માય સ્પેસ:પેરિસઃ કોફી હાઉસ
કોફી હાઉસ એ બુદ્ધિજીઓ અને સ્વતંત્રતા સેનાનીઓની અનેક કથાઓને પોતાનામાં સમેટીને ઊભેલો ઈતિહાસ છે
પેરિસ ફેશનનું હબ ગણાય છે. સંગીત, કલા અને આધુનિકતા સાથે જોડાયેલું આ શહેર એટલું બધું સુંદર છે કે પેરિસવાસીઓએ હિટલરના આક્રમણ વખતે પેરિસ ખાલી કરીને ચાલ્યા જવાનું નક્કી કર્યું. આ એ સમય હતો, 10 મે, 1940, જ્યારે જર્મનીએ ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડ પર હુમલા કરવાનું શરૂ કર્યું. ફ્રાન્સના લોકોને લાગતું હતું કે યુદ્ધ લાંબુ ચાલશે, પરંતુ થોડા જ દિવસમાં જર્મન સેના ફ્રાન્સની ભીતર પહોંચી ગઈ. લોકોએ પેરિસ છોડીને દક્ષિણ ફ્રાન્સ તરફ ભાગવાની શરૂઆત કરી. કાર, સાઈકલ, ઘોડાગાડી અને પગે ચાલતા લોકો... પેટ્રોલ ખતમ, ભોજન ખતમ અને કોવિડના સમયે જેવી રીતે લાખો લોકો હિજરત કરી રહ્યા હતા એવી સ્થિતિ 1940માં ઊભી થઈ હતી.
13 જૂન, 1940ના દિવસે સરકારે પેરિસને ‘ઓપન સિટી’ ઘોષિત કર્યું. એનો અર્થ એમ કે શહેરમાં કોઈ યુદ્ધ નહીં થાય. ઐતિહાસિક ઈમારત કે નાગરિકને નુકસાન નહીં કરવામાં આવે... ખાલી સડક, ખાલી કેફે સાથે પેરિસ જાણે આત્મા વગરનું શરીર હતું! હિટલરને જે પેરિસ જોઈતું હતું એ એને મળ્યું નહીં! એનાથી મોટી હાર શું હોઈ શકે…
પેરિસ હંમેશાં પોતાની વિવિધતા અને આધુનિકતા સાથે વિશ્વના નકશામાં અગ્રેસર રહ્યું છે. આજે આપણે ગુજરાતમાં ચારેતરફ કોફી હાઉસ જોઈએ છીએ, પરંતુ 1686માં પેરિસમાં ‘કેફે પ્રોકોપ’ નામનું પહેલું કોફી હાઉસ શરૂ થયું હતું. એક ઈટાલિયન સિસિલિયન વ્યક્તિ ફ્રાન્કેસ્કો પ્રોકોપિયો ડેઈ કોલટેલી નામના માણસે આ કોફી હાઉસ શરૂ કર્યું હતું. રૂએ ડે આલ્સિયેને નામની સડક પર આ કેફે હતું. યુરોપમાં ત્યાં સુધી શરાબખાના અને વિશીમાં લોકો જતા હતા, પરંતુ પહેલી વખત કોફી હાઉસની શરૂઆત કરીને બુદ્ધિજીવીઓ માટે એક ફેશન તરીકે કોફી હાઉસની ઈમેજ ઊભી કરવામાં આવી. અહીં બૌદ્ધિક ચર્ચાઓ થતી. સાહિત્ય, નાટક, રાજકારણ, અર્થતંત્ર જેવા વિવિધ વિષયો પર મુક્ત અને તીવ્ર વાદ-વિવાદ થતા.
