દેશ-વિદેશ:યુદ્ધના મોરચે ભાડૂતી સૈનિકો!
પદ્માવતીબહેન વ્યાસના પુત્ર ડૉ. જય નારાયણ વ્યાસ
રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત થઈ ત્યારે યુરોપના આ નાનકડા દેશને રશિયા ચપટી વગાડતામાં ખલાસ કરી નાખશે એવી વાતો થઈ હતી. યુક્રેનને ચોળી નાખવાની રશિયાની બડાશો વચ્ચે 24 ફેબ્રુઆરી, 2022એ રશિયાના પ્રમુખ પુતિને વિશેષ સૈન્ય અભિયાનની જાહેરાત કરીને યુક્રેન પર પૂર્ણ સ્કેલ આક્રમણ શરૂ કર્યું. આ આક્રમણે છેલ્લા ચાર વર્ષ કરતાં વધુ સમયમાં વૈશ્વિક અર્થતંત્ર, ખાદ્યસુરક્ષા, ઊર્જા વિતરણ અને ભૂ-રાજકીય સંતુલનને ઊંડી અસર પહોંચાડી છે તેની સાથે સાથે યુદ્ધની સૌથી વધુ વિનાશક અસર માનવજીવન પર પડી છે. સંયુક્ત રાષ્ટ્ર અને વિવિધ અંદાજો મુજબ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લાખો માણસો માર્યા ગયા છે.
યુક્રેનના લાખો નાગરિકો વિસ્થાપિત ગયા છે, જેમાં અનેક મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. યુક્રેનના અનેક લોકો બેઘર બન્યા છે અને પોલેન્ડ, રોમાનિયા, હંગેરી તેમજ અન્ય દેશોમાં શરણ લેવા મજબૂર બન્યા છે. બીજા વિશ્વ યુદ્ધ પછીનું સૌથી મોટું શરણાર્થી સંકટ યુદ્ધને-રશિયા યુદ્ધને કારણે સર્જાયું છે. અમેરિકાના વર્તમાન પ્રમુદ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા ત્યારે એમણે એવી ડંફાસ મારી હતી કે, ‘એક મહિનામાં યુક્રેન-રશિયા યુદ્ધમાં સમાધાન થઈ જશે’ જે ઠગારી નીવડી છે.
રશિયા અને યુક્રેન વિશ્વના અનાજ અને ઊર્જા નિકાસકાર છે અને તેમાં પણ યુક્રેન ‘ફૂડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ’ એટલે ‘વિશ્વ માટે અનાજનો કોઠાર’ તરીકે ખ્યાતિપ્રાપ્ત છે. યુદ્ધને કારણે ઘઉં, મકાઈ અને અન્ય અનાજની નિકાસમાં અવરોધ આવ્યો છે, જેને કારણે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના અહેવાલ અનુસાર વિશ્વભરમાં ખાદ્ય કિંમતોમાં રેકોર્ડ વધારો થયો છે.
આ યુદ્ધે એક બાજુ રશિયા અને ચીનના સંબંધો મજબૂત કર્યા છે, તો બીજી બાજુ ‘નાટો’ સંગઠનને નવી જીવંત ઊર્જા પૂરી પાડી છે જેણે યુક્રેનને આ યુદ્ધમાં ટકી રહેવા માટે બળ પૂરું પાડ્યું છે. બીજી બાજુ યુએન સુરક્ષા પરિષદના અસ્તિત્વને લગભગ શૂન્ય પર લાવીને મૂકી દીધું છે. યુક્રેન-રશિયા યુદ્ધે, આજના આધુનિક વિશ્વ પર કોઈ પણ દેશ નિર્ણાયક યુદ્ધ જીતી શકે તેમ નથી તે ફરી એક વાર પુરવાર કર્યું છે. મધ્યસ્થી કરવાને બહાને અમેરિકન પ્રમુખને પોતાનો સ્વાર્થ સાધવો હતો તે ચીન અને રશિયાના સમજૂતીભર્યા સહકારને કારણે શક્ય બન્યું નથી.
