સમયાંતર:ઈતિહાસને વળાંક આપનારા યુદ્ધનાં 500 વર્ષ
લલિત ખંભાયતા
1526માં બાબર-લોદી વચ્ચે પાણીપતના મેદાનમાં થયેલો જંગ ભારત સહિત જગતના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ છે. કેમ?
સ્થળ પાણીપત ગામની પાસે આવેલું મેદાન
અઠવાડિયાથી સામસામે આવી પડેલી સેનાઓએ એ દિવસે ધીરજ ગુમાવી. દિલ્હીની ગાદી પર બિરાજતા ઈબ્રાહિમ લોદી માટે એ જગ્યા ઘર આંગણા જેવી જ હતી. સામે પક્ષે આવેલા સૈનિકો છેક કાબુલથી આવ્યા હતા. પરદેશી હતા. લોદીના સૈનિકોની સંખ્યા પણ 40 હજારથી વધારે હતી અને ઉપરાંત એકાદ હજારથી વધારે હાથીનું દળ હતું.
કાબુલના શાસન ઝાહીર-ઉદ્દ-દીન બાબરના સૈનિકોની સંખ્યા બાર-પંદર હજાર જેટલી હતી. હાથી જેવા કદાવર ચોપગા સૈનિકો પણ તેમની પાસે ન હતા.
યુદ્ધમાં દિલ્હી સલ્તનત (એક પછી એક સુલતાનો રાજ કરતા હોવાને કારણે સલ્તનત)ના લોદીનો વિજય થાય એવું સૌ કોઈ માનતા હતા.
સમરાંગણે જોકે માન્યતા કામ ન આવી. 21મી એપ્રિલની સાંજ થઈ ત્યાં સુધીમાં લોદી મરાઈ ચૂક્યો હતો, તેના સેનાપતિઓ, સલાહકારો, સૂબાઓ કાં તો ભાગી ગયા હતા કાં બાબરના શરણમાં હતા.
થોડી કલાકોમાં ખતમ થયેલા યુદ્ધે ભારતના ઈતિહાસને વળાંક આપ્યો, કેમ કે બાબરના વિજય સાથે જ ઈતિહાસપ્રસિદ્ધ મોગલ સામ્રાજ્યનો પાયો નખાયો.
***
21મી એપ્રિલે એ યુદ્ધને બરાબર પાંચસો વર્ષ થશે. પાણીપતનું મેદાન પછી તો એકાધિક યુદ્ધનું સાક્ષી બન્યું. ભૂમિ પર રક્તો રેડાયાં. એટલે 1526નું યુદ્ધ પાણીપતનું પહેલું યુદ્ધ કહેવાયું. બાકી એ સમયે તો એ માત્ર યુદ્ધ જ હતું. પાંચ સદી પછી એ યુદ્ધના ઈતિહાસમાં ડૂબકી મારીએ... શા માટે યુદ્ધ થયું?
1483માં ફરગનામાં જન્મેલા બાબરને કાબુલનું રાજ પિતા ઉમર શેખ મિર્ઝા તરફથી મળ્યું હતું. બાબરના પરદાદાના પરદાદાના પરદાદા એમ કોઈ પેઢીએ તૈમુર લંગ હતા અને બાબરના પરનાનાના પરનાનાના પરનાના એમ ઘણી પેઢીએ પાછળ જઈએ તો જે નામ આવતું હતું એ ચંગેઝ ખાનનું હતું. તૈમુર અને ચંગેઝના વારસદારને ઝનૂન લોહીમાં વહેતું હોય એમાં શું નવાઈ?
12 વર્ષની વયૈ સૈન્યમાં સક્રિય થયેલા બાબરે સાંભળ્યું હતું કે તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. એટલે તેનીય ઈચ્છા ત્યાં શાસન કરવાની હતી. 1505માં કાબુલના સાશક બનેલો બાબર દિલ્હી કબજે કરવાની તકની શોધમાં હતો.
આ તરફ દિલ્હીમાં સાશન કરતો ઈબ્રાહિમ લોદી આપખુદ હતો. લોદીના રાજમાં સામાન્ય નાગરિકો તો ઠીક સરદારોને પણ કંઈ બોલવા-કહેવાની છૂટ ન હતી. લોદી શાસનનો સ્પષ્ટ મંત્ર હતો ‘સુલતાનના કોઈ સગાં-વહાલાં ન હોય, બધા જ એના સેવકો હોય.’ એટલે સૌ કોઈ સેવા કરતા હતા પણ તકનીય રાહમાં હતા. લોદી આપખુદી કરતી વખતે ભૂલી જતો હતો કે તેના સરદારો અફઘાની છે. એવા જ એક સરદાર દોલત ખાંએ બાબરને સંદેશો મોકલાવ્યો કે તમે અહીં આવો અને લોદીને હરાવી અમારા રાજ્યને મુક્ત કરાવો. એ પછી દિલ્હીની ગાદી પર બાબર પોતાને બેઠેલો હોય એવાં સપનાં જોવા લાગ્યો. આક્રમણ પહેલાંનું આક્રમણ
પાણીપતમાં તો સૂર્યોદય સમયે જંગ શરૂ થયો અને સૂર્યાસ્ત પહેલાં લોદી સામ્રાજ્યનો સૂર્યાસ્ત થઈ ગયો, પરંતુ કલાકોમાં એ સફળતા મળી એ પહેલાં બાબરે લાંબી તૈયારી કરી હતી. એટલું જ નહીં, અગાઉ ચાર વખત ભારતમાં આક્રમણ કર્યું હતું પરંતુ દિલ્હી સુધી પહોંચવાના સંજોગો સર્જાયા ન હતા. આક્રમણની તૈયારી
યુદ્ધો લડી ચૂકેલો બાબર રણનીતિમાં માહેર હતો. ‘જેટલો તાલીમમાં વધુ પરસેવો વહેવડાવશો એટલું યુદ્ધ મેદાનમાં લોહી ઓછું વહેશે’ એ લશ્કરી કહેવત બરાબર જાણતો હતો. અગાઉનાં ચાર આક્રમણનો અનુભવ પણ હતો. પાંચમું આક્રમણ 1525ના નવેમ્બરમાં શરૂ થયું. 17 નવેમ્બરે કાબુલથી કાફલા સાથે રવાના થયો અને પુત્ર હુમાયુને પણ રણનીતિ સમજાવી એ રીતે આગળ વધવા સૂચના આપી. દિલ્હી સુધી જતાં પહેલા રસ્તામાં પંજાબ આવતું હતું. એ કબજે લીધું. હવે દિલ્હી દૂર ન હતું. પાણીપતમાં પ્રહાર અને રણનીતિ
બાબરનું સૈન્ય આવે છે એ જાણીને દિલ્હીથી લોદીની સેના રવાના થઈ. બાબરનું અફઘાન સૈન્ય અને લોદીનું દિલ્હી સૈન્ય પાણીપત ગામ પાસે સામસામા આવ્યા. એ તારીખ હજુ 12મી એપ્રિલ હતી. લડી લેવાની કોઈ પક્ષને ઉતાવળ ન હતી.
20મી એપ્રિલ સુધી રાહ જોયા પછી મધરાતે બાબરે પોતાના પાંચેક હજાર સૈનિકોને લોદીની છાવણીમાં મોકલ્યા પણ એ નિષ્ફળ રહ્યા. અલબત્ત, તેના કારણે લોદી ઉશ્કેરાયો અને સવારે જ આક્રમણ કરી દીધું.
બાબર એની રાહ જ જોતો હતા. યુદ્ધ મેદાનમાં આવીને બાબરે તેનું બરાબર અવલોકન કરી લીધું હતું. એ પછી બે રણનીતિ વિચારી લીધી હતી. વિશાળ ખુલ્લાં મેદાનમાં લડવાનું થાય તો લોદી સામે હારી જવું પડે એ બાબરને સમજાઈ ગયું.
તેણે લડત માટે જમીનમાં ખાડા ખોદાવી, તેના પર ડાળી-ડાળખાં નાખી ઢાંકી દીધાં. સૈનિકો આવે તો દેખાય નહીં પણ એમાં પડી જાય. બીજું કામ એ કર્યું કે એક જ જગ્યાએ સૈનિકોને રાખવાને બદલે, ડાબે, વધુ ડાબે, જમણે, વધુ જમણે એમ વહેંચી દીધા. ઈશારો મળે ત્યારે એ ટુકડીએ પ્રહાર કરવો એવી સૂચના પણ આપી.
પોતાના સૌનિકો આગળ તેણે લગભગ 700 બળદગાડાંની લાંબી લાઈનો ગોઠવી દીધી. એમાં વજન ભર્યું અને જમીન સાથે બાંધી પણ દીધાં, જેથી યુદ્ધ વખતે બળદો ભડકીને ભાગે નહીં. એ બળદગાડાની સંરક્ષણ હરોળ પાછળ પોતાના સૈનિકો ગોઠવ્યા, જે લોદીને આસાનીથી દેખાતા ન હતા. ઉપરાંત બાબરના સૈનિકો પાસે એક સાવ નવા પ્રકારનું હથિયાર હતું જેની લોદી સહિત કોઈને કલ્પના ન હતી. વળી લોદીના ઘણા સરદારોને લડવામાં ખાસ રસ ન હતો કેમ કે લોદી એ કોઈને સંગઠિત કરી શક્યો ન હતો કે એમનામાં વિશ્વાસ જગાવી શક્યો ન હતો. વારંવાર અપમાનિત થતા સરદારોને લઈને લોદી લડવા નીકળ્યો ત્યારે જ તેને હારવાની અક્કલ હોવી જોઈતી હતી, પણ ન હતી.
