અસ્તિત્વની અટારીએથી:શીતળતાનું સરનામું…
ભાગ્યેશ જહા
સવારના પાંચ વાગ્યા છે, ઠંડો પવન ઉનાળાનો ન હોય એ રીતે મને સ્પર્શી રહ્યો છે. જોકે, પવનને ઋતુઓથી અલગ પાડવો મુશ્કેલ હોય છે. એટલે તો ‘પવન’ અને ‘હવા’ને બોલનારાઓએ જુદાં જુદાં અર્થ પહેરાવી દીધા છે. દૂર પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા થશે કે નહીં એની ચિંતા કર્યા વગર એક કબૂતર સામેના ફ્લેટની બંધ બારીના ખૂણે હજી ઊંઘે છે.
કદાચ એને સમજાઈ ગયું છે કે પાકિસ્તાન અને શાંતિ બે વિરુદ્ધાર્થ શબ્દ છે. હાઇરાઇઝ ટાવર વચ્ચે પણ પોતાની ઊંચાઇ જાળવી રાખતાં વૃક્ષો આમ તો દેવદૂત જેવા લાગે છે! એમની આંખોમાં હજી ઊંઘ હોવાથી એ વધારે કુદરતી લાગે છે. શહેરમાં ઊછરેલાં વૃક્ષોની વ્યથા સાવ અલગ પ્રકારની હોય છે.
શહેરના બગીચામાં ઊભેલાં વૃક્ષો ફરજ બજાવતા કોઇ ચોકીદાર જેવા વધારે લાગે છે. કોઇ મોટા ઘોંઘાટિયા ફ્લેટ વચ્ચે પરાણે લગાડેલું ઝાડ મા-બાપની ઇચ્છાથી શહેરમાં પરણાવેલી ગામડાની કોઇ યુવતીની વેદના લઇને ઊભું હોય છે.
જોકે, હજી ચહલપહલ નથી એવું જાણી પવન પણ ઝોકું ખાવાના ‘મૂડ’માં હોય એવું લાગે છે. હવે, શહેરમાંથી દૂધ વહેંચવા નીકળતા કોઇ યુવાનનું ભજન સાંભળવા નથી મળતું. વડોદરામાં એની અલગ પ્રકારની મજા હતી. બધી શીતળતાનાં લક્ષણો હાજર હોવા છતાં પણ મારા અસ્તિત્વ સાથે ભળી ગયેલું કેલેન્ડર મને ઉનાળાનો સ્પર્શ કરાવે છે. સમયના આવા શાપિત સળવળાટને હડસેલવાની હિંમત અને સંવેદના કેળવવાનો વિચાર પણ નથી કરતા.
કાલિદાસે આપણા પ્રત્યેક કોષને ‘ઋતુસંહાર’ (કાલિદાસનું ઋતુઓ અંગેનું સર્વાંગસુંદર કાવ્ય) પિવડાવી દીધું છે. આવા ઉનાળામાં યુદ્ધ ચાલતું હોય અને સમુદ્રની શીતળ સપાટી પર આગનાં દૃશ્યો જોવા મળતા હોય ત્યારે એક અજાણી વેદના અનુભવાય છે. સમુદ્ર પર તરતી સ્ટીમર જે મનુષ્ય હોવાના ગૌરવના ગીત જેવી લાગતી હતી એને આગમાં લપેટાયેલી જોવાના આ દિવસો છે.
ટીવી ઉપર દર્શાવાતાં આ દૃશ્ય ઉનાળાને વધું ઉનો બનાવે છે અને આપણા ‘માનવભાવ’ને ઉણો બનાવે છે. આ યુગના અભિશાપથી મનુષ્યની ‘શીતળતા’ અંગેની સમજ અને ઘરોબો જોખમાયો છે. પરંતુ હું મારા ‘વિશ્વમાનવત્વ’ને થોડીવાર ‘સસ્પેન્શન’માં મૂકી દેવાની મહેનત કરું છું.
ઉનાળાથી બચવા ગીરના જંગલમાં એક વહેલી સવારે ફરવા નીકળેલા એવી ક્ષણની સ્મૃતિને જગાડું છે ત્યારે તરત જ ‘સહ-અસ્તિત્ત્વ’નું એક હરણ એની ગભરું આંખો સાથે દોડી જાય છે, પણ મન એની કોમળ મક્કમતાથી શીતળતા પામવા મથે છે. કુંભલગઢ કે હિમાલયની સ્મૃતિ હજી પાંસળીઓમાં સચવાયેલી છે, એ આશ્વાસન પણ જેવું તેવું નથી.
