કૉલાજ:શોખ બડી ચીજ હૈ!
હરદ્વાર ગોસ્વામી જેને ફરવાનો બહુ શોખ હોય એ ચોરીના ચાર ફેરા ફરી લે એટલે બધો શોખ ઊતરી જશે. ચોથા લોક ડાઉનમાં પાનમસાલાની જ્યારે છૂટ મળી હતી ત્યારે વ્યસનીઓ માટે જાણે ચાર દિશાઓ ખૂલી ગયેલી. ફાકીની ફિકર ટળી. માવામરીઝે હવે જાહેરમાં પિચકારી મારી રંગોળી કરતા સો વખત વિચારવું પડશે, 100 રૂપિયા દંડ થશે. લોક ડાઉનમાં 10 રૂપિયાની એક સિગારેટ 40 રૂપિયામાં વેચાતી હતી ! એના કરતાં મોટું આશ્ચર્ય એ હતું કે લોકો ખરીદતા પણ હતા. હર ફિક્ર કો ધૂએ મેં ઉડાતા ચલા ગયા. ચીઝ બડી ચીજ હૈ પર ‘શોખ’ ઉસ સે ભી બડી ચીજ હૈ... કોઈ કલાની હોબી કેળવી બિન-હાનિકારક વ્યસન રાખ્યું હોત તો એમને આ આભાસી વ્યસનનો સહારો લેવો ન પડત.
16મી સદીમાં શોખ શબ્દનો અર્થ નાના ઘોડાથી વિશેષ કશો ન હતો. એક બાળકને વાસ્તવિક ઘોડા પર સવારી બનાવવાની નકલ માટે બનાવવામાં આવ્યો હતો. 1816માં કેટલાક અંગ્રેજી લોકોના શબ્દભંડોળમાં ‘શોખ’ નામનો શબ્દ વ્યુત્પન્ન થયો. પછી આ શબ્દ મનોરંજન અને લેઝર(Leisure) સાથે જોડાય છે. 17મી સદીમાં શોખને બાલિશતાથી લેવામાં આવ્યો હતો. એ પછી તો આજે સેંકડો શોખ સુધી લોકો જોડાયા. શોખ મોટા માણસ જ રાખે એવી માન્યતા તૂટી. શોખને અર્થોપાર્જન સાથે નહીં પણ આનંદોપાર્જન સાથે સંબંધ છે.
શાહબુદ્દીનભાઈ એક કિસ્સો કહે છે, ‘પાણીમાં તબલાં તણાતાં હતાં. એક માણસ કૂદ્યો અને તબલાં ખેંચ્યાં તો નીચેથી મહારાજ નીકળ્યા. મહારાજ પાણી પી ગયા હતા એને સ્વસ્થ કર્યા, પછી પૂછ્યું કે ‘આ કેમ કરતા થયું ?’ ત્યારે મહારાજ એટલું જ બોલ્યા કે ‘એકાદી કલા હોય તો તરી જવાય હો...’ સાવ સાદી સરળ રીતે કહેલી આ વાતના અનેક અર્થસંકેત છે. એકાદી કલાનો શોખ તમને કંટાળાના કાટમાળમાંથી ઉગારી દે છે. લાંબાલચક લોક ડાઉનમાં જેમને કોઈ શોખ ન હોય એને માટે સમય પસાર કેમ કરવો, એ એક યક્ષપ્રશ્ન હતો. ટીવીમાં મોં નાખીને પડ્યા રહેવું પડે કે પછી ઇન્ટરનેટમાંથી ફિલ્મોના ખાંખાખોળા કરવા પડે. આ બે સિવાય ત્રીજો કોઈ વિકલ્પ હોતો નથી.
