જીવનના હકારની કવિતા:સજન અને સ્વજનનું પ્રેમપર્વ
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનું ઢુંકડૂં ન હોજો પરભાત..
સૂરજ ને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત રે..
રૂપલે મઢી છે… વેળા આવી તો જરા વેણ નાખો વાલમા,
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા,
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર..દૂર દૂર..
એની મોરલીને સૂરે કરો વાત રે..
રૂપલે મઢી છે… દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવા રે મહોબ્બતનાં તાણ જરા જોઈ લઉં,
મ્હારા કિનાર રહો દૂર નિત દૂર દૂર..દૂર દૂર..
રહો મજધારે મ્હારી મુલાકાત રે..
રૂપલે મઢી છે…
- હરીન્દ્ર દવે ગમતી વ્યક્તિ પાસે હોય પછી રાત ભલે મધરાત થાય, સવાર મોડી ઊગે તો પણ વાંધો નહીં! વાતો કરતાં કરતાં આયખું પસાર થઈ જાય. તારાઓથી મઢેલી રાત માણવી ગમે. જેનું સપનું જોયું હતું એની સાથે જ જાગવાનું બને છે. સૂરજ રોકાઈ જાય અને સવાર જ ન પડે તો ઘણું સારું. ‘સજન’ હજુ સ્વજન નથી બન્યાં ! વાતોમાં જિંદગી ગૂંથાય છે. ઘૂંટાશે ત્યારે સ્વજન સેંથીનું સિંદૂર થઈને કપાળ પર ચમકશે.
અલગ ઝલપની વાતો મંડાય છે. જાત ચૂપ રહે અને રાતની સાથે સામે બેઠેલી ગમતી વ્યક્તિ વધુ બોલે એવી અપેક્ષા જન્મી છે. જેનો ફોટો જોઈને ફોટા જોડે જ વાતો થતી હતી એ વ્યક્તિ આંખો સામે છે. વાતચીતનો દોર જામવામાં છે. જે વાત થશે તેમાં મોરલીના સૂરની સુગંધ જ હશે. સમય થંભી જાય તો વહાલો લાગે. રાત થંભી જાય તો જીવમાં જીવ આવે. દિલના ઊંડાણ માપી લેવાં છે. મહોબ્બતના મોઘમ ઈશારાને પામી જવા છે. હવે કાંઠાની કોઈ તરફ પહોંચવું નથી. મઝધારને જ કિનારો ગણવો છે.
આખા ગીતની ખૂબી ગઝલના શબ્દો જેવા વાતાવરણથી ખીલી ઊઠી છે. હરીન્દ્રભાઈની ગીત કવિની વિશેષતા ગઝલમાં પ્રયોજાતા શબ્દો સાથે આખાય ગીતમાં મહેકે છે. દિલીપ ધોળકિયાના સ્વરાંકનમાં માણવા જેવું ગીત છે. ગમતી વ્યક્તિ સાથે મનગમતો સમય માણવા મળ્યો છે એના વર્તમાનનું આ નિરૂપણ છે. એકરાર થયા પછી સાથે જીવવાના કરારનો ઉમળકો બંને પક્ષે વર્તાય એની લાગણીનું લાલનપાલન છે. હરીન્દ્ર દવેના જ એક ગીતથી રવિવારના આનંદની બમણી ઉજવણી કરવી છે. ક્ષેમુ દિવેટીયાના સ્વરાંકનમાં આ ગીત પણ માણવા જેવું છે. તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ
ને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બંધન. એક અગોચર ઇજન દીઠું
નૈનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું
એક અહર્નિશ ફાગણ; શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન. નીલ વર્ણનું અંબર એમાં
સોનલવરણી ટીપકી,
વીંધી શામલ ઘટા, પલકને
અતંર વિજળી ઝબકી; નૈન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન
Read Original Article →