કહેવાય છે કે નેપોલિયન બોનાપાર્ટ પણ પેરિસના કોફી હાઉસમાંથી એક રાજકારણી તરીકે બહાર આવ્યા. જ્યોં પૉલ સાત્ર, સિમોં દ બુવ્વાર, અર્નેસ્ટ હેમિંગ્વે, આલ્બેર કામૂ, પિકાસો જેવા લોકોને અહીં મળી શકાતું હતું. પેરિસના કેટલાંક જાણીતા કોફી હાઉસ કેફે ડે ફ્લોરે, લા ક્લોઝેવ ડે લીલાસ, લે ડોમે કેફે… પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે પેરિસનું કોફી હાઉસ કલ્ચર શરૂ થયું એ પહેલાં પેરિસમાં સેલોં કલ્ચર હતું. આપણે જેને સેલોં કહીએ છીએ એવાં બ્યૂટી પાર્લર કે મેકઓવરની કોઈ જગ્યા નહીં, પરંતુ આ યુરોપના વિચાર, કલા અને ચર્ચાની સંસ્કૃતિને એક નવી દિશા આપનાર આધુનિક વ્યવસ્થા હતી. પેરિસના સમૃદ્ધ અને ભવ્ય ઘરોમાં યોજાતી બૌદ્ધિક બેઠકો, જ્યાં સાહિત્યકારો, દાર્શનિકો અને કલાકારો ભેગા થતા.
જાણીને નવાઈ લાગશે કે આવા સેલોંનું સંચાલન મુખ્ય યજમાન તરીકે સ્ત્રીઓ કરતી. આ સભાઓ ઉચ્ચ વર્ગ માટે જ હતી. સામાન્ય લોકોને અહીં પ્રવેશ મળતો નહીં. આવું સેલોં ચલાવતી સ્ત્રીઓને સેલોંનિયર અથવા સેલોંનેયર કહેવામાં આવતી. એ માત્ર યજમાન કે હોસ્ટ નહોતી, વાઈન કે ભોજન પીરસવું એ જ એમની જવાબદારી નહોતી, બલ્કે આવી ચર્ચામાં કોને આમંત્રણ આપવામાં આવશે, એના નિર્ણયથી શરૂ કરીને ચર્ચાનો વિષય અને ચર્ચાનૌ દૌર પોતાના હાથમાં રાખવાનું કામ આ સ્ત્રીઓ કરતી.
મેડમ ડે રેમ્બોઉલિયેટ પેરિસના સૌથી પ્રભાવશાળી સેલોંની સ્થાપક હતી. આ સેલોંમાં પોલાઈટનેસ એટલે કઠોર વાદ-વિવાદ પણ નમ્ર ભાષામાં જ કરવામાં આવતો. બુદ્ધિની ચમક, ચતુરતા, વ્યંગ સહિત કોન્વર્સેશન એઝ આર્ટ-વાતચીતની કલા શીખવવામાં આવતી. પેરિસના ઘણા સેલોંએ રાજકારણથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું, પરંતુ એવી જ એક સેલોંનેયર મેડમ દ સ્ટેલને નેપોલિયન સાથે મતભેદ પડ્યા. દ સ્ટેલ ગણતંત્રવાદી, સ્વતંત્ર મિજાજની અને પોતાની ટર્મ પર જીવનારી સ્ત્રી હતી. એણે ખુલ્લેઆમ જર્મન સંસ્કૃતિ, ફિલોસોફી અને એમની આંતરિક સ્વતંત્રતાના વખાણ કર્યા.
નેપોલિયન એ વખતે સમ્રાટ તરીકે પોતાની સત્તા મજબૂત કરવા માગતા હતા. નેપોલિયને મેડમ દ સ્ટેલનું પુસ્તક ‘દ એલેમેન્જે’નું પ્રકાશન બંધ કરાવ્યું અને પ્રતિઓનો નાશ કર્યો. દ સ્ટેલને ફ્રાન્સ છોડવાની ફરજ પાડવામાં આવી (1810). એ પછી ઘણા લોકોએ પોતાના સેલોંમાં રાજકારણની ચર્ચા બંધ કરી દીધી. દ સ્ટેલની જેમ જ મેડમ જીઓફ્રીન, જ્યુલિ દ લેસ્પિનેસે, મેડમ નેકર જેવી અનેક સ્ત્રીઓનાં નામ પેરિસના સેલોં કલ્ચરમાં મળે છે. ખાસ કરીને જ્યુલિના સંબંધો જીન લે રોન્ડ દ એલેમ્બર્ટ સાથે ખૂબ ચર્ચામાં રહ્યા. એમના પત્રો અને એકમેક વિશે લખેલી કવિતાઓ અને અનુભૂતિના અંશો આજે પણ તીવ્ર પ્રેમ અને બેચેનીનાં પ્રતીક માનવામાં આવે છે. ખરેખર તો સેલોં કોઈ સંસ્કૃતિ નથી. એક માનસ અથવા ફિલોસોફી તરીકે આગવો ઈતિહાસ ધરાવતી એક પ્રણાલી છે.