જંગ શરૂ થયો, સૈનિકો સામસામા આવ્યા, તીર-ભાલાના પ્રહાર શરૂ થયા, હાથી પરથી હુમલા શરૂ થયા.. એ બધા વચ્ચે અચાનક ધડાકાઓ શરૂ થયા. શેના ધડાકા છે એ લોદીની સેનાને સમજાતું ન હતું. એ ધડાકા તોપના હતા. દિલ્હી સામેના કોઈ યુદ્ધમાં તોપનો પ્રથમવાર ઉપયોગ થઈ રહ્યો હતો. માટે એ શસ્ત્ર સાવ નવું હતું. તોપની સંખ્યા તો ગણીને 24 હજી પણ હજાર હાથી અને હજારો સૌનિકોને ભારે પડી.
આકાશમાંથી રમરમાટી બોલાવતા લોખંડના ગોળા આવે એ જોઈને જ લોદીના સૈનિકોની છાતીનાં પાટિયાં બેસી જવા લાગ્યાં. એટલું ઓછું હોય એમ હાથીઓએ ક્યારેય આવા અવાજો સાંભળ્યા ન હતા એટલે ભડકીને પોતાના જ સૈનિકોને પગતળે કચડવા લાગ્યા. આ અંધાધૂંધીનો લાભ લઈ બાબરે ચો-તરફ છૂપાયેલા સૈનિકોને (તુલુગમા ફોર્મેશન તરીકે ઓળખાતા) કહ્યું કે હવે તમે આવો મેદાનમાં.
પરિણામ એ આવ્યું કે લોદી ખુદ માર્યો ગયો. યુદ્ધના મેદાનમાં ખપી ગયો હોય એવો દિલ્હી સલ્તનતનો એ પ્રથમ શાસક. તેનું માથું બાબર સામે હાજર થયું. સૂર્યોદય સમયે શરૂ થયેલું યુદ્ધ સાંજે સૂર્યાસ્ત થાય એ પહેલાં દિલ્હી સલ્તનતના સૂર્યાસ્ત સાથે પૂરું થયું. લોદીના વફાદારો હતા એ બાબરના વફાદારો થયા. યુદ્ધ પછી શું થયું?
લોદીનાં સગાં-વહાલાં પકડાયાં પણ બાબરે તેમની સાથે સન્માનજનક વર્તન કર્યું. લોદીની માતાને 7 લાખ રૂપિયાનું વર્ષાસન મળે એવું પરગણું આપ્યું પણ લોદીનાં માતા સખણાં રહ્યાં નહીં. થોડાં વર્ષો પછી એમણે બાબરના ભોજનમાં ઝેર ભેળવવાની કોશિશ કરી. એ પછી લોદીનાં માતાને જેલવાસ થયો.
પાણીપતના વિજયના તુરંત બાદ બાબરે દીકરા હુમાયુને આગ્રા તરફ રવાના કર્યો. વિજયના 3 દિવસ પછી 24મી એપ્રિલે બાબર દિલ્હી પહોંચ્યો અને મોગલ સત્તાનો ખીલો ખોડ્યો. થોડા વખત પછી બાબરે આગ્રાની મુલાકાત લીધી અને હુમાયુએ ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
સત્તા સંભાળી લીધા પછી જોકે મોગલ સામ્રાજ્ય ચલાવવું અને વિસ્તારનું એ સાવ સહેલું ન હતું. જેમ કે દિલ્હીથી આગ્રા જતી વખતે કાફલા માટે ભોજન અને પશુઓ માટે ઘાસ પણ કોઈ આપતું ન હતું. લોદીને હરાવવા કરતાં એ કામગીરી બાબરને અઘરી લાગી હતી. પરંતુ એ બધી મુશ્કેલી વચ્ચે હકીકત એ છે કે દિલ્હીમાં મોગલ સત્તાના પાયા તેણે નાખી દીધા હતા. પાંચ સદી પછીય ભારતના ઈતિહાસની વાત એ પાયા વગર થતી નથી.
Read Original Article →