અમલ પિયાલી:આજે ભલે શબરી ન હોય પણ પ્રતીક્ષા તો હજી જીવે છે
લીલાવતીબહેન જોશીના પુત્ર વિનોદ જોશી
`કલ્પવૃક્ષની પાસે પણ, એ બોર જ માગે,
સ્વર્ગ મળે તો, ત્યાંય ઊભી રે’ દ્વારે શબરી.’
- સૌમ્ય જોશી રાહ જોવાની સ્થિતિ કરતાં વધારે એકાગ્રતાની ક્ષણો ભાગ્યે જ અન્ય કોઈ હશે. જે સન્મુખ નથી તે આવશે તેની શ્રદ્ધા અને જે આવશે તેની સાથે જ પ્રતીક્ષાનો અંત એ બંને પરસ્પર જોડાયેલી બાબતો છે. પણ અંત આવી જાય તે કરતાં રાહ જોયા કરવાની સ્થિતિ વધુ આનંદદાયી હોય છે. જરા જેટલો સંચાર થાય કે તરત આંખો અને કાન એ દિશામાં મંડાઇ જાય છે. `કહીં યે વો તો નહીં?’ એવો પ્રશ્નાર્થ ચિત્તમાં ઝળૂંબી રહે છે. ગાત્રો પુલકિત થવા લાગે છે અને બીજી જ પળે પેલો સંચાર ભ્રાંતિનો અનુભવ આપે છે. અને વળી રાહ જોવાનો પ્રારંભ થાય છે.
રાહ જોવી એ અત્યંત રહસ્યમયી ઘટના છે. સમય સાથેનો આપણો આટલો તીવ્ર મુકાબલો ભાગ્યે જ અન્ય કશાની સાથે થતો હશે. કવિ અહીં શબરીનો સંદર્ભ લઈને પ્રતીક્ષાની મીમાંસા કરે છે. રામ આવશે એ રાહમાં શબરીએ ન જાણે કેટલીવાર બોરડીના કાંટા વેઠી બોર વીણ્યાં હશે. કેટલી ઋતુઓ એ બોરડી પરથી પસાર થઈ ગઈ હશે! શબરીનું વૃદ્ધત્વ સમયના એ વ્યાપને તો ચીંધે છે પણ બીજી તરફ પ્રતીક્ષા એટલી જ લંબાઈ હોવાનું સૂચન પણ તેમાંથી આપોઆપ મળી જાય છે.
કવિ અહીં જંગલની બોરડીની સામે સ્વર્ગનું કલ્પવૃક્ષ કલ્પીને વાત માંડે છે. કલ્પવૃક્ષ તો સ્વર્ગનું એવું વૃક્ષ છે જેની નીચે બેસીને જે માગીએ તે મળે. પણ કવિ કહે છે તેમ શબરી તો કલ્પવૃક્ષની પાસે પણ બોર જ માગે, જે ખવડાવીને એણે રામને રાજી કરવા છે અને તે રીતે પોતે પણ રાજી થવું છે. પોતાને સ્વર્ગ મળે તેનો એને મહિમા નથી. એને મહિમા છે પોતાનાં હાથે રામ બોર ખાય તેનો. એને માટે આ ઘટના જ સ્વર્ગ છે. એટલે કલ્પવૃક્ષ કરતાં એને માટે બોરડી વધુ મહત્ત્વની છે.
સમજાય છે કે વસ્તુ નહીં પણ વસ્તુ સાથે જોડાતો ભાવ ચડિયાતો છે. સ્વર્ગ એ તો કલ્પનાનો વિષય છે. પણ તેનો વાસ્તવિક અનુભવ તો ભાવજગતમાં જ થાય છે. સ્વર્ગ મળે તો પણ એ શબરી માટે ગૌણ છે. એને તો સ્વર્ગના દ્વારે પણ રામનું આગમન થાય તે જ અપેક્ષિત છે. એંઠાં બોર શબરી માટે એંઠાં બોર નથી પણ મીઠાં બોર છે.
કોઈ પ્રિયતમા ઉંબરે ઊભી ઊભી વહાલમની પ્રતીક્ષા કરતી પોતાની કલ્પનામાં એના બોલ સાંભળતી રહે છે. પ્રતીક્ષા અને સ્મૃતિના છેડા પરસ્પર જોડાયેલા હોય છે. બંને એકબીજાં વગર અટૂલા છે. વળી, પ્રતીક્ષા વર્તમાનમાં થાય છે પણ તેનો પનારો ભવિષ્યકાળ સાથે પણ છે. પ્રતીક્ષાનું આ ત્રિકાળ સત્ય છે.
મિલનનો મામલો બહુ ટૂંકો હોય છે પણ પ્રતીક્ષા તો અનંત હોય છે. પ્રતીક્ષા રસ્તા લાંબા કરી નાખતી હોય છે. ઘડિયાળને મંથર બનાવી દેતી હોય છે. આજે ભલે શબરી ન હોય પણ પ્રતીક્ષા તો હજી જીવે છે. એ ચીરકાલીન અને શાશ્વત છે. એ આંખોમાં પણ હોય છે અને હૃદયમાં પણ હોય છે. એ આંગળીના વેઢે પણ હોય છે અને મેસેજ એપ્લિકેશનની બ્લ્યૂ ટિકમાં પણ હોય છે. એ જીવન અને મૃત્યુ સાથે પણ જોડાયેલી હોય છે.
ઘણીવાર અંતિમ શ્વાસ કોઇની પ્રતીક્ષામાં અટકેલો હોય છે. ખુલ્લા બારણામાંથી બહાર જોતી પ્રતીક્ષારત આંખોની એકાગ્રતા શરસંધાન કરતી આંખો કરતાં જુદી હોય છે. કોઈના આવવાના ભણકારા અણસારામાં બદલાય ત્યારે આંખોનું તપ પૂરું થાય છે. ત્યાં સુધી તો અનાગતની પ્રતીક્ષા જ કરવાની હોય છે. મૃત્યુ પામ્યા પછી પણ કોઈ વિરહિણી પોતાનો પ્રિયતમ આવશે એ આશમાં કાગડાને સંબોધીને કહે છે :
`કાગા સબ તન ખાઇઓ, ચુન ચુન ખાઈયો માંસ,
દો નૈના મત ખાઈયો મોહે પિયા મિલન કી આસ.’
આંગળીઓના વેઢા ઘસાઈ જાય ત્યાં સુધી પ્રિયતમની રાહ જોવામાં દિવસોને ગણ્યા કરવાના એ વિરહિણીના ઉધામા કોઈ એક સમયે યોજાયેલું પ્રતીક્ષાસત્ર નથી. તે સાર્વત્રિક અને શાશ્વત તેવી ભાવજગતની વિભાવના છે.
કવિ તેથી જ અહીં ધરતી અને સ્વર્ગનો કે બોરડી અને કલ્પતરુનો ભેદ ઓગાળી દે છે અને પ્રતીક્ષાને સર્વોપરી સાબિત કરે છે. એ પ્રતીક્ષા માત્ર શબરીની જ નથી, એ આપણાં સહુની પણ છે.
Read Original Article →