માય સ્પેસ:સેક્સ્યુઅલ ફેન્ટસીઃ અપરાધ કે રોગ નથી

Magazine4/26/2026, 12:50:00 AM
માય સ્પેસ:સેક્સ્યુઅલ ફેન્ટસીઃ અપરાધ કે રોગ નથી
’ફેન્ટસી’ શબ્દ સાથે આપણે સામાન્ય રીતે બાળકોને જોડીએ છીએ. સદીઓ પહેલાં લખાયેલી સિન્ડ્રેલા કે સુપરમેન, બેટમેન, સિંગચેન, ટોમ એન્ડ જેરી કે ડિઝનીનાં પાત્રો ફેન્ટસી જ છે. જે વાસ્તવમાં અસ્તિત્વ નથી ધરાવતું, છતાં જેની કલ્પનાથી રોમાંચ, આનંદ કે ઉત્તેજના (માત્ર સેક્સ્યુઅલ નહીં)નો અનુભવ થાય છે. એ બધી જ કલ્પનાઓને ફેન્ટસીના બોક્સમાં મૂકી શકાય. બાળકોની ફેન્ટસી સામાન્ય રીતે પરીકથાઓ અને આનંદના, ડોપામાઈનના વિશ્વ સાથે જોડાયેલી છે, પરંતુ પુખ્ત વ્યક્તિની ફેન્ટસી અશક્યતાઓ અને અપ્રાપ્ય બાબતો સાથે સંબંધ ધરાવે છે. પુખ્તવયની વ્યક્તિની ફેન્ટસી, માત્ર શરીર કે સમાગમ સાથે જોડાયેલી હોય એવું જરૂરી નથી, એમાં ઘણી બાબતોનો સમાવેશ થતો હોય છે. બીજી તરફ, સેક્સ્યુઅલ ફેન્ટસી માત્ર શારીરિક સંભોગની ઈચ્છા કે કલ્પના સાથે જોડાયેલી બાબત નથી એ વાત પણ મોટાભાગના લોકો જાણતા કે સમજતા નથી. મનોવિજ્ઞાન માટે આ રસપ્રદ વિષય છે. માનવમનનો આ એવો વિસ્તાર છે, જ્યાં વ્યક્તિ એકલી હોય છે. પોતાની ભીતર રહેલા અનેક સ્વરૂપો, કલ્પનાઓ કે પોતાના જ અસ્તિત્વના અનેક ટુકડાઓને અહીં કોઈના ડિસ્ટર્બન્સ કે કોઈને ડિસ્ટર્બ કર્યા વગર જીવી શકાય છે. સિગ્મન્ડ ફ્રોઈડ જેમણે સૌથી પહેલાં મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ આપી એ માનતા હતા કે મનુષ્યની અનેક ઈચ્છાઓ સમાજ, નૈતિકતા, યોગ્ય-અયોગ્ય કે શક્ય-અશક્યના દબાણમાં કચડાઈ જાય છે. આવી ઈચ્છાઓ ક્યારેક સપનાં તો ક્યારેક ફેન્ટસી બનીને બહાર આવે છે. આધુનિક મનોવિજ્ઞાન એના પર વિચાર કરે છે ત્યારે માનવામાં આવે છે કે આપણા અનકોન્શિયસ મનની ભાષા જે સીધા શબ્દોમાં નહીં, પરંતુ પ્રતીકો સાથે દબાયેલી લાગણીઓને ઉજાગર કરે છે. નવલકથા કે સિનેમામાં પણ આપણને એવાં પાત્રો મળે છે જે અનયુઝવલ-અસામાન્ય કે અજુગતા પ્રકારની સેક્સ્યુઅલ ફેન્ટસી ધરાવતા હોય છે. એમાં રોમેન્ટિક અને ડાર્ક બંને પ્રકારની ફેન્ટસીનો સમાવેશ થાય છે. કેટલીક વાર આ નિયંત્રણ અને અસહાયતાની રમત પણ હોઈ શકે. જેમાં સામેની વ્યક્તિ ઉપર કન્ટ્રોલ કરવાની અદમ્ય ઈચ્છા ફેન્ટસીમાં પલટાય છે. તો ક્યારેક આપણને કોઈ વ્યક્તિ કન્ટ્રોલ કરે એવી ઈચ્છા પણ ફેન્ટસી બની શકે છે. એક આધુનિક મનોવૈજ્ઞાનિક જસ્ટીન લેહમિલરના સંશોધન અનુસાર ફેન્ટસી ત્રણ પ્રકારની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો સાથે જોડાયેલી છે. કનેક્શન, એક્સાઈટમેન્ટ અને કન્ટ્રોલ... મોટા ભાગના લોકો વેલિડેશનના ઈચ્છુક હોય છે. કોઈ મને ચાહે, કોઈ મને સમજે, મારી પસંદગી કરે કે હું કોઈની સાથે નિકટતા અનુભવી શકું એ વ્યક્તિમાત્રની જરૂરિયાત છે. અટેચમેન્ટ અથવા લગાવ માણસ માત્રને જીવંત રાખે છે. બાળપણમાં પ્રેમની કમી કે કિશોરાવસ્થામાં અનુભવેલા તીવ્ર આકર્ષણ છતાં એ વ્યક્તિની સામે અભિવ્યક્તિ ન થઈ શકી હોય એવી પરિસ્થિતિમાં માણસ પ્રેમની તીવ્ર ઈચ્છા રાખે છે. સામેની વ્યક્તિ પોતાને ચાહે છે કે નહીં એ જાણ્યા વગર પણ ઘણીવાર વ્યક્તિ એકતરફી પ્રેમનો અનુભવ કરે છે. અહીં