અમલપિયાલી:પ્રહાર કરનાર અને પ્રહાર વેઠનાર વચ્ચે જ શાંતિની ફિલસૂફી પડી હોય છે

Magazine5/3/2026, 12:50:00 AM
અમલપિયાલી:પ્રહાર કરનાર અને પ્રહાર વેઠનાર વચ્ચે જ શાંતિની ફિલસૂફી પડી હોય છે
વિનોદ જોશી આજુથી નવેલાં ઘડતર માંડવાં હો.. જી! ખડગ-ખાંડાંને કણ કણ ખાંડવાં હો.. જી! ખાંડી ખાંડી ઘડો હળ કેરાં સાજ, ઝીણી રૂડી દાતરડીનાં રાજ; હો એરણ બેની.. ઘણ રે બોલે ને એરણ સાંભળે હો… જી! બંધુડો બોલે ને બેનડ સાંભળે હો… જી! - ઝવેરચંદ મેઘાણી નિ:શસ્ત્રીકરણની વાતો ભાષણોમાં તો બહુ થતી હોય છે. આજે ત્રીજા વિશ્વ યુદ્ધના પગથારે ઊભેલી માનવજાત બોલે છે કંઇક અને કરે છે કંઇક. યુદ્ધ અને શાંતિનાં સ્વરૂપ બદલાઈ ગયાં છે. `યુદ્ધ દ્વારા શાંતિ’ તેવી નવી વ્યાખ્યા અસ્તિત્વમાં આવી ગઈ છે. અધિકારભાવની અતિશયતા અને અસહિષ્ણુતાએ માનવસંવેદનાનાં પરિમાણો બદલી નાખ્યાં છે ત્યારે આજથી આશરે સો વર્ષ પહેલાં લખાયેલી આ પંક્તિઓ આપણને નવેસરથી વિચારવા મજબૂર કરી દે છે. કવિ ઘણ અને એરણ જેવા નિર્જીવ પદાર્થો વચ્ચે થતો સંવાદ પ્રસ્તુત કરવાનું અહીં પસંદ કરે છે, તેનો અર્થ જ એ થાય કે માણસો વચ્ચે હવે ઈચ્છવાયોગ્ય સંવાદ રહ્યો નથી. કદાચ માણસો વચ્ચેના સંવાદ પર કવિને ભરોસો નથી રહ્યો. ઘણ એ આક્રમણનું પ્રતીક છે અને એરણ સહનશીલતાનું. એ બંને વચ્ચે સંવાદિતા રચવાનું અને એમનો સહિયારો ઉદગાર પ્રગટ કરવાનું કામ કવિએ અહીં કર્યું છે. એ બંનેને કવિ વસ્તુ તરીકે નથી જોતા પણ ભાઈ-બહેન તરીકે જુએ છે. વસ્તુ જેવા જડ બની ગયેલા માણસમાં સંબંધોનું ભાવાત્મક રસાયણ રેડવાનો લાક્ષણિક કીમિયો કવિ અહીં કરે છે. પ્રહાર કરનાર અને પ્રહાર વેઠનાર બંને અહીં સંવેદનાથી છલકાતી જે વાતો કરે છે તેમાંથી યુદ્ધ અને શાંતિની ખરી ફિલસૂફી ઊકલે છે. `આજુથી’ એમ કહીને અગાઉનું જે કંઇ હતું તેનો કવિ છેદ ઉડાવી દે છે અને `નવેલાં ઘડતર’ માંડવાનું ઘણ અને એરણનાં મુખેથી કહેવડાવે છે. આ વાત કરવી તો છે કવિએ પણ કવિને ભરોસો નથી કે કોઈ માણસનું કહ્યું સાંભળશે. એટલે અહીં પોતાના વિકલ્પે ઘણ અને એરણને એમણે ખડા કરી દીધાં. વસ્તુઓ પણ જો ખાનાખરાબી છોડી દેવા સંવાદ કરી શકે તો માણસ કેમ હજી એ નથી કરતો તેવું સમજાવવાની કવિપ્રયુક્તિ પણ અહીં જોઈ શકાય. અત્યાર સુધી ઘણ અને એરણ તોપ અને મનવારો જેવા વિનાશકારી શસ્ત્રો અને સાધનો ઘડવામાં વ્યસ્ત રહ્યાં છે, પણ હવે હળ અને દાતરડાં જેવાં સર્જનાત્મક સાધનો ઘડવાનો એમનો મનસૂબો અહીં જાહેર કરે છે. સમજવાનું તો એ છે કે તેઓ વિનાશકારી હથિયારોને ખાંડીને તેમાંથી આ સર્જનાત્મક સાધનો તૈયાર કરવા માગે છે. વિનાશની સામે સર્જનની મહત્તા અને નિ:શસ્ત્રીકરણનો સંકલ્પ મૂકી આપવાની કવિની આ વાત આપણને તરત પહોંચે છે. ઘણ વજનદાર છે. પ્રહાર કરી શકે છે. એરણ પોતાની જગ્યાએથી ખસી શકતી નથી. એણે તો માર વેઠવાનો છે. છતાં લડાઈ લડવાની જ છે. ઘણ અને એરણનું કામ પરસ્પર લડતા યોદ્ધાઓ જેવું છે. એમને તો કોઈ ફાયદો નથી પણ તેમાં કચ્ચરઘાણ નીકળે છે એમની વચ્ચે ટીપાતા લોઢાનો. કવિ એટલે જ એમને ભાઈ-બહેન જેવા વત્સલ સંબંધે જોડાઈને વાત કરતાં અહીં આલેખે છે. ભાવજગતની સર્વોપરિતા કવિ જાણે છે. એટલે જ સંવાદિતાનું આવું ભાષ્ય તેઓ રચી શકે છે. કાવ્ય સીધા ઉપદેશને ખમી શકતું નથી. તેમાં લાક્ષણિક અર્થબોધ હોય. અને તેથીયે ઉપર તેમાં ભાવાત્મક સત્યનો પુટ હોય. એક નાનકડું કાવ્ય કોઈ મહાન સંદેશને કેવી રીતે વહેતો કરી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હળ માટે `સાજ’ જેવો સંગીતના વાદ્ય માટે પ્રયોજાતો શબ્દ અને દાતરડી માટે `રૂડી’ એવું વિશેષણ અહીં `સર્જન’નો જે અર્થ આપે છે તે કોઈ પણ સહૃદયને સમજાશે. ખડગ-ખાંડાંની સામે મુકાયેલાં હળ અને દાતરડીનું મૂલ્ય માનવજીવન માટે કેટલું મહત્ત્વનું છે તેની વાત અહીં સીધો ઉપદેશ ન બનતાં કાવ્યબોધ બની જાય છે. કોઈ પણ પ્રતિબદ્ધતાને કાવ્યના સ્તરે નિભાવવાનું સહેલું હોતું નથી. અહીં `ઘડતર’ની વાત કરવામાં આવી છે. કવિ પાસે શબ્દો તો હોય છે. પણ તેનું જો આ રીતે ઘડતર થયું હોય તો તે ઘડામણ સાર્થક છે. અહીં તે દેખાય છે.
Read Original Article →