માનસ દર્શન:પરશુરામ: તપસ્વી, દાની અને યાજ્ઞિક

Magazine4/19/2026, 1:00:00 AM
માનસ દર્શન:પરશુરામ: તપસ્વી, દાની અને યાજ્ઞિક
આપણે જેને જ્ઞાન કહીએ છીએ એ ગુરુમુખે જ આવે છે; શાસ્ત્રમુખે પણ આવે છે, પરંતુ ગુરુમુખનો મહિમા ઘણો છે. આપણે કેવળ ગ્રંથોને જોઈને ઉપર ઉપરથી ભગવાન પરશુરામ વિશે કોઈ નિર્ણય ન કરી શકીએ. પરશુરામજી અવતાર છે, ભગવાન છે; એમનો પ્રચલિત સ્વભાવ આપણી સામે આવ્યો કે એ ક્રોધી છે, અત્યંત ક્રોધી છે. પરંતુ સાધુક્રમથી, ગુરુમુખી જ્ઞાનથી આપણે ભગવાન પરશુરામને પરખવા પડશે. ‘રામચરિતમાનસ’માં તો એમનું કેટલું મોટું વર્ણન છે! દુનિયામાં મનાય છે કે પરશુરામજી બધાં સાથે વિવાદ કરે છે; શાપ આપે છે; દુર્વાદ થાય છે. પરંતુ ધનુષ્યભંગ બાદ રામ અને પરશુરામ બંનેની વચ્ચે જ્યારે વાતો થાય છે ત્યારે તો રામ-રામ સંવાદ છે; બે રામની વચ્ચેનો સંવાદ છે. ‘રામચરિતમાનસ’માં જ્યારે ભગવાન પરશુરામ પ્રવેશ કરે છે ત્યારે લખ્યું છે- તેહિં અવસર સુનિ સિવધનુ ભંગા. આયઉ ભૃગુકુલ કમલ પતંગા. પરશુરામજીનો પ્રવેશ અને તેમના વિગ્રહનું વર્ણન કરતાં લખ્યું છે- ગૌરિ સરીર ભૂતિ ભલ ભ્રાજા. ભાલ બિસાલ ત્રિપુંડ બિરાજા. ગૌર વર્ણ છે. ભસ્મનું લેપન કર્યું છે અને ભાલમાં ત્રિપુંડ ધારણ કર્યું છે. પરશુરામ સદાશિવ ભગવાન મહાદેવના પરમ ઉપાસક છે. પરશુથી એમણે ઘણું વિસર્જન કર્યું અને પછી નવસર્જન પણ કર્યું. પરંતુ ‘માનસ’માં પરશુનું વર્ણન લખ્યું છે, ‘દાન ફરસુ’; દાન જ પરશુ છે. ગુરુમુખ અને સાધુક્રમ ન હોવાને કારણે ઘણા લોકોને એમાં હિંસાની ગંધ આવે છે. ભગવાન પરશુરામના ત્રણ મહત્ત્વના ગુણ અદ્ભુત છે. પરશુરામજી પરમ તપસ્વી છે. પરશુરામજી પરમ દાની છે. પરશુરામજી મોટા યાજ્ઞિક છે, યજ્ઞકર્તા છે. પરશુરામ ભગવાનની આ ત્રણ વસ્તુ જો આપણે સમજી લઈએ તો એમના વ્યક્તિત્વનો ખ્યાલ આવી શકે. થોડો આવેશ અવતાર આવી જાય છે, એ વાત જુદી છે. અને જ્યારે આપણે જગતનું દર્શન કરીએ છીએ તો પરિવારથી લઈને આખા જગતમાં જોઈ શકાય છે કે આપણને પણ વારંવાર આવેશ આવી જાય છે. કોઈને ક્રોધનો આવેશ, કોઈને લોભનો આવેશ, કોઈને કામનો, કોઈને દ્વેષનો, કોઈને નિંદાનો, કોઈને ઈર્ષ્યાનો; એક એટેકની માફક આવેશ આવે છે. ક્યારેક ક્યારેક લાગે છે કે આપણે પરશુરામની પરંપરાના પથિક થઈ ગયા છીએ! પરશુરામનો આવેશ સર્જનાત્મક છે, આપણો આવેશ વિનાશક છે. ‘રામચરિતમાનસ’માં જ્યારે લક્ષ્મણજી પરશુરામજીને કહે છે, વિપ્રના હૃદયમાં ખૂબ જ દયા અને કરુણા હોવી જોઈએ. ‘ચહિઅ બિપ્ર ઉર કૃપા ઘનેરી.’ મહારાજ, આપના હૃદયમાં આટલો ક્રોધ? આપ તો વિપ્ર છો. આપ તો બોધ આપનારા બોધી છો. ત્યારે પરશુરામજી કહે છે, હે બાળક, તું મને વિપ્ર કહે છે પરંતુ હું કેવો વિપ્ર છું એ સાંભળ. હું યજ્ઞ કરનારો છું પરંતુ હું સમરયજ્ઞ કરું છું. હું કેટલા કેટલા રાજાઓની બલિ ચડાવી ચૂક્યો છું મારા યજ્ઞમાં. પરંતુ એ તો જેવી રીતે રામ ભગવાન જાનકીના વિયોગમાં રડ્યા, આક્રંદ કર્યું, પાગલની જેમ વર્તન કર્યું એ લીલા છે; એમાં કામીની દીનતા બતાવે છે અને ધૈર્યવાનનું ધૈર્ય બતાવે છે. એનો મતલબ ભગવાન કામી નથી. એવી રીતે ભગવાન પરશુરામનો આવેશ એ એક લીલા છે; તત્ત્વતઃ તેઓ ક્રોધી નથી. તો બહુ જ નિકટથી આપણે ભગવાન પરશુરામનો ચરણસ્પર્શ કરીને એમને ઓળખીએ. તેઓ બહુ મોટા તપસ્વી છે. અવકાશ મળતાં જ તપસ્યામાં ચાલ્યા જાય છે. એમના જીવનની કથાઓમાં આ પ્રકરણો આવતાં રહે છે. પરશુરામજી મોટા દાની છે. જેટલી વાર એમણે પૃથ્વી જીતી લીધી એ વારંવાર બાહ્મણોને દાનમાં આપી દીધી. અને તેઓ યજ્ઞ કરે છે. અલબત્ત, એમનો યજ્ઞ જુદો છે. પરંતુ વિદ્યા આપવી એ પણ યજ્ઞ છે. પરશુરામ એક અર્થમાં ગુરુ છે. તો યજ્ઞ, દાન અને તપ પરશુરામ ભગવાનની પ્રસ્થાનત્રયી છે. તેઓ ખૂબ જ તપ, દાન અને યજ્ઞ કરે છે. પરશુરામ ભગવાનનાં આ ત્રણ લક્ષણ ખૂબ જ વિરલ છે. પરશુરામ ભગવાન દાન, તપ અને યજ્ઞનો ત્રિકોણ છે. એમનામાં ત્રણની પ્રભુતા છે કેમ કે તૃતીયાએ પ્રગટ થયા છે; એ ત્રિપુંડધારી છે. ભગવાન પરશુરામનું અદભુત વ્યક્તિત્વ છે!પરશુરામજી પરમ વૈરાગી છે. તો ભગવાન પરશુરામના કોઈ એક પાસાને જોઈને આપણે નિર્ણય ન કરીએ. એ અવતાર છે. એમને ચારે બાજુથી જોઈએ; પરિક્રમા કરીને જોઈએ.
Read Original Article →