ડૂબકી:સંઘર્ષની આગમાંથી પ્રગટતી શક્તિ
આજે દુનિયા બધી બાજુથી ધક્કા મારે છે, ઘસડે છે, જરાક આડાઅવળા થયા તો બાજુમાં હડસેલી નાખે છે. એકસામટા કેટલાય અવાજો સંભળાય છે – જલદી દોડો. હજી વધારે ઝડપથી ભાગો. શ્વાસ લેવાનો સમય મળતો નથી. એવી બેકાબૂ ઝડપની વચ્ચે પણ ક્યાંક એક મૌન શક્તિ છુપાયેલી છે. એ છે અંધાધૂંધ સ્પર્ધા અને વિકટ પરિસ્થિતિની વચ્ચે ટકી જવાની તૈયારી. મહાનગરોમાં પહેલી વાર આવનાર વ્યક્તિ પહેલાં તો ત્યાંની ભીડ, બેસૂમાર ઝડપ અને બધી બાજુથી વાગતા ધક્કાથી ડઘાઈને પાછા ચાલ્યા જવાનું વિચારે. તેમ છતાં ભયાનક પૂર જેવી સ્થિતિમાં થોડો સમય ટકી જનારને એ જ મહાનગર પોતાની અંદર સમાવી લે છે. જિંદગીનું પણ એવું જ છે. આરંભના આઘાતો સામે ટકી જવાય તો ક્રૂર જિંદગી જાતે જ ટકી જવાનું શીખવે છે.
માણસમાત્રમાં ટકી જવાની શક્તિ પડેલી હોય છે, માત્ર આપણને એની ખબર હોતી નથી. ટકી જવાની તાલીમ રોજિંદી બાબતોમાંથી મળે છે. આપણે દરરોજ લીધેલા સામાન્યમાં સામાન્ય નિર્ણયો પાછળ એ જ શક્તિ કામ કરે છે. પેટિયું રળવા મજૂરી કરતા લોકો સવારે શરીર તૂટતું હોય છતાં કામ પર જવા માટે ઊભા થઈ જાય છે. વારંવાર નિષ્ફળ ગયેલા લોકો સફળ થવાના પ્રયાસ કરવાનું છોડી દેતા નથી. એવા લોકો પણ છે, જે લાચાર અને અન્યાયી સંજોગોમાં ગરિમા છોડતા નથી. પરાજિત થયા પછી પણ હારવું નહીં એ સાચો અભિગમ છે.
સમય લોકોને વારંવાર ‘એક્ઝિટ’ના દરવાજા તરફ ધકેલતો રહે છે. તમને આ કામ કરવામાં તકલીફ પડે છે – છોડી દો. સંબંધોમાં કડવાશ આવી છે – અલગ થઈ જાઓ. અમુક સંજોગોમાં અકળાવનારી પરિસ્થિતિમાંથી ‘બહાર’ નીકળી જવાનો નિર્ણય વાજબી અને વ્યાવહારિક હોય છતાં પરિસ્થિતિને સુધારવાની કોશિશ કર્યા વિના મેદાન છોડી દેવાનું વલણ પલાયન છે. ટકી રહેવાનો અર્થ જે અયોગ્ય છે એને સહન કરી લેવું એવો થતો નથી. એનો અર્થ છે, મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે પોતાને અને બીજાને એક વધારે તક આપવી. સંબંધો
સાવ વણસ્યા હોય છતાં કેટલાંક દંપતી તરત છૂટા પડવાનો આત્યંતિક નિર્ણય લેતાં નથી. તેઓ એમના પ્રેમને, સમજને, પરિવાર પ્રત્યેની જવાબદારીને એક તક આપે છે. ઘણા કિસ્સામાં એનાં સારાં પરિણામો મળ્યાં છે. કાર્યસ્થળમાં કામના ભારણથી કે નકારાત્મક વાતાવરણથી કંટાળી નોકરી છોડી દેવાનો ઉતાવળિયો નિર્ણય લેનારી વ્યક્તિને પાછળથી એની ભૂલ સમજાય છે. કોઈ પણ ખરાબ પરિસ્થિતિ કાયમ રહેતી નથી એમાં ભરોસો રાખવાથી સારાં પરિણામો મળે છે.
ટકી રહેવાની કોશિશ કરતા સામાન્ય કિસ્સા આપણી આસપાસ જ બનતા જોવા મળે છે. એક દુકાનદાર મંદી અને માઠી ઘરાકીના સમયમાં પણ રોજ સવારે સમયસર પોતાની દુકાન ખોલે છે. સાફસૂફી કરે છે. ચીજો વ્યવસ્થિત ગોઠવી રાખે છે. એને ભરોસો છે કે સારો સમય પાછો આવશે.
