કૉલાજ:રાજકારણમાં સત્ય સ્વાસ્થ્ય માટે હાનિકારક છે !

Magazine5/3/2026, 12:50:00 AM
કૉલાજ:રાજકારણમાં સત્ય સ્વાસ્થ્ય માટે હાનિકારક છે !
હરદ્વાર ગોસ્વામી ઊંડા તળાવમાં હોડીની મુસાફરી કરતા એક નેતા અચાનક પાણીમાં પડ્યા. એ ‘બચાવો બચાવો’ની બૂમ પાડવા લાગ્યા. થોડીવારમાં એ મૃત્યુ પામ્યા. નાવમાં રહેલા માણસે નાવિકને પૂછ્યું ‘એ બચાવો બચાવો’ની બૂમો પડતા હતા તોય તે કેમ ન બચાવ્યા?’ ‘નેતા કદી સાચું ન બોલે, મને તો હજુ શંકા છે કે એ સાચું મર્યા છે કે પાણી પર શવાસન કરે છે! આમ પણ દેશને તારવો હશે તો.... જેમ રાજા હરિશ્ચંદ્ર સત્યનો પર્યાય એમ નેતા અસત્યનો પર્યાય છે. નેતા જન્મ સમયે સાચું રડ્યો હશે કે કેમ?’ ‘એ જે હોય તે પણ નેતાની અંતિમ વિધિ કરવી પડે, બાળવો કે દફ્નાવવો ? એની જાતિ કઈ હશે?’ ‘નેતાની એક જાતી છે સ્વાર્થ... હજુ સુધી કોઈ નેતાએ આત્મહત્યા કરી નથી, જે દિવસે કરશે તો માનજો નક્કી નર્કમાં ચૂંટણી થવાની હશે.’ નેતા બાબતે ‘હસના મના હૈ’, મતલબ ખૂબ હસવું. જે કામ કરવાની ના કહીએ એ જ કામ આપણે કરતા હોઈએ છીએ. ‘અહીં પાનની પિચકારી મારવી નહીં’ જે દીવાલ પર લખ્યું હોય ત્યાં જ પહેલા પિચકારી મારીએ. કપિલ સિબ્બલના ભાષણમાં જે મનોરંજન મળે એવું કપિલ શર્માના શોમાં પણ નથી મળતું. નેતાનાં ભાષણો ગંભીરતાથી લેશો તો દુઃખી થશો અને હળવાશથી લેશો તો આનંદિત થશો. ચૂંટણીસભામાં મોટા ભાગે શ્રોતાઓ આવેલા નહીં પણ લાવેલા હોય છે. એક ઇવેન્ટ મેનેજરે કહ્યું, ‘બપોરની ચૂંટણીસભા હશે તો ભાડૂતી શ્રોતાઓનો ભાવ ડબલ થશે! અને હા, બાબાભાઈ બોલવાના હશે તો ચાર્જ વધુ નહીં લઈએ. એના ભાષણમાં ભરપૂર મનોરંજન હોય છે.’ વિજ્ઞાન અને રાજકારણના વક્તવ્યમાં તફાવત એ હોય છે કે ‘એકમાં હકીકત હોય અને બીજામાં કલ્પના હોય છે’ આજે તો નેતા સવારે કોંગ્રેસમાં, બપોરે આપમાં અને સાંજે ભાજપમાં હોય એવી સ્થિતિ આવી ગઈ છે. બીજા પક્ષવાળાના નેતાઓને વણમાગી સલાહ કે ‘બીજા પક્ષનું ક્યારેય ખરાબ ન બોલવું, ખબર નહીં કાલે એ જ પક્ષમાં જોડાવાનો વારો આવે.’ સફળ પુરુષ એ છે કે જે પત્નીના ખર્ચા કરતા વધુ કમાઈ શકે અને સફળ નેતા એ છે કે જે પાર્ટીને આપવાનું પત્રમપુષ્પમ્ કરતાં વધુ કમાઈ શકે. ભવિષ્યમાં ટચૂકડી જાહેર ખબર આપવી પડશે કે ‘ચૂંટાયા પછી છેલ્લા પાંચ વરસથી મતવિસ્તારમાંથી ગુમ થયા છે નેતા...’ એક દુકાને લખ્યું હતું: ‘અહીં રાજકારણની ચર્ચા કરવી નહીં, નેતા એમની દુકાન ચલાવે છે, અમને અમારી દુકાન ચલાવવા દો.’ બિનહરીફ ઉમેદવાર એટલે ફિલ્મ રિલીઝ થયા પહેલાં હિટ થઇ કહેવાય, બાકી ગુજરાતી ફિલ્મ તો સરકારની સબસીડી મળે પછી જ હિટ થઇ કહેવાય! ગુંડા લોકો સાથે દુશ્મની ન કરવી જોઇએ, શું ખબર કાલે નેતા બની જાય ! ભાષણની ભરમારમાં વચનોનો વરસાદ થતો હોય તો સમજી લેવું નેતા બોલી રહ્યા છે. સૌથી અઘરું ભાષણ સાહિત્યનું અને સૌથી સહેલું ભાષણ રાજકારણનું. આજે નેતા અને નૈતિકતા વિરોધાભાસી શબ્દ બની ગયા છે. બધે નાપાસ થયેલા રાજકારણમાં પાસ થઇ જાય છે. અહીં પ્રામાણિકતાનું પહેરણ કાઢીને આવવાની પૂર્વશરત છે. અહીં નાગા થવાનો કે નાના થવાનો ક્ષોભ નથી. દરેક પક્ષ પોતાનો પક્ષ લઇ રહયો છે. ‘સાચું શું અને ખોટું શું’નો નીરક્ષીર વિવેક જનતાએ જાણવાનો હોય છે. જ્ઞાતિ કરતા જ્ઞાની પર મહોર મારવી જોઈએ. સત્તા પક્ષ પાસે પાંચ વર્ષનો હિસાબ અને વિરોધ પક્ષ પાસે હિસાબનો હિસાબ લેવાનો હોય છે. જ્ઞાતિ-ધર્મ કરતાં રાજધર્મ હજારવાર ઊંચો છે. મીડિયાની મહેરબાની અને સોશ્યલ મીડિયાની સહાયથી આજનો મતદાર જાગૃત થયો છે. જેમ પૂરમાં પાણીની સાથે બીજો કચરો પણ તણાતો આવે એમ સોશ્યલ મીડિયામાં આવતી માહિતીની પ્રમાણભૂતતાનાં પાંચ હજાર પ્રશ્નો છે. એક નેતા પલંગમાં ઊંઘે તો નીંદર પૂરી ન થાય, થોડીવાર પણ ખુરશીમાં આંખ મીંચે એટલે ઊંઘ પૂરી. એમની રગરગમાં ખુરશી ઘુસી ગયેલી. કાચિંડા કરતાં પણ વધુ રંગ નેતા બદલી શકે છે. ધર્મ અને સત્તાનું અફીણ તરત ઊતરતું નથી. ચૂંટણીના ફતવાઓ સાંભળીને થાય છે કે ‘પાકિસ્તાનમાં ચૂંટણી તો નથી ચાલતીને? કેન્સર કરતા દંભી બિનસાંપ્રદાયિકતા વધુ જીવલેણ છે. મતદાન પહેલાં મનદાન થવું જોઈએ. વિચારવાયુની વડવાઈએ ઝૂલીને પછી પસંદગીનો કળશ ઢોળવો જોઈએ. બોલ બચ્ચનને બદલે નર્યા નકરા લોકસેવકને પસંદ કરવા જોઈએ. રૂડાંરૂપાળાં પેકિંગને બદલે અંદરની ગુણવત્તા ચકાસવાનો આગ્રહ રાખવો જોઈએ. મતદાન ન કરનાર વ્યક્તિને સરકારની ટીકા કરવાનો હક નથી. લોકશાહીની લાજ આપણે જાળવી નથી શક્યા એ વરવી વાસ્તવિકતા અને ભયાવહ ભવિષ્ય છે. ઝીરોની શોધથી હીરોના ધુરંધર પ્રતિશોધ સુધી પહોંચ્યા છીએ. સાચા નેતાનો દુષ્કાળ છે એવું નથી, હજુ કેટલીક પાણીદાર પ્રતિભા પડકારા કરે છે. નેતાઓની એક જ વાત સાચી માની શકાય કે ‘એમની વાત સાચી નથી’. સોશિયલ મીડિયામાં આવે કે ‘આ વિડીયો દમદાર છે એની ગેરંટી, અંત સુધી જો જો.’ પણ એને ખોલતા જ દમના રોગી જેવું કૃશ કન્ટેન્ટ નીકળે ! નેતાની વચનોની વાર્તા એવી સમજવી. પત્ની: ‘મારે કિટી પાર્ટીમાં આજે જોક કે’વાના છે, મને જોક્સ મેસેજ કરજો.’ નેતા: ‘આઈ એમ સોરી, હું સેવા કરવામાં વ્યસ્ત છું.’ પત્ની: ‘વાહ, બીજો જોક મોકલો...’ નેતા કહે, ‘અમારું ભાષણ સાંભળો તો જ્ઞાન વધે!’ તો પ્રજા કહે ‘તમને મત આપીએ તો દેશમાં કંઇ ન વધે!’ ટાઈમપાસનો ઉત્તમ સમય એટલે ચૂંટણી! અગનગોળામાં ગપગોળા ભળે તો તાપમાન કેટલી ડિગ્રીએ પહોંચે? એક કંપનીએ ગુજરાતમાં જાલમુરી લોન્ચ કર્યા છે, બંગાળમાં ગુજરાતી ગોટા લોન્ચ થશે કે કેમ એની ખબર ચોથી મેના રોજ ખબર પડશે. ભારતની આઝાદીમાં ગુજરાતીઓના પ્રદાન ખબર બધાને છે પણ બંગાળની આઝાદીમાં ગુજરાતીઓના પ્રદાનની ખબર કાલે પડશે. હવે સમજ્યાને કે ચૂંટણી સમયે કેમ કૉમેડી શો બહુ ચાલતા નથી. નેતા જો અભિનેતા બને તો રણબીર સિંગને આંટી મારે. એક સ્ત્રી ઉમેદવારને પૂછવામાં આવ્યું કે ‘તમને ચૂંટણી જીતી શકો એ વિચાર ક્યાંથી આવ્યો ?’ તો એણે કહ્યું કે ‘મારા પતિ સામે જ્યારે જ્યારે હું લડી છું ત્યારે ત્યારે હું જીતી છું, બસ અહીંથી વિચાર આવ્યો. ઘરવાળાને ઉલ્લુ બનાવી શકાય તો બહારવાળા શું ચીજ છે ?’ નેતાએ ફાંકાફોજદારીનું ફેશિયલ કરેલું એટલે રૂપાળા ચહેરાથી શોભતો હતો. અરીસામાં જોતા એવું લાગ્યું કે એને સમર્થન દેનાર એકાદ વ્યક્તિ તો છે. પછી સ્વચ્છ કપડાંમાં પડાવેલી સ્વચ્છ છબી સામે જોયું. નેતા મોંમાં સિગારેટ મૂકીને બબડ્યો ‘રાજકારણમાં સત્ય સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’. નેતાએ કારમાં બેઠાં બેઠાં ભાષણની પંચ લાઈન વિચારી ‘આજે તો બેકાર પણ કારમાં ફરે છે, આ અમારી સરકારની સફળતા’. ડ્રાઈવરે નેતાનો મૂડ બનાવવા રેડિયો ચાલુ કર્યો. ‘લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો...’ ભજન આવ્યું એટલે હસુએ 140ની સ્પીડે બરાડીને કહ્યું ‘સ્ટોપ’. ડ્રાઈવરે ગાડીને બ્રેક મારી. ‘રેડિયો સ્ટોપ કર એમ કહું છું, ગાડી નહીં’. ‘રેડ સિગ્નલ છે એટલે ગાડી રોકી સાહેબ’ ડ્રાઈવરે કહ્યું ‘બહુ રેડ સિગ્નલ આવ્યા. હવે ગાડી ઝડપથી દોડાવ.. આ ઝડપે ચલાવીશ તો દિલ્લી આવતા આવતી ચૂંટણી આવી જશે.’ ‘દિલ્હી પહોંચવું અઘરું છે. ટ્રાફિક બહુ છે, પણ એક વાત કહું સાહેબ, સારો ડ્રાઈવર એ નથી કે સ્પીડમાં ગાડી ચલાવી શકે પણ યોગ્ય સમયે બ્રેક લગાવતા આવડે એ સારો ડ્રાઈવર...’ આવજો… તમે શબ્દો કરતાં તમારા જીવન વડે વધારે સારી શિખામણ આપી શકો છો. - ઓલિવર ગોલ્ડસ્મિથ (અંગ્રેજ નવલસર્જક)
Read Original Article →