એક મિત્રે કહ્યું, ‘નેટફ્લિક્સ પરની બધી ફિલ્મો જોવાઈ ગઈ, હવે કોઈ પુસ્તક સજેસ્ટ કર તો એ વાંચું. મેં એને એક પુસ્તક સજેસ્ટ કર્યું. એક અઠવાડિયા બાદ એણે કહ્યું કે હજુ તો માત્ર 20 પેજ વાંચી શક્યો છું. વાંચતાં વાંચતાં થાકી જાઉં છું.’ જિંદગીમાં પાઠ્યપુસ્તક સિવાય કશું વાંચ્યું ન હોય ત્યારે આવી કરુણાંતિકા સર્જાય છે. વાચન એ તમારા મસ્તિષ્કની બારી ખોલે છે. રોજની બે ફિલ્મો જોનારા બે પાનાં વાંચતા થાકી જાય ત્યારે સાલુ લાગી આવે.
સાચો શોખ સમય કે સમસ્યાની પરવા કરતો નથી. નિજાનંદ માટે દરેક શક્યતાના દ્વાર ખખડાવે છે. શોખ પૂરો કરવા ઘણા લોકો પોતાની આર્થિક મર્યાદાઓને વળોટી જાય છે.
એક સામાન્ય માણસને એન્ટિક સિક્કા સંગ્રહ કરવાનો શોખ હતો. જે પોતાની જરૂરિયાત ઓછી કરીને પણ સિક્કા ખરીદતો હતો. એ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે બીજા એક સિક્કાના શોખીને એ ખરીદી લીધા. સિક્કાથી આવેલા રૂપિયામાંથી એક સારું મકાન ખરીદી શકાયું. જોશ અને ઝનૂન વગર આવા શોખ પૂરા ન થઇ શકે. આવી રસરુચિ માણસને અલગ ઊર્જા આપે છે.
મોંઘી ઘડિયાળો ભેગી કરવાથી સમય સારો નથી આવતો પણ સમય સારો જરૂર જાય છે. વિન્ટેજ કાર ભેગી કરવાથી જીવનને એક ગતિ મળે છે. પ્રવાસના પેશનથી વિચાર વ્યાપક બને છે. કળાનો શોખ નિરાશાને નેસ્તનાબૂદ કરે છે. દરેક વસ્તુને જરૂરિયાતના ઝરુખે બેસી મૂલવવાની ન હોય, કેટલીક મનની મોજ માટે હોય છે, જ્યાં નફા-નુકસાનનાં નોટિફકેશન હોતાં નથી.
‘મેં તો ઓનલાઈન બધાં જ પુસ્તક વાંચી નાખ્યા’ આવું કહેનાર ઓછા મળ્યા છે. ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ કૃતિ ‘ભદ્રંભદ્ર’માં આવે છે કે ‘ભદ્રંભદ્રે ઊઠીને વંદાઓને પૂછ્યું કે તમને સુધારાવાળા મારી નાખે છે તેનું શું કારણ છે અને વાંક કોનો છે? વંદાઓ કહે કે અમે ગયે જન્મે સુધારાવાળાના ગોર હતા પણ અમને ચોપડીઓનો શોખ થવાથી અમને જમાડ્યા નહીં તેથી તેમની ચોપડીઓ ખાઇ જવા અમે વંદા થયા છીએ…’ ભદ્રંભદ્ર જેવો શોખ ન રાખવો. આજે તો એક લાઈકથી કોકરોચ જીવતો થઇ જાય છે. જો કે શાસ્ત્રીય સંગીતનો ‘સ’ પણ જાણતા ન હોય એવા ‘સપ્તક સંગીત સમારોહ’ના પાસ માગતા હોય છે. પાડોશીને કહેવા થાય એટલા માટે પ્રોગ્રામમાં જવાનું? આને શોખ ન કહેવાય પણ શો-અપ કહેવાય.
‘અન ટુ ધિસ લાસ્ટ’ વાંચીને ગાંધીના જીવનમાં મોટો બદલાવ આવ્યો હતો. ગુલઝાર કિશોર-વયમાં સડક પર બેઠેલા ફેરિયા પાસેથી હોરર ચોપડી વાંચતા હતા. એકવાર રવીન્દ્રનાથ ટાગોરનું પુસ્તક જોયું. કુતૂહલવશ વાંચ્યું અને ત્યાંથી જીવનનો વળાંક આવ્યો અને રીડિંગના ટેસ્ટનું પ્રમોશન થયું. માત્ર ગોળગળ્યું વાચન લાંબા ગાળે માનસિક બીમાર પાડે. તમારો ચૈતસિક વિકાસ કરાવે એ સાહિત્ય સાચું.
