અસ્તિત્વની અટારીએથી:રેવાકાંઠે રાતવાસો

Magazine5/10/2026, 12:50:00 AM
અસ્તિત્વની અટારીએથી:રેવાકાંઠે રાતવાસો
શારદાબહેન જહાના પુત્ર ભાગ્યેશ જહા રેવાકાંઠે જવું અને એના નિર્મળ પ્રવાહના ખળખળ વહેતા કોઇ મંત્ર કક્ષાના નદીરવને કાનમાં આંજીને રાતવાસો કરવો એ નવી વાત નથી, પણ પ્રત્યેક રાતવાસો એની અગાઉના રાતવાસા કરતાં આગવો, અલગ અનુભવ કરાવે છે, એ વાત આ કાંઠાની વિશિષ્ટતા છે.‌ સદીના પચ્ચીસ વર્ષ વહી ગયાં છે, 29 એપ્રિલ, 2026 ની વહેલી પરોઢના ચારેક વાગે બહાર આવીને ઊભો ત્યારે ‘અનંતના કાવ્ય’ જેવી નર્મદા નદી વહી રહી છે. અહીં પ્રવાસનનો વિકાસ થયો છે એના લીધે ઠેર ઠેર લાઇટો છે, નવું પ્રકાશવસ્ત્ર છે! અગાઉ એક વખત ખૂબ અંધારામાં, કદાચ કૃષ્ણપક્ષમાં, નદીને જોવા બ્રિજ પર ગયેલા ત્યારે ખાસો ખળખળાટ હતો. આવી નદી આગળ ‘સમય’ને મેં બહુ વિનમ્ર થતો જોયો છે. લગભગ ઓલવાઇ ગયેલા સમયમાં નદીના પ્રવાહનો નાદ બહુ તીક્ષ્ણતાથી આવતો હતો. આવી ક્ષણોમાં આંખે કામ ન કરવાનું હોય એટલે કાન અને મન જબરી જુગલબંધી ચલાવે. એક વાત તો કહી શકાય, કે 1986થી 2026 સુધી નર્મદાના પ્રવાહે મને સતત વિશાળતાના પાઠ અને સાતત્યભર્યું સંગીત સંભળાવ્યા કર્યુ છે. બ્રિજ તળે વહેતી નદીનું સંગીત અને શરીર ઉપર જમણે ડાબે ઈશ્વરે આપેલા કાન જ્યારે અદ્વૈત જેવું અનુભવે ત્યારે ભાગ્યે જ સમય કે શબ્દ આવા મિલનની આસપાસ ફરકતા હોય છે.‌ આજે પણ સહેજ સુધી અનુભૂતિ થઈ રહી છે, કારણ કે પ્રકાશ થોડો બોલકો થઈને નદીના બાહ્ય આવરણમાં કોઈ સુંદરીની આછી-કાળી સાડી હોય એવું રૂપ સન્મુખ કરી રહ્યો છે. ક્યાંય કાણું ન હોય એવું મૌન ચારે બાજુથી મને ઘેરી રહ્યું છે. અગાઉ નદીને વહેતી સાંભળેલી પણ આવી રીતે જોયેલી નહીં. આજે સ્વર અને તેજ જળ પર કશુંક લખી રહ્યા છે.‌ નદીનું જળ વહે છે પણ જાણે સ્થિર હોય એવું લાગે છે. કોઈ ઉતાવળ ના હોય એવી ગતિને કારણે ચિત્રવત્ બનાવતી રેવાને હું જોઇ-સાંભળી રહ્યો છું, ‘ભાષાસંગમ’ની એક ગાઢ પણ લગભગ વીતી ગયેલી રાતને સેઢે… દિવસ દરમિયાન ‘ભાષાસંગમ’માં ભારતીય ભાષાઓના વિદ્વાનો ભાષાઓના એકત્વની ચર્ચા કરી રહ્યા છે, ત્યારે હું ધીરે રહીને પેલી દક્ષિણ કોરિયાની નોબેલ પ્રાઈઝ વિનર હેન કેંગનો એક પ્રેમપત્ર વાંચવા બેઠો છું, એ ભાષાને પ્રેમ પત્ર લખે છે, કારણ ભાષા જાણે કોઇ સોનેરી