દેશી ઓઠાં:આઠમો વાર
ચાંદીનો રસ વહેતો હોય એવી રૂપરેણ નદીને કાંઠે રૂપાવટી નામની એક રૂડી નગરી છે. ધરતી માથે જાણે ઈન્દ્રાપરી ઊતરી હોય એવી તો આ નગરીની શોભા છે! ઊંચી ઊંચી મેલાતું, ઈ ઝરૂખા ને ઈ અટારી.. ઈ મઘમઘતી ફૂલવાડિયું… બવળી બજાર ને બજારમાં રધિથી છલકાતાં હાટ… રંગબેરંગી વસ્તરમાં ફરતાં રૂડાં-રૂપાળાં નર-નારી….આવી સુખથી સભર એવી રૂપાવટી નગરીનો રાજા ત્રિકમદેવ એવો જ કરમી છે. ઈશ્વરની ચરણરજ જેવો પવિતર છે. ગુણવાન છે.
રોજ સવારે રાજા સભા ભરીને બેસે છે. સભામાં પંડિતો હોય, કવિઓ હોય, દેશ-પરદેશના જાતરાળુ હોય…ડહાપણની ને ગન્યાનની વાતું હાલતી હોય… અનુભવી પરદેશીઓ નીખનોખી વાતું માંડે. કોઈ અંધારિયા ખંડના વેંતિયા માણસોની વાત કરે, તો કોઈ વળી મીઠાં પાણીના સમદરની વાત કરે, કોઈ વળી સોનાના ઝાડની વાત કરે છે. રાજા ત્રિકમદેવ બહુ જ ઠરેલ માણસ છે, એટલે કોઈની વાતને ક્યારેય ભાંગતો નથી. ઈશ્વરની લીલા અપાર છે, એટલે કાંઈ પણ હોય કે નો હોય એનું તારણ કાઢવું ઈ માણસજાતનું ગજું નહીં. રાજા બધાંને ભેટ- સોગાત આપીને રાજી કરે .
એક દિવસ એવું બન્યું કે સભામાં એક પંડિત આવે છે. રાજાએ આવકારો આપ્યો. પંડિતે વાત માંડી: ‘મહારાજ! હું ત્રંબાવટી નગરીથી આવું છું. આપના મિત્ર રાજા ભૂપાલે મને ખાસ માગણી લઈને મોકલ્યો છે. વચન આપો કે હું જે માંગું ઈ આપ આપશો.’
‘અરે, પંડિતજી! મારા મિત્ર મંગાવે ઈ હું ન આપું ઈ બને જ નહીં. બોલો, શું મંગાવ્યું છે?’
‘મહારાજ ! આપના મિત્ર રાજાએ અઢાર ઘોડા મગાવ્યા છે.
‘અરે, એમાં કઈ મોટી વાત છે! ઘોડારમાંથી જેટલા ગમે એટલા ઘોડા લઈ જાવ !’
‘ના, મા’રાજ! એમ નહીં! અઢાર ઘોડા એવા જોઈએ કે જે નર પણ ન હોય અને માદા પણ ન હોય. એટલે કે ન ઘોડો હોય કે ન ઘોડી હોય. એવા અઢાર ઘોડા. રાજા ત્રિકમદેવને સમજાઈ ગ્યું કે મિત્ર રાજા ભૂપાલ મારા પંડિતોનાં પારખાં કરવા આવી માગણી કરે છે. રાજાએ પોતાના પંડિત ગેમલ સામે જોયું. આંખથી જ વાત થઈ ગઈ.
ગેમલ બોલ્યા:‘તમારી માગણી પરમાણેના ઘોડા તમને મળી જાશે. પણ, એવા ઘોડા મગાવવા માટે એકાદ મહિનાનો સમય લાગશે.’ પંડિત રોકાઈ ગ્યા. એક મહિના પછી ગેમલ પંડિત બોલ્યા: ‘ઘોડા આવી ગ્યા છે. નદીને કાંઠે ચરે છે.’
ત્રંબાવટીના પંડિતને કહ્યું: ‘આ ઘોડા દરિયાના ડાભણ બેટમાંથી આવ્યા છે. એને તમારે આઠમા વારે લઈ જાવા પડે! એટલેકે નહીં સોમવારે, નહીં મંગળવારે, નહીં બુધ, ગુરુ કે શુકરવારે, નહીં શનિવારે કે નહીં રવિવારે…આઠમા વારે જ મેળ પડે.’
ત્રંબાવટીના પંડિત બોલ્યા: ‘આઠમો વાર તો હોય જ નહીં!’
‘તો નર પણ ન હોય અને માદા પણ ન હોય એવા ઘોડા હોય?’ }
Read Original Article →