થેન્ક યૂ:સંસ્કારના સમરકેમ્પ હોય?
ડો. જયેશ વાછાણી જે કરાવવું છે એ કરવાનું જ હોય એવું જાતે કરીને, સંતાનના મનમાં નાખવું પડે.
આમાં વર્તમાન અને ભવિષ્ય બંને સારું થશે
મનમાં શું જવાબ આવ્યો? ન જ હોયને. એવોને ?
સાવ સાચું. સંસ્કાર તો પરિવાર અને ઘરના વડીલો કે વ્યક્તિઓ જ
પોતાના અનુભવ, સમજ, વિચાર, વર્તનથી આગળ વધારતા હોય.
જિવાતી જીવનશૈલી, પરિવારજનોના સ્વભાવ, વ્યક્તિઓની વિચારધારાથી
ઘરમાં એક સારું કે નરસું વાતાવરણ સર્જાતું હોય છે અને આ વાતાવરણની
વચ્ચે મોટું થતું સંતાન પણ મોટા ભાગે એ જ વાતાવરણને લગતું કે
મળતું થાય છે. આ કરાય ને’ આ ન કરાય એવું કહેવાને બદલે ઘરનું
વાતાવરણ જ જેવું કરાય એવું જ હોવું જરૂરી છે.
અમે ગમે તેમ કરીએ તો ચાલે, તારે ન કરાય, એવું ન ચાલે.
સંતાનને સંસ્કારી કરવા, ઘરમાં સૌએ પહેલા સંસ્કારી થવું પડે.
ફક્ત પૈસાથી ખરીદી શકાય એવું એમને લઈ દેવાથી કંઈ ન વળે.
એમની સાથે અને સામે કરવા જેવું વર્તન, આપવા જેવો સમય,
કહેવા જેવી વાતો, બતાવવા જેવા દાખલાઓ દેવા પડે.
અને એ માટે જાતે, ઘરમાં, એમના યોગ્ય વાતાવરણ અને વ્યવસ્થા
બનાવવાં પડે. નાનપણથી સંતાન ઘરમાં જેવું જુએ છે એવું કરવામાં
એને જરાય અજુગતું લાગતું નથી, એ ‘યુઝ ટુ’ થઈ જાય છે.
ઘણા બાબાના બાપાઓ હજી વૈચારિક રીતે બાબાઓ જ હોય છે
એ ખાલી ઉંમરથી જ મોટા હોય છે; એને કયાં, કેમ, કેવું બોલવું
કે વર્તવું તેની કશી સમજ કે ફિકર જ નથી હોતી. સ્કૂલે મૂકવા જતી
વખતે પપ્પા કાર રસ્તા વચ્ચે પાર્ક કરતા હોય તો બાળકને
ક્યારેય ન સમજાય કે બીજાને અડચણ પડે એવી રીતે
વાહન પાર્ક ન કરવા જોઈએ. આપણે એને કહીએ છીએ એના કરતાં
આપણે જે કરીએ છીએ એવું એ વધારે કરશે. એની પાસે ઉદાહરણ છેને!
મોઢામાં માવો રાખી અપાતી સલાહ ખાલી સંભળાય છે, મનાતી નથી.
રસ્તા પર આપણે કચરો ફેકીએ અને એમને કહીએ કે કચરો જ્યાં ત્યાં ન ફેંકાય
એનો ક્યાંય મેળ ન ખાય. માણસ તરીકે એનો જન્મ આપ્યા બાદ તેને માણસ
બનાવવા ખુદ માણસ બનવું પડે. બીજા માટે નહીં, સમાજ માટે નહીં,
પાડોશીઓ કે સગાવહાલાં માટે પણ નહીં, બસ આપણા ખુદનાં સંતાનો માટે
આપણે સુધરવું, સમજવું, બદલવું,
વિકસવું જરૂરી છે. સ્વભાવ, વર્તન,
વાણી, વ્યવહાર સારા રાખવા પડે. દાખલા બેસાડવા પડે. ભૂલ હોય તો
સોરી કહેવું પડે, નમસ્તે કરાય એવું કહેવાને બદલે કરીને દેખાડવું પડે.
જે કરાવવું છે એ કરવાનું જ હોય એવું જાતે કરીને, એના મનમાં નાખવું પડે.
આમાં ડબલ ફાયદો છે – વર્તમાન અને ભવિષ્ય બંને સારું થશે !
સંસ્કાર ક્યારેય સમરકેમ્પમાં પૈસા દેતા વેચાતા ન મળે,
એ તો માવજતથી ઊગે, મહેનતથી મળે. વિચારજો.
Read Original Article →