દોરો હોય એમ હૃદયોને જોડે છે! પત્ર બંધ કરીને સામે જોઉં ત્યારે ફરી પાછી રેવા દેખાય છે, પણ આ વખતે પાતળા દોરાની જેમ હૃદયોને અને નગરોને જોડતી રેવા! બાજુના રૂમમાં ભારતના એક સમર્થ પત્રકાર અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશજી સૂતા છે. મોડી રાત સુધી ગંગાની વાતો કરી હતી. એ જયપ્રકાશ નારાયણના ગામથી આવે છે, એક અવલોકનકારની અદાથી વહેતા સમયને જોતા પત્રકારની વાતો એક બીજી સમયની નદીને જગાડે છે, ખળભળાટવાળા એ નવનિર્માણનાં વર્ષો સજીવન થયાં. મારી સાબરમતી અને એમની ગંગા અહીં નર્મદા કિનારે મળી રહ્યા હતાં. ભાષાઓના સંગમને કિનારે આવા કેટકેટલા સંગમ રચાયા છે! હું પાછો રેવામાં પાછો ફરું છું, એ દિવસો, જ્યારે આટલા બધા લોકો નહોતા. દૂર ડુંગરે ડુંગરે વેરાયેલાં (અને વિખરાયેલાં ઝૂંપડાંઓમાં ધબકતાં..) જીવન સાથે એમના જીવનના સ્થળાંતર અને પુનઃવસવાટ વિશે હું વાત કરતો હતો ત્યારે કેવી સહાનુભૂતિથી નર્મદા જોવા મળતી. રાત્રિઓ ત્યારે વધારે ભેંકાર બની રહેતી. આજના જેવી સવલતો નહોતી પણ ખૂબ ચાલીએ એટલે જલદી ઊંઘ આવી જતી, ગાઢી અને બાજુમાં નદી વહે છે એની વિસ્મૃતિ કરાવતી. એ દિવસો અલગ હતા. વિશ્વબેંકના અધિકારીઓ સાથે કોઇ આદિવાસીના ઘરમાં ગરમ ગરમ મકાઇનો રોટલો ખાધેલો એને સમય પણ ભુલવાડી શકતો નથી. એ આદિવાસી બાળકોના નદી અને પર્વત સાથેના સંબંધોએ સાવ જુદી જ રીતે સમાજશાસ્ત્ર અને પર્યાવરણ સમજાવેલું.‌ ડૅમ હજી પૂરો બંધાયેલો નહીં, નર્મદા ત્યારે સાવ અલગ ભાષા બોલતી હતી. આજે અહીં હવે સરદાર વલ્લભભાઇની વિશ્વવિક્રમી પ્રતિમા ઊભી છે, એના મિજાજથી માહોલ બદલાઈ ગયો છે. જે નદી માત્ર બે કિનારાઓ કે થોડાં નગરોને જોડતી હતી, એની પાસે હવે ઇતિહાસના એકતાપુરુષ ઊભા છે. પે’લી નદી વહી રહી છે એમાં હવે ઇતિહાસ ઉમેરાયો છે. હવે, અહીં ગાયત્રીમંત્ર કરવાની ઇચ્છા તો થાય છે, પણ અહીં એકતાના ચિંતનયજ્ઞ થાય છે. કદાચ નદીઓએ જુદાં જુદાં સમયે જુદાં જુદાં મંત્ર ઉચ્ચાર્યા છે. રજવાડાંની એકતાની વાત કહેતી નર્મદાના કાંઠે ભારતની નદીઓના મંજુલ ધ્વનિ લઇને આવેલા ભાષાઓના ભાષકો વિવિધતામાં એકતા શોધે છે. વહેલી સવારે આ નદી ફરી એકવાર સમયાતીત ગીતનો રાગ છેડે છે, જુદુ દેખાય છે, તે ફેક છે. અંતે તો હેમનું હેમ હોયે… નામરૂપ ઝૂઝવા!
Read Original Article →