મૉન્ટાજ:લોકોની સારપમાં રણવીરને વિશ્વાસ નથી!
પાર્થ દવે મનોરંજન જગતના સમાચારો જોતા હશો તો ક્યાંક વાંચવામાં આવ્યું હશે કે અભિનેતા રણવીર સિંહ પર બૅન લગાવવામાં આવ્યો હતો. એટલે કે રણવીર સિંહ સાથે કામ કરવા પર કોઈ સંસ્થાએ પ્રતિબંધ લગાવ્યો છે. તે સંસ્થાનું નામ FWICE એટલે કે ‘ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને ઇમ્પ્લૉઇ’ છે અને તે દેશના સિને વર્કર્સનું સૌથી મોટું યૂનિયન છે. તેમાં 38 અન્ય યૂનિટ કામ કરે છે.
રણવીર પર બૅન મૂકવાનું કારણ ફરહાન અખ્તરની ‘ડૉન ૩’ છે. ઘણા સમયથી આ પ્રોજેક્ટનું કામ ઠેલાતું હતું ને ‘ધુરંધર’ બાદ રણવીર સિંહે ના ભણી, ફરહાન અખ્તરને આ ‘ના’ ન ગમી અને તે FWICE પાસે પહોંચી ગયો.
જોકે, આ યુનિયને તમામ મેકર્સ તથા ટેક્નિશિયન્સને નિર્દેશ કર્યો છે, આદેશ નથી આપ્યો અને આદેશ આપવાનું કામ કોર્ટનું છે, આ સંસ્થાનું નહીં. એટલે આ મામલો બંને મોટા સ્ટાર્સના નામ સિવાય એટલો ગંભીર નથી એટલે ઉકેલ આવી પણ ગયો છે.
વાત છે રણવીર ‘ધુરંધર’ સિંહની. તેનું આ પાવરપૅક્ડ ‘કમબૅક’ છે. તમામ પ્રકારનું. સ્વભાવે પણ રણવીર સિંહ ખૂબ બદલાયો છે. 2010થી 2014-15 દરમ્યાન એક સુંવાળો યુવાન હતો. ‘બૅન્ડ બાજા બારાત’ની સફળતા બાદ તે એટલો ગંભીર નહોતો. એક ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહ કહે છે, ‘હું તે યુવાનને નથી ઓળખતો! હવે આ હૃદય સાવ નિષ્ઠુર, ઠંડુંગાર થઈ ચૂક્યું છે. આ હૃદય નથી, પત્થર છે જાણે! આ સારું નથી મને ખ્યાલ છે, પણ કળિયુગ છે, શું કરવું? ’
ઇન્ટરવ્યૂઅર અનુપમા ચોપરાને રણવીર સમજાવે છે, ‘મારું એક હૃદય છે અને તેમાં જુદી-જુદી ચેમ્બર્સ છે. દરેક ચેમ્બરમાં મારી જુદી-જુદી પર્સનાલિટી રહે છે. એમાં એક ખૂણો એવો છે જે આજે પણ પ્યોર છે. તે માને છે કે બધું જ સારું છે. એક આદર્શ સમાજમાં બધા સારા લોકો વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. આ દુનિયામાં વહેંચવા માટે માત્ર પ્રેમ છે. આ એક ખૂણો છે અને બાકીની ચેમ્બર્સ, બાકીના ખૂણાઓ વિશે ટૂંકમાં કહું તો… તમે સમજી જાવને!’
‘સમય સાથે આ બધું થયું છે.’ રણવીર કહે છે, ‘લોકોની સારપમાંથી મારો વિશ્વાસ સતત ઘટતો ગયો છે અને આ જ જીવનની કડવી વાસ્તવિકતા છે.’
રણવીરના આ શબ્દો 2022ના છે. ત્યાં સુધી તે ‘લૂંટેરા’, ‘રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘સિમ્બા’, ‘ગલી બૉય’ અને ‘83’ જેવી દમદાર ફિલ્મો કરી ચૂક્યો છે. આ બરછટ સ્વભાવ ને પત્થર હૃદયની અસર કામ પર નથી થતી?
