સફર:ફિલાડેલ્ફિયા : અમેરિકાનું ઐતિહાસિક શહેર

Magazine5/3/2026, 12:50:00 AM
સફર:ફિલાડેલ્ફિયા : અમેરિકાનું ઐતિહાસિક શહેર
નિતુલ ગજ્જર 2026નું વર્ષ અમેરિકા માટે ઐતિહાસિક સાબિત થવાનું છે, કારણ કે આ વર્ષે યુ. એસ.ની સ્થાપના થઈ એ ઘટનાને 250 વર્ષ પૂર્ણ થયાં છે. 1776ના જુલાઈ મહિનામાં બેન્જામિન ફ્રેન્કલિન, થોમસ જેફરસન અને અન્ય તેર પ્રતિનિધિઓએ યુ. એસ.ના ઐતિહાસિક શહેર ફિલાડેલ્ફિયા ખાતે સ્વતંત્રતાના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા તેની સાથે એક નવા રાષ્ટ્રનો જન્મ થયો હતો. 1492માં ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની શોધ કરી ત્યાર પછી સ્પેન, ફ્રેન્ચ, બ્રિટિશ અને ડચ લોકોની વસાહત સ્થાપી હતી. પરંતુ અડધી દુનિયાની જેમ અહીં પણ મોટા ભાગના વિસ્તાર પર બ્રિટિશરોનું રાજ હતું. જેની સામે મેદાને પડી કુલ 13 બ્રિટિશ વસાહતોને એકસાથે લાવવાનો નિર્ણય લેવાયો હતો. 1776માં ફિલાડેલ્ફિયા ખાતે આ મંત્રણાનો અંત થયો હતો અને આ શહેરમાં જ અમેરિકાની આઝાદીની ઘોષણા કરવામાં આવી હતી. યુ. એસ. એ.ના જન્મસ્થળ તરીકે 2026માં ફિલાડેલ્ફિયા આખું વર્ષ ભવ્ય ઉજવણીનું કેન્દ્રબિંદુ હશે અને ‘ફિફા વર્લ્ડ કપ’ સહિત વિશ્વની ઘણી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પણ આ શહેરમાં આકાર પામશે. માટે જો અમેરિકન ઈતિહાસનું અવલોકન કરવાની ઈચ્છા હોય તો આ વર્ષે ફિલાડેલ્ફિયામાં ઘણાં રસપ્રદ સ્થળો છે. મજેદાર બાબત તો એકે આ શહેરમાં મોટાં ભાગનાં આકર્ષણો એક પણ રૂપિયો ખર્ચ્યા વગર જોઈ શકાય છે. ઈન્ડિપેન્ડન્સ હોલ’: જ્યોર્જિયન શૈલીની આ ભવ્ય ઈમારત ફિલાડેલ્ફિયાના મધ્યમાં સ્થિત છે ‘ઈન્ડિપેન્ડન્સ હોલ’. લાલ ઈંટોથી બનેલ જ્યોર્જિયન શૈલીની આ ભવ્ય ઈમારત યુ. એસ.ના ઈતિહાસનો અભિન્ન ભાગ છે. કારણ કે અહીં જ અમેરિકાની આઝાદીનું પ્રકરણ લખાયું હતું. મુલાકાતી તરીકે અહીં યુ. એસ.