જીવનના હકારની કવિતા:દૂરથી દરિયાને સાદ પાડતું ગીત

Magazine5/24/2026, 12:35:00 AM
જીવનના હકારની કવિતા:દૂરથી દરિયાને સાદ પાડતું ગીત
સખી, દરિયાની વાટ જોઈ બેઠી... ક્યારે આવે ને ક્યારે શબરીનાં બોર જેમ રૂંવે રૂંવેથી કરે એંઠી... સખી, દરિયાની વાટ જોઈ બેઠી... ફીણ ફીણ મોજાંની મસ્તીથી દૂર એક માછલીનું મોઘમ હિજરાવું રૂપકડી કાયા પર નીતરતાં લોહીનું ટાઢુંબોળ કંકુ થઈ જાવું શંખ અને છીપલાંની કેડી પર હળવેથી ઝળઝળિયાં સાથે લઈ પેઠી... સખી, દરિયાની વાટ જોઈ બેઠી... પગલાંની છાપ જોઈ વ્હેમાતી આવું ત્યાં ડેલીનું સજ્જડ ભીડાવું આંસુમાં ખારીલી માછણનું જાણે કે પડછાયા સાથે ભીંસાવું થાકી ગઈ છું હવે કાંઠા પર અણિયાળા પથ્થરની આંખ વેઠી વેઠી... સખી, દરિયાની વાટ જોઈ બેઠી... - જયંત ડાંગોદરા હરવાફરવા દરિયા પાસે જઈએ એ તો મનનું વૅકેશન પણ, સાચો પ્રેમ તો દરિયાને પોતાની પાસે બોલાવે! આ કાવ્યમાં જે દરિયાની વાત છે એ દરિયો તો પ્રિયતમનો છે. નાયિકાનો પોતાનો સાંવરિયો છે. માંહ્યલાના મીઠુડાંની રાહ જોવાઈ રહી છે. પ્રેમનો એકરાર પછી સ્પર્શની નદીથી આત્માને ઓળંગવાની વાત છે. નાયિકા રાહ જુએ પણ એનો ઠસ્સો રામનો જ હોય ! પ્રિયતમના આલિંગનના બોરથી એંઠી થવાની ઝંખના કવિતા બને છે ! દરિયા કિનારે રાહ જોવી અને જ્યાં છીએ ત્યાં દરિયાને ઝંખવો એ પ્રેમની શરદનો પૂનમ છે. અંતરમાં નાયિકા વધુ ખીલે છે. અતલ ઊંડાણમાં તરતી માછલીઓને કિનારાનાં ફીણ ફીણ થઈ જતી મસ્તીની ખબર કેમ પડે? પ્રેમને પામવા માટે હિજરાવું નામના પ્રદેશને પસાર થવા દેવો પડે છે. લોહી થીજી જાય એવો વિરહ અને સેંથીમાં પૂરવાનું બાકી સિંદૂર જાણે વિયોગનાં ઘરેણાં લાગે છે. રાહ જોતાં જોતાં ડેલીએ પાછી ફરતી નાયિકા પોતાના જ પ્રિયતમના પગલાંથી વહેમાય છે. દરિયો ઘરે આવી ગયો હશે એમ માનીને અટકળને ધારણાના શુકન કરાવે છે. ડેલી સજ્જડ બંધ ભીંસાય છે કારણ કે માણીગર હજુ આવ્યો નથી અને આંસુની ખારાશથી ખારી બનેલી માછણની જેમ પોતાના જ પડછાયા સાથે વિરહની આગમાં તડપે છે. સાવ સુકાઈ ગયેલાં શંખ-છીપલાંને નાયિકા પોતાના જ ઝળઝળિયાંથી ભીનેવાન કરે છે. રાહ જોતાં જોતાં થાકી ગયેલી આંખો કાંઠાના અણિયાળા પત્થર જોઈ જોઈને લાલચોળ બની ગઈ છે. નાયિકા ક્યાંય ગઈ નથી, દરિયાને ઝંખે છે પોતાના શ્વાસે... અને દરિયો નથી આવ્યો ત્યાં સુધી દરિયાની આસપાસની પ્રકૃતિમાં વિરહને ઠારવાની કોશિશ કરે છે. ગીતમાં એક જ વિષય સાદંત્ય લયમાં વિરહના ઝાંઝર પહેરીને મ્હાલે છે. આખું ગીત ચુપચાપ લાગે આંખોને વાંચતા પણ, કાનને દરિયા કિનારાના વાવાઝોડાં જેવું લાગે! સ્ત્રી જે ઝંખે છે અને પુરુષ જે ચાહે છે એના તફાવતમાં ઊતર્યા વગર આખું ગીત સમજાઈ જાય છે. દરિયો અને ખારવણ, પ્રેમ અને સગપણ, લિપી અને લાગણી જયંત ડાંગોદરાની કવિતામાં ‘સંગીત’ બને છે. વાંચતાં વાંચતાં દરિયાની છાલક ભીંજવીને આપણને પણ ભાવથી ભીનાશ અર્પે છે. }
Read Original Article →