હિડન ટ્રુથ:શિપ ઓફ થીસિયસ પેરાડોક્સ, આત્મબોધ
જયેશ દવે ઈશ્વર, આત્મા, સૃષ્ટિ, સર્જન - વિસર્જન આ બધું સમજવા માટે દર્શન અને ઉપનિષદ મહત્ત્વના છે. એ ઉપરાંત અનેક ભાષ્ય અને શાસ્ત્રો પણ અધ્યાત્મના પાયાના પ્રશ્નોના જવાબ આપે છે અને લગભગ તમામ પુરાણોમાં પણ આ વાત આવે છે. અહીં મહત્ત્વની વાત એ છે કે છુપાયેલા સત્યને પામવા સહુ પોતપોતાનો દીવો લઇને નીકળે છે અને તેની જિજ્ઞાસા મુજબ આધાર- તથ્યો સાથેના ગ્રંથો તેને મદદ કરે છે. કેટલાંક કોયડાઓ, ગૂંચ અને તેમાં રહેલો તર્ક પણ આ દિશાને ઉજાગર કરી જાય છે. ‘બુટસ્ટ્રેપ પેરાડોક્સ’ સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના સર્જક વિશેના પ્રશ્નોના જવાબ પણ સ્પષ્ટ કરે છે એ જ રીતે શિપ ઓફ થીસિયસ - થીસિયસનું જહાજ પેરાડોક્સ સ્વની ઓળખ વિશેના પ્રશ્નોના જવાબ આપે છે.
પહેલી સદીમાં પ્લુટાર્ક નામના દાર્શનિકે લાઈફ ઓફ થીસિયસમાં જહાજના ઉદાહરણ દ્વારા એક વિચાર આપ્યો. માની લો એક જહાજ છે જેને ‘થીસિયસ’ના જહાજ તરીકે ઓળખીએ. આ જહાજનાં નકામા થતાં જાય તે સાધનો, પાટિયાં ક્રમશઃ સમયાંતરે બદલવામાં આવે છે. એક પછી એક કરતાં અમુક સમયે આખા જહાજનાં બધાં સાધનો, સરંજામ બદલાઇ ગયાં. હવે આ જહાજ જે હતું તે રહ્યું કે નવું થયું? માની લો આ જહાજનું નામ ‘યુનિવર્સ’ છે તો આ ‘યુનિવર્સ’ જ કહેવાશે કે તેને કોઈ બીજા જહાજ તરીકે ઓળખીશું?
તમે શું કહો છો? તેને યુનિવર્સ જહાજ તરીકે જ ઓળખીશું તો તે યુનિવર્સ જહાજનું કશું આમાં છે જ નહીં! માની લો, તેને નવું જહાજ ગણીએ તો આમાં કોઈ નવું અસ્તિત્વ ઊભું થયું જ નથી! તો જહાજની ઓળખ શું?
આ મૂળ વિચારમાં થોમસ હોબ્સ નામના ચિંતકે નવું પરિમાણ ઉમેર્યું. તેણે કહ્યું, જહાજનાં જૂના ભાગો, જૂનાં લાકડાંમાંથી એક નવું જહાજ બનાવવામાં આવે તો તે પેલું ‘યુનિવર્સ’ જહાજ ન કહી શકાય? હવે જહાજ બે થયાં. એકની ઓળખ ‘યુનિવર્સ’ છે જ્યારે બીજાનું અસ્તિત્વ ‘યુનિવર્સ’ છે તો કોને યુનિવર્સ કહી શકાય? આ પેરાડોક્સમાં પ્રશ્ન અસ્તિત્વ અને ઓળખનો છે. જૂની ઓળખવાળું નવા પાર્ટ્સવાળું જહાજ યુનિવર્સ કે જૂના પાર્ટ્સવાળું નવું જહાજ યુનિવર્સ? આ ગડમથલ કોઈ સ્પષ્ટ ઉકેલ આપતી નથી અને બે જહાજ અને એક ઓળખનો કોયડો યથાવત્ રહે છે. હવે આ જ વાતને અધ્યાત્મની દૃષ્ટિએ જોઇએ.
જો કોઈ વસ્તુમાં ક્રમશઃ બધા જ ભાગો બદલાય તો તે વસ્તુ એ જ રહે ખરી? આપણા શરીરનું જ ઉદાહરણ લઈએ. સાતથી દસ વર્ષમાં તમારા શરીરના તમામ કોષો નવા થઈ જાય છે. પેલા જહાજની જેમ ક્રમશઃ આ બદલાવ થાય છે પણ તમે નિરંતર બદલાતા રહો છો. દસ વર્ષ પહેલાં તમે હતા તે આજે નથી આમ છતાં તમે તો તમે છો જ. તો બદલાવા છતાં નથી બદલાતું તે શું છે? એ છે અસ્તિત્વ, ઓળખ.
શરીર બદલાયું પરંતુ હું જયેશ હતો અને રહીશ તેમાં કોઈ બદલાવ આવતો નથી. અહીં એક સવાલ એ પણ થાય કે મન તો યથાવત્ છેને? ના, મન તો સતત બદલાય છે. વિચારો, ઈચ્છા, ભાવ આ બધુ નિરંતર પરિવર્તન પામે છે તેથી તે પણ સ્થિર નથી. તો હવે બાકી રહ્યું કશુંક એવું કે જે માને છે હું જયેશ છું. તમામ બદલાવો છતાં આ હું - મારા હોવાનો ભાવ નિરંતર છે. મને ‘જયેશ’ નામ મળ્યું તો હું ‘જયેશ’ છું. તમે ‘દિનેશ’ હોઇ શકો પરંતુ આપણે બધા જ હું છું ઓળખ સાથે ઊભા છીએ.
આ જે સ્વયંના નિરંતર - અપરિવર્તનશીલ અસ્તિત્વ સાથે છે તે શરીર, મન સહિતનાં બધાં જ પરિવર્તન અનુભવે છે પરંતુ તે પોતાના અસ્તિત્વને છોડતું નથી. પેલું જહાજ પોતે કોઈ ઓળખ લઈને બન્યું ન હતું પરંતુ આપણે તેને ‘યુનિવર્સ’ નામ આપ્યું અને તેના ભૌતિક અસ્તિત્વમાં આપણે તેને રોપી દીધું.
બસ! આ જ રીતે આપણે આપણા પરિવર્તનશીલ ભૌતિક અસ્તિત્વને જ આપણી ઓળખ માનીએ છીએ અને તેને જ સમગ્ર સમજી લીધું, પરંતુ આથી ખૂબ વિશેષ અને અલગ ‘હું છું’ તે સમજાઇ જાય તો આત્મબોધ સહજ થવા લાગે. જો તત્પરતા હોય તો પેરાડોક્સ પણ સરળતાથી તત્ત્વજ્ઞાન સમજાવી જાય છે. આવો જ એક પેરાડોકસ આગળના ક્રમે. }
Read Original Article →