હિડન ટ્રુથ:રેતીના ઢગલાનો વણઉકલ્યો કોયડો
જયેશ દવે એક કાર રસ્તાના કિનારા પર લાંબા સમયથી ઊભી છે. આ કારનો માલિક ન હોય થોડા દિવસોમાં કોઈ તેના ટાયર લઈ જાય છે. થોડા દિવસ પછી વળી કોઈ કારની અંદરની મ્યુઝિક સિસ્ટમ અને અન્ય ઉપકરણો કાઢીને લઈ જાય છે. સમય જતાં ગિયર બોક્સ, એન્જિન, દરવાજા આ રીતે ક્રમશઃ એક પછી એક સ્પેરપાર્ટ્સ દૂર થવા લાગે છે અને આખરે એક સમયે ત્યાં કાર જ રહેતી નથી. તો આખરે કઈ ઘટના પછી કાર તે કાર ન રહી? કયું સાધન, સ્પેરપાર્ટ કે વસ્તુ દૂર થતા કારનું અસ્તિત્વ ન રહ્યું?
સામાન્ય રીતે કહી શકાય કે બહારનું બોડી હતું ત્યાં સુધી કાર હતી તે દૂર થયુ ત્યારે તેનું અસ્તિત્વ ન રહ્યું. જોકે, બોડી પણ એક સાથે ગુમ નથી થઈ. હેન્ડલ, દરવાજા, બોનેટ, સ્ક્રુ...... આ રીતે કોઈ ક્રમમાં બોડી અદૃશ્ય થયું છે. તો કાર આખરે ‘કાર’ ન રહ્યાનું કોઈ નિશ્ચિત બિંદુ કયું?
બીજું ઉદાહરણ જોઈએ, રેતીનો એક ઢગલો છે. તેમાંથી રેતીનો એક કણ કાઢી લો છો. હવે રેતીનો ઢગલો રહ્યો? હા, તેનાથી કશો ફરક પડતો નથી. હવે આ જ રીતે એક એક કરતા કણ કાઢતા રહો તો ક્યારે ઢગલો ન રહે? કઈ ક્ષણે કહી શકો કે હવે તે ઢગલો નથી? કાર હોય કે રેતીનો ઢગલો તેનું અસ્તિત્વ કઈ ક્ષણે ન રહ્યું તે પિન પોઈન્ટ સાથે કહેવું અશક્ય છે.
‘હીપ પેરાડોક્સ’ કે પછી ‘સોરાઈટ્સ પેરાડોક્સ’ તરીકે ઓળખાતો આ કોયડો ભૌતિક જ નહીં આધ્યાત્મિક જગતના પ્રશ્નો તરફ લઈ જાય છે. પ્રાચીન ગ્રીક તત્ત્વજ્ઞાનનો આ કોયડો છે. ગ્રીક ભાષામાં ‘સોરોસ’ એટલે ઢગલો એવો અર્થ થાય છે. મૂળભૂત આ રેતીનો ઢગલો અને રેતીના કણના અસ્તિત્વ સંબંધ તથા બંનેના ઓળખના નિશ્ચિત બિંદુ માટેની અસ્પષ્ટતાની વાત છે. આવી અસ્પષ્ટતા આપણી આજુબાજુ અને આપણા જીવનમાં સતત જોવા મળે છે.
આ પેરાડોક્સની બીજી દિશામાંથી પણ જોઈએ તો આ કોયડો વધુ પેચીદો અને રોમાંચક બને છે. જે રીતે કાર કયા બિંદુ પર કાર ન રહી? રેતીનો ઢગલો કયારે ઢગલો ન રહ્યો? આ નક્કી કરવું મુશ્કેલ છે તે જ રીતે તે કયારે અસ્તિત્વમાં આવ્યો તે પણ કહેવું મુશ્કેલ છે. કાર ફેક્ટરીમાં કાર બની રહી છે, એક એક પાર્ટ જોડાઈ રહ્યા છે. તમે ક્યાં પોઈન્ટ પર કહેશો કે અહીંથી કારના અસ્તિત્વનો જન્મ થયો? રેતીના કણ એકઠા થઈ રહ્યા છે. હવે તે ઢગલો છે તેવું કઈ નિશ્ચિત ક્ષણે તમે કહીં શકશો? આ એવી અસમંજસતા છે કે જેમાં કશું અલગ અસ્તિત્વ છે પરંતુ તેના પ્રારંભ કે અંતનું નિશ્ચિત બિંદુ જણાવવું મુશ્કેલ છે. માની લઈએ વ્યક્તિગત હોય શકે તો પણ તે સર્વ સામાન્ય નહીં હોય.
એક અલગએ દૃષ્ટિ આ સમગ્ર વાતને જોઈએ. રેતીનો કણ તે ઢગલો નથી. જો એક કણ ઢગલો નથી તો બીજો, ત્રીજો, ચોથો...... કોઈ પણ કણ ઢગલો નથી આમ છતાં તેનાથી જ ઢગલો બને છે! એન્જિન, પતરું, ટાયર તે કાર નથી. આ તમામનું પોતાનું અલગ અસ્તિત્વ છે પણ આ તમામથી જ કાર બને છે. આ રીતે અલગ - અલગ અસ્તિત્વ ધરાવતા એકમ એકસાથે જોડાય ત્યારે એક વિશેષ ઓળખ બને છે, એક
નવું સંયુક્ત અસ્તિત્વ બને છે. આ નવા અસ્તિત્વમાં તેની કોઈ
અલગ વિશેષ ભૂમિકા રચાતી નથી છતાં એક અલગ અસ્તિત્વ નિર્માણ પામે છે.
એન્જિનનું કામ ગતિ આપવાનું છે તો તે કારમાં લાગેલું હોય કે અલગ હોય તે પોતાનું તે જ કામ કરે છે. આમ છતાં કારનો હેતુ અને તેથી ઓળખ એન્જિન વગર સિદ્ધ થતી નથી. આ એવું મજબૂત જોડાણ છે કે તેમાં કોઈ એક નિશ્ચિત બિંદુથી અસ્તિત્વ અલગ પાડવું અશક્ય બને છે. આપણું અને સૃષ્ટિનું જોડાણ પણ આવું છે. હું અને જગત કયાંથી અલગ છીએ? સૃષ્ટિમાં મારી ભૂમિકા ક્યાંથી શરૂ થાય છે? આના જવાબ આ પેરાડોક્સ જેવા છે. આપણા જીવન સાથે પણ આ ‘સોરાઈટ્સ પેરાડોક્સ’ વણાયેલો છે તેની વાત આગળના ક્રમે.
Read Original Article →