સેલોં કલ્ચર માત્ર ઉચ્ચ મધ્યમ વર્ગ અને ઉચ્ચ શિક્ષિત લોકો માટે જ હતું. ફક્ત આમંત્રિતો જ પોતાનો વિચાર વ્યક્ત કરી શકતા. માટે સમય જતાં કોફી હાઉસની શરૂઆત થઈ.
યુરોપમાં કોફીનો પ્રવેશ 17મી સદીમાં થયો. પૉપ ક્લેમેન્ટ 8માએ પહેલીવાર કોફી ચાખી ત્યારે એમણે કહ્યું હતું, ‘આ પીણું એટલું સ્વાદિષ્ટ છે કે એને આખા યુરોપમાં સ્વીકાર મળવો જોઈએ.’ વેનિસ, યુરોપ અને પૂર્વની દુનિયા વચ્ચે વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. આરબ વેપારીઓ પહેલીવાર કોફી લઈને આવ્યા અને ઈટાલીમાં 1720માં ખૂલેલું કેફે ફ્લોરિયન આજે પણ અસ્તિત્વ ધરાવે છે. કોફી હાઉસને પેની યુનિવર્સિટી કહેવામાં આવતા હતા, કારણ કે ત્યાં એક પેનીમાં કોફી તો મળતી જ, સાથે સાથે રાજનીતિ, વિજ્ઞાન, વ્યાપાર, કલા, ફિલોસોફી અને જીવન વિશેની મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ મફતમાં સાંભળવા મળતી હતી.
18મી સદીના અંત સુધીમાં ફ્રાન્સમાં ટેક્સ વધી ગયા હતા. ગરીબી, ભૂખ અને અસમાનતા એટલી વધી ગઈ હતી કે કોફી હાઉસમાં એક યુવા પત્રકાર અને ક્રાંતિકારી 12મી જુલાઈ, 1789ના દિવસે ટેબલ પર ચડી ગયો. એણે એક ભડકાવનારું ભાષણ કર્યું અને ભેગી થયેલી ભીડને કહ્યું, ‘હથિયાર ઉઠાવો, નહીંતર આપણે બધા મરી જઈશું.’ એ દિવસે ઉગ્ર થઈ ગયેલી ભીડે 14 જુલાઈ, 1789ના દિવસે પહેલો બળવો કર્યો. કહેવાય છે કે ફ્રાન્સની ક્રાંતિ તલવારને બદલે કોફીથી શરૂ થઈ છે...
આજના કોફી હાઉસમાં બેસી રહેતા યુવાનોને કદાચ ખબર કલ્પના નથી કે વિશ્વ ઈતિહાસના કેટલાંક મહત્ત્વનાં પાનાં ઉપર આવાં કોફી હાઉસની સહી છે. કોફી હાઉસ માત્ર બેસીને ‘ગુટરગૂં’ કરવાની જગ્યા નથી. માતા-પિતાના પૈસા ઉડાડવાની જગ્યા પણ નથી જ... કોફી હાઉસ એ બુદ્ધિજીવી લેખકો, કલાકારો, સંગીતકારો અને સ્વતંત્રતા સેનાનીઓની અનેક કથાઓને પોતાનામાં સમેટીને ઊભેલો ઈતિહાસ છે. }
Read Original Article →