માનસ દર્શન:સેવા અને સ્મરણ

Magazine4/12/2026, 12:50:00 AM
માનસ દર્શન:સેવા અને સ્મરણ
સેવા હોય કે સ્મરણ હોય, એ એક એવું બીજ છે, જો માણસ એને સીંચે તો મબલક પાક પાકી જાય. હા, એક સૂત્ર છે આપણે ત્યાં ‘ધૈર્ય કંથા.’ શિવસૂત્ર છે, ધીરજ જોઈએ. કબીરસાહેબ કહે છે- ધીરે-ધીરે રે મના, ધીરે સબ કુછ હોય. માલી સીંચે સૌ ઘડા, ઋતુ આયે ફલ હોય. મારે એ જ કહેવું છે, જેની પાસે સેવાનું બીજ હશે એને મબલક પાક મળશે. જેની પાસે સ્મરણનું બીજ હશે એને ખૂબ મળશે. ગાંધીજી પાસે શું હતું? શારીરિક સંપદા હતી એની પાસે? હા, ભણેલા હતા, બેરિસ્ટર હતા. એ સત્યનો પર્યાય છે. એ માણસ પાસે રામનામ હતું; એ જ પકડાઈ ગયું એટલે પકડ્યું તે જનસેવાનું બીજ અને એમણે આખા જગતને એક દિશા આપી. મારે ને તમારે સેવાનાં ચાર ક્ષેત્રો નક્કી કરવાં પડે. એક, પરિવારની સેવા કરજો. ત્યાંથી શરૂઆત કરાય. ચેરિટી હંમેશાં ઘરથી કરાય. પરિવારે કંઈ ગુનો નથી કર્યો! માણસે પોતાના પરિવારને સમય આપવો જોઈએ. પરિવારની સેવા કરવી અને પરિવારની આપણે સેવા કરીશું તો પરિવારના સભ્યો આપણા પરસેવાના યજ્ઞમાં વિરોધી નહીં રહે, સહયોગી રહેશે. જો બીજ સાચું પકડાયું હશે તો. ‘જહાં જહાં ચરણ પડે ગૌતમ કે.’ એક પુસ્તક છે, એમાં એક વાત મને બહુ ગમી; ભગવાન બુદ્ધ જે રાત્રિએ પોતાનાં ધર્મપત્ની અને બાળકને છોડીને નીકળી જવાના હતા ત્યારે આપણને એમ લાગે કે આ કેટલી મોટી હિંસા છે! પણ એ ભિખ્ખુએ જવાબદારીપૂર્વક નોંધ્યું છે કે બુદ્ધ ભગવાન નીકળી જવાના હતા ત્યારે એ રાત્રિ પહેલાં સાંજે યશોધરાજીએ બુદ્ધને કઈ કઈ વસ્તુઓ ઉપયોગી થશે એ બુદ્ધની ખુરસી ઉપર મૂકી દીધી હતી કે તમે જઈ રહ્યા છો તો આ સાથે લેતા જજો. પરિવાર સહાયક બનશે, જો તમે સાચા માર્ગે હશો તો. પરિવારની સેવા કરવી. બીજી સેવા, સામાજિક સેવા. આપણે આપણું જ કરીને બેસી જઈએ એ તે કેવું! હું ને તમે સેવાના બીજને પરિવારથી શરૂઆત કરીએ પણ એટલામાં સીમા ન કરી દઈએ. પછી સમાજની સેવા કરીએ. હું જેટલે પહોંચી શકું ત્યાં પહોંચું. આપણી ક્ષમતા પ્રમાણે સમાજની સેવા કરીએ. જો એ સેવાનું બીજ, સ્મરણનું બીજ પાકું હશે આપણી પાસે, તો ત્રીજું ક્ષેત્ર લેવું જોઈએ મારે ને તમારે અને એ છે રાષ્ટ્રની સેવા. આખા રાષ્ટ્રની સેવા થવી જોઈએ. બાઉલની કથા છે કે ખેતરમાં એક ચાડિયો છે. ત્યાં એક બીજો સાધુ આવ્યો અને કહ્યું કે પક્ષીઓને ડરાવવા આ સામાન્ય માણસો તો કરે, પણ તમે? ત્યારે પેલા ફકીરે કહ્યું કે સાધુ, જરા એક મિનિટ. ખેતરમાં જે મેં ચાડિયો ઊભો કર્યો છે કે પક્ષીઓ દાણા ન ખાય, પણ તું એટલું તો જરા જો કે વચ્ચેની જે દાંડી છે હાથ બતાવવા પૂરતી, ત્યાં મેં એક એક ઠીબડી લટકાવી છે. તો કહે, હા, એ તો મેં જોયું પણ કંઈ સમજાયું નહીં! તો પેલા બાઉલે કહ્યું, એ પક્ષીને ડરાવવા માટે નથી મૂક્યું, પક્ષીને નિમંત્રણ આપવા મૂક્યું છે. એને મારે બોલાવવાં છે; એને મારે મારવાં નથી; એને ભગાડવાં નથી. જ્યારે તમે ને હું ‘સર્વજન સુખાય’ની જગ્યાએ ‘સર્વભૂત સુખાય’નો મંત્ર શીખીશું ત્યારે જ આ વિસ્તરશે. આપણે જનમાં સીમિત થઈ ગયાં! એ સૂત્ર સારું છે. મને ગમે છે, ‘સર્વજન સુખાય, સર્વજન હિતાય.’ જનસંસદ સિવાય આ દુનિયામાં કોઈ નથી? ‘ગીતા’નો શબ્દ છે ‘જનસંસદ.’ જેને સમાજની ભીડમાં અરતિ થઈ ગઈ છે એટલે ભાગી ગયો છે એમ નહીં, પણ ભીડમાં રહેવા છતાં એકાંતને પકડી રાખે છે. આ સ્થિતિ જેમની છે એવા સમયે પેલો બાઉલ એમ કહે છે કે તું જો, આ એક ઠીબડી અહીં લટકે છે; એકમાં દાણા નાખ્યા છે, એકમાં જળ નાખ્યું છે. પક્ષીઓને નિમંત્રણ આપું છું કે તમે દાણા ચૂગો અને ચાંચથી પાણી પીઓ. આ તમને ડરાવવા માટે નથી; આ તમને પ્રેમ કરવા માટે બે ઠીબડી છે. આ વાર્તા તો ત્યાં પૂરી થઈ જાય છે, પણ તલગાજરડાને એમાં જો કંઈ વિશેષ ઉમેરવું હોય તો હું એમ કહું કે એક ઠીબડીમાં દાણા હતા એ તો બરાબર, પણ ઉપનિષદનું સૂત્ર હતું, ‘અન્નં બહ્મેતિ વ્યજાનાત્.’ બ્રહ્મ હતું. એક ઠીબડીમાં જળ તો હતું, પણ ‘રામ ભગતિ જલ.’ રામની ભક્તિનું જળ હતું. આવી સેવા. તો હું ને તમે પરિવારની સેવા, સમાજની સેવા અને રાષ્ટ્રની સેવા કરતાં કરતાં સમગ્ર વસુધાની સેવા કરીએ અને એ પણ કેવલ જન પૂરતી મર્યાદિત ન હોય, ‘સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય.’ અને ત્રીજી વસ્તુ, ‘સર્વભૂત પ્રીતાય.’ પ્રેમથી સેવા કરવી. (સંકલનઃ નીતિન વડગામા)
Read Original Article →