કૉલાજ:શબ્દશિખર પર લહેરાતી ધજા

Magazine5/24/2026, 12:35:00 AM
કૉલાજ:શબ્દશિખર પર લહેરાતી ધજા
હરદ્વાર ગોસ્વામી શાંત અને શાતાદાયક ચહેરાવાળી એક સ્ત્રી પોતાના રસોડામાં મૌનપણે રાંધતી હતી. જેવું એનું કામ પત્યું કે તરત એણે ચાર થાળી પીરસી. પહેલી પક્ષીઓની બીજી પ્રાણીઓની ત્રીજી અણધાર્યા મહેમાનની છેલ્લી ઘ૨માં પૂજાતા દેવની. એ તો એમણે આશીર્વાદ સાથે પ્રસાદરૂપે પાછી વાળી. એ સ્ત્રીને સપનામાંયે કદી એવો વિચાર ન આવે કે ફક્ત પોતાને માટે રાંધે અને એકલી એકલી ખાય! રુબહેન પટેલના ‘કિચન પોએમ્સ’માંનું આ એક કાવ્ય. ગુજરાતી ભાષામાં એક જ વિષય પર લખાયેલાં હોય એવા કાવ્યસંગ્રહ નહીંવત્ છે. એમાં ‘કિચન પોએમ્સ’ની સોડમ જુદી જ આવે છે. સર્જનાત્મકતાની સિલિંગ નીચે આવતાં તમામ સ્વરૂપના સરનામે વસવાનું એમણે પસંદ કર્યું છે. સાહિત્યનું જીવંત અને જ્વલંત સ્વરૂપ એટલે ધીરુબહેન. એમનાં લેખનને તો સો સો સલામ છે જ પણ એમણે નવી પેઢીને પ્રેરણા-પ્રોત્સાહન છે. પતિએ કહ્યું, ‘આજે તારા જન્મદિને એવી જગ્યાએ લઇ જઈશ, જ્યાં તું કદી ગઈ નથી.’ આ સાંભળી પત્ની ખુશ થઇ ગઈ. પતિ એને રસોડામાં લઇ ગયો. આજની ‘બર્ગર બેબીઝ’ રસોડાથી દૂર થતી જાય છે. ત્યારે ધીરુબહેન રસોડાનું રજવાડું લઈને આવે છે. રસોડું ઘરનું સૌથી અગત્યનું અંગ હોવા છતાં અન્ડર-રેટેડ રહ્યું છે. પહેલા શાક સમારવું, પછી રાંધવું અને છેલ્લે વાસણ, સૌથી વધુ સમય સ્ત્રીનો રસોડામાં જાય છે. શારીરિક સાથે માનસિક સ્તરે પણ સ્ત્રી અહીં જીવે છે. બે સિટી વચ્ચે જીવતા જીવનનો હિસાબ આ કાવ્યો આપે છે. ધીરુબહેનનાં કાવ્યોમાં છેતરામણી સાદગી છે. ધર્મસ્થળ કરતાં કર્મસ્થળનું મહત્ત્વ વધુ છે. રસોડાનો રસાલો અનુવાદ રૂપે અંગ્રેજી, જર્મન, મરાઠી અને અન્ય ભાષામાં પણ પહોંચ્યો છે. ‘ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી’ જેવી આ કવિતા રંગમંચ પર રજૂ થાય ત્યારે દાદનો દરબાર સર્જે છે. અહીં વિષાદનાં વાદળો છે તો આનંદનું આકાશ પણ છે. આકંઠ ઓડકાર આપે એવાં સ્વાદિષ્ઠ કાવ્યો. સર્જક ધીરુબહેને સ્ત્રીના 33 % ક્યારેય માગ્યા નથી. સર્જક તરીકે જ પોતાનું મૂલ્યાંકન કરવા કહે છે. પહેલેથી જ ઘરમાં ગાંધીવાદી વાતાવરણ અને ધીરુબહેન ખાદીની સાડી પહેરતાં પણ ગાંધીવાદી ન હતાં. બાળપણમાં રમકડાંને બદલે પુસ્તકો હાથમાં લીધાં હતાં. 1948ના વર્ષમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી. મુંબઈમાં ભવન્સ કોલેજ અને દહીંસરની કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે સેવા આપી હતી. વિદ્યાર્થીપ્રિય રહ્યાં હતાં. અભ્યાસક્રમ બહારનું સાહિત્ય વાંચવા માટે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરતાં. છોકરીઓને ડર્યા વગર પોતાની વાત કરવાનું કહેતાં. સાહિત્યનો સમૃદ્ધ વારસો ધીરુબહેનને ગળથૂંથીમાં મળ્યો હતો. માતા-પિતાની નિતાંત નિષ્ઠા એમનામાં ઊતરી આવી. ‘વાવંટોળ’ નમૂનેદાર નવલકથામાં સમાજજીવન સામે નારીજીવન ઊભું છે. ‘શીમળાનાં ફૂલ’માં સ્ત્રી-પુરુષના સંબંધોનું નમણું નિરૂપણ છે. માનવમનની સંકુલતાને તાગતાં તાગતાં લેખિકા માનવીય અભિગમ પર આવીને ઊભા રહી જાય છે. ધીરુબહેનની લઘુનવલ ‘વાંસનો અંકુર’માં કથાનાયક કેશવની નસોમાં સ્વાભિમાની માતા સુશીલાનું બંડખોર લોહી વહે છે, આ કૃતિ વાંચતા લોહી પાંચમાં ગિયરમાં દોડવા લાગે છે. આ લઘુનવલ માત્ર પાંચ દિવસમાં પૂરી થઈ હતી. ‘આંધળી ગલી’માં નાયિકાના સ્થગિત જીવનને આલેખ્યું છે. ‘આગંતુક’માં ઘર ત્યાગ કરનાર નાયકનું મનોજગત બખૂબી રજૂ થયું છે. આ કૃતિને ‘દર્શક ઍવૉર્ડ’ અને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. આ કૃતિની વિશેષતા એ છે કે 1996માં પૂરી થયેલી. પછી આ કૃતિનો ઉત્તરાર્ધ તેમણે પચીસ વર્ષ પછી લખ્યો અને 2022માં ‘હવે સંપૂર્ણ’ એવા ઉપશીર્ષક સાથે તે સળંગ કૃતિ બહાર પડી. એમની ‘પરદુ:ખભંજન પેસ્તનજી’ કૃતિ સ્પેનિશ નવલકથા ‘ડૉન કિહોટે’નું સ્મરણ કરાવે તેવી છે. ‘ગગનનાં લગ્ન’માં સામાન્ય લાગતાં પાત્રમાંથી અસામાન્ય પરિસ્થિતિનું હાસ્ય નીપજે છે. તેમની પાસેથી ‘ગગનચંદનું ગધેડું’, ‘ગોરો આવ્યો’, ‘મમ્મી, તું આવી કેવી?’, ‘લખોટીનો મહેલ’, ‘છબીલના છબરડા’ વગેરે સુંદર બાળનાટકો પ્રાપ્ત થાય છે. ‘બતકનું બચ્ચું’ બાળવાર્તાઓનો સંગ્રહ છે. માર્ક ટ્વેઇનની પ્રશિષ્ટ અને પ્રસિદ્ધ કૃતિ ‘ટૉમ સૉયર’ અને ‘હકલબરી ફિનનાં પરાક્રમો’ અનુવાદ રૂપે મળ્યા છે. ‘હારૂન, અરુણ’ ચલચિત્ર પણ તેમની બાળકથાને આધારે થયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ ઉત્તમ કામગીરી કરી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીનો ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો જીવન ગૌરવ પુરસ્કાર, રણજિતરામ સુવર્ણ ચંદ્રક, નંદશંકર સુવર્ણ ચંદ્રક, ક. મા. મુનશી સુવર્ણ ચંદ્રક ઈત્યાદિ સન્માન પ્રાપ્ત થયાં હતાં. યુગોથી ચાર દીવાલોમાં બંધાયેલી નારીને ચાર દિશાઓ મળી છે. લટકામાં મળ્યું માથે ખુલ્લું આકાશ. પહેલા મોટા ભાગે માતૃત્વ વખતે જ સર્જનનો અનુભવ કરી શકતી હતી. હવે કાગળ પર પણ સર્જન કરે છે અને આગળ ઉપર પણ સર્જન કરવા લાગી છે. ધીરુબહેન કહે છે, ‘હું નારીવાદી ન બની શકું, કારણ કે મને પુરુષો ગમે છે. હું ખરેખર એવું નથી માનતી કે દરેક પુરુષ રાક્ષસ છે અને દરેક સ્ત્રી દેવી છે.’ નારીહૃદયની લખચોરાશી લાગણીઓના લીંપણથી એમનું શબ્દસદન શોભે છે. જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે એટલું જ કે ઓછામાં ઓછી એક શતાબ્દી સુધી એના સાહિત્યને કાટ લાગે એમ નથી. સોળ વર્ષની કાચી ઉંમરે પાકી વાર્તા પ્રગટ થઇ. માનવમન પાસે પહોંચવાનો સૌથી સુગમ રસ્તો તે ટૂંકી વાર્તા. ધીરુબહેનની વાર્તાની વખાર ખોલો એટલે એમાંથી બહાર નીકળવું અશક્ય! એમની કૃતિમાં વિચારનું ખુલ્લાપણું પ્રતિબિંબિત થાય છે. ધીરુબહેનની હાજરીનો ભાર ન લાગે. હાસ્ય અને હાજરજવાબીપણું એમનામાં કુદરતી હતું. પ્રકૃતિના ખોળે એ પૂર્ણપણે ખીલતાં. ધીરુબહેનની ધજા શબ્દશિખર પર ફરફરતી રહો! આજે તો મારા રસોડામાં રંગોની ધુળેટી છે. રીંગણ ને મોગરી ને જાંબલી કોબીનો ઠાઠ એની પાસે ગાજ૨ ને પાકાં લાલ ટામેટાં અને પાછળ પાછી સરગવાની શિંગો ભાજી અને કોથમીરનો લીલો પડદો! આ તો મારી દૃષ્ટિને મંત્રમુગ્ધ કરે એવી નયનરમ્ય ગોઠવણ! હું ત્યાં ઊભી ઊભી જોતી જ રહી. જાણે સમાધિસ્થ! એટલામાં મને પાછળથી કોઈએ ધીરેથી પરવારી અને મધુર અવાજે પૂછ્યું ‘આજે તું રાંધવાની જ નથી, મા?’ આવજો... જ્યારે મિત્રો જ મિત્રને બરબાદ કરે છે, ત્યારે હૈયું દિલેર દુશ્મનોને યાદ કરે છે. - શેકસપિયર }
Read Original Article →