એન્કાઉન્ટર:શોલે’ ફિલ્મમાં ધર્મેન્દ્ર પાણીની ટાંકી ઉપર ચઢ્યો, એ બતાવ્યું, પણ ઊતર્યો કેવી રીતે ?

Magazine5/24/2026, 12:35:00 AM
એન્કાઉન્ટર:શોલે’ ફિલ્મમાં ધર્મેન્દ્ર પાણીની ટાંકી ઉપર ચઢ્યો, એ બતાવ્યું, પણ ઊતર્યો કેવી રીતે ?
કીભાભીએ બનાવેલી કઇ વાનગી તમને સૌથી વધુ ભાવે? (ડૉ.મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ) - ઈંગ્લિશમાં કહેવત છે, ‘Beggars are not chosers!’  મોટ૨-ડ્રાઇવિંગ સ્કૂલોમાં રસ્તા પરના ખાડા-ટેકરા પરથી વાહન ચલાવવાની ટ્રેનિંગ ન આપવી જોઇએ? (ડૉ. સંકેત શેઠ, કરમસદ) - એને લગતી ટ્રેનિંગ રસ્તે ચાલનારાઓને આપવી જોઇએ!  સેવા માટે તન અને મનની સાથે શું ધનની પણ જરૂર પડે? (અમૃત સોલંકી, બોટાદ) - પ્રભુ તો બધા માટે ફ્રી હોય છે… ફક્ત વચેટિયાઓને સાચવવાના હોય છે!  સેલ્ફીનો ક્રેઝ કેમ વધી ગયો?(કિરણ મોવડીયા, માણસા) - કારણ કે, એમાં જગતનો સર્વોત્તમ સુંદર ચહેરો દેખાય છે!  લાગણીનો અતિરેક એટલે શું?(હિતેશ દમણીયા, સુરત) - બસ. એક મા સિવાય બધા આમાં ડૂબેલા છે!  શું ખીચડો એ ખીચડીનો ઘરવાળો છે?(શિવમ યાજ્ઞિક, રાજકોટ) - અફ કૉર્સ, એ ખીચડી કરતાં વધુ તગડો અને ભરાવદાર હોય છે.... અને, એને એની પ્રતિષ્ઠાની પડી છે. એ બારે માસ રંધાતો નથી!  ‘હલવા પાર્ટીમાં’ નાણાં મંત્રીએ બજેટ-કમિટીને હલવો બનાવીને ખવડાવ્યો! પ્રજાએ શું આશા રાખવાની? (શશિકાંત મશરૂ, જામનગર) - ‘હળવા’ થવાની પાર્ટીની!  ટીવી અને બીવી-બેમાંથી એકની પસંદગી કરવી પડે તો? (જીતેન્દ્ર કેલા, મોરબી) - ના પાડી દેવાની! ટીવીને વળગ્યા રહો તો નાનકડી ઈસ્ત્રીય નહીં આવે!  ના તો એ તૂટેલી છે, ના ફૂટેલી....છતાં એને ‘તૂટી-ફૂટી’ કેમ કહેવાય છે? (પ્રવીણ મેહતા, કેશોદ) - તમને આનો જવાબ ખબર નથી, છતાં તમને ‘પ્રવીણ’ કહેવાય છેને?  સ્ત્રી પોતે શક્તિ હોવા છતાં એનું સશક્તિકરણ કરવાનું? (કનુ જોશી, વડોદરા) - પુરુષ તમને કયે દહાડે ઢીલો લાગ્યો?  તડબૂચ અને સકરટેટી વચ્ચે શું સામ્ય?(હર્ષ હાથી, ગોંડલ) - બંનેને બચકું ભરીને ખાઇ ન શકાય!  ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કે બુદ્ધિ વિફરે તો વિનાશકાળ આવે? (અપેક્ષા વૈષ્ણવ, અંજાર-કચ્છ) - આપણામાંથી કોઇનો કાળ કદી આવ્યો નથી, અર્થાત્....બુદ્ધિ સલામત છે!  રવિવારે કેટલું ઊંઘવું જોઇએ?(યોગેશ શાંતિ પટેલ, વડોદરા) - તમારું નામ છપાઇ ગયું. બસ, હવે હાલાં કરી જાઓ!  