લક્ષ્યવેધ:દેશના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ IAS
પ્રાંજલ એમનું નામ. પ્રાંજલ પાટીલ. પ્રાંજલ એટલે નિષ્કપટ-પ્રામાણિક. મહારાષ્ટ્રના જલગાંવમાં જન્મ. ભાગ્ય પ્રાંજલ સાથે કદાચ નિષ્કપટ રહી ન શક્યું. છ વર્ષની ઉંમરે તેની આંખોમાં અંધારા કાયમી ઘર કરી ગયા. જોકે, દૃશ્યહીનતા એ દૃષ્ટિહીનતા ન બની.
‘પ્રેરણા કોઈ ખાસ લાગણી નથી. એના માટે મહેનત કરવી જ પડે છે. મારા જીવનમાં કોઈ યુરેકા જેવી અદભુત ક્ષણ નથી. રોજની લડાઈ છે. રોજનો સંઘર્ષ છે. રોજ નવો પહાડ ચડવાનો છે. પ્રેરણા સામે ચાલીને આપણી પાસે આવતી નથી. આપણે જવું પડે તેની પાસે. આપણી આસપાસના માણસો-પરિસ્થિતિઓ- પુસ્તકો આ પ્રેરણાની ક્ષણ પેદા કરવામાં મદદ કરી આપે પણ આપણી સૌની અંદર તણખો હોય જ - એને ભભૂકતી આગમાં ફેરવી નાખવા માટે પ્રયત્નો કરતા રહેવા પડે.’
મુંબઈના દાદરમાં સવાસો વર્ષ જૂની ‘કમલા મહેતા અંધશાળા’માં પ્રાંજલે અભ્યાસ કર્યો. પ્રજ્ઞાચક્ષુ છોકરીઓના ખિલખિલાટથી એ સ્કૂલની ગલીઓ ગુંજી ઊઠતી. કોઈ જૉક પર પેટ પકડીને હસતી એ છોકરીઓ અચાનક કોઈ એવા ગંભીર મુદ્દાની ચર્ચા પર વળી જતી જાણે દુનિયાની બધી જવાબદારીઓ તેમના ખભે છે. દુનિયાથી દૂર બેફિકરીમાં તે છોકરીઓની દુનિયા. અજબ-અજબની વાર્તાઓ- ગજબ-ગજબના માણસોની વાતો - ઇતિહાસના દરિયામાં મોતી જેવાં મહામૂલાં વ્યક્તિત્વોની વાતો- પ્રાંજલના કિશોર મનમાં પ્રકાશ વેરી રહી હતી.
આ તણખો ઝગમગ થયા કરતો. કંઇક કરવું છે જીવનમાં એવું મનમાં હતું પણ શું કરવું એ ખબર નહોતી. કદાચ રસ્તો જ ભાળ આપી દેશે દિશાઓની. બસ સતત ચાલતા રહેવાની ખબર.
બારમા ધોરણની ઝળહળતી સફળતા બાદ મુંબઈની ‘સેન્ટ ઝેવિયર્સ કોલેજ’માં પ્રવેશ મેળવ્યો. આ કોલેજ સુધી જવા માટે મુંબઈ લોકલ ટ્રેનની ગિરદીમાંથી પસાર થવું પડતું. મુંબઈ લૉકલ જ્યાં સમય ખુદ સમયની રાહ જોતો નથી. જ્યાં ભીડ એક ક્ષણમાં લંબચોરસ ડબ્બાઓમાં ચૂસાઈ જાય છે. જ્યાં જાત પાસેથી જાત ખોવાઈ ન જાય એટલી પોતાની જાતને સાચવીને રાખવી પડે છે. પ્રાંજલને સવાર અને સાંજની ‘પિક અવર’ ટ્રેનો જ પકડવી પડતી. અહીં સારા લોકો મળતા, અહીં ખરાબ લોકો મળતા. કેટલાકે મદદ કરી તો કેટલાકે ઉપેક્ષા.
