લક્ષ્યવેધ:સફળતાનો ‘પંથ’ કઇ રીતે કંડાર્યો?
પંથ રાજપાલ. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં જન્મ. સામાન્ય પરિવાર. પિતાજી ખાનગી નોકરી કરે અને માતા ગૃહિણી. પંથ ગુજરાતી માધ્યમમાં ભણ્યા. શાળાકીય જીવન દરમિયાન તેઓ એક સરેરાશ વિદ્યાર્થી જ હતા. અમદાવાદના ખોખરાની ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર , ટેક્નોલોજી , રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ’માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.
ઘરમાં મોટાભાઈનું માર્ગદર્શન હતું, તેમણે જી. પી. એસ. સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી એટલે પંથભાઈને પણ પ્રેરણા આપી. સરકારી નોકરી તરફ એ રીતે આકર્ષણ થયું. કોરોનાના સમયગાળામાં થોડો સમય મળ્યો. તૈયારીઓ શરૂ કરી. ઓનલાઇન કોચિંગમાં જોડાયા તેમજ ‘સ્પીપા’ની પણ મદદ લીધી.
પ્રીલિમિનરી પરીક્ષા એ પહેલું પગથિયું છે, સમગ્ર વર્ષ ચાલતી સિવિલ સેવા પરીક્ષાનું. ઉમેદવારો આયોજન કે સમજણના અભાવે ઘણીવાર આ પગથિયેથી જ પાછા આવે છે. રણનીતિનો અભાવ આ પરીક્ષાને નડે છે, કેમ કે વાંચન દરમિયાન કેટલું આવડ્યું અને કેટલું નથી આવડતું એ તરત ખ્યાલ આવતો નથી. વળી, વિષયો એટલા રસપ્રદ હોય કે વાંચનના પ્રવાહમાં ઘણીવાર ચાવીરૂપ વિગતો આંખ સામેથી તણાઈ જતી હોય છે એનો ખ્યાલ નથી આવતો.
જ્યારે આવી જ ચાવીરૂપ વિગતોની આસપાસ સવાલ વણાઈને આવે ત્યારે ઉમેદવારને ચૂકાઈ ગયેલી વિગતો યાદ આવે છે અને એ ક્ષણે વસવસો થાય. તેથી પુનરાવર્તન આવશ્યક છે. સાથે જ પ્રશ્નપત્રોનો અભ્યાસ પણ એટલો જ જરૂરી છે, જેમ સેના માટે શત્રુ-પ્રદેશના નકશા. પરીક્ષકના મનને કળી જનાર ઉમેદવાર ઓછા સમયમાં પ્રીલિમિનરીનો કોઠો ભેદી જાય છે.
પંથભાઈ કહે છે કે તેમણે પ્રાથમિક વિષયો જેવા કે રાજનીતિશાસ્ત્ર, અર્થકારણ, ભૂગોળ અને સાંસ્કૃતિક ઇતિહાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને તેની સંકલ્પનાઓ મજબૂત કરી હતી. સ્વાભાવિક છે આ વિષયના મૂળભૂત સિદ્ધાંતોમાં તાત્કાલિક ફેરફાર આવવાના નથી. આ વિષયના આધારે આનુષંગિક વિષયો અને બાબતો સારી રીતે સમજી શકાય અને તર્ક સમૃદ્ધ બની શકાય. આ વિષયો સિવિલ સેવા પરીક્ષાની તૈયારીમાં ફિક્સ ડિપોઝિટ જેવા છે. જેનું વ્યાજ જો પ્રયાસ નિષ્ફ્ળ જાય તો પણ મળતું રહે છે.
મેન્સમાં ગુજરાતી સાહિત્ય મુખ્ય વૈકલ્પિક વિષય હતો. સિવિલ સેવા પરીક્ષાના તમામ વિષયોનું ઓનલાઇન કન્ટેન્ટ ઊંડાણ સાથે મળવા લાગ્યું ત્યાં સુધી ગુજરાતના ઉમેદવારોમાં ગુજરાતી સાહિત્ય લોકપ્રિય વિષય રહ્યો હતો. સ્વાભાવિક છે માતૃભાષાના સાહિત્યના ઉત્તમ સ્ત્રોત ગુજરાતમાં જ મળે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી ન હોય તેઓ પણ ગુજરાતી સાહિત્ય વિષય સાથે સિવિલ સેવા પરીક્ષામાં આગળ વધતા.
કોઈ પણ ભાષાના સાહિત્યની વસ્તુલક્ષિતા મર્યાદિત હોય અને વ્યક્તિલક્ષી અર્થઘટનની સંભાવનાઓ વધુ. તેથી ગુણ-તફાવત મોટો રહેવાની પણ શક્યતાઓ રહેલી હોય છે. તેમ છતાં આ વિષય સાથે ગુજરાતના ઉમેદવારોને ઉત્તમ પરિણામો મળ્યાનાં ઉદાહરણ છે. સાહિત્ય જેવા વિષયો ભાષાને સમૃદ્ધ તો કરે જ છે સાથે જ અભિવ્યક્તિના આયામ પણ ઉઘાડે છે. આંકડાઓના ગ્રીષ્મ પ્રકૃતિના વિષયો વાંચતાં વાંચતાં ગુજરાતી સાહિત્ય વિષય મીઠા છાંયડા જેવો ભાસે.
પંથભાઈની તૈયારી લાંબી ચાલી. ચાર પ્રયાસ અને ત્રણ પર્સનાલિટી ટેસ્ટ. આ દરમિયાન જી. પી. એસ. સી.ની પરીક્ષા આપી અને તેમાં પણ સમગ્ર ગુજરાતમાં 37માં રેન્ક સાથે ઉત્તીર્ણ થઈને જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર તરીકે નિમણૂક મેળવી.
બાકીની તૈયારી નોકરીની સાથે સાથે કરી. પંથભાઈ કહે છે કે નોકરીની સાથે સાથે તૈયારી કરવાના પોતાના પડકારો છે. તમારું ધ્યાન અને ઊર્જા બંને વહેંચાઈ જાય છે. નિયમિતતા અને આયોજન ન હોય તો ઘણાખરા ઉપયોગી દિવસો વેડફાઈ જાય. અન્ય નોકરી કરતા દરેક ઉમેદવારે પોતાની ક્ષમતા અને નોકરીના ભારણ મુજબ આયોજન કરવું પડે.
પંથભાઈને પર્સનાલિટી ટેસ્ટમાં તેમની જ પૃષ્ઠભૂમિમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા. ડીટેલ્ડ એપ્લિકેશન ફોર્મમાં ઉમેદવારની તમામ વિગતો મગાવવામાં આવે છે.
આ ફોર્મમાં શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિગતો સાથે વ્યક્તિગત સફળતા તેમજ અંગત રસના વિષયો અંગે પ્રાથમિક જાણકારી આપવાની હોય છે. સાથે જ સર્વિસ અને કૅડરને ક્રમાંક આપીને પોતાની પસંદગી વ્યક્ત કરવાની હોય છે. જયારે પરિણામ આવે ત્યારે ઉમેદવારને રેન્ક અને આ ફોર્મમાં આપેલી પસંદગી અનુસાર કેન્દ્રીય સેવા કે અખિલ ભારતીય સેવા પ્રાપ્ત થાય છે. જો અખિલ ભારતીય સેવા હોય તો કૅડરની ફાળવણી પણ તે ક્રમમાં જ થાય છે.
પંથ રાજપાલ ઓલ ઇન્ડિયા રેન્ક 867 સાથે લક્ષ્યવેધ કરે છે.
Read Original Article →