વિચારોના વૃંદાવનમાં:કેરી અને માણસ બંનેની ભીતર સૂક્ષ્મ શક્યતા રહેલી હોય છે

Magazine4/26/2026, 12:50:00 AM
વિચારોના વૃંદાવનમાં:કેરી અને માણસ બંનેની ભીતર સૂક્ષ્મ શક્યતા રહેલી હોય છે
માણસની ભીતર શક્યતાનું સરોવર હિલોળા લેતું હોય છે. કોઈ પણ માણસ સામાન્ય નથી હોતો. કેરીમાં પડેલા વિટામિન-એ અંગે કેરી અજાણ છે. કેરીમાં પડેલી સૂક્ષ્મ શક્યતાને લોકો વિટામિન- એ કહે છે. લીંબુમાં પડેલી ખટાશ આપણી જીભ દ્વારા પરખાય છે, પરંતુ એ ખટાશમાં છુપાયેલું વિટામિન-સી આપણા ધ્યાનમાં નથી આવતું. પાલકની ભાજીને જોતી વખતે એમાં સંતાયેલા લોહતત્ત્વ (આયર્ન)નો ખયાલ આપણને ભાગ્યે જ આવે છે. પ્રત્યેક માણસની ભીતર પડેલી દિવ્ય શક્યતા પ્રગટ થાય તે પહેલાં જ ઘણુંખરું એના દેહનો અગ્નિસંસ્કાર થતો હોય છે. અંગ્રેજી ભાષાનો આદિકવિ કોણ? ઓછી જાણીતી લોકકથા પ્રમાણે ઈસુ પછીની છઠ્ઠી સદીમાં એક ભોળો ભગત થઈ ગયો, જેનું નામ કેઈડમૅન હતું. આપણે એને ભગતરામ કહેવાનું રાખીશું. અંગ્રેજી ભાષાનો એ પ્રથમ નોંધાયેલો (ડૉક્યુમેન્ટેડ) કવિ ગણાય છે. એ ભગત અત્યંત ભોળો હતો. એ અભણ માણસ સાવ કપટરહિત હતો અને ભગવાનને વહાલો હતો. એ ગામમાં રહેતી આદિવાસી જાતિનું નામ હતું : ‘એબ્બેસ હિલ્ડા ઑફ વ્હિીટ્બી.’ ગામલોકો દિવસે મજૂરી કરતા અને રાતે ભેગા મળીને પ્રભુનું ભજન કરતા. ક્યારેક ઉજાણીનો પ્રસંગ હોય ત્યારે પણ પ્રભુનાં ભજન ગાવાનો રિવાજ હતો. દિવસે કામ અને રાતે ભજન! આપણા ભગતરામની વાત જરા જુદી હતી. ગામની પ્રથા એવી હતી કે ભજનમાં બેઠેલા સૌ વારાફરતી એક ભજન ઉપાડે અને બાકીના ઝીલે. ભગતરામ મનોમન મૂંઝાયા કરે. એને એક પણ ભજન યાદ નહોતું. વળી, એને ગાતાં પણ આવડતું નહોતું. જ્યારે જ્યારે ભજન ગાવાનો પોતાનો વારો આવે ત્યારે ત્યારે ભગતરામ છાનોમાનો છટકી જતો. ભજનમાં પ્રભુનો મહિમા કરવાનો હોય, પરંતુ આપણો ભગતરામ તો સાવ ગમાર. એ ગાય શું અને ગવડાવે શું? એક વાર ભગતરામ પોતાનો વારો આવે તે પહેલાં છાનોમાનો છટકી ગયો અને ઘોડાના તબેલામાં જઈને આડો પડ્યો. થોડી વારમાં તો એનાં નસકોરાં બોલવા માંડ્યાં. ઘોડા ઊભા હતા અને ભગતરામ ઊંઘતો હતો. એને સપનું આવ્યું. કોઈ એને નામથી બોલાવી રહ્યું હતું : ‘અરે, ભગતરામ ! મારે માટે તું ભજન નહીં ગાય ?’ ભગતરામે જવાબ આપ્યો: ‘મને ભજન ગાતાં નથી આવડતું એથી તો અહીં ચાલી આવ્યો છું.’ કોઈ અજાણ્યા અવાજે કહ્યું : ‘તારે ગાવું જ રહ્યું.’ ભગતરામે પૂછ્યું: પણ હું કેવી રીતે ગાઉં અને શું ગાઉં?’ ફરીથી પેલો ગેબી અવાજ સંભળાયો: ‘ભગતરામ! તું આ વિશ્વને પેદા કરનારાની વાત તારા ભજનમાં કહેજે. તને વાંધો નહીં આવે. તું ભજન શરૂ તો કર!’ આ તે કેવો ચમત્કાર! ભગતરામે તો ભજન શરૂ કર્યું. એની પંક્તિઓમાં જાણે હૃદય ઠલવાઈ રહ્યું! એ ભજન સાંભળો: ઘણી ખમ્મા રે ઘણી ખમ્મા, ઉપરવાળા રાજાને ઘણી ખમ્મા! એ છે અમારો માલિક ને એ છે અમારો બાપ, વૈકુંઠના એ બાપાને ઘણી ખમ્મા! એની શક્તિ અનંત-અપાર, એની લીલા અપરંપાર ઉપરવાળા રાજાને ઘણી ખમ્મા! છાપરું રચ્યું ઉપર એણે વૈકુંઠનું, માણસ માટે નીચે રચી પૃથ્વી, ઉપરવાળા રાજાને ઘણી ખમ્મા! એ છે અમારા સૌનો બાપ, ને એ જ સર્વશક્તિમાન! ઉપરવાળા રાજાને ઘણી ખમ્મા ! એની જાતિના આદિમાનવોને ભગતરામનું ભજન ખૂબ ગમી ગયું. જાતિનો સરદાર ભગતરામને સમાજની હિલ્ડામાતા પાસે લઈ ગયો. માતાએ આજ્ઞા કરી કે ભગતરામને ઇતિહાસ અને શાસ્ત્રો ભણાવવામાં આવે. ભગતરામ તો એ પંથકમાં ધીમે ધીમે જાણીતો કવિ બની ગયો. એને ભણાવનારા ગુરુજનો પણ એના શ્રોતાજનો બની ગયા! એના કંઠનો જાદુ બધાં ગામોમાં પ્રસરી ગયો. એ તો ભગવાનની સ્તુતિ કરવામાં જ મગ્ન બની ગયો. એની કવિતાઓ લોકોમાં પ્રચલિત થતી ગઈ. આજે 1300 કરતાં વર્ષ વીતી ગયાં પછી એની માત્ર એક જ કવિતા બચી છે. ઉપર વાંચી તે કવિતા આપણા હૃદયને સ્પર્શી જાય છે, તુકારામના અભંગની માફક! તુકારામ કહેતા: ‘ભોળપણ તો ભક્તનું ભૂષણ છે.’ માણસની ભીતર શક્યતાનું સરોવર હિલોળા લેતું હોય છે. કોઈ પણ માણસ સામાન્ય નથી હોતો. એને જ્યારે અંદરનો અવાજ સંભળાય ત્યારે ભીતર પડેલી શક્યતા આળસ મરડીને બેઠી થાય છે. કોઈ માણસ નાનો નથી હોતો. કોઈ પણ માણસ નકામો નથી હોતો. પ્રત્યેક માણસની ભીતર કશુંક એવું રહસ્ય છુપાયું છે, જે પ્રગટ થવાનું બહાનું શોધી રહ્યું છે. કેરીમાં પડેલા વિટામિન-એ અંગે કેરી અજાણ છે. માણસ કેરી નથી, માણસ છે. એ તો અપ્રગટ ભગતરામ છે, જેનામાં બેઠેલો કવિ સુષુપ્ત છે. આપણે ક્યારે જાગીશું? પાઘડીનો વળ છેડે અમથી પંડિતાઈ બતાવવાથી કશું ન વળે. ઊલટાનું દિવસોદિવસ અભિમાન વધ્યું જાય. આચરણ વગરના બોલ નકામા છે, મનજી! આ વાત સાચી કે ખોટી એ તું જ શોધી જોને! - શ્રી સમર્થ રામદાસ નોંધ: એમના ગ્રંથ ‘મનાચે શ્લોક’નો અનુવાદ અરુણા જાડેજાએ કર્યો: મન સાથે મૈત્રી.’ વિનોબાજીએ ‘દાસબોધ’ ને સોનાની ખાણ અને ‘મનાચે શ્લોક’ને સોનાની તિજોરી સાથે સરખાવ્યો હતો. Blog: http://gunvantshah.wordpress.com
Read Original Article →