વિચારોના વૃંદાવનમાં:પરશુરામ... પરસુ... પસુવા...
એ ચ. જી. વેલ્સ નવલકથાકાર હતા અને સમાજવાદી હતા. એમનું એક વિધાન સાંભળો :
દેશમાં બે રાષ્ટ્ર વસે છે.
એક, માલદારોનું રાષ્ટ્ર અને બીજું, ગરીબોનું રાષ્ટ્ર
ભારતની વાત જરા જુદી છે. આપણા દેશમાં ત્રણ રાષ્ટ્ર વસેલાં છે : ઉત્તર ભારતમાં સુખી બ્રાહ્મણ કે ક્ષત્રિય હોય એવો માણસ નામે ‘પરશુરામ’ હોય તો એને ‘પરશુરામ’ કહીને બોલાવવામાં આવે છે. એ જ નામવાળો માણસ જો કારીગર કે કારકુન હોય તો એને ‘પરસુ’ કહીને બોલાવવામાં આવે છે. એ જ નામવાળો માણસ જો કોઇ દલિત કે ખેતમજૂર કે પટાવાળો હોય તો એને ‘પસુવા’ કહીને બોલાવવામાં આવે છે. નામ એક જ, પરંતુ સંબોધનની આ શૈલીમાં ત્રણ અલગ રાષ્ટ્રો પ્રગટ થતાં રહે છે.
કોઈ પણ પરિવારની ખાનદાની માપવી હોય તો એની એક સચોટ નિશાની કઈ? એ પરિવારમાં નોકરને કે કામવાળીને કેવી રીતે સંબોધવામાં આવે છે એ જાણી લેવું. ઘરકામ કરવા માટે રોજ આવનારી કામવાળી સાથે બતાવાતી તોછડાઈ ઘ૨માં વસેલા પરિવારની કલ્ચરલ ગરીબી પ્રગટ કરતી હોય છે. ગરીબ માણસ મજબૂર હોય એથી જાણે એના સ્વમાનનો કસ કાઢવામાં આવે છે! એને જે વધેલું અન્ન આપવામાં આવે એમાં રોટલી પર ઘી ચોપડવામાં પણ દિલચોરી થતી હોય છે. કેટલીક સુખી ગૃહિણીઓ ભારે ક્રૂર હોય છે. શૉપિંગ કરતી વખતે હજારો રૂપિયા વેડફી મારનારી માલદાર ગૃહિણી કામવાળી સાથે પાંચ રૂપિયા માટે લાંબી માથાકૂટ કરે ત્યારે કામવાળીનો નિસાસો સો ટચનો હોવાનો !
એક મિત્ર મુંબઈમાં રહીને ખૂબ કમાયા. એક વાર એમણે જે વાત કરી હતી એ હજુ પણ યાદ છે : મારે ત્યાં કામ કરનારી મજૂરણ મા કરતાં વધારે પ્રામાણિક છે.’ એમના ઘરના ફ્રિજમાં મૂકેલાં મેવા-મીઠાઈને એ એમની લાંબી ગેરહાજરીમાં પણ ચાખતી નહોતી. એ જો કાજુ-બદામના ફાકા મારે તો તેમને ખબર સુધ્ધાં ન પડે. એ બાઇની જગ્યાએ હું હોઉં તો!
ગરીબી સાથે જોડાઈ ગયેલી આવી અભણ ખાનદાનીનો સુખી લોકો ખૂબ લાભ લેતા હોય છે. એક યહૂદી કહેવત છે
પૈસાદારોને
સંતાનો નથી હોતાં
કેવળ વા૨સદારો જ હોય છે!
ગુણવંતરાય આચાર્યે તેમની નવલકથા ‘ગોરખ આયા’ના એક પાત્રના મુખે સંવાદ મૂક્યો એ કંઇક આવો હતો: ‘ખોટની વાત નથી, પરંતુ જાતે રળ્યા વગર ખાવું એ જઠરનો વ્યભિચાર છે. ભગવન્! મેં બુદ્ધિની નજરબંદી જોઈ છે. મેં કંગાલિયતની વિચારહીનતા જોઈ છે, ને સત્તાની જડતા જોઈ છે. મેં સ્ત્રીઓને શરી૨ વેચતી, પુરુષોને પેટ વેચતા, જુવાનોને હાથ વેચતા ને વૃદ્ધોને વિચારો વેચતા જોયા છે. ભગવન્, મેં બ્રાહ્મણોને શાસ્ત્રોના, ક્ષત્રિયોને સત્તાના, વૈશ્યોને દ્રવ્યના અને શૂદ્રોને સેવાના વ્યભિચાર ખેલતા જોયા છે.’
