીતે ભલે ન હોય, પણ તેના આશીર્વાદ હંમેશાં તેની સાથે છે. સાચીને પણ અહેસાસ થયો કે પોતે ભલે ગમે તેટલી આધુનિક રેસીપી બુક્સ વાંચી લે, પણ મમ્માની એ ‘ચપટીક’ મીઠું અને ‘મુઠ્ઠીભર’ મમતાની ગણતરી તેને કોઈ પુસ્તક નહીં શીખવે. સાંજે તે બગીચામાં બેઠો હતો, ત્યારે પવનની લહેરખીમાં તેને મમ્માની સાડીની સુગંધ અનુભવાઈ. તેણે આકાશ સામે જોયું અને મનોમન કહ્યું, ‘મમ્મા, આજે તારી રસોઈમાં મને તું ફરીથી મળી ગઇ. તેં બનાવેલી રસોઇ એ માત્ર સ્મરણોનો સંગ્રહ નથી, પણ તારી મમતાની અખંડ જ્યોત છે. તેનાથી મારું જીવન ઊજળું છે.’ હવે રોજ મમ્માનાં સ્મરણોની સોડમ નિષાદના ઘરના રસોડામાં ફરી વળે છે. સાચીએ પણ હવે સાસુ સુજિતાબહેનની જેમ જ ભોજનમાં ‘ભાવ’ ઉમેરવાનું શીખી લીધું છે. રાત્રે નીરવ શાંતિમાં નિષાદ મમ્માના રૂમની બાલ્કનીમાં ગયો. તેને લાગ્યું કે માનો અવાજ પવનમાં ભળીને તેના કાનમાં ગુંજી રહ્યો છે. તેને એ રાત યાદ આવી જ્યારે મમ્મા તેને વાર્તાઓ કહીને સુવડાવતી. મમ્મા કહેતી, ‘નિષુ બેટા, તું ગમે તેટલો મોટો થઈ જાય, પણ જો તું મારા હાથની રસોઈ અને મેં સિંચેલા સંસ્કારોને ભૂલી જઇશ, તો મૂળ વગરના વૃક્ષ જેવો થઈ જઇશ.’ આજે નિષાદને એ મૂળ પાછાં મળી ગયાં હતાં. તેણે સાચી સામે જોઈને સ્મિત કર્યું અને કહ્યું, ‘આવતીકાલે આપણે મમ્માની યાદમાં અનાથાશ્રમમાં જઈને બધાં બાળકોને જમાડીશું. રસોઈ હું પોતે બનાવીશ. મારે જોવું છે કે મારી મમ્માની મમતા બીજાં બાળકોના ચહેરા પર કેવું રીતે સ્મિત રેલાવે છે.’ સાચીને ગર્વ થયો કે તેની પાસે એવો પતિ છે જે પોતાની માનાં મૂલ્યોને આટલી હદે વરેલો છે. એ રાત્રે નિષાદને ખૂબ શાંતિથી ઊંઘ આવી. તેને સપનામાં પણ મમ્મા દેખાઇ, જે તેને કહી રહી હતી, ‘બેટા, તેં આજે ખરેખર સ્મરણોની સોડમ રેલાવી!’ નિષાદના દિલને એ વિચાર સ્પર્શી ગયો કે માની મમતા કોઈ એક દિવસ કે એક ઘટના પૂરતી મર્યાદિત નથી. એ તો નિરંતર વહેતી સરિતા છે, જે આપણા જીવનના રણને લીલુંછમ રાખે છે. નિષાદ માટે હવે રસોડું એ માત્ર રાંધવાની જગ્યા નહોતી, પણ મમ્મા સાથે મુલાકાત કરવાનું મંદિર હતું. તે અદૃશ્ય રહીને પણ નિષાદના જીવનના દરેક સ્વાદને પરિપૂર્ણ કરે છે.
Read Original Article →