આ યુદ્ધમાં જે મોટી માનવ ખુવારી થઈ છે તેમાં રશિયાએ પણ ખૂબ મોટી સંખ્યામાં સૈનિકો ગુમાવ્યા છે. સીધા યુદ્ધમાં ભારે નુકસાન વેઠતી હોવાના કારણે રશિયન સરકારે અનેક ભાડૂતી જૂથોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. આમાં સૌથી પ્રસિદ્ધ વેગનર ગ્રૂપનો યેવગેની પ્રિગોઝિન છે, જે પોતાની ખાનગી સેના નિભાવે છે, એનો રશિયા માટે ઉપયોગ થાય છે. જોકે, કેટલાક મતભેદોને કારણે ઓગસ્ટ, 2023માં પ્રિગોઝિનનું વિમાન અકસ્માતમાં મરણ થયું જેને ઘણા લોકો પુતિનનું સુઆયોજિત કાવતરું માને છે. વેગનરના અવસાન બાદ આ જૂથ વિખેરાઈ ગયું છે. કેટલાક ભારતીય યુવાનોને ઊંચા પગારનો લોભ આપી રશિયન સેનામાં જોડી દેવામાં આવે છે. આવી જ એક ઘટના સંદર્ભે એના નાગરિકોને લલચાવીને રશિયા તરફે યુદ્ધ લડવા માટે યુક્રેન બોર્ડર પર લઈ જવામાં આવ્યા છે એવું પેરુ દેશના પબ્લિક પ્રોસિક્યુટર કહે છે.
આવી વ્યક્તિઓને લોભામણી નોકરીની લાલચો આપીને રશિયા લઈ જવામાં આવે છે અને પછી યુદ્ધના મોરચે ધકેલી દેવામાં આવે છે. પેરુએ રશિયાની આ ‘માનવ તસ્કરી’ અને લોભ-લાલચ આપીને એના નાગરિકોને રશિયાએ ફસાવ્યા છે તે સામે તપાસપંચ નીમ્યું છે. એ જ રીતે અન્ય દેશોના નાગરિકોને યુક્રેન દ્વારા બીજા દેશોમાંથી ઉઠાવી લાવીને યુક્રેન મોરચે મૂકવામાં આવ્યા હતા જેમાંથી કેટલાંક મૃત્યુ પણ થયાં છે. આવી વ્યક્તિઓને મહિને 2000થી 3000 ડૉલરનો પગાર મળશે તેમ કહી ફસાવવામાં આવ્યા હતા. આ બધાં પ્રલોભનોને કારણે પેરુ દેશના લગભગ 600 નાગરિકોને લોભ-લાલચમાં ફસાવીને યુક્રેનના સૈન્યમાં લડવા માટે ઉપાડી જવાયા છે એવો સ્પષ્ટ આક્ષેપ છે.
રશિયા પોતાના વતી લડવા માટે ભારત અને નેપાળ જેવા દેશોમાંથી પણ સારા પગારની લાલચ આપી યુદ્ધને મોરચે લડવા માટે યુવાનોને ભરતી કરે છે, જેના કિસ્સા સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. કેટલાકને તો નોકરીની લાલચ આપી લઈ જાય છે અને ત્યાં ગયા પછી એમને લશ્કરમાં જોડાવાની ફરજ પાડી યુદ્ધના મોરચે મોકલી દેવાય છે. આ ગંદી હરકત યુક્રેન અને રશિયા બંને કરે છે. જ્યાં ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ વધુ છે એવા દેશો જેવા કે ભારત, નેપાળ અને પેરુમાંથી આ પ્રમાણે માનવ તસ્કરી કરાવાય છે.
આમ, રશિયા અને યુક્રેન વચ્ચેનું આ યુદ્ધ માત્ર બે દેશોની સરહદ સુધી સીમિત ન રહેતા, વૈશ્વિક સ્તરે માનવીય ગરિમા અને નૈતિકતા માટે મોટો પડકાર બની ગયું છે. ગરીબ દેશોના યુવાનોને આર્થિક મજબૂરીનો લાભ ઉઠાવી યુદ્ધના હોમકુંડમાં હોમી દેવાની આ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. જ્યારે શક્તિશાળી રાષ્ટ્રો પોતાનાં હિતો સાધવા માટે નિર્દોષ અને અજાણ્યા યુવાનોનો ઉપયોગ ‘ભાડૂતી સૈનિકો’ તરીકે કરે, ત્યારે તે સભ્ય સમાજ માટે કલંક સમાન ગણાય. આ પરિસ્થિતિમાં ભારત અને અન્ય અસરગ્રસ્ત દેશોએ પોતાના નાગરિકોની સુરક્ષા માટે વધુ કડક પગલાં લેવા અને આંતરરાષ્ટ્રીય મંચ પર આ ગંભીર મુદ્દાને ઉઠાવવો અનિવાર્ય બન્યો છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ યુવાન આવી છેતરપિંડી કે માનવ-તસ્કરીનો ભોગ ન બને.
Read Original Article →