થોડાં વર્ષો પહેલાં સાવ અનોખી ઘટના બની હતી. મહાનગરની હાઉસિંગ સોસાયટીને નાકે ચારેક ગરીબ પરિવારો ઝૂંપડાંમાં રહેતા હતા. એ આખી સોસાયટી મૂળે એક ભૂતપૂર્વ ખેતર પર ઊભી થઈ હતી. છેલ્લાં 75 વર્ષથી એ પરિવારની ત્રણ પેઢી એ ભૂતપૂર્વ ખેતરને ખૂણે રહેતી હતી. એમની એ જગ્યા ૫૨ બિલ્ડરની નજર પડી. કોર્ટમાં કેસ ચાલ્યો અને સમાધાનને અંતે જે રકમ નક્કી થઈ એ બિલ્ડરે પૂરેપૂરી ચૂકવી આપી. રકમ વાજબી હતી, પરંતુ એ ગરીબો જાય ક્યાં?
બુલડોઝર JCB) આવ્યું નહોતું. મળેલી રકમમાંથી શહેરમાં જ્યાં પણ કોઈ જગ્યા મળે ત્યાં જઈને રહેવાનો દિવસ આવી પહોંચ્યો. તકરાર નહોતી, પરંતુ ખુલ્લા આકાશ નીચે વૃક્ષની છાયામાં કાથીનો ખાટલો ઢાળીને ઝૂંપડીની બહાર સૂઈ જવાનો વૈભવ ગયો તે ગયો! નહીં વીંજણો ને નહીં રાતના ગામગપાટા ! મૂળસોતાં ઊખડી ગયાની વેદનાને પ્રગટ થવાની ઉતાવળ નહોતી.
એ ઝૂંપડામાં રહેતી સ્ત્રીઓ સોસાયટીના સુખી બંગલામાં બત્રીસ વર્ષથી કામ કરતી હતી. બંગલામાં રહેતી ગૃહિણીને આ સમગ્ર પરિવારના લોકોની વેદનાનો ખયાલ આવી ગયો. એણે એ પરિવારોનાં બાળકોને સવારે બોલાવીને ભણાવ્યાં હતાં અને નાસ્તો પણ કરાવ્યો હતો. ઝૂંપડામાં રહેતા પરિવારનાં સૌ લોકો એ ગૃહિણીનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહેતાં. છેલ્લાં બત્રીસ બત્રીસ વર્ષનો સંબંધ છૂટી રહ્યો હતો.
ગૃહિણીએ છેલ્લે દિવસે એ સૌને ઘરે બોલાવ્યાં અને આઇસક્રીમ સાથે સમોસાંનો નાસ્તો કરાવ્યો. નાનાં બાળકો સાથે એમનાં ઘરડાં દાદીમા પણ જોડાયાં. સૌ ચાંલ્લો કરીને આવ્યાં હતાં. એ પરિવારની સ્ત્રીઓ માથે બેડાં મૂકીને રોજ નળનું પાણી ભરવા માટે બંગલે જતી. આપણે ત્યાં પનિહારીનું દશ્ય શુકન ગણાય છે. એ દૃશ્ય કાયમ માટે ગયું! પચીસ માણસોના એ પરિવારે જ્યારે વિદાય લીધી ત્યારે સાથે એમના વહાલા ખેતરની માટી લેતા ગયા! એ સૌ ગયાં ત્યારે પેલી ગૃહિણીની આંખો ભીની હતી. આજની દુનિયાનું એકમાત્ર આશ્વાસન એટલે ભીની આંખો! પાઘડીનો વળ છેડે
શોપિંગ કરતી
વખતે હજારો, રૂપિયા વેડફી
મારનારી ગૃહિણી
કામવાળી સાથે પાંચ રૂપિયા માટે
લાંબી માથાકૂટ કરે ત્યારે કામવાળીનો
નિસાસો સો ટચનો હોવાનો !
Blog: http://gunvantshah.wordpress.com
Read Original Article →