નિદા ફાઝલી કહે છે: ‘અચ્છી સંગત બેઠકે, સંગી બદલે રૂપ, જૈસે મિલકે આમ સે મીઠી હો ગઈ ધૂપ.’ કોઈ કૃતિ માણ્યા પછી જો આપણામાં કશું ઉમેરાય નહીં તો સમજવું કે એ કૃતિ અધૂરી છે. નારીવાદના આદ્યપ્રણેતા વર્જિનિયા વુલ્ફ કહે છે કે ‘If you are losing your leisure, look out! -- It may be you are losing your soul.’
જે માણસ નિરાંતના સમયને શણગારી ન શકે એના જેવો ગરીબ કોઈ નથી. ‘પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ’ જેનો જીવનમંત્ર હોય એને સુખ મળે પણ આનંદ કદાપી ન મળી શકે. કોરોનાકાળમાં આપણને બહાર નીકળતા પણ ડર લાગે લાગતો હતો ત્યારે એક 70 વર્ષના વડીલે સેવા રૂપે આખો દિવસ રસ્તે જતાને નાસ્તો કરાવવાનો શોખ પાળ્યો હતો.
અમેરિકન દિગ્દર્શન ગ્રેગરી હોબ્લિટની ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘અનટ્રેસેબલ’ છે. આ ફિલ્મના ખલનાયકને લોકોના મૃત્યુને કિલ વિથ મી ડોટ કોમ વેબસાઇટ પર લાઈવ બતાવવાનો શોખ હોય છે. આવી જ મનોવિકૃતિના શોખવાળી ફિલ્મ છે વેરોનિકા ફ્રાન્ઝ અને સેવરિન ફિઆલા દ્વારા દિગ્દર્શિત ‘ધ લોજ’ સાવકી માના આત્મઘાતી સંપ્રદાયમાં તેના ભૂતકાળ સાથે જોડાયેલી છે.
શોખ ખર્ચાળ હોય એવું પણ નથી. અનેક શોખ છે જેને ખર્ચ સાથે કોઈ સંબંધ જ નથી. અમેરિકન અભિનેતા જોની ડેપને ઢીંગલીઓ સાથે રમવાનો શોખ હતો. લોકોની દૃષ્ટિએ વિચિત્ર લાગતો શોખ એમની નજરમાં અનહદ આનંદ આપનારો બની શકે છે. બ્રિટિશ સિંગર રોડ સ્ટીવર્ટેને મોડેલ ટ્રેનનો ગજબનો ગાંડો શોખ છે. ઘરે બેસમેન્ટમાં એક કાયમી ટ્રેન સેટ છે જે ટેનિસ કોર્ટ કરતાં મોટો છે. સ્ટીવર્ટે બીબીસી રેડિયો લંડન પર જણાવ્યું હતું કે ‘ટ્રેનો મારું જીવન છે - માત્ર મોડેલ ટ્રેનો જ નહીં પરંતુ વાસ્તવિક સ્ટીમ ટ્રેનો પણ.’
સંગીતકાર બપ્પી લહેરીને ઘરેણાંનો એટલો શોખ છે કે બધા એને ‘ગહેનોકી દુકાન’ કહે છે. હિમેશ રેશમિયાને ટોપી પહેરવાનો શોખ અને રાજપાલ યાદવને ટોપી પહેરાવવાનો... જેવી જેની મોજ... સીધીસટ જિંદગીમાં શોખ રોમાંચની ગલીકૂંચીમાં લઇ જાય છે. નોટ સો બોરિંગ લાઈફને શોખ સતરંગી બનાવે છે.
આવજો...
મારી માતાના એક ચુંબને મને ચિત્રકાર બનાવી દીધો.
- બેન્જામિન વેસ્ટ }
Read Original Article →