એક ગરીબ મહિલા પરિવારની જવાબદારીઓની સાથે નાનકડો ગૃહઉદ્યોગ શરૂ કરી કુટુંબની નબળી આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયત્નમાં ફાળો આપે છે. સાઠ વર્ષની એક વ્યક્તિ બંને ઘૂંટણની સર્જરી કરાવ્યા પછી સંપૂર્ણ સાજા થવાની રાહ જોતી બેસી રહી નહોતી. રોજ થોડાં વધારે ડગલાં ચાલવાની, થાય એટલું કામ જાતે કરવાની કોશિશ કરતી રહી હતી. શા માટે જીવવું છે એની ખબર હોય એ લોકો ટકી જવાના માર્ગ શોધી લે છે.
ઘણા લોકો આવી પડેલી તકલીફનાં બધાં પાસાંનો એકસાથે વિચાર કરવાને બદલે એ જ તકલીફને નાનાનાના હિસ્સામાં વિભાજિત કરીને જુએ છે. એ કારણે પરિસ્થિતિનો સમગ્ર ભાર ટુકડા ટુકડામાં વહેંચાઈ જાય છે, ચિંતા અને તણાવ કાબૂમાં રહે છે, યોગ્ય નિર્ણય લેવાની દિશા સૂઝે છે.
લોકોના અંગત જીવનમાં બને છે એવું દેશ અને દુનિયામાં પણ બનતું રહે છે. બીજા વિશ્વ યુદ્ધ યુદ્ધમાં અમેરિકાએ જાપાનના હિરોસિમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકી ભયાનક વિનાશ સર્જ્યો હતો. જાપાનનું અર્થતંત્ર ખોરવાઈ ગયું, પ્રજાનું મનોબળ તૂટી ગયું, છતાં એ જ લોકો થોડા જ દાયકામાં પોતે ઊભા થયા અને દેશને બેઠો કરી દીધો. એ બધું કોઈ જાદુઈ છડીથી બન્યું નથી, ટકી જવાની સામૂહિક રીતે શક્તિના પ્રતાપે બન્યું છે. વિનાશક કુદરતી આપત્તિમાંથી ઊભા થયેલી પ્રજાનાં અનેક દૃષ્ટાંતો આ જ વાતની સાક્ષી પૂરે છે.
તિબેટના લોકોએ વતનમાંથી સ્થળાંતર કરી અજાણી ભૂમિ પર શરણાર્થી થવું પડ્યું, પરંતુ એમણે એમની સંસ્કૃતિ, ભાષા અને ધર્મ પર એમનો વિશ્વાસ જીવંત રાખ્યો છે. આપણા દેશ સહિત દુનિયાની અનેક આદિવાસી પ્રજાએ વિકાસના નામે અને અન્ય લોકોના સ્વાર્થને કારણે પોતાનું વતન છોડી વિસ્થાપિત થવું પડ્યું છે. વનો, પહાડો, નદીઓ, વૃક્ષો એમની સંસ્કૃતિ છે. એમના માટે વિસ્થાપિત થવાનો અર્થ છે પોતાની આગવી જીવનશૈલીમાંથી ઉચ્છેદાઈ જવું. મૂળસોતા ઊખડી ગયા પછી પણ દુનિયાની કેટલીય આદિવાસી પ્રજાએ એમના આત્માને અકબંધ રાખ્યો છે અને સ્વઓળખ ભુલાવા દીધી નથી.
વિચારકો સલાહ આપે છે કે ક્યારેય ઝૂકવું નહીં. આ એક સશક્ત વિચાર છે, પરંતુ એને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવો જરૂરી છે. આ અભિગમમાં હઠ કે જીદ નથી, બદલાતા સમય અને સંજોગોની સાથે જીવનમાં પરિવર્તન લાવવાની સમજનો અભાવ પણ નથી. ‘ઝૂકવું નહીં’ એટલે પોતાનાં જીવનમૂલ્યો અને મૂળભૂત સત્ત્વોને જાળવી રાખવાની તૈયારી. બાહ્ય પરિબળોનું દબાણ વધી જાય ત્યારે પણ ટકી રહેવું.
ટકી રહો, કોઈ પણ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરો, ઝૂકો નહીં – એ બધાં કેવળ મોટિવેશનલ સૂત્રો નથી. ભયાનક પડકારોની સામે પગ ખોડીને જીવી જવાની શક્તિ સંઘર્ષની આગમાંથી પ્રગટે છે. ટકી જવાનો અભિગમ માત્ર તોફાનોથી બચવાની ‘આવડત’ નથી, એની સામે અડગ ઊભા રહેવાના સાહસ તરફ આંગળી ચીંધે છે.
Read Original Article →