બૉમ્બે બૉય કહે છે, ‘મારી અંદરના દયાળુ અને સહાનુભૂતિશીલ ભાગનું હું રક્ષણ કરી શક્યો છું, જેથી હું મારા પાત્રોમાં તે લાગણી ઉમેરી શકું. કોઈ પણ ભોગે હું મારા તે સારા ભાગનું રક્ષણ કરતો રહ્યો છું! એ રક્ષણ કરવા મારી મા, બહેન, પત્ની, નજીકના મિત્રો અને ટીમ ખડેપગે હાજર રહ્યા છે. એ ન હોત તો મારી અંદરનો એ સારો, કોમળ છોકરો, જે માને છે કે દુનિયા બહુ સારી છે, તે સતત હુમલાઓ ઝેલીને ખતમ થઈ ગયો હોત.’
‘ધુરંધર’ના બંને ભાગમાં રણવીર સિંહનો પરિપક્વ અભિનય જોઈને ભલભલાએ મોંમાં આંગળા નાખી દીધા હતા. હમઝા અલી મઝારીનું પાત્ર લેયર્ડ હતું. જીવનની કઠોર સચ્ચાઈ તેની આંખોમાં દેખાતી હતી. રણવીર સિંહ કહે છે, ‘મોટો થતો ગયો એમ સમજાતું ગયું છે કે જીવન માત્ર ગુલાબોથી સજાયેલું નથી રહેવાનું. તે આપણે માનીએ છીએ તેટલું સુંદર નથી. કઠોર હોવા બદલ હું પોતાની જાતને જજ નથી કરતો. હું મારી જાત પ્રત્યે કડક પણ નથી બનતો. જે છે તે આ જ છે. હું શીખીને ઇવૉલ્વ થયો છું. આ આસપાસની દુનિયાને મારી પ્રતિક્રિયા છે. ઘણી બાબતો તમારા નિયંત્રણમાં નથી હોતી. દુનિયાનો પ્રભાવ મારા પર પડવાનો હશે તો પડશે જ.’
આખી ઇન્ડસ્ટ્રીને ખબર છે કે રણવીર સિંહ સાથે કામ ન કરવાના ‘નિર્દેશ’ને કોઈ માનવાનું નથી. તેનું ઑફ સ્ક્રિન અતરંગ વ્યક્તિત્વ નહીં, પણ ઑન સ્ક્રિનનો ફક્કડ અભિનય બોલે છે. જોકે, આ ચિત્ર વિચિત્ર વેશભૂષાને લઈને રણવીર સિંહે અન્ય ઇન્ટરવ્યૂમાં એક રસપ્રદ વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘હું જાહેરમાં, ફિલ્મના સેટ પર, મારા ઘરે, મિત્રો સાથે, દરેક જગ્યાએ જુદો-જુદો હોઉં છું. હું માનું છું કે, આ જિંદગી દુઃખનો દરિયો છે! દરેક વ્યક્તિ પોતાની અંગત જિંદગીમાં લડી રહ્યો છે. દરેકને પ્રશ્નો છે. આ વચ્ચે હું લાઇફને જૉક તરીકે લઉં છું. હું ઇચ્છું છું કે લોકોને હસાવું, મનોરંજન પૂરુ પાડું. તેમને હળવા કરી દઉં થોડી વાર માટે. એટલે ઘણી વખત ઈરાદાપૂર્વક, તો ઘણી વખત સહજ રીતે હું ચિત્રવિચિત્ર પહેરવેશમાં મહાલતો હોઉં છું. હા, થાક એટલે નથી લાગતો કે મારો મૂળ સ્વભાવ એવો જ છે. બટ નેચરલ, હું દરેક ક્ષણને સેલિબ્રેટ કરતો હોઉં છું. બાકી હુંય – અંગત જિંદગીમાં બહુ ગંભીર માણસ છું!’
પ્રચંડ મહેનત પછી મળેલા પરિણામ બાદ આવતા સ્વાભિમાનની આ વાત છે. રણવીર સિંહ પ્રત્યેકને; એ ચાહે તેનો ચાહક હોય કે પત્રકાર, અતિ ઉત્સાહ અને દિલથી મળે છે તેનો અંગત અનુભવ છે. પણ ધીમે-ધીમે જીવનનાં પડ ચડતાં ગયાં છે. જે તેના ઇન્ટરવ્યૂ જોશો તો, બિટવિન ધ લાઇન્સ, વાતોમાં ખૂલતા દેખાશે. }
Read Original Article →