ગઇકાલે જ 40° તાપ સામે બળવો કરીને ઊભેલા એક વૃક્ષને જોયેલું એ દૃશ્ય મન આગળથી ખસતું નથી. સૂર્યસ્તોત્ર બોલીબોલીને લીલાછમ રહેલાં પાંદડાંઓની સૂર્ય પ્રત્યેની નાખુશી નખશિખ નમણી હોય છે. પણ જેટલી ઊર્જા આ ઝાડને બહારથી મળે છે, એટલી જ ઊર્જા એની છાયામાંથી મળે છે. વૃક્ષ નીચેની છાયા એ ‘અજવાળાની છાસ’ હોવાનું અનુભવેલું. તે જમ્યા પછી છાસ પીતી વખતે પુનઃ અનુભવ્યું.
થોડે દૂર સાડીના ‘ખોયા’માં પોતાના બાળકને ઊંઘાડતી મજૂરણ બાઇની નજર ના પડે એટલા માટે સૂરજ પણ ઝાડ પાછળ સંતાઈ જવા મહેનત કરતો હતો. ઉનાળામાં આવા શીતળતાના ટાપુઓ એક મોટા ‘વેકેશન’ની ગરજ સારે છે. એક વખત ઝાડની છાયાની ઓળખાણ થઇ જાય પછી ઉનાળાને મનમાંથી ઓલવી નાખવાની મજા જડી જાય છે. પછી ઍરકન્ડિશનરના કહ્યાગરા પવનની આઇસ્ક્રીમ સાથે થતી ગુફતેગું સાંભળી શકાય છે.
આપણને વાતો કરવાનો એટલો બધો શોખ હોય છે કે સમી સાંજે બગીચામાં બપોરની ગરમીની જ વાતો કરીએ છીએ. બાજુમાં ઊભેલા ગુલાબનાં ફૂલો પર પડેલા સૂરજના ડાઘા જોવાનું ચૂકી જઇએ છીએ. ક્યારેક એના ઘેરા મરૂન રંગમાંથી થોડી ગમગીની વીણી લઇએ તો અસલ ગુલાબી મિજાજ પકડાય છે. આટલા બધા ઉનાળા અનુભવ્યા પછી આવી કોઇ સાંજે પવનની ડાળખી પર મૌન પોપટનું હોવું બહુ જ શાંતિ આપનારું લાગે છે.
હજી ગયા રવિવારે જ વહેલી સવારે પ્રભાતફેરીમાં ગવાયેલાં પ્રભાતિયાં મનમાં ગુંજ્યાં કરે છે. આપણા યુવાનો નરસિંહ મહેતાના ઝુલણા છંદને ઝુલાવતાં ઝુલાવતાં પોળમાં ચાલતા હતા ત્યારે જાણે થાકી ગયેલા શહેરમાં વૃક્ષો ફરવા નીકળ્યાં હોય એવું લાગતું હતું! એ રામસાગર, એ મંજીરાં અને એ છસ્સોવર્ષ જૂના શબ્દો તાજગી રેલાવતા હોય ત્યારે એમ લાગે કે હવે આજે બપોરે ઉનાળો થોડો શીતળ લાગશે!
આ જગતની સાચી શીતળતા એ મનુષ્યના હૃદયમાં રહેલી છે. જે લોકો ભૌતિક શીતળતા શોધે છે, એ એમની સમસ્યાનો અડધો ઉકેલ જ શોધે છે. જેમને શીતળતાનું સાચું સરનામું જડી ગયું છે, એ ‘માંહી પડ્યા તે મહાસુખ માણે…’ જેવી મસ્તીભર્યું જીવન જીવે છે.
જે લોકોને બ્રાહ્મમુહૂર્તનો પરિચય છે, એમની મસ્તી તો અલગ જ હોય છે. લગભગ ભઠ્ઠી જેવી થયેલી પૃથ્વીને આખી રાત શાંત પડવા માટે ચંદ્ર વિનંતી કરતો હોય અને છેલ્લે ત્રણ સાડા ત્રણ પછી આકાશમાંથી કોઈ અલૌકિક પવન પૃથ્વીને સ્પર્શતો હોય તે ક્ષણ શીતળતાનું સાચું સરનામું છે. એ અલૌકિક પવનમાં કશુંક બોલવા માટે ઉત્સુક એવા વૃક્ષનાં પાંદડાંઓ હાલતાંહોય ત્યારે આપણને એમ લાગે કે નિસર્ગનો કોઈ ઋષિ હવે મંત્રોચ્ચાર કરવા માટે જાગી ગયો છે!
Read Original Article →