સુધી કશું ખોટું નથી, પરંતુ જ્યારે એ એકતરફી પ્રેમ ઘેલછા કે ઝનૂનમાં બદલાય ત્યારે સામેની વ્યક્તિ પોતાને ચાહતી નથી કે પસંદ નથી કરતી એ જાણ્યા પછી પણ વ્યક્તિ એ સ્વીકારવા તૈયાર થતા નથી. આ ડાર્ક ફેન્ટસી બની જાય છે. એકતરફી પ્રેમમાં ખૂન, એસિડ ફેંકવા કે બળાત્કાર જેવી ઘટનાઓ પણ બને છે ત્યારે ફેન્ટસીમાં ફસાયેલી વ્યક્તિ એવું સ્વીકારવા જ તૈયાર નથી હોતી કે પોતે જેને ચાહે છે એ પોતાના ચાહતા નથી અથવા પોતાનાથી ડરે છે... ઘણીવાર કોઈ સેલિબ્રિટી પોતાને ચાહે છે એવી ભ્રમણા પણ ડાર્ક ફેન્ટસીમાં ઉદભવે છે. બીજી બાબત છે એક્સાઈટમેન્ટ, ઉત્તેજના, સતત નવું અનુભવવાની ઝંખના, થ્રીલ, રોમાંચ અને અનપ્રેડિક્ટેબિલિટી કે સરપ્રાઈઝ! માણસના મનની ડોપામાઈન રિલિઝ કરતી સિસ્ટમ એને આનંદિત અથવા ખુશમિજાજ બનાવે છે. મજાની વાત એ છે કે, આપણા શરીરને એકસરખા અનુભવની આદત પડવા લાગે છે. જેમ કે, ઊંઘવાનો સમય, જાગવાનો સમય, ભોજનનો સમય વગેરે, પરંતુ મનને સતત નવું જોઈએ છે. એકની એક રોજિંદી પ્રવૃત્તિથી મન કંટાળો અનુભવે છે અને ડોપામાઈન રિલિઝ ઓછું થવા લાગે છે. જે કરવાની ના પાડવામાં આવી છે, અથવા સમાજ જેને અયોગ્ય માને છે એવી પ્રવૃત્તિમાં થ્રિલ રહેલી છે, ઉત્તેજના શરીરના એડ્રીનલ સ્રાવને વેગ આપે છે. આજના યુવા માટે લગભગ બધું જ તૈયાર છે. એમના જીવનમાં કશાયની કમી નથી, એટલે એમની જિંદગી કંટાળાજનક બની ગઈ છે. આવા યુવા ડ્રગ્સ કે વિડીયોગેમથી ઉત્તેજના અનુભવે છે. ફાસ્ટ ગાડી ચલાવીને થ્રિલ શોધે છે. નિતનવા પાર્ટનર સાથે સમાગમ કરીને એક્સાઈટમેન્ટનો અનુભવ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ દરેક થ્રિલ એડ્રીનલ રશની એક લિમિટ હોય છે. ત્રીજી બાબત છે કન્ટ્રોલ. માણસમાત્ર વૃત્તિએ આદિમ અને શિકારી છે, પરંતુ સમાજ કે પારિવારિક સંબંધોમાં એણે ખૂબ જવાબદાર અથવા નિયંત્રિત વ્યક્તિ તરીકે વર્તવું પડે છે. જે એને માટે કૃત્રિમ છે. બાળપણમાં ખૂબ ડોમિનેટ કે બૂલી થયેલા લોકો કેટલીકવાર સેક્સ્યુઅલ પાર્ટનર પર કન્ટ્રોલ મેળવીને પોતે સ્ટ્રોંગ અથવા પાવરફુલ હોવાનો આનંદ મેળવે છે. બીજી તરફ કેટલાક લોકો જીવનમાં એટલા બધા નિર્ણયો કરે છે, જવાબદાર હોય છે કે એમને પોતાના જાતીય પાર્ટનર દ્વારા કન્ટ્રોલ થવાની મજા આવે છે. આ બંનેમાં કશું ખોટું નથી, પરંતુ જ્યારે આ કન્ટ્રોલિંગની પ્રવૃત્તિ ડાર્ક ફેન્ટસી બને ત્યારે બળાત્કાર કે નેક્રોફિલિયામાં (મૃત શરીર સાથે સમાગમ) પરિણમે છે. કેટલાક લોકો સમાગમ દરમિયાન હિંસક બની જાય છે. જ્યાં સુધી હિંસા ન કરે ત્યાં સુધી તેમને સંભોગમાં સંતોષ ન થાય તો આ ડાર્ક ફેન્ટસી અથવા રોગ બની જાય છે. સેક્સ્યુઅલ ફેન્ટસી સંબંધોને એક તાજગી આપે છે અથવા સંભોગને નાવીન્યસભર બનાવે છે. ક્યારેક કોઈ વ્યક્તિની કલ્પનાથી ઉત્તેજનાનો અનુભવ થાય છે તો ક્યારેક એ વ્યક્તિ પોતાની આસપાસ હોવાની અનુભૂતિ પણ સંભોગનો આનંદ વધારે છે. જ્યાં સુધી આ મનની પ્રવૃત્તિ હોય ત્યાં સુધી એમાં કશું વાંધાજનક ન હોઈ શકે, પરંતુ જ્યારે આ અંગત ફેન્ટસીને બદલે ડિસઓર્ડર કે વિકાર બની જાય ત્યારે આવી વ્યક્તિઓ સમાજ, પરિવાર અને કાયદા માટે ભયજનક પુરવાર થઈ શકે છે.
Read Original Article →