ના ઈતિહાસ અને બ્રિટિશરોના વસાહતી શાસન વિશે ઘણું જાણવા મળે છે. ઉપરાંત આ ઈમારત પણ ખૂબ રસપ્રદ છે. હોલનું બાંધકામ 250 વર્ષ કરતા પણ જૂનું હોવા છતાં તેની જાળવણી ખૂબ સારી છે, માટે તેની ભવ્યતાનો અંદાજ લગાડી શકાય છે. નજીકમાં જ ‘લિબર્ટી બેલ સેન્ટર’ આવેલું છે. અહીં અમેરિકન આઝાદીની જાહેરાત વખતે વગાડવામાં આવેલો તોતિંગ ઘંટ મૂકવામાં આવ્યો છે. અગાઉ આ ઘંટ ‘ઈન્ડિપેન્ડન્સ હોલ’ના મિનારા પર મૂકવામાં આવ્યો હતો, પણ 1846માં જ્યોર્જ વોશિંગ્ટનના જન્મદિવસ નિમિત્તે ઘંટમાં ખૂબ મોટી તિરાડ પડી ગઈ હતી. જ્યાર બાદ તેને ઉતારી લિબર્ટી બેલ સેન્ટરમાં મૂકવામાં આવ્યો છે. ઈતિહાસનાં બે રસપ્રદ સ્મારકો ઉપરાંત આ જગ્યા આસપાસ ઈન્ડિપેન્ડન્સ પાર્ક પણ આવેલો છે. આ ત્રણેય સ્થળે પ્રવેશ મેળવવા કોઈ ચાર્જ ભરવો નથી પડતો. ફિલાડેલ્ફિયા તેના ઐતિહાસિક ઉપરાંત પ્રાકૃતિક સૌંદર્ય માટે પણ પ્રખ્યાત છે. અહીં વિવિધ કદ અને વિશેષતા વાળા પાંચ મોટા અને સેંકડો નાના બગીચા છે. જેમાંથી 2000 એકરમાં ફેલાયેલો ફેરમોન્ટ પાર્ક સાંજના સમયે વોકિંગ કરવા માટે પરફેક્ટ સ્થળ છે. અહીં વૃક્ષો વચ્ચેથી ઢળતા સૂર્યને તેમજ પાર્કનાં કુલ 200 બાંધકામોને જોતા નિરાંતે ચાલવાનો અનુભવ યાદગાર સાબિત થાય છે. શુયલકિલ નદીના કિનારે 45 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો યુ. એસ.નો સૌથી પહેલો બોટનિકલ ગાર્ડન પણ આ શહેરમાં જ છે. જેમને શહેરથી દૂર ટ્રેકિંગ અને સાઇકલિંગની મજા માણવી હોય તેમના માટે વિસાહિકોન વેલી પાર્ક જઇ શકો છો. દુનિયાની સૌથી પહેલી ફાયર કંપની અહીં ફિલાડેલ્ફિયામાં બેન્જામિન ફ્રેન્કલિને શરૂ કરી હતી. આજે અહીંના ફાયરમેન હોલ ખાતે તમને અગ્નિશામક પ્રવૃતિ, સુરક્ષાની વિવિધ પ્રણાલીઓ અને મજેદાર ઈતિહાસ જાણવાનો મોકો મળે છે. સરકાર નિયંત્રિત નોટ અને સિક્કા બનતા જોવું દુર્લભ અનુભવ છે. લાગવગ અને પૈસા ખર્ચ્યા બાદ પણ નોટની ફેક્ટરીમાં જઈ શકાતું નથી. પણ અહીં ફિલાડેલ્ફિયામાં આવેલ યુનાઈટેડ સ્ટેટ્સ મિન્ટ તમને એકપણ રૂપિયો આપ્યા વગર નોટ અને સિક્કા બનતા જોવાનો મોકો આપે છે. ફેક્ટરીમાં જ પ્રોડક્શન લાઈનથી 40 ફીટ ઊંચાઈ પર તૈયાર કરેલ પ્લેટફોર્મ પર ચાલતા તમે સિક્કા અને નોટ બનાવાની સંપૂર્ણ પ્રક્રિયા જોઈ શકો છો. ફિલાડેલ્ફિયામાં આ જગ્યાની મુલાકાત અચૂક લેવા જેવી છે. આ જગ્યા સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લી રહે છે. ઈટાલિયન માર્કેટ USનું સૌથી જૂનું બજાર
Read Original Article →