કેટલાક લોકોને દયા આવતી- કે એક પ્રજ્ઞાચક્ષુ છોકરીને કેટલી તકલીફો આટલું ભણવા માટે- એટલે દયાવશ પૂછતાં, ‘તું કેમ ભણવા આટલે દૂર આવે છે?’, ‘તારાં મા-બાપ કેમ સાથે નથી?’, ‘તું કંઈ બીજું કરી લે- આ બધું ભણવાનું છોડી દે?’ રોજના પ્રશ્નો ચીડ ઉપજાવે એવા હતા- અંદર આક્રોશ સતત રહેતો- પણ સવાલોની આંટીઘૂંટીમાંથી નીકળવા માટે આ સવાલો અને સવાલ કરનારની અવગણના કરવા સિવાય બીજો કોઈ ઉત્તમ રસ્તો નહોતો. પ્રાંજલ ઉપેક્ષાની કળા શીખી ગઈ.
કોલેજના દિવસોમાં પ્રાંજલે ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. સ્ક્રીન રીડિંગ સોફ્ટવેરની મદદથી વાંચન વ્યાપ વધારી દીધો. ભાષા સઘન થતી ગઈ, પણ સાથે સમાજ વરવો પણ લાગ્યો. ક્યારેક એમ થતું કે પોતાની કોઈ ઉપયોગિતા નથી તો ક્યારેક બહુ જ સારી લાગણીઓ થતી. સમાજે સૌ માટે માપપટ્ટીઓ બનાવેલી છે અને સમાજ એની રીતે દરેક વસ્તુ વ્યક્તિ કે ઘટનાની માપણી કર્યા જ કરે છે- કોઈને તેમાં પાસ કરશે તો કોઈને નાપાસ. સમાજનાં પ્રમાણપત્રો વ્યક્તિના માત્ર વ્યક્તિ હોવા પૂરતા મર્યાદિત નથી- મનને અસર કરી શકે એટલા દુષ્પ્રભાવી હોઈ શકે.
પણ પ્રાંજલ કહે છે કે આ જ ખરી લડાઈ છે. બીજા કોઈના વિચારોથી પોતાનાં સપનાં કુરબાન કરી દેવાની જરૂર નથી. વાસ્તવિકતા જે હોય એ - સપનાંની પોતાની દુનિયા છે- પોતાની હકીકત છે.’
અનુસ્નાતક માટે પ્રાંજલ પાટીલ દિલ્હી આવે છે- જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી- જેએનયુ. પ્રાંજલે ઉપલબ્ધ વાંચનસામગ્રી પોતાને અનુકૂળ બનાવવી પડી. જેનાથી સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર પ્રાંજલ માટે વાંચી શકે. તેમના મતે સમાજમાં એક સ્ત્રી અને દિવ્યાંગ હોવું બંને બમણા પડકારો લઇ આવે છે. સમાજ કાં તો અત્યંત દયાથી તમારી સામે જુએ અથવા તો સાવ ઉપેક્ષા કરી નાખે. આ બધાંની વચ્ચે પોતાની અંદરનો જુસ્સો ટકાવી રાખવો અઘરો છે.
પ્રાંજલ 2016માં સિવિલ સેવા પરીક્ષા ઉત્તીર્ણ કરે છે ઓલ ઇન્ડિયા રેન્ક 773 સાથે. એમ થયું હાશ, એક યાત્રા એના અર્થપૂર્ણ મુકામ પર પહોંચી. તેમને ઇન્ડિયન રેલવે એકાઉન્ટ સર્વિસ મળે છે પણ કેટલાય મહિનાઓ સુધી નિમણૂક પત્ર આવતો નથી. પોતે સો ટકા પ્રજ્ઞાચક્ષુ હોવાથી રેલવે તત્કાલીન નિયમો હેઠળ નિમણૂક આપી શકતી નથી.
બીજી તરફ પ્રાંજલની તૈયારી અને આત્મવિશ્વાસમાં કમી આવતી નથી. બીજા વર્ષે પ્રાંજલ ઓલ ઇન્ડિયા રેન્ક 124 સાથે દેશના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ આઈ. એ. એસ. અધિકારી બને છે.
હેલન કેલર કહે છે, ‘એમ આંખો ગુમાવવા કરતાં દૃષ્ટિ ગુમાવવી મોટી સજા છે. પ્રાંજલ પાટીલના લક્ષ્યવેધ માટે શબ્દ એ જ પ્રકાશ છે. }
Read Original Article →