સફર:સાવંતવાડી : કોંકણની ગોદમાં વસેલું રત્ન
વીણાબહેન ગજ્જરના પુત્ર નિતુલ ગજ્જર
દક્ષિણનો કોંકણ વિસ્તાર તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે ઓળખાય છે. કોંકણમાં એવાં ઘણાં સ્થળ છે, જ્યાં ફરવાની સાથે શાંતિ લેવાનો પણ મોકો મળશે. એવી જ એક જગ્યા એટલે સાવંતવાડી. દક્ષિણમાં મહારાષ્ટ્ર અને ગોવાની સરહદે સ્થિત સાવંતવાડી 19મી સદીમાં સાવંત ભોંસલેના સામ્રાજ્યનું પાટનગર હતું અને આજે અહીંનાં લાખકામ તેમજ લાકડાંનાં રમકડાં માટે પ્રખ્યાત છે. સાવંતવાડીમાં ભોંસલે રાજવંશનો ભવ્ય મહેલ આવેલો છે. 19મી સદીની શરૂઆતમાં તૈયાર થયેલા આ મહેલના એક ભાગમાં રાજપરિવાર વસે છે. જ્યારે નજીકના ‘તાઈસાહેબ વાડા’ને હોટલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. છતાં મહેલનો ઘણોખરો ભાગ મુલાકાતીઓ માટે ખુલ્લો છે. સાવંતવાડી પેલેસમાં રાજપરિવારનાં ચિત્રો, તેમનો સામાન, મૂર્તિઓ વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. મહેલના પ્રાગંણમાં જ વર્કિંગ સ્ટુડિયો પણ છે, જ્યાં કલાકારો લાકડાંમાંથી શતરંજનાં મહોરા, રમકડાં અને ગંજીફા બનાવતા જોવા મળશે. મહેલને અડીને જ ‘મોતી’ તળાવ છે. જેના કિનારે બેસીને નિરાંતની પળ માણી શકાય.
મૂળ પર્શિયા એટલે કે આજના ઈરાનથી મુઘલો સાથે આવેલા ગંજીફાની કળા આજે દુર્લભ બની છે. પણ અહીં સાવંતવાડીમાં તમને કપડાં, લાખ અને કુદરતી રંગોથી ગંજીફા બનતા જોવા મળશે. 120 પત્તાંના સેટમાં તૈયાર કરવામાં આવતા ગંજીફા જૂના સમયમાં રમતગમત માટેનું રસપ્રદ સાધન હતું. આજે પણ અહીં સાવંતવાડીમાં બનતા ગંજીફામાં રામાયણ, મહાભારત અને દશાવતાર જેવા ધાર્મિક વિષયોનું ચિત્રણ છપાય છે.
સાવંતવાડીથી 25 કિલોમીટરના અંતરે આવેલો છે ‘આંબોલી ઘાટ’. 700 મીટરની ઊંચાઈએ સ્થિત આ જગ્યા મહારાષ્ટ્રનું છેલ્લું ઊંચાઈવાળું સ્થળ છે, અહીંથી આગળ રસ્તો ગોવા તરફ નીચે ઊતરે છે. ‘આંબોલી ઘાટ’ ઈકોલોજિકલ હોટસ્પોટ પણ છે. માટે અહીં તમને રસપ્રદ જૈવ વૈવિધ્ય જોવા મળશે. ઉપરાંત મહારાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડતો હોય તેમાંનું એક સ્થળ એટલે આંબોલી. એટલે જ તો અહીં સેંકડો નાનામોટા ધોધ પણ આવેલા છે. જેમાંના કેટલાક તો બારેમાસ ચાલુ રહે છે.
‘આંબોલી ઘાટ’ નજીક ટ્રેકિંગ, પિકનિક અને ધોધમાં નહાવાની મજા પડે તેવું છે. સાવંતવાડી નજીક આવેલો ‘શિરોડા બીચ’ તમને એકાંતમાં દરિયાની મોજ માણવાનો મોકો આપે છે. અહીં નજીકમાં ‘સાગરેશ્વર બીચ’ પણ છે. સાવંતવાડીથી 30 કિલોમીટરના અંતરે ‘વેલગર બીચ’ પણ છે. વોટર સ્પોર્ટ્સમાં રસ હોય તેમણે ‘તરકરાલી બીચ’ જવું પડે.
સાવંતવાડીમાં જ ‘શિલ્પગ્રામ’ નામનું સ્થળ આવેલું છે. અહીં તમને કલાકારો ગંજીફા તેમજ લાકડાંનાં રમકડાં બનાવતા અને વેચતા નજરે પડશે. ઉપરાંત ‘શિલ્પગ્રામ’ના એક હિસ્સામાં હેરિટેજ રિસોર્ટ પણ છે. સાવંતવાડી આસપાસ‘સાતરડા’ નજીક આવેલું 500 વર્ષ જૂનું ‘રાવલનાથ મંદિર’ અને ‘અંબોલી’ પાસે આવેલું ‘હિરણ્યકેશી મંદિર’ પાર્વતીમાતા અને ભગવાન શંકરનું પવિત્ર મંદિર છે.
ફરવાનાં સ્થળો ઉપરાંત સાવંતવાડીમાં કલાકૃતિઓ બનતી જોવાનો અને તેને ખરીદવાનો અનોખો લહાવો મળે છે. ગંજીફા ઉપરાંત અહીં રમકડાં બનાવાય છે. લાકડાંમાં કોતરણી કરી માથે લાખનું આવરણ ચડાવી બનાવવામાં આવતાં આ રમકડાં માનવજીવનનું પ્રતિબિંબ રજૂ કરે છે. સાવંતવાડીનો વિસ્તાર માલવાણ તરીકે ઓળખાય છે. અહીંનું ભોજન અને ખાસ તો તેમાં વપરાતા મસાલાનો સ્વાદ માણવાલાયક હોય છે. માટે સ્થાનિક ભોજન અવશ્ય ચાખવું. વેજીટેરિયન ભોજનના પણ ઘણા વિકલ્પ છે. ઉપરાંત અહીંથી તમે હાથે સૂકવેલા અને ખાંડેલા તાજા મસાલા ખરીદી પણ શકો છો.
સાવંતવાડી અને ઉત્તર ગોવાના સહિયારા પ્રવાસનું આયોજન
સાવંતવાડી વધુ દિવસ રોકાવ તો આસપાસનું ઘણું ફરી શકાય. અહીંથી નજીકમાં જ છત્રપતિ શિવાજી મહારાજનો સુપ્રસિદ્ધ દરિયાઈ કિલ્લો ‘સિંધુ દુર્ગ’ આવેલો છે. અડધો દિવસ કાઢીને આ જગ્યાએ જવા જેવું છે. ઉપરાંત ઉત્તર ગોવાના ‘વેગેટર’, ‘અંજુના’, ‘કલિંગુટ’,‘ બાગા’ વગેરે બીચ, ‘દૂધસાગર’ અને ‘હાર્વેલમ’ ધોધ તેમજ ‘અગોડા’, ‘સેન્કિરિયમ’ અને ‘કેન્ડોલિમ’ જેવાં ઐતિહાસિક પ્રવાસન સ્થળ પણ સાવંતવાડીથી 100 કિલોમીટર કરતાં ઓછા અંતરે આવેલાં છે. માટે બે દિવસ સાવંતવાડી અને ત્રણેક દિવસ ઉત્તર ગોવા એમ સહિયારા પ્રવાસનું આયોજન કરી શકાય.
Read Original Article →