રાજ કપૂરની ફિલ્મ ‘બોબી’ની રીલિઝના અઠવાડિયા પહેલાં સિનેમાઓ પર લાંબી લાઇનો લાગતી… આજે? (પરેશ અંતાણી, રાજકોટ) - ઓહ....હવે તો એ લાઇન વિખરાઇ ગઇ હશે!  ‘વૉટ્સઍપ’માં સવાલ પૂછવાની મંજૂરી આપોને? (રાજેન્દ્ર ચૌહાણ, મોરબી) - પછી તમને વૉટ્સઍપમાં જમવાની, હાલાં કરી જવાની કે વાઈફ સાથે પ્રેમો કરવાનીય મંજૂરી માગશો!  આ તો તમે કીધું, એટલે વળી મેં સવાલ પૂછ્યો, નહીં તો માંડી વાળત! (દીપક પરમાર, જામનગર) - મેં ન કીધું હોત તો કેવો બચી જાત?  તમારા ઘેર કેરીનો રસ પીવા આવું?(અભિ રહેવર, હિંમતનગર) - ચોક્કસ આવો, પણ લાઇનમાં આવો!  સ્ટેન્ડ-અપ કૉમેડીમાં દ્વિઅર્થી બહુ આવવા માંડ્યું છે...! (વિપુલ ચપલા, વડોદરા) - તમને બીજા અર્થની ખબર કેવી રીતે પડી?  શું જેને સાહિત્યમાં રસ હોય, એ જ સાહિત્યકાર બની શકે? (સાગર ખોરસીયા, પાલિતાણા) - પોસ્ટ કાર્ડ લખતા આવડે, એય સાહિત્યકાર બની શકે!  અવસાન નોંધની જેમ જન્મ નોંધ છાપામાં કેમ આવતી નથી? (અશ્વિન મોરે, વડોદરા) - 400 પાનાંનું છાપું કાઢવું પડે!  નારીને નમણી કહેવાય તો પુરુષને?(રૂપમ ધાંધલા, તળાજા) - પુરુષને કદી નમણો ન કહેવો… લોકો શંકા કરવા માંડે!  સ્ત્રીને પૈસાદાર પુરુષ કેમ ગમે છે?(મહેશ સપનાવાલા, નરોડા) - પુરુષ હોય કે સ્ત્રી… પૈસાદારો બધાને ગમતા હોય!  ગુસ્સાને કાબૂમાં રાખવા શું કરવું જોઇએ? (શ્યામ ચૌહાણ, કોડિનાર) - ગુસ્સો આવવાની મિનિટ પહેલા ઊંડા શ્વાસ લેવા.  સાચું અને સારું જીવન જીવવા શું કરવું જોઇએ? (નીતિન ચાવડા, અમદાવાદ) - તમને બેમાંથી એક જ ઓપ્શન મળે. કાં સાચું જીવો ને કાં સારું!  તમાકુવાળા મસાલાને ઘણા ‘માવો’ કેમ કહે છે? (યોગેશ જોશી, હાલોલ) - ફાલતુ રસોઇને ઘણા જમણવાર કહે છે.  તમને મમતાદીદી કોલકાતા બોલાવે છે. (દિલીપસિંહ રાઠોડ, સિહોર) - ઓહ. એમનો ટેસ્ટ આટલો ઊંચો છે?  હું પણ હાસ્યલેખો લખું છું. વાંચશો?(નીતા જેઠવા....?) - ઓહ. તમને તો તમારા શહેરનું નામેય ખબર નથી!  કેટલાક માણસો સોશિયલ મીડિયામાં ઓનલાઇન હોવા છતાં ‘નોટ અવેલેબલ’ કેમ લખે છે?(અવિરત પટેલ, ભાવનગર) - હવે સમજ્યા? તમારે પણ કોના માટે ‘અન-અવેલેબલ’ રહેવું જોઇએ?  આખું ‘ઍનકાઉન્ટર’ વાંચવું ગમે છે....વાહ! (રાજીવ ત્રિવેદી, વડોદરા) - તમે કદાચ પહેલા વાચક છો જે આખું વાંચે છે. મોટા ભાગના પોતાનો સવાલ છપાય એટલું જ જોઇ લે છે
Read Original Article →